Dariya nu mithu paani - 23 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 23 - એકલી માતા



બોર્ડવૉકની બેન્ચ પર બેસીને સુલુબહેન શીંગ ખાતા, થોડું પારેવડાઓને ખવડાવતાં વિચારમગ્ન થઈ ગયા. સેંકડો માનવીની હાજરી અને અવર જવર એમને સ્પર્શતી નહોતી. આવતી કાલે શ્રીકાંત અને શ્રધ્ધા આવશે ત્યારે શું નિર્ણય જણાવીશ…

વિચારધારાએ ભૂતકાળમાં ઊંડી ડુબકી મારી.
સુલુબહેન એટલે સુલોચના શાહ. એક જાજરમાન વ્યક્તિત્વ. લગભગ ત્રણ વર્ષ પહેલા જ છાંસઠ વર્ષની ઉંમરે જાણીતી ‘લૉ ફર્મ’માંથી રિટાયર્ડ થયા હતાં.

સુલુબહેન ત્રેવીસ વર્ષની ઉંમરે લગ્ન કરીને અમેરિકા આવ્યા હતાં. પ્રેમાળ પતિ શૈલેષકુમાર ફાર્માસ્યુટીકલ કંપનીમાં કેમિકલ એન્જીનિયર હતા. સુંદર નાના એપાર્ટમેન્ટમાં દાંપત્ય જીવનનો સુવર્ણકાળ હિંડોળા લેતો હતો. સુખદ દાંપત્યજીવનના પરિપાક રૂપે કાલાઘેલા શ્રીકાંતનો જન્મ થયો. સુલુબહેને પ્રભુનો પાડ માન્યો. ‘હે પ્રભુ ! હું ખૂબ જ સુખી છું; હવે મને આનાથી વધુ કંઈ જ અપેક્ષા નથી. મારા પરિવારનું કલ્યાણ કરો’. પણ…

એક રાત્રે, બર્ફિલા હાઈવૅ પર, મલ્ટીકાર ઍક્સિડન્ટમાં શૈલેષે જીવન સંકેલી લીધું. સુકુબહેનનું સૌભાગ્ય સિંદૂર ભુંસાઈ ગયું. આંગળીને વેઢે ગણાય એટલા મિત્રો સિવાય અમેરિકામાં બીજું કોઈ જ હતું નહીં. મિત્રો હૂફ, હિંમત અને હવે “શું” ની સલાહ આપતા. જુદા જુદા વિકલ્પો વહેતા થયા.

‘ભાભી, ઈન્ડિયા પાછા જાવ.’
‘બહેન, કોઈ યોગ્ય પાત્ર મળે તો પુનર્લગ્ન માટે વિચારો. આ યુવાન ઉંમરે એકલાં રહેવું સારું નથી.’
પણ સુકુબહેનને એક પણ સલાહ માન્ય ન હતી. શેલેષનો એક મિત્ર લોયર હતો. એની સલાહથી લાઈફ ઈન્સ્યુરન્સની આવેલી રકમનું મન્થલી ઈન્કમ પ્લાનમાં રોકાણ કર્યું. રાજીવે એના અમેરિકન મિત્રની લો ફર્મમાં ફાઈલ ક્લાર્ક તરીકે નોકરી પણ અપાવી દીધી. આત્મવિશ્વાસ અને માનોબળથી જીવન પ્રવાહ વહેતો રાખ્યો. શ્રીકાંતનો ઉછેર, ભવિષ્ય, એ જ સુલુબહેનનું ધ્યેય હતું.
સમય સરકતો ગયો.

શ્રીકાંત મોટો થતો ગયો. સુલુબહેન મા અને બાપની બેવડી જવાબદારી નિભાવતા ગયા. શ્રીકાંત અભ્યાસમાં તેજસ્વી અને સ્વભાવે પ્રેમાળ તથા લાગણીશીલ હતો. મમ્મીને દુઃખ થાય એવું કશું કરતો નહીં. ઘરમાંથી બહાર જતાં કે ઘરમાં આવતાં મમ્મીના ચરણસ્પર્શ અચુક કરતો. ગમે તેટલી પ્રવૃત્તિ હોય પણ સાંજનું ડિનર મા-દીકરા સાથે જ લેતા.

સુલુબહેને મોકળાશ મળતાં પૅરાલીગલ કોર્સ કર્યો. લૉ ફર્મમાં પણ પ્રમોશન મળ્યું. કુશળ વકીલો પણ માન આપતા અને જરૂર પડ્યે સલાહ માંગતા પણ અચકાતા નહિ. શાંત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવાં છતાં એ સલાહ નહિ પણ અભિપ્રાય વ્યક્ત કરતાં.

