બદલો - ભાગ 1 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બદલો - ભાગ 1

કનુ ભગદેવ

૧. ભૂતકાળ

૧૯૮૧નું વર્ષ...!

એનું નામ કાલીદાસ હતું. પાંત્રીસેક વર્ષની વય ધરાવતો કાલિદાસ વિશાળગઢ શહેરમાં એક કાપડ મીલ ધરાવતા શેઠ ઉત્તમચંદનો મેનેજર હતો. કાલિદાસે ઉત્તમચંદના બંગલાના નોકર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ધીમે ધીમે ઉત્તમચંદનો વિશ્વાસ જીતીને મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો.

કાલિદાસના કુટુંબમાં ફક્ત ત્રણ જ જણ હતા. એક તો કાલિદાસ પોતે.. બીજો એનો બાર વર્ષનો પુત્ર રાકેશ અને ત્રીજી નવ વર્ષની પુત્રી સુધા. કાલિદાસની પત્ની સુધાના જન્મ પછી એક વર્ષની લાંબી બીમારી ભોગવ્યા બાદ મૃત્યુ પામી હતી અને રાકેશ તથા સુધાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાલિદાસે બીજા લગ્ન નહોતા કર્યા. પરંતુ કામ વાસનાથી પીડાઈને એ કુમાર્ગે વળી ગયો હતો.

એનો પગાર શરાબ અને શબાબના ખર્ચમાં વેડફાઈ જતો હતો. એટલું જ નહીં, પૈસાની જરૂર પડ્યે એ હિસાબમાં પણ ગોટાળાઓ કરવા લાગ્યો હતો. પરંતુ તેના આ ગોટાળા વિશે શેઠ ઉત્તમચંદને ખબર પડે એ પહેલા જ એક દિવસ -

કાલિદાસ પોતાની ઓફિસમાં બેસીને હવે કયા ખાતામાંથી કેટલી રકમની ઉચાપત થઈ શકે તેમ છે, એની મનોમન ગણતરી કરતો હતો. સહસા ઓફિસનો દરવાજો ઉઘાડીને એક ચપરાશી અંદર પ્રવેશ્યો. એના ચહેરા પર ગભરાટના ભાવ છવાયેલા હતા. કાલિદાસે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. 'મેનેજર સાહેબ..' ચપરાશી થોથવાતા અવાજે બોલ્યો. 'ઉત્તમચંદ સાહેબને અકસ્માત નડ્યો છે. તેઓ વિલાસરાય હોસ્પિટલમાં છે અને વારંવાર આપને જ યાદ કરે છે.' સમયની ગંભીરતા પારખીને કાલિદાસ ઉભો થયો. પંદર મિનિટમાં જ તે વિલાસરાય હોસ્પિટલેપહોંચી ગયો. ઉત્તમચંદનો સમગ્ર દેહ પટ્ટીઓ અને પાટાઓથી ઢંકાયેલો હતો. માત્ર નાક, હોઠ અને આંખો જ ઉઘાડી હતી. જો પલંગ પાસે ઉત્તમ ચંદનો ચૌદ વર્ષનો દીકરો અમર અને બાર વર્ષની દીકરી હેમા મોજુદ ન હોત તો કદાચ કાલિદાસ ઉત્તમચંદને ઓળખી પણ ન શકત. અમર તથા હેમા 'અંકલ અંકલ..' કહીને કાલિદાસને વળગીને રડવા લાગ્યા.

'અરે રડો છો શા માટે?' કાલિદાસે સ્નેહથી તેમના માથા પર હાથ ફેરવીને ખોટું આશ્વાસન આપતા કહ્યું, 'તમારા પિતાજીને મામુલી જ ઇજાઓ થઈ છે. તમે જોજો થોડા દિવસોમાં જ તેઓ સાજા થઈ જશે.'

ત્યારબાદ તેમને અલગ કરીને એ ઉત્તમચંદ પાસે પહોંચ્યો. એણે જોયું તો ઉત્તમચંદની આંખોમાંથી આંસુ વહેતા હતા. જો તેઓ સાજા થઈ જવાના છે તો આ રીતે રડે છે શા માટે? તેમને સમજાવવા માટે કાલિદાસ કશુંક કહેવા જતો હતો ત્યાં જ ઉત્તમચંદે આંખો વડે જ એ બંનેને ત્યાંથી ખસેડવાનો સંકેત કર્યો. 'અમર.. હેમા..' એનો સંકેત સમજીને કાલિદાસે કહ્યું, 'તમારા પિતાજીને આરામની ખૂબ જ જરૂર છે. જાઓ તમે બંને થોડીવાર બહાર જઈને રમો. હું તેમની પાસે બેસું છું.' ઘણું સમજાવ્યા પછી માંડ માંડ એ બંને બહાર ગયા. તેમના ગયા પછી ઉત્તમચંદે નેત્ર સંકેતથી કાલિદાસને પોતાને નજીક બોલાવ્યો. કાલિદાસ એની એકદમ લગોલગ બેસી ગયો. ઉત્તમચંદના સંકેતથી એણે તેના હોઠ પાસે પોતાના કાન માંડ્યા. ઉત્તમચંદે એકદમ ક્ષીણ અવાજે બોલવાનું શરૂ કર્યું. 'કાલિદાસ..મારો અંતિમ સમય નજીક આવી ગયો છે. એટલા માટે જ મેં તને તાબડતોબ અહીં બોલાવ્યો છે. મારી આ અંતિમ પળોમાં ભરોસો કરી શકાય એવું તારા સિવાય મને બીજું કોઈ દેખાતું નથી. મારા મૃત્યુ પછી પણ તું અમર અને હેમાને તારા બાળકોની જેમ જ સાચવીશ એની મને પૂરી ખાતરી છે. મારા વકીલ પાસે મેં મારું જે વસિયતનામું બનાવ્યું છે એ મુજબ જ્યાં સુધી અમર તથા હેમા પુખ્ત વયના ન થઈ જાય ત્યાં સુધી મારી તમામ સ્થાવર જંગમ મિલકતની દેખરેખ રાખવાનું કામ મેં તને સોંપ્યું છે. તે બંને પુખ્ત વયના થઈ જાય ત્યારબાદ મારી તમામ મિલકતમાંથી તને 25% એટલે કે ચોથો ભાગ મળશે. જો એ બંનેમાંથી કોઈ અકસ્માતે મૃત્યુ પામે તો એના ભાગની સંપત્તિમાંથી પણ તને ચોથો ભાગ મળશે હવે તારે આ મરતા માણસના માથા પર હાથ મૂકીને મને વચન આપવાનું છે કે તું કોઈ પણ સંજોગોમાં મારા વિશ્વાસનો ભંગ નહીં કરે.'

કાલિદાસના આનંદનો પાર ન રહ્યો.ઉત્તમચંદના માથા પર હાથ મૂકીને મગરના આંસુ સારતા કહ્યું, 'સાહેબ આપે મને વિશ્વાસને યોગ્ય માન્યો એ માટે આભાર. હું કદાપિ આપના વિશ્વાસનો ભંગ નહીં કરું એની ખાતરી રાખજો. હું આપને વચન આપું છું કે જો હું આપના વિશ્વાસ નો ભંગ કરું તો ભગવાન મારા રાકેશ તથા સુધાને પોતાની પાસે બોલાવી લે. પરંતુ આપ આટલા નિરાશ ન થાઓ. આપને કશું જ નહીં થાય. જો અહીં સરખી રીતે સારવાર નહીં થાય તો હું આપને અમેરિકા લઈ જઈશ.' કાલિદાસની વાત સાંભળીને ઉત્તમચંદના હોઠ પર ફિક્કું સ્મિત ફરક્યું. 'કાલિદાસ..' એ ક્ષીણ અવાજે બોલ્યો, 'ભગવાનની મરજી વગર કોઈના નસીબમાં લખાયેલા મોતને નથી ટાળી શકાતું. તે મને વચન આપ્યું છે એટલે મારા મનનો તમામ ભાર હવે હળવો થઈ ગયો છે. લે.. હું નહોતો કહેતો કે કોઈ કશું જ કરી શકે તેમ નથી. જોઈ લે. તારી બાજુમાં આવીને યમદુતો ઉભા રહી ગયા છે.' કાલિદાસે ચમકીને ગરદન ફેરવી. એણે જોયું તો ત્યાં બે ડોક્ટર અને ત્રણ નર્સો ઊભી હતી.

'જો જો કાલિદાસ.. આ લોકો બળજબરીથી મને પોતાને સાથે લઈ જવા માંગે છે. એને રોક, સમજાવ કે મારા બાળકોનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી.' આ જાતની કોણ જાણે કેટલી વાતો કહેતી વખતે અચાનક ઉત્તમચંદનો અવાજ ઊંચો થઈ ગયો હતો. પરંતુ થોડી પળોમાં જ આશ્ચર્યજનક રીતે એનો અવાજ ક્રમશઃ ધીમો પડીને છેવટે એકદમ બંધ થઈ ગયો. એ મૃત્યુ પામ્યો હતો. ડોક્ટરે એને તપાસીને તેના મૃતદેહ પર ચાદર ઢાંકી દીધી. એ જ વખતે અમર તથા હેમા ત્યાં આવી પહોંચ્યા. ઉત્તમચંદના દેહ પર ચાદર ઢાંકેલી જોઈને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. કાલિદાસ બનાવટી આંસુ સારતો તેમને આશ્વાસન આપવા લાગ્યો. એને નાટક તો કરવાનું જ હતું. બાકી મનોમન એ પોતાના નસીબ પર ખૂબ જ ખુશ હતો. એનું દિમાગ હવામાં ઉડતું હતું.

**********

સાત વર્ષ પછી...

કાલિદાસ મેનેજરમાંથી શેઠ કાલિદાસ બની ગયો હતો આ પરિવર્તનની સાથે જ એની અય્યાશીઓ પણ વધી ગઈ હતી. એને દરરોજ નવી નવી યુવતીઓ સાથે રાત પસાર કરવાની કુટેવ પડી ગઈ હતી. રંગીનીમાં ડૂબેલો હોવાને કારણે તેને એ વાતની પણ ખબર નહોતી કે એનો દીકરો રાકેશ પણ તેના જ પગલે ચાલવા માંડ્યો હતો. હેમા ઓગણીસ વર્ષની થઈ ચૂકી હતી. ભગવાને તેને એવું ગજબનાક રૂપ આપ્યું હતું કે જે પણ તેની સામે જોતું એ જોતું જ રહી જતું હતું. એક રાત્રે નશામાં ચકચૂર બનીને કાલિદાસ એક પાર્ટીમાંથી ઘેર પાછો કર્યો ત્યારે રાતના એક વાગી ગયો હતો. લથડતા પગે એ પોતાના રૂમ તરફ આગળ વધ્યો. સહસા તે ચમક્યો. રાકેશના રૂમમાંથી ગુંજેલું હળવું હાસ્ય તેને સંભળાયું. નશામાં હોવા છતાં પણ તે એ હાસ્યને ઓળખી ચૂક્યો હતો. એ હાસ્ય હેમાનું હતું. કાલિદાસનો નશો કપૂરની જેમ ઉડી ગયો. એ દબાતે પગલે આગળ વધીને રાકેશના રૂમ પાસે પહોંચ્યો અને કી હોલમાંથી અંદર નજર કરી. અંદરનું દ્રશ્ય જોતાં જ એ સ્તબ્ધ બની ગયો. રાકેશ તથા હેમા એકબીજાના આલિંગનમાં જકડાઈને અટ્ટહાસ્ય રેલાવતા હતા. કોણ જાણે એ દ્રશ્યમાં એવું તે ક્યું આકર્ષણ હતું કે કાલિદાસની આંખો કી હોલ પરથી ખસવાનું નામ જ નહોતી લેતી. થોડી પળો બાદ અટ્ટહાસ્ય છેડતીમાં બદલાઈ ગયું અને ટૂંક સમયમાં જ છેડતીએ એકબીજાને ચુસવાનું રૂપ ધારણ કર્યું. ત્યારબાદ રૂમમાં આવેલું વાસનાનું તોફાન ચરમસીમા પર પહોંચીને શાંત ન થઈ ગયું ત્યાં સુધી કાલિદાસ કી હોલ પર જ આંખો માંડીને ઉભો રહ્યો. માંડ માંડ પોતાની જાત પર કાબુ મેળવીને એ પોતાના રૂમમાં પહોંચ્યો પરંતુ આખી રાત તેને ઊંઘ ન આવી. એ સુવા માટે આંખો બંધ કરતો કે તરત જ તેને રાકેશના બેડરૂમનું દ્રશ્ય દેખાવા લાગતું હતું. રહી રહીને એની નજર સામે હેમાનો વસ્ત્રહીન દેહ તરવરી ઉઠતો હતો. વાસનાના ઉન્માદમાં તે હેમાના પિતા ઉત્તમચંદને આપેલું વચન પણ ભૂલી ગયો હતો. એ આખી રાત એણે પડખા ફેરવીને જ પસાર કરી. બીજા દિવસે સવારના પહોરમાં જ એણે રાકેશને ભરતપુર જઈને ગ્રાહકો પાસેથી બાકી નીકળતી ઉઘરાણી વસૂલ કરી લાવવાનો હુકમ સંભળાવી દીધો. એના મનમાં રહેલા પાપથી અજાણ રાકેશ ભરતપુર ચાલ્યો ગયો. હવે બંગલામાં માત્ર કાલિદાસ અને હેમા જ રહ્યા હતા.

બંગલાના માળી રઘુની કાલિદાસને ચિંતા નહોતી. રઘુ બહુ જરૂરી કામ હોય તો જ બંગલામાં પગ મૂકતો હતો. બાકી તો એ બગીચાનું કામ પૂરું થયા પછી પાછળના ભાગમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં જ પડ્યો રહેતો હતો. પરંતુ તેમ છતાંય પોતે એક જરૂરી કામમાં મશગુલ છે એટલે ન તો રઘુએ બંગલામાં આવવું કે ન તો પોતે બંગલામાં હાજર છે એમ કોઈને જણાવવું એવી સૂચના કાલિદાસે રઘુને આપી દીધી હતી. હેમાનો ભાઈ હોસ્ટેલમાં રહીને ભણતો હતો. જ્યારે સુધા તેના મામાને ત્યાં ગઈ હતી.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે કાલિદાસને રોકવા કે ટોકવા વાળું હવે ત્યાં કોઈ ન હતું. કાલિદાસે નિર્ભય બનીને મલિન હેતુ સાથે હેમાના રૂમમાં પગ મુક્યો. એ વખતે હેમાએ પારદર્શક નાઇટી પહેરી હતી. પારદર્શક નાઇટીમાંથી એના પ્રત્યેક અંગો સ્પષ્ટ રીતે ચમકતા હતા. હેમાને આવા વસ્ત્રોમાં જોઈને કાલિદાસના મનમાં ભરાઈ બેઠેલા શયતાને અટ્ટહાસ્ય ઉછાળ્યું. પગરવ સાંભળીને હેમાએ તેની સામે જોયું. આ દરમિયાન કાલિદાસ સ્ટોપર બંધ કરીને પીઠ ફેરવી ચૂક્યો હતો. 'અરે અંકલ..!' હેમા ચમકીને બોલી. 'આજે તમે આટલા વહેલા આવી ગયા?' પરંતુ કાલિદાસમાં જવાબ આપવાના હોશ જ ક્યાં હતા! એની નજર તો પારદર્શક નાઇટીમાંથી ચમકતા હેમાના અંગો પર જ ચોંટી હતી. ત્યારબાદ એ શૈતાન ધીમે ધીમે આગળ વધ્યો અને હેમાને જ્યારે એના નીચ હેતુની ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કાલિદાસ ભૂખ્યા વરુની જેમ તેના પર તૂટી પડ્યો.

હેમાએ ઘણો વિરોધ કર્યો. બૂમો પાડી. પરંતુ રૂમ સાઉન્ડ પ્રુફ હોવાને કારણે એની ચીસો દીવાલો વચ્ચે જ ગુંજીને રહી ગઈ. કાલિદાસ પર એની વિનંતી, કાકલુદી કે ચીસોની કંઈ અસર ન થઈ. 'અંકલ..' બધી જાતનો વિરોધ નિષ્ફળ થયેલો જોઈને હેમાએ છેલ્લો પ્રયાસ કર્યો. 'ભગવાનને ખાતર મને છોડી દો. હું તમારી દીકરી તો નહીં પણ દીકરી સમાન જરૂર છું. પ્લીઝ અંકલ..' પણ વ્યર્થ. શૈતાનનું પાષાણ હૃદય ન પીગળ્યું તે ન જ પીગળ્યું. છેવટે શૈતાન જીતી ગયો. ઇન્સાનિયતનું ખૂન થઈ ગયું. કાલિદાસે ઉત્તમચંદને આપેલા વચનનો છેવટે ભંગ કરી જ નાખ્યો. બીજા દિવસે રાકેશ ભરતપુરથી આવ્યો ત્યારે હેમાએ રડતા રડતા પોતાની આપવીતી તેને કહી સંભળાવી. એની વાત સાંભળીને રાકેશના ક્રોધનો પાર ન રહ્યો. એ ક્રોધથી ધૂવાપૂઆ થતો કાલિદાસ પાસે પહોંચ્યો. 'ડેડી..' એ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો. 'તમારા જેવો નીચ માણસ મેં આજ સુધીમાં બીજો કોઈ જોયો નથી. તમે બાપ નહીં પણ કસાઈ છો. રાક્ષસ છો. તમને બાપ કહેતા પણ મને શરમ આવે છે. સાંભળો.. આજથી મારે તમારી સાથે કંઈ સંબંધ નથી. તમારા જેવા નીચ માણસના તો ટુકડે ટુકડા કરીને જંગલી કૂતરાઓને ખવડાવી દેવાનું મન થાય છે. પણ ના.. હું તમારા ગંદા લોહીથી મારા હાથ રંગવા નથી માગતો. એની સજા તો ભગવાન પોતે જ તમને કરશે. તમારા શરીરમાં કિડાઓ પડશે. મરતી વખતે તમને કોઈ એક ચમચી પાણી પણ નહીં પીવડાવે. હું અત્યારે જ ઘર છોડીને જાઉં છું. તમારા જેવા પાપી રહેતા હોય એ ઘરમાં હવે હું એક મિનિટ માટે પણ રહેવા નથી માંગતો.'

'રાકેશ..' બધું જાણતો હોવા છતાં પણ કાલિદાસે અજાણ બનતા પૂછ્યું.

'આ તું શું ને કોની સામે બકે છે એનું તને ભાન છે? તારું માથું તો નથી ભમી ગયું ને?'

'હું શું ને કોની સામે બોલું છું એનું મને પૂરેપૂરું ભાન છે નીચ માણસ..' રાકેશ ઉગ્ર અવાજે તેને એક વચનમાં સંબોધતા બોલ્યો. એનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો હતો. એ પોતાના મગજ પરથી કાબુ ગુમાવી બેઠો હતો. 'મારી જીભને વધુ ગંદી ન કરાવ. હેમા પોતાની બદનામીના ભયથી તારા કાળા કરતૂત વિશે કોઈને કશું જ નહીં જણાવે એમ તું માનતો હતો?'

'ઓહ્' કાલિદાસે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, 'એટલા માટે તું આમ પરશુરામનો અવતાર બનીને અહીં મારી પાસે આવ્યો છે એમ ને? ખેર, જે થઈ ગયું તે થઈ ગયું. પરંતુ આવું એટલા માટે થયું કે હેમા એને જ લાયક હતી.' 'એટલે?'

'એટલે એમ કે હેમાને તારા સિવાય પણ એક અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ છે.' કાલિદાસે જુઠાણાંની જાળ પાથરતા કહ્યું, 'મેં મારી સગી આંખે જોયું છે. જરા અક્કલના દરવાજા ઉઘાડીને વિચાર. જો હેમા તને જ પોતાનું સર્વસ્વ માનતી હોત તો આબરૂ લુંટાયા પછી તને પોતાનું મોં બતાવવાની હિંમત દાખવત ખરી? ના કદાપી નહીં. ચારિત્ર્યવાન છોકરી આબરૂ ગુમાવ્યા બાદ એક પળ માટે પણ જીવવાનું સહન નથી કરી શકતી. એ તરત જ પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે. પરંતુ હેમાએ એવું નથી કર્યું. આના પરથી જ પુરવાર થઈ જાય છે કે એ પોતે જ ખોટી છે.'

'એમ?' રાકેશે ટાઢા માટલા જેવા અવાજે પૂછ્યું.

'હા..'

'તો એક વાતનો જવાબ આપશો?'

'બોલ.'

'જો હેમા ખરેખર જ એવી હોય તો એ તમારા કાળા કરતુત વિશે મને શા માટે જણાવે?'

'એટલા માટે કે..' લોઢું ગરમ જોઈને કાલિદાસ ઘા કરતા બોલ્યો.

'મેં જે કંઈ કર્યું એ તેને ઈચ્છાથી નથી થયું પરંતુ તારા સિવાય એને જે બીજા પુરુષ સાથે સંબંધ છે એની સાથે તો એ પોતાની ઈચ્છાથી જ બધું કરે છે.'

'ના..' રાકેશે વિરોધ ભર્યા અવાજે કહ્યું.

'શું ના?'

'હેમા એવી નથી. તમારા કરતૂતને ઢાંકવાની અને હેમાને બદનામ કરવાની આ તમારી એક ચાલ છે. મારા સિવાય તેને બીજા કોઈની સાથે સંબંધ નથી.'

'જો તને મારી વાત પર ભરોસો ન હોય તો થોડા દિવસ ચૂપચાપ શાંતિથી રાહ જો. તને પોતાને જ ખબર પડી જશે કે હેમા કેવી છે ને કેવી નહીં.'

આ વાત કાલિદાસે એટલા આત્મવિશ્વાસથી ઉચ્ચારી હતી કે રાકેશ પ્રભાવિત થયા વગર ન રહી શક્યો.

'પણ..'

'પહેલા એક વાતનો જવાબ આપ..' કાલિદાસે વચ્ચેથી જ તેને અટકાવીને કહ્યું. રાકેશ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો.

'તું ક્યાંક હેમા સાથે લગ્ન કરવાનું સપનું તો નહોતો જોતો ને?' કાલિદાસે પૂછ્યું.

'હા હા.. હું એમ જ ઇચ્છતો હતો.' રાકેશ થોથવાતા અવાજે બોલ્યો.

'તો હું એટલું જ કહીશ કે..' કાલિદાસે પ્રભાવશાળી અવાજે છેલ્લું તીર છોડતાં કહ્યું, 'તુ એક મોટી મૂર્ખાઈ કરવા માંગે છે.'

'એટલે?'

'એટલે એમ‌ કે તું એક એવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે કે જે લગ્ન પહેલા જ તને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી છે. એના વર્તન પરથી જ તારે સમજી જવું જોઈતું હતું કે સારી અને ચારિત્રવાન છોકરી લગ્ન પહેલા પોતાનું શરીર સોંપવાને પાપ સમજે છે. ઉપરાંત તને એક વફાદાર કુતરાથી વધુ મહત્વ ન આપે એવી છોકરી સાથે તું લગ્ન કરવા માંગે છે?'

'પણ.. પણ હેમા એવું શા માટે વિચારે?' રાકેશે થોથવાતા અવાજે પૂછ્યું.

'એટલા માટે કે આપણે જે સંપત્તિ પર એશો આરામ કરીએ છીએ એ સંપત્તિ હેમા તથા અમરની માલિકીની છે. હવે આ સંપત્તિ આપણી પાસેથી નીકળીને તેમની માલિકીની બની જવાનો વખત આવી ગયો છે. પોતાની સંપત્તિ પર જીવતા પતિને એ વફાદાર કૂતરો ન સમજે તો બીજું શું સમજશે? પૈસા માટે અપમાન સહન કરવા કરતાં તો તું તારે યોગ્ય કોઈ બીજી છોકરીને શોધી કાઢ એ જ વધુ યોગ્ય રહેશે.'

'એ તો ઠીક છે, પણ..'

'પણ શું?'

'હેમા મારા બાળકની મા બનવાની છે.' રાકેશનું કથન સાંભળીને કાલિદાસને આંચકો લાગ્યો. પરંતુ વળતી જ પળે એના ખટપટીયા મગજમાં એક શૈતાની હેતુએ જન્મ લીધો.

'સાંભળ રાકેશ..' એ બોલ્યો.

'હેમાના પેટમાં ઉછરતા બાળકનો અસલી બાપ કોણ છે એ તો તે પોતે પણ જણાવી શકે તેમ નથી. કારણ કે તેને મારા સહિત કુલ ત્રણ જણ સાથે અનૈતિક સંબંધ છે. આ સંજોગોમાં કોનું પાપ એના પેટમાં ઉછરે છે એની કોને ખબર છે? પરંતુ તેમ છતાંય તારી સાથે તેને વધુ સંબંધ હતો એટલે તે આ પાપને તારું જ સંતાન પુરવાર કરવાનો પ્રયાસ કરશે. હવે જો તું તેની સાથે લગ્ન કરવાની ના પાડીશ તો તે સમાજના લોકોને આપણા કરતુતો વિશે જણાવી દેશે.

'પણ.. પણ..' રાકેશ ડઘાઈને બોલ્યો. 'આટલું જાણ્યા પછી હવે હું તેની સાથે લગ્ન કરવા નથી માગતો.'

'તને લગ્ન કરવા માટે કયો બેવફૂક કહે છે?

'તો?'

'હું તો આ મુસીબતમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો એનો વિચાર કરું છું.'

રાકેશની જાડી બુદ્ધિને કશું જ ન સૂઝતાં એ ચૂપ જ રહ્યો. કાલિદાસ વિચારવાનો અભિનય કરવા લાગ્યો.

'એક યુક્તિ મને સૂઝે છે.' થોડી પળો સુધી અભિનય કર્યા બાદ કાલિદાસ ચપટી વગાડતા બોલ્યો.

'શું?'

'જો હેમા આપઘાત કરી લે તો એનાથી તારો પીછો છૂટી જશે. એટલું જ નહીં, એના ભાગની મિલકતમાંથી આપણને ચોથો ભાગ પણ મળશે.'

'પરંતુ હેમા આપઘાત શા માટે કરશે? જો તેને આપઘાત કરવો જ હોત તો તે અત્યાર સુધીમાં કરી ચૂકી હોત.'

'તારી વાત સાચી છે. એ આપઘાત નહીં કરે.' કાલિદાસ શૈતાનીયત ભર્યું સ્મિત ફરકાવતા બોલ્યો.

'પરંતુ જો આપણે ધારીએ તો એને આપઘાત કરવો પડશે.'

'કેવી રીતે?'

'પહેલા તો એ વાતનો જવાબ આપ કે તું મારા કોઈ પણ કામમાં સહકાર આપવા માટે તૈયાર છો કે નહીં?'

'કેવું કામ?'

'ઘડીભર માટે માની લે કે આપણે હેમાનું ખૂન કરવું પડે તો?'

'ખ.. ખુન્.?' રાકેશ હેબતાયો.

'હા, ખૂન.' કાલિદાસ બોલ્યો. 'પરંતુ આ ખૂન આપણે એવી રીતે કરવાનું છે કે પોલીસ તથા અન્ય લોકો એને આપઘાત જ માને.'

'પણ.. પણ આવું એ લોકો કેવી રીતે માનશે?' 'એ હું તને સમજાવું છું.' ત્યારબાદ કાલિદાસ ધીમે ધીમે તેને પોતાની યોજના સમજાવવા લાગ્યો.

************

હેમા પોતાના શયનખંડમાં બેસીને શૂન્યમાં તાકી રહી હતી. રડી રડીને એની આંખો સૂઝી ગઈ હતી. એ જ વખતે દરવાજો ઉખાડીને રાકેશ અંદર પ્રવેશ્યો. 'હેમા..' એ આગળ વધીને તેના ખભા પર હાથ મુકતા બોલ્યો. 'મેં હવે આ નર્કમાં એક મિનિટ માટે પણ નહીં રહેવાનો નિર્ણય કરી લીધો છે.'

'હું પણ રહી શકું તેમ નથી.' હેમા માથું ઊંચું કરીને તેની સામે જોતાં બોલી. 'જો મને તારો વિચાર ન આવ્યો હોત તો આ ઘરની વાત એક તરફ રહી, હું આ દુનિયા જ છોડીને ચાલી ગઈ હોત. પરંતુ તું પણ મારા વગર જીવતો નહીં રહી શકે એવા વિચારે જ મેં આવું પગલું નથી ભર્યું.'

'તું સાચું કહે છે હેમા.. જો તે ખરેખર જ આવું કોઈ પગલું ભર્યું હોત તો હું પણ આપઘાત કરીને તારી પાછળ પાછળ ચાલ્યો આવત. મેં આ ઘર છોડવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જતા પહેલા હું તારા પર થયેલા અત્યાચારનું વેર લેવા માંગું છું.'

'ના ના.. હેમા ગભરાઈને બોલી ઉઠી. 'તારે એવું કશું જ નથી કરવાનું રાકેશ.. જો તું આવું કંઈ કરીશ તો આજે આ વાત માત્ર આપણે ત્રણ જ જણ જાણીએ છીએ તો કાલે ઉઠીને આખી દુનિયા જાણી જશે. આ સંજોગોમાં તારા પિતાજીની સાથે સાથે આપણી પણ બદનામી થશે.'

'ના હેમા.. આ બાબતમાં તું બિલકુલ બેફિકર રહે. હું એ કમજાતનું એવી રીતે ખૂન કરીશ કે કોઈને મારા પર રજ માત્ર પણ શંકા નહીં ઉપજે.' રાકેશ મક્કમ અવાજે બોલ્યો.

'ના રાકેશ.. હું તને હરગીઝ એવું નહીં કરવા દઉં. ક્યાંક તું એ પાપીના ખૂનના આરોપસર પકડાઈ જઈશ તો પણ મારું અને મારા પેટમાં ઉછરતા આપણા સંતાન નું શું થશે?'

'તો શું જે રાક્ષસે તને બરબાદ કરી છે તે માતેલા આખલાની જેમ માથું ઊંચું કરીને છૂટથી ફરતો રહે એમ તું ઈચ્છે છે?' રાકેશ રોષ ભર્યા અવાજે બોલ્યો. કહેવાની જરૂર નથી કે આ તેનું નાટક હતું. 'આજે એણે તને બરબાદ કરી છે. કાલે ઉઠીને કોણ જાણે કેટલી છોકરીઓને તારી જેમ બરબાદ કરશે. ના હું એવું નહીં થવા દઉં. એ પાપીને સજા કરવાનો મેં એક એવો ઉપાય વિચાર્યો છે કે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે. અર્થાત્ એ શૈતાનને તેની કરણીની સજા પણ મળી જશે અને આપણો વાળ પણ વાંકો નહીં થાય. એ પાપીના મોત પાછળ આપણો જ હાથ છે એવી તો કોઈને ગંધ સુદ્ધાં નહીં આવે.'

'ઠીક છે..' હેમા સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલી. 'જો એમ જ હોય તો પછી મને કોઈ વાંધો નથી. મારી આબરૂ લુંટનાર શૈતાનને સજા થવી જોઈએ. પરંતુ એને સજા કરવા માટે તે કઈ યુક્તિ વિચારી છે?'

'યુક્તિ એવી શાનદાર છે કે તું સાંભળીને આશ્ચર્યચકિત થઈ જઈશ.' રાકેશ પ્રસન્ન અવાજે બોલ્યો.

'આપણે બંને આપણી જુદી-જુદી સુસાઇડ નોટ લખીને અહીં છુપાવી દેશું અને ત્યારબાદ કોઈનેય ખબર ન પડે એ રીતે ચૂપચાપ રવાના થઈ જશુ.'

'પછી?'

'પછી આપણે એક પબ્લિક બુથમાંથી પોલીસને ફોન કરીને સૂચવી દેશું કે શેઠ કાલિદાસમાં ગુનો કહી શકાય એવો કોઈક બનાવ બન્યો છે. પોલીસ તરત જ અહીં દોડી આવશે અને પછી જ્યારે પોલીસને અહીંથી આપણી સુસાઇડ નોટ મળશે ત્યારે મારો નીચ બાપ આપણને આપઘાત માટે લાચાર કરવા બદલ પકડાઈ જશે. કાયદાની દ્રષ્ટિએ કોઈને આપઘાત માટે લાચાર કરવો એ ખૂન જેટલો જ સંગીન અપરાધ છે. ત્યારબાદ મારો નીચ બાપ ફાંસીના માંચડે લટકી જશે. એક તો એને ફાંસી થઈ ગયા પછી કદાચ આપણે અહીં પાછા આવીશું તો પણ પોલીસ આપણું કશું જ નહીં બગાડી શકે. આપણે તેને કહી દેશું કે અમે આપઘાત કરવાના ઇરાદાથી જ અહીંથી નીકળ્યા હતા પણ પછી અમે આ વિચાર માંડી વાળ્યો હતો. આ કારણસર કાયદાની કોઈ કલમ આપણને લાગુ નહીં પડે.'

'પરંતુ આપણે આપણી સુસાઇડ નોટમાં શું લખવાનું છે?' રાકેશની વાતોથી પ્રભાવિત થઈને હેમાએ ઉત્સુક અવાજ પૂછ્યું.

'મારી સુસાઇડ નોટથી તો હજુ મને પૂરેપૂરો સંતોષ નથી. પણ તારી સુસાઇડ નોટ વિશે મેં વિચારી લીધું છે. તું તાબડતોબ લખવાનું શરૂ કરી દે અને મારા મોંમાંથી નીકળેલા શબ્દો અક્ષરશ: લખતી જા. જ્યાં સુધી હું ચૂપ ન થઉં ત્યાં સુધી વચ્ચે એક પણ અક્ષર બોલીશ નહીં. જો હું એક શબ્દ પણ ભૂલી જઈશ તો તેના સ્થાને તું કોઈ ખોટો શબ્દ લખી નાખીશ તો આપણી યોજના પર પાણી ફરી વળશે.'

'ઠીક છે બોલ.' હેમા કશુંય સમજ્યા વિચાર્યા વગર કોરું પાનું તથા બોલપેન ઉંચકતા બોલી. એ બિચારીને તો રાકેશ પર અખૂટ વિશ્વાસ હતો. જો તેને રાકેશ પર કોઈ જાતને શંકા હોત તો જ એ કંઈ સમજવા, વિચારવા કે પૂછવાની જરૂર અનુભવત.

'લખ..' કહીને રાકેશ લખાવવા લાગ્યો.

'હું હેમા.. એક યુવાનને ચાહતી હતી અહીં તે યુવાનનું નામ લખવાનું મને જરૂરી નથી લાગતું. અમારી વચ્ચે લગ્ન પહેલા જ શારીરિક સંબંધો સ્થાપિત થઈ ચૂક્યા હતા. પરિણામે મારા પેટમાં સમાજ જેને પાપ કહે છે એવું એક બાળક ઉછરવા લાગ્યું હતું. હું તે યુવાનના સંતાનની મા બનવાની હતી. જ્યારે મેં મારા પ્રેમી પર લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું ત્યારે એણે મોં ફેરવી લીધું. મને અપમાનિત કરીને તરછોડી દીધી. હવે હું આ હાલતમાં કોઈને મારું મોં બતાવવા લાયક નથી રહી. આવા કપરાં સંજોગોમાં એક શરીફ છોકરી જે પગલું ભરે છે એ જ પગલું ભરવાનો મેં નિર્ણય કર્યો છે. હું આપઘાત કરીને મારું જીવન ટૂંકાવુ છું. બસ આથી વિશેષ મારે કશું જ નથી કહેવાનું.' અંતિમ બે વાક્યો લખતી વખતે હેમાનો હાથ પળભર માટે ધ્રૂજ્યો. પરંતુ રાકેશની ચેતવણી યાદ આવતા જ એ તરત જ સક્રિય બની ગઈ. 'લાવ જરા જોઈ લઉં. તે બરાબર લખ્યું છે કે નહીં?' હેમાએ પત્રની નીચે સહી કરી કે તરત જ રાકેશે તેના હાથમાંથી પત્ર લેતા કહ્યું.

હેમાએ પોતાના મનમાં જાગેલી શંકાનું સમાધાન કરવા માટે મોં ઉઘાડ્યું ત્યાં જ ધડામ અવાજ સાથે દરવાજો ઉઘડ્યો અને ક્રૂર તથા શૈતાનીયત ભર્યા ચહેરા સાથે કાલિદાસ કોઈક નરી પિશાચને જેમ અંદર પ્રવેશ્યો. ત્યારબાદ બાપ દીકરાએ ભેગા થઈને એ માસૂમને ફાંસીએ લટકાવવાની તૈયારી શરૂ કરી. કાલિદાસે હાથ મોજાં પહેરીને ગાળિયા યુક્ત દોરડું છતના કડા સાથે બાંધ્યું અને ગાળિયાની બરાબર નીચે સ્કૂલ ગોઠવી દીધું. આ દરમિયાન હેમા નર્યા અચરજ અને અવિશ્વાસથી ફાટી આંખે સ્તબ્ધ બનીને એકીટશે રાકેશના ચહેરા સામે તાકી રહી હતી. સ્ટુલ પર ઉભી રાખતી વખતે અને ગળામાં ફાંસીનો ગાળિયો ભરાવતી વખતે પણ એણે કોઈ જાતનો વિરોધ ન કર્યો. એ પૂર્વવત રીતે અશ્રુભરી આંખે રાકેશ સામે તાકી રહી હતી. હેમા સાથે નજર મેળવવાની હિંમત રાકેશમા નહોતી. એને પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું હતું અને પછી કાલિદાસે પગની ઠોકરથી સ્ટૂલ ગબડાવી મૂક્યું. હેમાનો દેહ ગાળિયામાં જુલવા લાગ્યો. થોડી પળોમાં જ એ તરફડીને શાંત થઈ ગઈ. એની જીભ ચારેક ઇંચ જેટલી બહાર નીકળી ગઈ હતી. આંખોના ડોળા પડળમાંથી બહાર ધસી આવ્યા હતા. ત્યાંથી પોતાની હાજરીના બધા પુરાવાઓનો નાશ કરી ટેબલ પર હેમાની સુસાઇડ નોટ મૂકીને બાપ દીકરો ઓટોમેટિક લોકવાળા દરવાજામાંથી બહાર નીકળી ગયા. અને ત્યારબાદ બધું કાલિદાસની યોજના મુજબ જ બન્યું. પોલીસે એને આપઘાતનો કેસ માનીને કેસ ફાઈલ કરી નાખ્યો. માત્ર હેમાના ભાઈ અમરને કારણે જ થોડી ગરબડ ઊભી થઈ. હેમાના આપઘાતના સમાચાર મળતાં જ એ ત્યાં પહોંચી હેમાના મૃતદેહને વળગીને ધ્રુસકા ભરતા બોલ્યો, 'આ તે શું કરી નાખ્યું બેન? મને છોડીને જતા પહેલા કમસેકમ તને આપઘાત માટે લાચાર કરનાર શૈતાનનું નામ તો તારે મને જણાવવું જોઈતું હતું. મને રાખડીનું ઋણ અદા કરવાની તક તો આપવી જોઈતી હતી.' પછી અચાનક એનો અવાજ એકદમ કઠોર અને હિંસક બની ગયો.

'ખેર, તે ભલે એનું નામ ન જણાવ્યું પરંતુ હું તે શેતાનને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. તારા પર થયેલા અત્યાચારનુ હું એ રાક્ષસ સાથે એવું વેર લઈશ કે માત્ર એનું જ નહીં, એની હાલત જોનારાઓના કાળજાં પણ કંપી ઉઠશે. એ મારું તને, તારા આત્માને વચન છે.' અમરનું એ વખતનું રૌદ્ર સ્વરૂપ જોઈને બાપ દીકરાના રુંવાડા ઊભા થઈ ગયા. ત્યારબાદ હેમા તો કંઈ જણાવવાની નથી કે કોણે એનું ખૂન કર્યું છે એવા વિચારે તેમણે થોડી રાહત અનુભવી. ઉપરાંત તેમણે એવો કોઈ પુરાવો પણ બાકી નહોતો રાખ્યો કે જેના આધારે તેમના સુધી પહોંચી શકાય. પરંતુ આવું વિચારીને કાલિદાસે બહુ મોટી ભૂલ કરી નાખી હતી. જ્યારે તેને ખબર પડી કે અમર હેમાની બહેનપણીઓને પૂછપરછ કરે છે ત્યારે જ એને આ ભૂલનું ભાન થયું. કદાચ હેમાએ પોતાના તથા રાકેશના પ્રેમ વિશે કોઈક બહેનપણીને જણાવ્યું હશે તો ભાંડો ફૂટી જશે એવા ભયથી કાલિદાસ ગભરાયો. તરત જ એના હૃદયમાં છુપાયેલા શૈતાને એક નિર્ણય લીધો. આ નિર્ણય હતો અકસ્માત લાગે એ રીતે અમરનુ ખૂન કરાવવાનો. કાલિદાસ વેશ પરિવર્તન કરીને એક ભાડૂતી ખૂનીને મળ્યો અને તેને અમરનું ખૂન કરવાનું કામ સોંપી દીધું. જે દિવસે અમરનું ખૂન થવાનું હતું એ દિવસે બંને બાપ દીકરો ઓફિસના કામનું બહાનું કાઢીને ભરતપુર ચાલ્યા ગયા. ત્રીજે દિવસે ભરતપુર ખાતે અમરના સમાચાર જાણવા મળ્યા. એક નદીમાંથી અમરનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જો એના ગજવામાં હોસ્ટેલનો પાસ, હાથમાં વીંટી અને કાંડા ઘડિયાળ ન હોત તો કદાપિ તેની લાશ ન ઓળખાત. સમાચાર વાંચીને બંનેના આનંદનો પાર ન રહ્યો. તેઓ તરત જ વિશાળગઢ જવા માટે રવાના થઈ ગયા. તેમણે હવે અમરના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાના હતા.