બદલો - ભાગ 11 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો - ભાગ 11

૧૧. પ્રાઇવેટ ડિટેક્ટીવ

નાગપાલ ક્રોધથી તમતમતા ચહેરે વિશાળગઢની સેન્ટ્રલ જેલમાં રઘુ સામે ઊભો હતો. નાગપાલના મારથી રઘુનો ચહેરો લોહી લુહાણ હતો. એના દેહ પર મોજુદ જેલની વર્દી ફાટીને તાર તાર થઈ ગઈ હતી. એના મોંમાંથી અવાજને બદલે પીડાભર્યો ચિત્કાર નીકળતા હતા.

'બોલ નાલાયક..' નાગપાલ જોરથી તાડૂક્યો. 'મારી સામે ખોટું બોલવાની તારી હિંમત જ કેમ ચાલી?' વાત પૂરી કરીને એણે તેના પેટમાં મુક્કો ઝીંકી દીધો.

'મ..મને ન મારો સાહેબ..' રઘુ પીડાથી બેવડો વળી જતાં બોલ્યો. 'હું હું...'

'મિસ્ટર નાગપાલ..' અત્યાર સુધી ચૂપ ઉભેલા ડેપ્યુટી જેલરે નારાજગી ભર્યા અવાજે કહ્યું. 'બસ, ઘણું થઈ ગયું. આ પોલીસ હેડ ક્વાર્ટરનો ટોર્ચર રૂમ નહીં, પણ જેલ છે. જો કેદીને કંઈ થઈ જશે તો મારું આવી બનશે. આપને તો કોઈ કંઈ નહીં પૂછે. આપને જે કંઈ પૂછવું હોય તે કાયદેસર રીતે પૂછો.'

'કાયદો અને એ પણ આવા લોકો સાથે?' નાગપાલ તીવ્ર અવાજે બોલ્યો. 'ના ડેપ્યુટી સાહેબ.. આપ હજુ આવા લોકોને નથી ઓળખતા. આ જાતના લોકો માત્ર લાતની ભાષા જ સમજે છે. આ કમજાતે મારા પર કેટલું મોટું પલંગ લગાવી દીધું છે એની કદાચ આપને ખબર નહીં હોય. જે નાગપાલનું નામ ઉચ્ચારીને લોકો ગર્વભેર એમ કહેતા કે એના દ્વારા ક્યારેય કોઈ નિર્દોષને સજા નથી થતી અને ગુનેગાર ક્યારેય સજામાંથી નથી બચી શકતો. આજે એ જ નાગપાલ ખુદ પોતાની જ નજરમાં ગુનેગાર બની ગયો છે. આ કમજાતના જુઠ્ઠાણાએ મારી મારફત એક નિર્દોષને ગુનેગાર ઠરાવીને ફાંસીના માંચડે લટકાવી દીધો છે. જ્યારે વાસ્તવમાં અસલી ગુનેગાર હજુ પણ માતેલા બળદની જેમ આંટા મારે છે.'

'હું આપને પરેશાની સમજુ છું નાગપાલ સાહેબ.. પરંતુ આપ મારી લાચારીનો પણ વિચાર કરો. આ વાત મારા ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ સુધી પહોંચી જશે તો મને તાબડતોબ સસ્પેન્ડ કરી નાખવામાં આવશે.'

'આપ બિલકુલ બેફિકર રહો. સસ્પેન્ડ કરવાની વાત તો એક તરફ રહી. જો આવા કોઈ સંજોગો ઉભા થશે તો હું આપના પર ઉની આંચ પણ નહીં આવવા દઉં. હું સ્પષ્ટ રીતે કબૂલી લઈશ કે મેં રિવોલ્વરના જોરે આ બાબતમાં દખલગીરી ન કરવા માટે તમને લાચાર કર્યા હતા અને..' એણે પીઠ ફેરવી ડેપ્યુટી જેલર સામે જોઈને પોતાની ડાબી આંખ દબાવી. પછી સહેજ ઊંચા અવાજે કહ્યું. 'અને આ કેદીનું મારા હાથેથી જ ખૂન કરી નાખ્યું છે.'

'ના..ના..' રઘુ ચીસ જેવા અવાજે બોલ્યો. ઝનુને ભરાયેલો નાગપાલ જે કંઈ કહે છે તે કરી બતાવશે એમ તેને લાગ્યું. એ કરગરતા અવાજે બોલ્યો. 'હું આપને બધું જણાવી દઈશ.' પોતાના શબ્દોરૂપી હથિયારનું ધાર્યું પરિણામ આવેલું જોઈને નાગપાલના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

'ના..' એણે તેને વધુ ભયભીત કરવાનું હેતુથી કહ્યું. 'હવે એની કંઈ જરૂર નથી. મારી અત્યાર સુધીની ઉજળી કારકિર્દી પર લાગેલો બદનામીનો ડાઘ તારા લોહીથી ધોયા પછી જ મારા કલેજાને ઠંડક મળશે.' વાત પૂરી કરીને એણે હોલસ્ટર તરફ હાથ લંબાવ્યો. નાગપાલની વાત સાંભળીને રઘુના કંઠમાંથી ચીસ સરી પડી. વળતી જ પળે એણે નાગપાલના પગ પકડી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

'હું બધું જણાવી દઈશ સાહેબ..' એ ધ્રુસકા વચ્ચે બોલ્યો.

'ઠીક છે, પહેલા રડવાનું બંધ કરીને ઊભો થા.' નાગપાલે આદેશાત્મક અવાજે કહ્યું. રઘુ યંત્રવત રીતે રડવાનું બંધ કરીને ઊભો થઈ ગયો. જાણે પોતાના કાન પર ભરોસો ન બેસતો હોય એમ વિસ્ફારિત નજરે તે નાગપાલના ચહેરા સામે તાકી રહ્યો.

આપ.. ખરેખર મને નહીં મારો?' એણે પૂછ્યું. 'જો આ વખતે તું સાચું બોલીશ તો નહીં મારું.'

'આપ મને વચન આપો છો ને?'

'હા..'

'તો સાંભળો. મેં આપને મારા વિશે જે કંઈ જણાવ્યું હતું એ સાચું જ હતું. ગાયત્રી મને છોડીને ચાલી ગઈ હતી એ વાત પણ બિલકુલ સાચી હતી. પરંતુ ત્યારબાદ મેં જે કંઈ કહ્યું હતું તે એ નકાબપોશના શીખવ્યા મુજબ જ કહ્યું હતું. ગાયત્રીનો લખેલો પત્ર એણે જ મને આપ્યો હતો.'

'નકાબ પોશ? એ તને ક્યાં મળ્યો હતો?' નાગપાલે શંકાભરી નજરે તેને સામે તાકી રહેતા પૂછ્યું.

'સાહેબ, ગાયત્રીના ગયા પછી હું ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. દુઃખ ભૂલવા માટે મેં શરાબનો આશરો લીધો. થોડા વખતમાં જ મારી પાસે પૈસા ખલાસ થઈ ગયા. કોઈ કામ ધંધો ન હોવાને કારણે હું ચોરીના રવાડે ચડી ગયો હતો. રહેવા માટે મેં સ્લમ ક્વાર્ટર્સમાં એક ક્વાર્ટર ભાડે રાખી લીધું હતું. એ નકાબ પોશ મને ત્યાં જ મળ્યો હતો. ગાયત્રી સાથે શું અને કેવી રીતે બન્યું હતું એ એણે મને એવી રીતે જણાવ્યું કે મને તેની વાત પર ભરોસો બેસી ગયો. અને એમાંય ગાયત્રીનો પત્ર વાંચ્યા પછી તો મને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે હું જેને મારા ભગવાન સમજતો હતો તેઓ વાસ્તવમાં શેતાન ને પણ સારો કહેવડાવે એટલા નીચ અને અધમ હતા.

'એ પત્ર પર તે કેવી રીતે ભરોસો કરી લીધો? શું તું ગાયત્રીના અક્ષરો ઓળખતો હતો?'

'અક્ષરો તો નહોતો ઓળખતો સાહેબ, પરંતુ એટલું મને જરૂર ખબર હતી કે ગાયત્રી થોડું ઘણું ભણેલી જરૂર હતી. અને જે રીતે પત્ર લખાયેલો હતો એ જોતા શંકાને કોઈ સ્થાન નહોતું રહેતું. કારણ કે રાકેશે અગાઉ એકાદ બે વખત તેની છેડતી કરી હતી. પરંતુ મેં ગાયત્રીની આ બાબતની ફરિયાદ પ્રત્યે કોઈ ધ્યાન નહોતું આપ્યું. એટલે નકાબપોશની વાત સાંભળ્યા પછી હું એ શેતાનો સાથે વેર લેવા માટે વ્યાકુળ અને આતુર બની ગયો હતો. નકાબપોશના કહેવા મુજબ રાકેશે પોતાની પત્નીનું ખૂન કરી નાખ્યું હતું. પોતાની યોજના વિશે જણાવતા એણે કહ્યું હતું કે રાકેશને સજા અપાવવાની વ્યવસ્થા તો તે કરી ચૂક્યો છે. સાથે જ કાલિદાસ મોતની ભીખ માંગે એવી સજા પણ તે એને માટે વિચારી ચૂક્યો છે. આ કામ માટે એમણે મને જે વાતો જણાવી હતી એ તો હું આપને અગાઉ કહી જ ચૂક્યો છું. એના કહેવા મુજબ જ્યારે કાલિદાસની બધી સંપત્તિ બ્લેકમેલરના કબજામાં આવી જાય ત્યારે એ ગમે ત્યારે બ્લેકમેલર પાસેથી સહેલાઈથી આ સંપત્તિ આંચકી શકે તેમ છે. પરંતુ એક દિવસ એ મારા ક્વાર્ટરમાં આવ્યો ત્યારે ગભરાટથી ધ્રુજતો હતો. એણે મને જણાવ્યું કે કાલિદાસને બ્લેકમેલ કરવાની વાતની આપને ખબર પડી ગઈ છે એટલે આપ એક ને એક દિવસ જરૂર તેના સુધી પહોંચી જશો ત્યારબાદ તેણે સોગંદપૂર્વક મને ખાતરી કરાવી દીધી કે જો એના સ્થાને હું પકડાઈ જાઉં તો તે મારાથી વધુ ચાલાક હોવાના નાતે કાલિદાસ સાથે વેર લેવાની કોઈક બીજી યુક્તિ શોધી કાઢશે. બસ, મારા મગજમાં તેની આ વાત ઘૂસી ગઈ. મેં તરત જ હા પાડી દીધી. પરિણામે એણે મને એક દેશી રિવોલ્વર આપી અને જાણે ચોરી છૂપીથી દાખલ થતો હોઉં એમ નકાબપોશના રૂપમાં દયાશંકરને ત્યાં જવાનું કહ્યું. એની સૂચના મુજબ હું દયાશંકરને ત્યાં પહોંચી ગયો અને આપે મને પકડી લીધો.' રઘુ ચૂપ થઈ ગયો.

જે વખતે એણે આ બધી વાતો તને જણાવી એ વખતે પણ શું એ નકાબપોશના રૂપમાં જ હતો?' નાગપાલે શોધ પૂર્ણ નજરે તેને સામે તાકી રહેતા પૂછ્યું.

'હા..' રઘુ હકારમાં માથું હલાવતા બોલ્યો. 'મેં એનો ચહેરો જોવાની ખૂબ જ હઠ પકડી હતી પરંતુ એને કહેવા મુજબ મારાથી ચહેરો છુપાવવાનું કારણ એક જ હતું કે જો કદાચ ક્યારેય મારો ભાંડો ફૂટી જાય તો પણ પોલીસ તેના વિશે મારી પાસેથી કશું જ નહીં જાણી શકે અને તે કાલિદાસ સાથે અમારા પર થયેલા જુલમનું વેર લઈ શકશે.'

'આ સિવાય એણે તને બીજું કંઈ જણાવ્યું હતું?'

'ના સાહેબ..'

'બરાબર યાદ કરી જો..' નાગપાલ સહેજ કઠોર અવાજે બોલ્યો. 'એણે તને બીજું પણ કંઈક જણાવ્યું હશે પણ અત્યારે યાદ નહીં આવતું હોય?' રઘુ થોડી પળો સુધી વિચારમાં ડૂબી ગયો.

'ના સાહેબ.. છેવટે એણે નકારમાં માથું હલાવતા કહ્યું. 'આ સિવાય તો બીજું કશું જ નથી જણાવ્યું.'

'પોતે ગીતાના ચહેરાનું એક ફેસ માસ્ક બનાવ્યું છે એ વાત એણે તને નહોતી જણાવી?'

'ફેસ માસ્ક? ગીતાનો? આ આપ શું કહો છો સાહેબ?' રઘુએ નર્યા અચરજથી પૂછ્યું. નાગપાલ જવાબ આપવાને બદલે એના ચહેરા પર આવેલા આશ્ચર્યના હાવભાવ કુદરતી છે કે કૃત્રિમ એ પારખતો હોય એમ કેટલીયે વાર સુધી એકીટશે તેની સામે તાકી રહ્યો. ગમે તેમ તોય તે અગાઉ તેના અભિનયથી થાપ થઈ ચૂક્યો હતો. રઘુના ચહેરા પર પૂર્વવત રીતે અચરજ છવાયું હતું. ઘણા પ્રયાસો પછી પણ નાગપાલને કશું ન સમજાયું. રઘુ અભિનય કરે છે કે ખરેખર તેને આશ્ચર્ય થયું છે એ તે કંઈ નક્કી ન કરી શક્યો.

'ખેર..' છેવટે એ બોલ્યો. 'હાલ તુરંત તો હું જઉં છું. પરંતુ જો મને ખબર પડશે કે આ વખતે પણ તું ખોટું બોલ્યો છો તો પછી દુનિયાની કોઈ તાકાત તને મારા કોપથી નહીં બચાવી શકે. હું તારી હાલત બદ કરતાંય બદતર કરી નાખીશ એટલું તું યાદ રાખજે.' વાત પૂરી કરીને તે દરવાજા તરફ આગળ વધી ગયો. રઘુ નર્યા અચરજથી તેને જતો તાકી રહ્યો. બહાર નીકળી કારમાં બેસીને નાગપાલ રવાના થઈ ગયો. એનું દિમાગ ચકરાવે ચડી ગયું. શું કરવું અને શું નહીં એ તેને કશું નહોતું સમજાતું. પછી અચાનક તેને પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંત યાદ આવ્યો. તે અગાઉ પણ કેટલીયે વાર શ્રીકાંતને મળી ચૂક્યો હતો. એણે શ્રીકાંતને મળવાનો નિર્ણય કર્યો અને પરિણામે 15 મિનિટ પછી તે શ્રીકાંતના ફ્લેટ સામે ઉભો હતો. એણે વગાડેલી ડોરબેલના જવાબમાં શ્રીકાંતે જ દરવાજો ઉઘાડ્યો. નાગપાલ પર નજર પડતા જ એ ચમક્યો. પરંતુ વળતી જ પળે એણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો.

'આવો નાગપાલ સાહેબ..' તે દરવાજા પરથી એક તરફ ખસતા બોલ્યો. આજે તો મારા નસીબ જ ઉઘડી ગયા કે આપ મારે ત્યાં આવ્યા છો? બોલો મારે લાયક કોઈ હુકમ છે?

નાગપાલ અંદર પ્રવેશી સોફા પર બેસીને થોડી પળો સુધી તેની સામે વેધક નજરે તાકી રહ્યો.

'હા..' એ બોલ્યો. 'હુકમ છે. પરંતુ પહેલા એ વાતનો જવાબ આપ કે તે આજનું અખબાર વાંચ્યું કે નહીં?'

'અખબાર વાંચ્યા વગર મારો ધંધો જ નથી ચાલતો નાગપાલ સાહેબ..' શ્રીકાંતે જવાબ આપ્યો. 'પરંતુ આજે હું એક ક્લાયન્ટના કેસમાં એટલો વ્યસ્ત રહ્યો છું કે અખબાર વાંચવાની વાત તો એક તરફ રહી, તેને જોવાની પણ મને ફુરસદ જ નથી મળી. હજી હું..'

'ઠીક છે, હવે વાંચી લે..' નાગપાલે વચ્ચેથી જ તેની વાતને કાપી નાખતા કહ્યું.

'શું વાત છે નાગપાલ સાહેબ?' શ્રીકાંત તેની સામે તાકી રહેતા બોલ્યો. 'આજના અખબારમાં એવું તે શું છપાયું છે કે જેના કારણે આપને અહીં આવવું પડ્યું?'

'પહેલા અખબાર વાંચી લે એટલે તને બધું સમજાઈ જશે.' નાગપાલે ગંભીર અવાજે કહ્યું. 'તારે માત્ર દક્ષા નામની યુવતીની ધરપકડ અને તેને જુબાનીના સમાચાર જ વાંચવાના છે.' શ્રીકાંતે મૂંઝવણ ભરી નજરે તેની સામે જોઈને ટેબલ પર પડેલું અખબાર ઊંચક્યું. નાગપાલે જણાવેલ સમાચાર પહેલા પાના પર જ છપાયેલા હતા. શ્રીકાંતે સમાચાર વાંચ્યા. 'આટલો મોટો દગો?' સમાચાર વાંચ્યા પછી એના મોંમાંથી હેરત ભર્યો અવાજ નીકળ્યો.

'હા આટલો મોટો દગો..' સહસા નાગપાલનો અવાજ એકદમ કઠોર બની ગયો. 'પરંતુ તારા દગાનું માપ કેટલું લાંબુ છે એ જાણવા માટે હું અહીં આવ્યો છું.'

'એટલે?' શ્રીકાંતે ચમકીને તેની સામે જોતા પૂછ્યું.

'એટલુંય ન સમજ્યો?'

'ના..'

'તો હું તને સમજાવું છું.

'જી..'

'રાકેશે પોતાની પત્નીની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખીને રિપોર્ટ આપવા માટે તારી નિમણૂક કરી હતી. ખરું ને?'

'હા..'

'અને એની પત્ની અર્થાત ગીતા ચારિત્રહીન હતી એવો રિપોર્ટ તે રાકેશને આપ્યો હતો. બરાબર?' શ્રીકાંતે હકારાત્મક ઢબે માથું હલાવ્યું. 'તારા રિપોર્ટના આધારે રાકેશ તે જણાવેલા સ્થળે પહોંચ્યો.' નાગપાલ એકીટશે તેની સામે થાકી રહેતા બોલ્યો. ત્યાં એણે પોતાની પત્નીને પર પુરુષ સાથે શરમજનક હાલતમાં જોઈને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ સહસા એક નકાબપોશે તેને બેભાન કરીને એના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ત્યારબાદ રાકેશે ભાનમાં આવ્યા પછી ઘેર પહોંચીને પોતાની પત્ની ગીતાનું ખુન કરી નાખ્યું. ગીતાનું ખૂન કરવાના આરોપસર તે ફાંસીના માંચડે લટકી ગયો. હવે દક્ષા એમ પુરવાર કરે છે કે તે જે યુવતી વિશે રાકેશને રિપોર્ટ આપ્યો હતો તે ગીતા નહીં પણ એ પોતે જ હતી અર્થાત કોઈકે ષડયંત્ર રચીને રાકેશના હાથે ગીતાનું ખૂન કરાવ્યું હતું. કારણ કે જે માણસે આ ષડયંત્ર રચ્યું હતું તે બરાબર રીતે જાણતો હતો કે રાકેશને પોતાની પત્ની ગીતા ના ચારિત્ર પર શંકા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ વાત બીજું કોણ કોણ જાણતું હતું ?અને મારા આ સવાલનો જવાબ તારે જવાબ આપવાનો છે.'

'મારે?' શ્રીકાંતે થોથવાતા અવાજે પૂછ્યું.

'હા, તારે..' નાગપાલ બોલ્યો.

'હું વળી શું જવાબ આપું? આ વાત જાણનારની સંખ્યા ઓછી પણ હોઈ શકે છે અને વધુ પણ..'

'ના શ્રીકાંત..' નાગપાલ નકારાત્મક ઢબે માથું હલાવીને એક એક શબ્દ પર ભાર મુકતા બોલ્યો. આ વાત જાણનારની સંખ્યા ઓછી કે વધુ નહિ પણ ચોક્કસ જ ત્રણ હતી. અર્થાત કુલ ત્રણ જણ આ વાત જાણતા હતા. એક તો રાકેશ પોતે, બીજી ગીતા અને ત્રીજો તું.'

'ના નાગપાલ સાહેબ..' શ્રીકાંતના અવાજમાં વિરોધનો સૂર હતો. 'આપ નાહક જ મારા પર શંકા કરો છો. મારે તો માત્ર ગીતાની હિલચાલનો રિપોર્ટ જ આપવાનો હતો. પરંતુ એ વખતે મને થોડી ખબર હતી કે તે અસલી છે કે નકલી!'

'હું અસલી નકલીની વાત નથી કરતો.'

'તો?'

'હું માત્ર એટલું જ જાણવા માંગુ છું કે આ વાતની માત્ર ત્રણ જણને જ ખબર હતી તો પછી તે ચોથા માણસ, અર્થાત જેણે આ ષડયંત્ર રચ્યું છે તેના સુધી કેવી રીતે પહોંચી? પોતાની પત્ની ચારિત્રહીન છે એ વાતનો ઢંઢેરો ન તો રાકેશ પીટી શકે તેમ હતો કે ન તો ગીતા પોતે. આ સંજોગોમાં તું એકલો જ બાકી રહે છે.'

'ના..ના..' શ્રીકાંત ગભરાઈને કરગરતા અવાજે બોલ્યો. 'હું સોગંદ પૂર્વક કહું છું કે આ વાત મેં કોઈને પણ નથી જણાવી. મારા પર ભરોસો રાખો નાગપાલ સાહેબ.. હું કોઈ નકાબ પોશને નથી ઓળખતો.'

'આવું ષડયંત્ર રચનારને આ વાતની માહિતી કેવી રીતે મળી હશે, એ જો તું મને જણાવી દે તો હું તારી વાત પર ભરોસો કરી શકું તેમ છું.'

'જો મને આ વાતની ખબર હોય તો શું જોઈએ?' શ્રીકાંત રડમસ અવાજે બોલ્યો. 'હું માત્ર એટલું જ જાણું છું કે મારા બિઝનેસની શરૂઆતથી માંડીને અત્યાર સુધી મેં મારા એક એકેય ક્લાયન્ટનો કોઈપણ ભેદ કોઈને નથી જણાવ્યો. મારા ક્લાયન્ટો પ્રત્યે હું સંપૂર્ણ રીતે ઈમાનદાર અને વફાદાર રહ્યો છું.'

'આ બિઝનેસમાં તારો કોઈ ભાગીદાર, સહકારી કે સાથીદાર છે?'

'ના.. ઓફિસથી માંડીને બહારનું બધું કામ હું પોતે જ કરું છું.' નાગપાલના ચહેરા પર નિરાશા ફરી વળી. એ વિચારમાં ડૂબી ગયો. પછી અચાનક કંઈક વિચારીને એની આંખોમાં આશા ભરી ચમક પથરાઈ ગઈ.

'અરે હા.. શું તે દક્ષા અર્થાત તારી માનયતા મુજબ ગીતાના ચારિત્રહિનતાના ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો?' એણે પૂછ્યું.

'જી હા..' શ્રીકાંતે હકારમાં માથું હલાવતા જવાબ આપ્યો. 'મેં એ બંનેના કેટલાય ફોટા પાડ્યા હતા. મેં રાકેશને કહ્યું પણ હતું કે જો એની ઈચ્છા હોય તો તે આ ફોટા લઈ જઈ શકે છે. પરંતુ તે ન આવ્યો.'

'વેરી ગુડ.. તો હવે એ ફોટા લઇ આવ.'

'લઈ આવું છું પણ..'

'પણ શું?'

'એ યુવતી રાકેશની પત્ની ગીતા નહીં પણ એનો ફેસ માસ્ક પહેરેલી ગીતા હતી એવું પુરવાર થઈ ગયું છે તો હવે આ ફોટા થી શું લાભ થશે?'

'શું?'

'દક્ષાની સાથેના પુરુષને ઓળખ્યા પછી કોઈ પરિણામ તારવી શકાય એ બનવા જોગ છે. અથવા તો જે માણસે દક્ષાને આ કામ સોંપ્યું હતું તે બરાબર રીતે થાય છે કે નહીં એ જાણવા માટે ત્યાં હાજર હોય અને તે પાડેલા ફોટામાં એ આવી ગયો હોય એમ પણ બની શકે છે. એ માણસ નકાબ પોશના રૂપમાં દક્ષાને મળ્યો હતો એટલે તેને પોતાના ઓળખાઈ જવાનો ભય તો બિલકુલ હશે જ નહીં.'

'ઠીક છે.. હું એ ફોટા શોધી લાવું છું.' કહીને શ્રીકાંત બાજુના રૂમમાં ચાલ્યો ગયો. 20 મિનિટ પછી પાછા આવીને એણે ચૂપચાપ એક ગુલાબી રંગનું કવર નાગપાલના હાથમાં મૂકી દીધું. નાગપાલે એ કવરમાંથી ફોટા બહાર કાઢ્યા. એમાંથી મોટાભાગના ફોટા ગીતા તથા એક યુવાનના હતા. આ ફોટા જુદા જુદા સ્થળે પાડેલા હતા. સહસા નાગપાલની નજર એક ફોટા પર સ્થિર થઈ ગઈ. આ ફોટો કોઈક બગીચામાં પાડેલો હતો. એ ફોટામાં ગીતા તેની સાથેનો યુવાન તથા બીજા પણ ઘણા બધા લોકો હતા. એ લોકો માંહેનો જ એક જણ એકીટશે ગીતા તથા તેની સાથેના યુવાન સામે જ તાકી રહ્યો હતો. એ માનવીનો ચહેરો ઓળખતાની સાથે જ નાગપાલ એકદમ ચમકી ગયો.

'નાગપાલ સાહેબ.. એ ફોટામાં એવું તે શું છે કે જેના કારણે આપ આ રીતે તેનું નિરીક્ષણ કરો છો?' શ્રીકાંતે પૂછ્યું.

'આને ઓળખે છે?' એના સવાલનો જવાબ ઉડાવી મુકતા નાગપાલે ફોટામાં દેખાતા એ શખ્સ પર આંગળી મૂકીને તેને બતાવતા પૂછ્યું. શ્રીકાંતે ધ્યાનથી એ માણસના ચહેરાનું અવલોકન કર્યું. પછી નકારમાં માથું હલાવતા બોલ્યો.

'ના.. હું નથી ઓળખતો. મેં એને ક્યારેય નથી જોયો. કોણ છે એ?'

'હાલતુરત તો હું દાવો નથી કરતો પણ આ એ જ માણસ છે કે જેણે મારી ઊંઘ હરામ કરી નાખી છે. હું આ ફોટા લઈ જાઉં છું.' કહીને એણે જવાબની રાહ જોયા વગર જ બધા ફોટા કવરમાં નાખીને કવરને ગજવામાં મૂકી દીધું. શ્રીકાંતમાં એનો વિરોધ કરવાની હિંમત નહોતી. નાગપાલ તેની રજા લઈને બહાર નીકળી ગયો. એની આંખોમાં તીવ્ર ચમક પથરાઈ ગઈ હતી. પરંતુ ચહેરા પર છવાયેલા વિચારના ભાવ પૂર્વવત જ હતા.

***********

કાલિદાસ, સુધા તથા અમિત ડાઇનિંગ ટેબલ ફરતી ફરતી ગોઠવેલી ખુરશી ઉપર બેઠા. 'નમસ્તે સાહેબ.. નમસ્તે વકીલ સાહેબ..' એક નમ્રતાભર્યો અવાજ તેમને સંભળાયો. ત્રણેયે ચમકીને દરવાજા તરફ જોયું. ત્યાં હાથમાં પતરાની એક પેટી અને બગલ થેલા સાથે તેમનો નોકર બનવારી ઉભો હતો.

'અરે બનવારી તું?' અમિતે પૂછ્યું. 'ક્યારે આવ્યો?'

'બસ સ્ટેશનથી સીધો ચાલ્યો જ આવું છું.' બનવારીએ જવાબ આપ્યો.

'તારી પત્નીને ક્યાં મૂકી આવ્યો?'

'પહેલું બાળક છે એટલે આ વખતે માજીએ તેને ન આવવા દીધી.' બનવારીના અવાજમાં ખમચાટ હતો.

'તુંય કમાલ કરે છે..' અમિતે કહ્યું.

'કેમ?'

'ત્યારે શું? બાપ બનવાનો છો ને અમને જાણ પણ ન કરી?' બનવારી શરમાઈને કંઈક કહેવા જતો હતો ત્યાં જ કાલિદાસ તીવ્ર અવાજે બોલી ઉઠ્યો,

'એ તો બધું ઠીક છે.. પણ તું કશુંયે જણાવ્યા વગર શા માટે ચાલ્યો ગયો? જતાં પહેલા કમ સે કમ તારી જગ્યાએ કોઈક બીજાને તો મુકતા જવું હતું!'

'આ.. આ.. આપ શું કહો છો સાહેબ?' કહેતા કહેતા બનવારીના ચહેરા પર દુનિયાભરનું અચરજ છવાયું.

'બહેરો થઈ ગયો છે કે શું?' કાલિદાસનો અવાજ વધુ તીવ્ર બન્યો. 'હું એમ પૂછું છું કે તું આ રીતે કોઈને કશું જણાવ્યા વગર શા માટે ચાલ્યો ગયો હતો?'

'સ...સાહેબ..' બનવારી થોથવાતા અવાજે બોલ્યો. 'આપે જ તો મને જણાવ્યું હતું કે મારી મા બિમાર છે એવા સમાચાર લઈને મારા ગામમાં રહેતો વનરાજ આપની પાસે આવ્યો હતો. જ્યારે આપે જ તો મને ગામડે જવાની સલાહ આપીને કહ્યું હતું કે મારે તાબડતોબ ત્યાં જઈને તેની સારવાર કરવી જોઈએ. અહીંનું કામ તો જેમ તેમ ચાલ્યે રાખશે પરંતુ મા-બાપ તો જિંદગીમાં એક જ વખત મળે છે.'

'તારું માથું તો નથી ભમી ગયું ને બનવારી?' કાલિદાસ જોરથી તાડૂક્યો. 'આ તો શું બકે છે એનું તને ભાન છે?'

'હું.. હું..' બનવારી એકદમ હેબતાયો પછી ચમકીને બોલ્યો. 'ભૂલ થઈ ગઈ સાહેબ.. આટલા દિવસો સુધી ગામડાના વાતાવરણમાં રહીને ખરેખર જ મારું માથું ભમી ગયું છે.'

'એટલે?' તેને આ રીતે વાત બદલતો જોઈને અમિતે કઠોર નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'કંઈ નહીં અમિત સાહેબ..' બનવારી સ્વસ્થ અને આત્મવિશ્વાસ પર અવાજે બોલ્યો. 'વાસ્તવમાં વનરાજ મને પોતાને જ મળ્યો હતો. તેની પાસેથી માની બીમારીના સમાચાર સાંભળીને હું સાહેબની રજા લીધા વગર ચૂપચાપ તાબડતોબ રવાના થઈ ગયો હતો. એ વખતે ગીતાબેન હતા એટલે મેં તેમને જણાવી દીધું હતું. પરંતુ કોણ જાણે કેવી રીતે મારા મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી કે માની બીમારીના સમાચાર મને વનરાજને બદલે સાહેબ પાસેથી મળ્યા હતા.'

'આવી કોઈ વાત વગર કારણે જ કોઈના મગજમાં કેવી રીતે ઘર કરી શકે?'

'હ.. હવે અમિત સાહેબ.. હું આપને શું જણાવું?'

'જવા દે અમિત..' કાલિદાસ સહેજ નરમ અવાજે બોલ્યો. 'જેઓ કહેતા કંઈક હોય અને વિચારતા કંઈક હોય એવા બેવકૂફની દુનિયામાં કંઈ કમી નથી. આવા માણસોને ખુદ પોતાની જાતનું જ ભાન નથી હોતું.'

'પરંતુ ડેડી..' અચાનક સુધાએ કહ્યું. 'પહેલા તો બનવારી કોઈ વાત નહોતો ભૂલતો.'

'આ કોઈ વાત નહોતો ભૂલતો? તો શું હું ભૂલી ગયો છું એમ તું કહેવા માંગે છે?' કાલિદાસ તીવ્ર અવાજે બોલ્યો. 'મેં જ બનવારીને તેની માની બીમારીના સમાચાર આપીને તેના ગામ મોકલ્યો હતો અને એ આવ્યો એટલે હવે હું જ પૂછું છું કે તે મને કશુંયે જણાવ્યા વગર શા માટે ચાલ્યો ગયો? જેથી અત્યારે તે જવાબ આપે કે તે મારા કહેવાથી જ ગયો હતો અને એવું પુરવાર થઈ જાય કે હું ગાંડો બની ગયો છું.'

'મારા કહેવાનો અર્થ એવો બિલકુલ નહોતો.' 'તો?'

'હું માત્ર એટલું જ જાણવા માગતી હતી કે છેવટે બનવારીને શું થઈ ગયું છે?'

'શું થઈ ગયું એ તો બનવારી જ જાણે. મને એની શું ખબર પડે?'

'જુઓ...' બનવારીએ વિનંતીભર્યા અવાજે કહ્યું. 'આપ મારે ખાતર અંદરોઅંદર ન ઝઘડો. હું સોગંદ પૂર્વક કહું છું કે મારી જ ભૂલ હતી. બે મહિના સુધી ગામડાના વાતાવરણમાં રહેવાથી આ વાત મારા મગજમાંથી નીકળી ગઈ હતી.'

'ઠીક છે, ઠીક છે..' વાતનો ત્યાં જ અંત લાવવાના હેતુથી અમિત બોલ્યો. 'આપણે નાહક જ નાની વાતને મોટું રૂપ આપી દીધું છે.' પછી એણે બનવારીને ઉદ્દેશીને કહ્યું. 'તું જા અને સામાન મૂકીને તારા કામે વળગી જા..'

'જ.. જી..' પછી અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ એણે પીઠ ફેરવીને કહ્યું, 'રાકેશ સાહેબ અને ગીતા મેડમ નથી દેખાતા? શું તેઓ ક્યાંક બીજે રહેવા માટે ચાલ્યા ગયા છે?' જવાબમાં અમિતે ટૂંકમાં તેને બધી હકીકત કહી સંભળાવી. એની વાત સાંભળીને બનવારીના ચહેરા પર નર્યા અચરજના ભાવ છવાઈ ગયા. ત્યારબાદ તે કશુંયે બોલ્યા વગર ચાલ્યો ગયો.

************

નાગપાલની કાર ધોબીઘાટ પાસે આવેલા એક જુનવાણી ઢબના નાનકડા મકાન સામે પહોંચીને ઉભી રહી. અત્યારે સબ ઇન્સ્પેક્ટર અમરજી પણ તેની સાથે હતો. બંને નીચે ઉતરીને મકાનના દરવાજા પાસે પહોંચ્યા. દરવાજો બંધ હતો. નાગપાલના સંકેતથી અમરજીએ જોરથી દરવાજો ખટખટાવ્યો. 'અરે ભાઈ કોણ છે? દરવાજો તોડી નાખવો છે કે શું?' અંદરથી પગરવ સાથે ઊંચો અવાજ ગુંજ્યો. નાગપાલે જોયું તો દરવાજો ઉઘાડનાર એક કૃષકાય વૃદ્ધ હતો. એના શરીરના દરેક હાડકા સહેલાઈથી ગણી શકાય તેમ હતા. તેના મોંના માંડ બે-ચાર દાંત સલામત રહ્યા હતા.

'આપ?' અમરજીની વર્દી પર નજર પડતા જ એણે આશ્ચર્યસહ પૂછ્યું.

'શું વાત છે સાહેબ?'

'કહું છું. પહેલાં અંદર ચાલો.' નાગપાલ બોલ્યો. વૃદ્ધ ચૂપચાપ એક તરફ ખસી ગયો. નાગપાલ અમરજી સાથે અંદર પ્રવેશ્યો. અંદર એટલી દુર્ગંધ હતી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.

'દરવાજો ઉઘાડો જ રહેવા દો. કેટલી દુર્ગંધ છે!' વૃદ્ધને દરવાજો બંધ કરતો જોઈને નાગપાલે કહ્યું.

'શું કરું સાહેબ?' વૃદ્ધ દરવાજો ઉઘાડો જ રાખીને તેની નજીક આવતા બોલ્યો. 'સાફસુફી કરવા જેટલી તાકાત પણ હવે મારા શરીરમાં નથી રહી.'

'તમારું નામ જ રોશનલાલ છે ને?' નાગપાલે એક ખુરશી પર બેસતા પૂછ્યું.

'જી હા સાહેબ, પણ શું વાત છે?' વૃદ્ધ અર્થાત રોશનલાલે સામો સવાલ કર્યો.

'તમને જેટલું પૂછવામાં આવે એટલા જ તમે જવાબ આપો.' નાગપાલ રૂક્ષ અવાજે બોલ્યો.

'જી સાહેબ..' રોશનલાલે ધીમેથી હકારમાં માથું ચલાવ્યું.

'તમે નકલી ચહેરા એટલે કે ફેસ માસ્ક બનાવવાનું કામ કરો છો?'

'જી સાહેબ, પેટ માટે કરવું પડે છે.'

'આ વ્યવસાય કરવા માટે તમારી પાસે કાયદેસર અધિકાર પત્ર છે?'

'ના સાહેબ, પણ શું કરું? ઘરડે ઘડપણ તો કોઈ મને નોકરી આપવાનું નથી એટલે ચોરી કે ભીખ માંગવા કરતા તો મારા આ હુનર વડે ગુજરાન ચલાવવાનું મને વધુ યોગ્ય લાગ્યું હતું.'

'પકડાઈ જવાથી તમને સજા પણ થઈ શકે તેમ છે. એ વાત જાણતા હોવા છતાંય તમે આ કામ કરતા હતા?'

'હવે એનાથી શું ફરક પડે છે સાહેબ?' રોશનલાલ સ્પષ્ટ અવાજે બોલ્યો. 'મારો એક પગ તો સ્મશાનમાં પહોંચી જ ચૂક્યો છે. આજે નહિ તો કાલે આ સંસારમાંથી વિદાય થવાનું જ છે. પછી સ્થળ ભલે આ દુર્ગંધયુક્ત મકાન હોય કે જેલની કોટડી!'

'હમ્મ..' નાગપાલના ગળામાંથી હુંકાર નીકળ્યો. 'તમે જેનો ફેસ માસ્ક બનાવીને જેને આપો છો એની કોઈ નોંધ કે રેકોર્ડ રાખો છો?'

'સાહેબ મારી યાદદાસ્ત ખૂબ જ સતેજ છે એટલે આમ તો મને આવી કોઈ જરૂર નથી લાગતી. પરંતુ તેમ છતાં સાવચેતી ખાતર હું ફેસ માસ્ક તૈયાર કરાવનારનું નામ અને મેં બનાવેલા ફેસ માસ્કનો એક ફોટો મારી પાસે જરૂર રાખું છું.' નાગપાલે ગજવામાંથી ગીતાનો ફોટો કાઢીને તેને બતાવ્યો. પછી પૂછ્યું, 'શું આનો ફેસ માસ્ક તમે જ બનાવ્યો હતો?'

'જી હા સાહેબ..' ફોટો જોઈને રોશનલાલ જરા પણ ખમચાયા વગર બોલ્યો. 'પાંચ છ મહિના પહેલા મેં એક અપ ટુ ડેટ માણસને 5000 રૂપિયા લઈને આ છોકરીનો ફેસ માસ્ક બનાવી આપ્યો હતો.'

'તમે એ માણસને ઓળખી શકશો?'

'જરૂર.. જો તે સામે આવશે તો હું તેને જરૂરથી ઓળખી લઈશ સાહેબ..'

એણે તમને પોતાનું નામ તો જણાવ્યું જ હશે ને?' કશું વિચારીને નાગપાલે પૂછ્યું.

'હા જણાવ્યું તો હતું, પરંતુ મને યાદ નથી આવતું. એક મિનિટ, હું જ્યારે રજીસ્ટરમાં જોઈ લઉં.' કહીને તે ખૂણામાં પડેલા લાકડાના એક કબાટ પાસે પહોંચ્યો. એણે કબાટ પર પડેલા ચશ્માં ઊંચકીને આંખો પર ચડાવ્યા. ત્યારબાદ તે કબાટમાંથી એક જૂનું રજીસ્ટર કાઢીને તેના પાના ઉથલાવવા લાગ્યો. પછી એક પાના પર નજર ફેંક્યા પછી નાગપાલ સામે જોઈને એણે કહ્યું,

'એનું નામ શંભુપ્રસાદ છે સાહેબ. પરંતુ વાત શું છે? તેણે મારા બનાવેલા ફેસ માસ્કનો દુરુપયોગ કરીને કોઈ ગુનો કર્યો છે?'

'ગુનો? તમે ગુના ની વાત કરો છો?' અમરજી કઠોર અવાજે બોલ્યો. 'અરે તમારા શંભુપ્રસાદે એવો ગુનો કર્યો છે કે જે સાંભળીને તમારો જીવ તમારા દેહમાંથી નીકળીને પરલોકના પંથે રવાના થઇ જશે.'

'પણ સાહેબ..' રોશનલાલે હેબતાયેલા અવાજે કહ્યું. 'દેખાવ પરથી તો એ માણસ ખૂબ જ ભલો અને સજ્જન લાગતો હતો. ફેસમાસ્ક બનાવડાવવાનું કારણ એણે એવું જણાવ્યું હતું કે એ યુવતી હવે આ દુનિયામાં નથી. પરંતુ એની સાથે તેને એવો ભાવનાત્મક સંબંધ છે કે તે એને જોયા વગર એક પળ પણ રહી શકે તેમ નહોતો. એના કહેવા મુજબ તે આ યુવતીની એક મૂર્તિ પણ તૈયાર કરાવી ચૂક્યો હતો. પરંતુ મૂર્તિનો ચહેરો વાસ્તવિક જેવો નહોતો દેખાતો. એટલે તે એ મૂર્તિના ચહેરા પર આ ફેસ માસ્ક પહેરાવવા માંગતો હતો. એણે મને મૂર્તિના ચહેરાનું માપ પણ આપ્યું હતું.' 'અને તમે એની વાત પર ભરોસો કરી લીધો એમ ને?' નાગપાલ કટાક્ષ ભર્યા અવાજે બોલ્યો. પછી એણે ગજવામાંથી એક ફોટો કાઢીને તેને બતાવ્યો. આ એ જ ફોટો હતો કે જે તેને પ્રાઇવેટ ડિટેક્ટિવ શ્રીકાંત પાસેથી મળ્યો હતો. અને જેને જોઈને તે એકદમ ચમકી ગયો હતો. ફોટો બતાવીને એણે કહ્યું, 'આ ફોટાને ધ્યાનથી જોઈને જવાબ આપો કે શું આમાં એ માણસ હાજર છે?' રોશનલાલ કેટલીયે વાર સુધી ફોટા સામે તાકી રહ્યો.

'ના..' છેવટે તે નિરાશાથી માથું ધુણાવતા બોલ્યો. 'આ ફોટામાં એ માણસ તો નથી પણ મેં જેનો ફેસ માસ્ક બનાવ્યો હતો તે જરૂર છે.' એની વાત સાંભળીને નાગપાલની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની.

'મિસ્ટર રોશનલાલ..' ફોટામાં જે ચહેરા ખૂબ જ અસ્પષ્ટ દેખાય છે તેને ધ્યાનથી જુઓ. ખાસ કરીને આ માણસ પ્રત્યે વધુ ધ્યાન આપો કહીને એણે એક માણસના ચહેરા પર આંગળી મૂકી.

'સાહેબ..' ફરીથી એક વાર એનું અવલોકન કર્યા બાદ રોશનલાલ બોલ્યો. 'આ માણસનો ચહેરો બહુ સ્પષ્ટ નથી એટલે હું તેને નથી ઓળખી શકતો.'

'તમારી પાસે મેગ્નિફાઇડ ગ્લાસ અર્થાત બિલોરી કાચ તો હશે જ!'

'અરે હા.. એ તો મને યાદ જ નથી આવતો.' રોશનલાલ ગજવામાંથી એક કાચ કાઢતા બોલ્યો. 'આના વગર તો મારું કામ આગળ ચાલે જ નહીં સાહેબ.. ચહેરાની બારીકમાં બારીક રેખાઓ જોવા માટે મારે આ કાચની મદદ લેવી પડે છે.' ત્યારબાદ કાચની મદદથી ફોટાનું નિરીક્ષણ કરતા જ એણે પ્રસન્ન અવાજે કહ્યું, 'અરે સાહેબ.. આ તો શંભુપ્રસાદ છે.' 'વેરી ગુડ.. તમે ફોટો જોઈને જ તેને ઓળખી લીધો છે તો સામે આવ્યાથી જરૂર ઓળખી લેશો ખરું ને?'

'હા સાહેબ, પરંતુ વાત..' તેની વાત પૂરી થાય એ પહેલા જ નાગપાલ ઉભો થઈને ઉતાવળા પગલે દરવાજા તરફ આગળ વધી ગયો. અમરજી પણ તેની સાથે જ હતો. રોશનલાલ મોં વકાસીને તો એમને જતા તાકી રહ્યો. બહાર નીકળીને નાગપાલ અમરજી સાથે કારમાં બેઠો.

'હવે શું કરવું છે નાગપાલ સાહેબ?' અમરજીએ પૂછ્યું.

'કાલિદાસની ધરપકડ..'

નાગપાલે આટલું કહી કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.