હવે સુલુબહેનને આર્થિક ચિંતા ન હતી. શ્રીકાંત પણ કોમપ્યુટર એન્જીનિયર થઈ ગયો. જાણીતી આઈ.ટી. કંપનીમાં સારા પગારની જોબ પણ મળી ગઈ. નાનું ઘર પણ લઈ લીધું હતું.

એક રવિવારે શ્રીકાંત એની મિત્ર શ્રદ્ધાને લઈ આવ્યો.એનો પરિચય આપ્યો.
‘મમ્મી, આ શ્રદ્ધા, અમદાવાદની છે. વૈષ્ણવ છે. એચ-૧ વીઝા પર મારી કંપનીમાં જ કામ કરે છે.
શ્રદ્ધાએ વાંકાવળી સુલુબહેનના ચરણસ્પર્શ કર્યા. બધાએ સાથે ડિનર લીધું. શ્રદ્ધાએ જાતે જ બધી ડીશ પણ સાફ કરી નાંખી. સુલુબહેનનું વ્હાલ વહેતું થયું. શ્રદ્ધાનું ઘરમાં આવવાનું વધવા લાગ્યું. સુલુબહેનને પણ એ ગમતું હતું. શ્રીકાંત અને શ્રદ્ધાનું સાનિધ્ય વધતું ગયું.

એક દિવસ,
મમ્મી આજે સાંજે શ્રદ્ધા સાથે બહાર ડિનર માટે જવું છે, તમો આવશો? સુલુબહેને મનોભાવ વાંચ્યા. પુછ્યું હતું આવશો. ચાલો કહ્યું હોત તો જરૂર જાત. આ માત્ર ઔપચારિક પ્રશ્ન જ હતો. સુલુબહેને જવાબ વાળ્યો; તમે બન્ને આનંદથી જાવ, મારી ઈચ્છા નથી. આજે સુલુબહેને એકલા જ વાળુ પતાવ્યું. જરા અવળું તો લાગ્યું જ. અવારનવાર આવું બનતા, ધીમે ધીમે ટેવાઈ ગયા.

થોડા દિવસ પછી એક દિવસ….
શ્રીકાંતે વાત છેડી.’મમ્મી હવેથી શ્રદ્ધા તમને આન્ટીને બદલે મમ્મી કહેશે. વી આર એન્ગેજ્ડ.’ સુલુબહેનનું મન-હૃદય ખળભળી ઊઠ્યું. એને ગમતી જ વાત હતી, પણ જે રીતે બની તે સ્વીકારવું અસહ્ય બન્યું. એમને પણ શ્રદ્ધા ગમતી હતી. તેઓ પણ ઈચ્છતાહતાં કે શ્રદ્ધા ઘરની વહુ થઈને આવે.

એમના મનમાં ઉમંગ હતો કે સારો દિવસ જોઈને, પૂજાવિધી અને નાની પાર્ટી સાથે વિવાહનો પ્રસંગ ઉજવાય. એ હરખ મનમાં અને મનમાં જ રહ્યો. ભારે હૈયે આશીર્વાદ આપ્યા. લગ્ન પ્રસંગ પણ શ્રદ્ધાની મરજી મુજબ જ પાર પડ્યો.

થોડા જ સમયમાં સુજનનો જન્મથયો. સુલુબહેને ઘરની અને સુજનની જવાબદારી સ્વીકારી લીધી. સુજન હસતો રમતો અને દોડતો થયો. સ્કુલે જતો થયો. દેખીતી રીતે બધું જ સુખ હતું. છતાંયે કંઈક ખૂટતું હતું. કંઈકની વ્યાખ્યા મળતી નહોતી. ઘરમાં ચાર વ્યક્તિ હોવા છતાં અસહ્ય શાંતિ લાગતી હતી. બધા આખો દિવસ બહાર પ્રવૃત્તિશીલ હતા. સાંજના ત્રણચાર કલાક હસતાં રમતાં ગાળવાની ઈચ્છા રહેતી; પણ કોઈ અગમ્ય કારણથી એ શક્ય થઈ શક્યું નહિ. ન લડાઈ ન ઝગડો, ન વાદવિવાદ, કશું જ નહિ. પરસ્પરનો ખૂબ જ, જરૂર પડતો જ વાણી વિનિમય.

અનાયાસે જ એક રાત્રે સુકુબહેનને કંઈક સંભળાયું ‘શ્રીકાંત, મને હવે ગુંગળામણ થાય છે. તારી માતૃભક્તિ હદ બહારની છે. બધે જ સાથે જવાનું? આ તો હદ થઈ ગઈ. લેટ્સ કેન્સલ અવર ક્રૂઝ વેકેશન. આઈ વૉન્ટ એન્જોય’

‘પણ શ્રદ્ધા, સુજનને બા વગર ચાલતું નથી. એટલે જ તો મમ્મીને સાથે લઈ જઈએ છીએ.’
‘નો, આઈ એમ સોરી; આઈ કાન્ટ ગો. મમ્મીને કારણે જ સુજન આપણી સાથે રહી શકતો નથી. આઈ નીડ સમ સ્પેસ, આઈ નીડ સમ પ્રાઈવસી.’ થોડીક શાંતિ પછી, ડુસકાઓનો અવાજ અને ફરી શાંતિ. સુલુબહેન આખી રાત પડખાં ફેરવતા રહ્યાં. પ્રેમ અને લાગણી પણ એક બંધન બની જાય છે. પરણીને આવેલી છોકરીને મુક્ત લગ્ન જીવન માણવાની મોકળાશ જોઈએ છે. વણ બોલાયેલી અવ્યક્ત અપેક્ષાઓ અજંપો ઉભો કરે છે.
તેજીને ટકોરો; શ્રદ્ધા તો મને પણ વ્હાલી છે. એની માનસિક જરૂરિયાતો હું સમજી શકું છું. દીકરાના સુખ માટે મોકળાશ કરી આપવાની જરૂર છે. નિર્ણય લેવાઈ ગયો.

વહેલી સવારે બ્રેકફાસ્ટ વખતે સુલુબહેને કહ્યું, ‘આજે ડિનર માટે મારી રાહ ન જોતા, મને આવતાં મોડું થશે.’ શ્રદ્ધાએ કહ્યું,’ કાલનું થોડું વધ્યું છે. જો ન ફાવે તો તમારે માટે કંઈક બીજું બનાવી દઉં; અમે આજે બહાર ડિનર લેવાના છીએ.’ ‘ના, જે હશે તે ચાલશે.’ ઓફિસ છૂટ્યા પછી સુલુબહેન નજીક આવેલા કોન્ડોમિનિયમમાં તપાસ કરવા ગયા. એક સગવડવાળો સ્ટુડિયો એપાર્ટમેન્ટ ખાલી હતો. સુલુબહેને ડિપોઝિટ આપી દીધી. ઘેર આવી ઘરના દેવમંદિરે દીવો પ્રગટાવી, લીધેલા નિર્ણયથી દીકરાના પરિવારની સુખશાંતિ માટે પ્રાર્થના કરી.

બીજી સવારે, રવિવારના દિવસે બ્રેકફાસ્ટ વખતે, સુલુબહેને વાત કરી, ‘હમણાં ઓફિસમાં ખૂબ જ કામ રહે છે. રોજનું ૪૦-૫૦ માઈલનું ડ્રાઈવિંગ પણ અઘરું પડે છે. વિન્ટરમાં તો તારા પપ્પાનો વિચાર આવતા ડ્રાઈવિંગ કોન્ફિડન્સ પણ ઓછો થઈ જાય છે. મારી ઈચ્છા ઑફિસ નજીકના કોન્ડોમાં એપાર્ટમેન્ટ રાખવાની છે. વૉકિંગ ડિસ્ટન્સ જેટલો જ સમય લાગશે. ગેસ બચશે અને થોડી કસરત પણ થશે. આપણે વીકેન્ડમાં મળતા રહીશું.’
શ્રીકાંત કંઈ પણ બોલે તે પહેલા શ્રદ્ધાએ કહ્યું, ‘મમ્મી, તમારા વગર અમને નહિ ગમે… પણ તમારી વાત સાચી છે. આવા ટ્રાફિકમાં ડ્રાઈવ કરવાનું સલામત તો નથી જ. તમે જે કંઈ કરશો તે વ્યાજબી અને પ્રેક્ટિકલ જ હશે.’
બસ... એપ્રુવલનો સિક્કો મરાઈ ગયો.

……અને સુલુબહેને ભારે હૈયે, છતાંયે હસતે ચહેરે એકના એક દીકરાથી જુદા થયા. વસ્તી વગરનો એપાર્ટમેન્ટ સૂનો સૂનો લાગતોહતો. બા બા કરીને વળગતો સુજન દૂર હતો. ઘેર આવી એકલા ડિનર લેવાનું ઘણું કઠતું હતું ક્યારેક મનમાં થતું, શ્રીકાંત આવીને કહેશે, ‘મમ્મી, તમારા વગર ગમતું નથી. જોબ છોડી દો. ઘેર પાછા આવી જાવ’. પણ ના. હકિકતમાં એ ન બન્યું. છેવટે દુઃખનું ઓસડ દહાડા. ટેવાઈ જવાયું.

શૈલેષના નિધન પછી જે પરિસ્થિતિ હતી તેના કરતાં તો આજે ઘણું સારું છે. દીકરાના સુખ માટે જ ઘર છોડયું છે ને! ક્યાં કોઈ ક્લેશ-કંકાશ કે ઝઘડો થયો છે? બધાજ નિર્ણયો પોતાના જ છે. હજુ પણ વગર બોલાવ્યે પોતે જાતે ઘર જઈ શકાય એમ હતું. પણ ના… ધીમે ધીમે માનસિક વેદનામાંથી બહાર નીકળતા ગયા. ઘર બહારની પ્રવૃત્તિઓ વધવા માંડી. નજીકના મંદિરમાં સેવા આપવા માંડી. સંગીતનો શોખ ભજન દ્વારા પોષાતો ગયો.

પોતાના પ્રોફેશનલ જ્ઞાનનો લાભ વાર્તાલાપ દ્વારા સમાજને આપવા માંડ્યો. લોકોના માન અને પ્રેમ મળતા રહ્યા. સિનિયર પ્રવૃત્તિ પણ વધતી રહી. દુઃખદ ગાંભિર્યનું આવરણ ઉતરતું ગયું. સામાજિક સહકાર અને સદ્ભાવના મળતાં જીવન ફરી પાછું હર્યું ભર્યું થઈ ગયું. કોઈક વાર શ્રદ્ધા- શ્રીકાંત, આવતા, ડિનર લેતાં અને છૂટા પડતાં. ન તો કોઈ પૂર્વગ્રહ કે ન તો કોઈ અજંપો.

રિટાયર્ડ થયા પછી ટેનિસ રમવાનું શરું કર્યું. ઈન્ડિયામાં કોલેજમાં હતા ત્યારે રમતા હતા. અત્યાર સુધી અવકાશ ન હતો. હવે અવકાશનો પ્રશ્ન ન્હોતો. અવાર નવાર સિનિયર્સ સાથે એટલાન્ટિક સીટી આવતા. કેસિનો ગેમબ્લિંગમાં રસ ન હતો. પણ બોર્ડવૉક પર ચાલતા અને ખુલ્લી હવાનો આસ્વાદ માણતા. બસ આમ જ, જાણે ઉંમરમાંથી દશ વર્ષની બાદબાકી થઈ ગઈ. પ્રવૃત્તિની ભરમારને કારણે દિવસના ચોવીસ કલાક ઓછા લાગવા માંડ્યા.

ત્યાં તો કૃપા વરસી.. વર્ષો પહેલાંની ઈચ્છા અચાનક ફળી. શ્રીકાંત અને શ્રદ્ધા બે દિવસ પહેલાં આવ્યા ત્યારે શ્રીકાંતે કહ્યું ‘મમ્મી હવે ઘેર પાછા આવી રહો. સુજન પણ હવે ડોર્માએ ગયો છે. ઘર સુનુંસુનું લાગે છે. ગમતું જ નથી.’ શ્રદ્ધાએ કહ્યું ‘’પહેલાં તો જોબનું કારણ હતું. હવે રિટાયર્ડ થયા પછી આ ઉંમરે એકલા રહો તેથી અમારી ટીકા થાય છે.’

સુલુબહેને કહ્યું, ‘બેટા અહીં મારો મોટો પથારો છે. ઘણું જ વિચારવું પડશે. આવતા મહિને સિનિયર્સ સાથે ક્રુઝનો પ્રોગ્રામ છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની ટૂર બૂક કરાવી છે. અહિંના લોકલ કમિટમેન્ટ પણ છે જ. આવતા રવિવારે તમે અહીં આવશો ત્યારે આપણે ફરી વાતો કરી વિચારીશું.’ આજે શનિવારે સુલુબહેન બસમાં એટલાંટિક સીટી આવ્યા હતા. બેન્ચ પર બેસી વિચારતાં વિચારતાં ૪૦-૪૫ મિનિટમાં એટલા જ વર્ષોનો અતિત માનસ પટ પરથી સરી ગયો.

વધુ વિચારે તે પહેલા સેલફોન રણક્યો. ‘સુલુમાસી ક્યાં છો? બસ ઉપડવાનો સમય થઈ ગયો છે. તમારી જ રાહ જોવાય છે. જલ્દી આવો.’ સુલુમાસી યંત્રવત બસમાં બેઠા. તેઓ શાંત હતા. આંખ બંધ કરીને બેઠા હતા. ભારે મનોમંથન ચાલતું હતું. દીકરા વહુ બન્ને લેવા આવ્યા હતાં; પણ બન્નેની ભાવના અલગ હતી. એકને મા વગર એકલવાયું લાગતું હતું અને બીજાને સામાજિક પ્રતિષ્ઠા સાચવવામાં જ રસ હતો. શું કરવું? રવિવારે સવારે ઉઠ્યા. રાત દરમ્યાન નિર્ણય લેવાઈ ગયો. હૈયું હલકું થઈ ગયું. રસોઈની તૈયારી કરવા માંડી. ખાસ તો શ્રદ્ધાને ભાવતી પૂરણપોળી, લીલા કોપરાની પેટિસ, જીરા રાઈસ અને પંજાબી કઢી. બધું જ શ્ર્દ્ધાને ભાવતું તૈયાર થઈ ગયું.
મનનો ખળભળાટ શમી ગયો હતો. મન-હૃદય આત્મ વિશ્વાસથી પ્રફુલ્લિત થઈ ગયું હતું.
શ્રદ્ધા અને શ્રીકાંત સાંજે આવ્યા. આડીતેડી વાતો કરી, સાથે ડિનર લીધું. સુલુમમ્મીએ, ખૂબ જ આગ્રહથી શ્રદ્ધાને ભાવતી વાનગી પીરસી.
‘મમ્મી ક્યારે ઘર આવવું છે? સામાન ખસેડવા મુવરની વ્યવસ્થા કરવી પડશે ને! શ્રીકાંતે પૂછ્યું.
થોડીક ક્ષણો નિઃશબ્દ પસાર થઈ.
ધીમે રહીને સુલુબહેને વાત શરુ કરી.
‘જો બેટા તું તો ખૂબ જ સમજુ અને ઘડાયલો છે. એક માં તરીકે મને તારે માટે ખૂબ જ ગૌરવ છે. *'આઈ એમ પ્રાઉડ ઓફ યુ'.* મને કોઈ દીકરી નથી. શ્રદ્ધા જ મારી દીકરી છે. આપણે બધા એક હોવા છતાં આપણી જરૂરિયાતો જુદી જુદી છે. જો બેટા, રિટાયર્ડ થયા પછી મેં મને અનુકૂળ આવતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા માંડ્યો છે. ખૂબ મજા આવે છે. અને હવે મને પણ સ્પેસની જરૂર છે.”

વાતાવરણને ગંભીર થતાં અટકાવવાનો પ્રયાસ કરતાં બોલ્યા…
“અરે હાં, એક વાત કરવાની તો રહી જ ગઈ. અવતા વીકથી સ્વિમિંગ ક્લબમાં જવાની છું. સારી કસરત મળી રહેશે. હું આ ઉંમરે સ્વિમ કોસ્ચ્યુમ પહેરું તો વાંધો નથી ને?”

પણ હળવો પ્રશ્ન અનઉત્તર જ રહ્યો.
શ્રદ્ધાએ ધીમે રહીને કહ્યું, ‘તમો વડીલ છો. તમારો નિર્ણય અમને હમેંશા શિરોમાન્ય જ હોય છે. તમે આવશો તો શ્રીકાંતને ઘણું ગમશે; પણ જેવી તમારી ઈચ્છા.’ શ્રીકાન્ત મૌન હતો. કોન્ડોમાંથી બહાર નીકળ્યા પછી, હોલ વેમાં શ્રદ્ધા દબાયલા સાદે બોલતી સંભળાઈ, ‘થેન્ક્યુ શ્રીકાંત, લાગણીવેડામાં વધુ આગ્રહ ન કર્યો તે જ સારું કર્યું. અમે બે સ્ત્રીઓ સાથે ન રહીએ એમાં જ તારું કલ્યાણ છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED