Dariya nu mithu paani - 24 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 24 - રામ ભરોસે


આનંદ આજે કાયમ કરતાં ખાસ્સો વહેલો ઉઠી ગયો હતો.આમેય આખી રાત એને ઉંઘ નહોતી આવી.આનંદની પત્ની દેવાંગીનીએ લગ્ન જીવનના સાતમા વર્ષે આજે પ્રથમવાર રડતી આંખે આનંદને એક વિનંતી કરી હતી.

દેવાંગીનીના એકમાત્ર સગા ભાઈ સંજીવને ગઈકાલે બપોર પછી ગંભીર અકસ્માત થયો હતો જે અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર કાઢીને આવ્યાં હતાં. ડોકટરના કહેવા મૂજબ ઓપરેશન ખર્ચ પાંચેક લાખ રૂપિયા થવાનો હતો અને એની પચાસ ટકા રકમ ચોવીસ કલાકમાં જમા કરાવવાની હતી.દેવાંગીનીના પિતા રૂપિયા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા પરંતુ ક્યાંય થી બંદોબસ્ત થયો નહોતો. પિતાજીની પરિસ્થિતિ જાણીને દેવાંગીનીએ આનંદને મદદ માટે વિનંતી કરી હતી.

દેવાંગીનીના પિતાજીનું કુટુંબ સામાન્ય સ્થિતીનું છે.આમ તો દેવાંગીની હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય એ હેતુથી તે આનંદ સાથે ઘેર આવી હતી.જોકે તેનો જીવ તો હોસ્પિટલે જ હતો.

આનંદના ઘરમાં આનંદ અને એના પિતાજી બન્ને નોકરીયાત છે.સારી એવી આવક છે,જોકે ઘરનો બધો વ્યવહાર આનંદનાં મમ્મી રંભાબેન ચલાવે છે.રંભાબેન એકદમ કરકસરવાળાં સ્ત્રી છે.એમની પાસેથી રૂપિયા કઢાવવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર.એમની પાસેથી મદદની કોઈ અપેક્ષા જ કેવી રીતે રખાય?આનંદને મમ્મીના સ્વાભાવની ખબર હતી એટલે એ સતત બેચેન હતો.એ બેચેનીમાં એ કાયમ કરતાં વહેલો ઉઠી ગયો હતો અને અજાયબીભર્યું વર્તન કરી રહ્યો હતો.એ ઘડીક એનાં મમ્મી રંભાબેન પાસે આવીને બેસતો હતો તો વળી ઘડીભર રસોડામાં સવારનો નાસ્તો બનાવી રહેલ દેવાંગીની પાસે આંટો મારી આવતો હતો.ઈષ્ટદેવના મંદિરીયે તો એ બે ત્રણ આંટા મારી આવ્યો હતો.આ બધું માળા ફેરવી રહેલાં રંભાબેન જોઈ રહ્યાં હતાં.

‌‌ 'હે પ્રભુ!મારી મમ્મીના હ્રદયમાં ઉતરો.હું મારા સાળાની મદદ માટે રૂપિયાની માંગણી કરું ને એ મને ના ન પાડે એવું કંઈક કરો પ્રભુ.'- આવી પ્રાર્થના તો એ ઈષ્ટદેવ આગળ કેટલીય વખત કરી ચુક્યો હતો.આનંદના પિતાજી દરરોજના નિયમ મૂજબ સવારે સાડા છ વાગ્યે મોર્નિંગ વોક માટે ગયેલ હતા.'આમેય પિતાજીની આગળ વાતની રજૂઆત કરવામાં કોઈ સાર નથી.આખો કારભાર મમ્મી પાસે જ છે'-એવું આનંદ દ્રઢપણે માનતો હતો.

આનંદે જોયું તો દેવાંગીનીનો ચહેરો એકદમ લેવાઈ ગયો હતો છતાંય એ આંસુઓને સંતાડીને રસોડામાં માયુષ ચહેરે નાસ્તો બનાવી રહી હતી.એણે ગઈ સાંજે ઘેર આવ્યા પછી એના પિતાજીને અત્યાર સુધી દશેક વાર ફોન કર્યો હતો. રૂપિયાનો હજી સુધી મેળ ખાધો નહોતો.એના પિતાજીએ અંતિમ ઉપાય તરીકે ઘર વેચવાનો નિર્ણય લીધો હતો એ જાણ એને હમણાં જ થઈ હતી. છતાંય એના પિતાજીએ એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,'બેટા! જમાઈ કે વેવાઈ વેવાણ આગળ રૂપિયાની કોઈ વાત ના ઉચ્ચારતી.' જોકે દેવાંગીનીએ રૂપિયાની મદદની વાત આનંદને કહી જ દીધી હતી.

આમ તો દેવાંગીનીને ખબર જ હતી કે,સાસુજી પાસેથી મદદની અપેક્ષા નહીંવત્ જ છે.એને સાસુમાનો પુરા સાત વર્ષનો પાક્કો અનુભવ હતો.

‌સોસાયટીમાં આવતી શાકભાજીવાળી બહેન પાસે રંભાબેન શાકભાજીના ભાવ બાબતે કાયમ લાંબી રકઝક કરતાં. બજારમાંથી કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી વખતે રંભાબેનની ચિકાશથી દેવાંગીની સારી રીતે વાકેફ હતી.પાણીપુરીવાળા પાસેથી વધારાની બે ત્રણ કોરી પુરી ઝાપટી જતાં સાસુમા રૂપિયાની મદદ કરશે ખરાં? જોકે જીવનનિર્વાહની ચીજવસ્તુઓમાં ઉંચી ગુણવત્તાની ખરીદી દેવાંગીનીને આશ્ચર્ય પમાડી દેતી.તો પુત્ર પુત્રવધુના મોજશોખ ખર્ચ માટે કચવાતા મનેય હકાર ભણીને રૂપિયા આપી દેતાં સાસુમા દેવાંગીનીને અવશ્ય થોડાં ઉદાર દિલનાં લાગી આવતાં.છતાંય દેવાંગીનીને મન સાસુમા એકંદરે તો કંજુસાઈનો પર્યાય હતાં એમાં જરાય નવાઈ નહોતી.
રંભાબેન તો સોફામાં બેઠાં બેઠાં માળા ફેરવવામાં જ હજી મસ્ત હતાં.આનંદે આખરે મમ્મી આગળ વાત કરવા માટે મનને તૈયાર કરી લીધું.આનંદે થોડું પાણી પીધું અને પછી ડરતો ડરતો રંભાબેન પાસે આવીને બેઠો.

રંભાબેને માળા ફેરવવાનું બંધ કરીને આનંદ સામે નજર કરીને સામેથી જ પુછ્યું, "શું વાત છે બેટા! આજ સવારથી જ ઉદાસ થઈને આમતેમ આંટા મારી રહ્યો છે?મને એવો ભાસ થાય છે કે જાણે તું આજે ઈષ્ટદેવ આગળ વિનંતી કરીને કંઈક માંગી રહ્યો ના હોય! આનંદ! તું લગીરેય ચિંતા ના કરીશ.તારા સાળાને કંઈ નહીં થાય.ભગવાન સૌ સારાં વાનાં કરશે."

"મમ્મી!મારા સાળા સંજીવભાઈની તબીયત હજી સ્થિર છે અને ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે.ઓપરેશનનો ખર્ચ ડોકટરે પાંચ લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે. તને ખબર છે મમ્મી કે,દેવાંગીનીનું કુટુંબ એટલું બધું પૈસાદાર નથી.તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે? અને એમાંય અઢી લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે.મારા સસરાય અત્યાર સુધી દોડધામમાં હતા.મમ્મી.એમણે છેવટે ઘર વેચવાનું નક્કી કર્યું છે."
રંભાબેને આનંદ સામે નજર માંડીને કહ્યું,"આનંદ! તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે?તને શરમ નથી આવતી?"

"હા મમ્મી! હું સાચું કહું છું.તેમની પરિસ્થિતિ ખરેખર આર્થિક રીતે પાંગળી છે."-આનંદે વાત દોહરાવતાં કહ્યું.

રંભાબેને ઠપકાભાવે આનંદને કહ્યું,"દીકરા!તારી ભૂલ થાય છે.તારા સસરા ગરીબ નથી.તું એમનો જમાઈ ખરો કે નહીં?"
આનંદ સહજભાવે બોલ્યો, "હા મમ્મી! એ તો ખરૂ! "

તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે?જેમ તું આ પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જ ગણાય.તું ઘણુંય કમાય છે તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? વળી તારા સસરાએ તો આપણી સામે હજી સુધી લાંબો હાથ પણ નથી કર્યો.તેં અને દેવાંગીનીવહુએ સાંજે ઘેર આવીને અમને સંજીવના સમાચાર આપ્યા એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સંજીવના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરીયાત વિષે પણ પુછ્યું હતું.તારા સસરાએ તો ચોખ્ખી ના પાડી હતી.બોલ, રૂપિયાની જરૂરિયાત હોવા છતાં સગાના નાતે હા ના ભણી એ વ્યક્તિને ગરીબ કેમ ગણવા? અને એ લોકોને ગરીબ કહીને તું દેવાંગીનીવહુના હ્રદયને ઠેસ પહોંચાડી રહ્યો છે દીકરા!તારે રૂપિયાની વાત સાંજે ઘેર આવ્યો ત્યારે કહેવાની જરૂર હતી.અત્યાર સુધી રૂપિયા પહોંચાડી પણ દીધા હોત.મને પાક્કી ખાતરી છે કે, તારા સસરા અમારા હાથે તો રૂપિયા ના લે પણ વહુના હાથે લઈ લેત ને? "-કાયમી કરકસર કરતાં રંભાબેન ભાવવાહી અવાજે બોલ્યાં.

આનંદ તો ચકળવકળ આંખે મમ્મીને જોઈ રહ્યો હતો પરંતુ દેવાંગીની તો રસોડામાંથી દોડતી આવીને જોરથી "મમ્મી" કહીને રંભાબેનના પગ આગળ ફસડાઈ પડી.

બાથમાં પકડીને દેવાંગીનીને ઉભી કરતાં રંભાબેન બોલ્યાં, "ગાંડી ના થા દેવાંગીનીવહુ. હું અને તારા પપ્પા તો આમેય સંજીવની ખબર કાઢવા જવાનાં જ હતાં.પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો.લે આ ચાવી ને તારા હાથે જ તિજોરીમાંથી પાંચ લાખ રૂપિયા કાઢી લે દેવાંગીનીવહુ.અને દેવાંગીનીવહુ! તું શા માટે વલોપાત કરે છે?રૂપિયા આવા સંજોગોમાં કામ ના આવે તો પછી એનો અર્થ શું? રૂપિયા લઈને હવે તમે બન્ને ઝડપથી હોસ્પિટલે ઉપડો.

અને હા દેવાંગીનીવહુ!તારાં મમ્મી પપ્પાને કહેજે કે, મારાં સાસુ સસરાએ ઘણા પ્રેમથી આ રૂપિયા આપ્યા છે,હવે ઘર વેચવાનું નથી. છતાંય જો આનાકાની કરે તો મારા દીકરા આનંદના સોગંદ આપજે."

આંસુ લુંછીને દેવાંગીની રંભાબેનને ઘડીભર જોઈ જ રહી. રંભાબેને એને ઉભા થવાનો ઈશારો કર્યો એ સાથે જ એણે ઝડપભેર ઉભી થઈને તિજોરી તરફ દોટ મૂકી.

દેવાંગીનીએ સાત વર્ષમાં પહેલી વખત પોતાના હાથે તિજોરી ખોલી.રૂપિયા ક્યાં પડ્યા હશે એની એને કોઈ ગતાગમ નહોતી.એણે રંભાબેનને સાદ પાડીને કહ્યું,"મમ્મી! પૈસા કયા ખાનામાં છે?" "નીચેના લોકરમાં.દશ નંબરની ચાવી લગાડજે."- રંભાબેનનો પ્રત્યુતર સાંભળતાં જ હરખભેર દેવાંગીનીએ લોકર ખોલ્યું.

રૂપિયાની થપ્પી બહાર કાઢતી વખતે પાંચ છ પાવતીઓ પણ બહાર નીકળી આવી. દેવાંગીનીની એક પાવતી પર સાહજિક નજર ગઈ.'રૂપિયા એકાવન હજાર પુરા' લખેલું દેખાયું.પાવતીના મથાળે 'શ્રી કૃષ્ણ ગૌ શાળા' અને વિગતમાં 'રામ ભરોસે' લખેલું વાંચી લીધું દેવાંગીનીએ.એ સાથે જ એણે કુતુહલવશ બધી જ પાવતીઓ ફંફોળી નાખી.બધી જ 'રામ ભરોસે ' ની દાનની પાવતીઓ હતી......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED