Dariya nu mithu paani - 22 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 22 - ડોશી


અમદાવાદની એક જાણીતી એન્જીનીયરીંગ કોલેજનાં ત્રીસ વિદ્યાર્થીઓએ દિવાળીનાં વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટુરનું આયોજન કર્યું. ટૂર ચાર દિવસની હતી અને પ્રેરણા આપનાર હતાં કોલેજમાં હજુ નવા જોડાયેલ પ્રોફેસર સુનિલ સર અને તેઓ પણ આ ટૂરમાં જોડાયાં હતા.

અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક ડોશીમા એક નાના છોકરા સાથે ઉભા હતાં એણે હાથ ઊંચો કરીને બસને ઉભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનિલ રાજપૂતે બસ થોભાવીને બસમાં ડોશીમા અને છોકરા ને અંદર લઇ લીધાં. બસમાં ચડ્યા પછી ડોશીમા એ પોતાના છોકરાને પડખે સુવડાવીને આજુબાજુ જોઈને થોડાં કોચવાણા કે આ સરકારી બસ તો નથી એટલે એણે પૂછ્યું કે

"હે ભાઈ આ બસ મૂળ ધરાઇ નાં પાટિયા પાસે ઉભી તો રેહેને, ?? મારે ત્યાં ઉતરવું છે ને ભાડુ કેટલું થાશે?? મારી પાહે તો હવે આ પચાસ રુપરડી વધી છે, ખોટું ના લગાડતા હો ભાઈ આ બસ ઓલી લોકલ જેવી નથી લાગતી એટલે પૂછું છું"

ડોશીમાએ આટલું કીધું એટલે છોકરા છોકરીઓને મજા આવી કે સારું રમકડું હાથમાં આવ્યું છે. અને આમેય આ લોકો તો ફરવા જ નીકળ્યા હતાં એટલે બધાએ પોતાના કાનમાંથી ડટીયું કાઢીને મોબાઇલ નાંખ્યા ખિસ્સામાં અને બધા મનોરંજન માટે ડોશીમાની સીટ ની આજુબાજુ બેસી ગયાં. પ્રોફેસર સુનિલે ડોશીમાને શાંતિથી સમજાવીને કહ્યું કે તમારે ભાડુ નથી આપવાનું ને આ સરકારી બસ નથી અને અમે તમને જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતારી દઈશું. ડોશીમાને સારું લાગ્યું, બોલ્યાં.

" હે ભગવાન તમારું અભરે ભરે,!! તમારું બધાનું સારું થાય,!! નહીંતર ત્રણ બસ સાવ ખાલી હતી તોય મારા રોયાવે ઉભીય નો રાખીને વળી તમારામાં રામ રુદિયે આવ્યો કે તમે ઉભી રાખી નકર આ માંદા છોકરાને આ ડોશીનું જાને શુંય થાત"

" માડી તમારું કયું ગામ"? પ્રોફેસરે વાતનો દોર હાથમાં લીધો.

" શિયાનગર, મૂળ ધરાઇના પાટીયે ઊતરીને રિક્ષામાં જાવું છે!! બહુ આઘું નથી બે ત્રણ ચોટીયાવા થાય"

" તે આમ ધંધુકા શું ગ્યાતા માડી"?? નટખટ એવી પાયલે પૂછ્યું.

" એમાં એવું શેને કે આ છોકરાને બે દી થી તાવ આવે ને ગામમાં ડોકટર ન મળે તે મને થયું કે ધંધુકે મોટું દવાખાનું થયું છે તે લાવ્યને ન્યાં જઈ આવું. તે દવાખાને આવી તી" ડોશીમાએ સીટ પર સુવડાવેલા છોકરાને માથે હાથ ફેરવતાં કહ્યું.

" તે ઘરમાં કોઈ મોટા નથી તે તમારે આવવું પડ્યું?" હવે સ્વાતિએ પ્રશ્ન કર્યો. બાકીના સાંભળતા હતા બધાને કાઠીયાવાડી બોલીમાં રસ પડતો હતો.

" તે છેને ઉભા વાંસડા જેવા બે છોકરા ને એની બે ફુલ ફટકડીયું બાયું છે ને પણ એ ઘરે નથી પોલીસ પકડી ગઈ છે તે કાલે જામીન પર છૂટશે. ને હું તો એમ કહું કે અઠવાડિયું રાખે ને બરાબર ના ધબધબાવે તો કંઈક સુધરે બાકી મહિને બે મહિને એ બાધતા જ હોય છે" ડોશીમા એ એની હૈયા વરાળ કાઢી.

" તે માડી બાયુંને શું કામ પકડી ગયા"?? અભિજીતે પૂછ્યું.

" એ હું તો હતીય નહિ, મારા પિયર ગઈ તી મારા ભાઈના શ્રાદ્ધમાં, ને પછી આવીને કાલ્ય આવીને તે ખબર પડી કે આ બાધણૂ થયું છે, મારાથી મોટા જેઠ નું ઘર ને અમારૂ ઘર સામે સામે તે બપોર વચાળે છોકરા રમતા રમતા બાધ્યા ને તે પછી છોકરાની માયું બાંધ્યું,!! હે ભાઈ પેલા આવું ન્હોતું હો,!! પણ જ્યારથી આ ઊંચી એડિયું વાળી આવી છે ને ત્યારથી દાટો દેવાઈ ગયો છે દાટો!!! એ રૂપાળિયુએ જઈને એના ધણીને કીધું ને , તેય એય અક્કલમઠ્ઠા!! એય બાધ્યા.!! ચાર અમારાં ને ચાર એ, આવ્યા લાકડીએ લાકડીએ, તે મારા બેય દીકરાને પગે વાગ્યું ને, સામેવાળાના બેય ભાઈના હાથ ભાંગી ગ્યા,!! કાકા દાદા ના બાધ્યા,!! બોલો કેવો ક્લજગ આવ્યો બોલો.." ડોશીમા એ શ્વાસ લીધો અને ફરી થી ચલાવ્યું.. બસમાં શાંતિ છવાઈ ગઈ બધાને વાતમાં રસ પડ્યો.

" તે સામે સામી ફરિયાદ થઇ, પોલીસ આવી. સામે વાળા એ મારા છોકરાની હારોહાર વહુઓના નામ લખવ્યા તે મારા છોકરાએ પણ એવું જ કર્યું, તે આઠેય ને પોલીસ બઠાવી ગઈ. એક દી રાખ્યા હોસ્પિટલમાં ને પછી લઇ ગયા એને ચોકીએ અને કાલે કદાચ બધાને જામીન મળે એમ ગામનો જીવલો કહેતો હતો,!! જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો !!પણ તમે એને નો ઓળખો હો !! ડોશી એ કીધું.

" તે આ તમારો છોકરાનો છોકરો છે" ??મિત્તલે પૂછ્યું.

" ના હો મારા છોકરાના છોકરા તો બેય ઘરે છે આ તો સામેવાળા નો છોકરો છે, માંદો હતો તે હું દવાખાને લાવી," ડોશીમા એ જાણે બૉમ્બ ફોડ્યો, અને બસમાં શાંતિ છવાઈ ગઈ, એક ડોશીની વાત સાંભળીને સહુ મૂંગા મંતર થઇ ગયાં. કોઈ કશુંય બોલ્યું નહિ. પ્રોફેસર સુનિલે કહ્યું

" માડી સામેવાળા એ તમારા છોકરાઓ અને એના વહુઓ પર કેસ કરીને પોલીસ ચોકીમાં પૂર્યા તોય તેનાં છોકરાને તમે કેમ દવાખાને લાવ્યા, સમજાયું નહિ,"

" તે એમાં શું સમજવાનું,?? વાંક મોટા નો હોય તો એમાં આ ગગા એનું શું બગાડ્યું મારું,?? અને જે હતા એ ને તો પોલીસ લઇ ગઈ, એના ઘરમાં એક દીકરી છે એને સીમંત કરીને તેડી આવ્યા હજુ અઠવાડિયા પહેલાં!! એય બિચારીને સામા મહિના જાય એટલે એતો નો જઈ શકે, એ તો રોતી તી, એક બાજુ એની તબિયત નહિ સારીને ને આને તાવ મગજમાં ચડી જાય એવો. તે હું ગઈ ને મેં કીધું રો મા ભલે ને બાધ્યા, એ રોયા !! આપણે કુટુંબ થોડું મટી જાવાનું છે, ને લાવ્ય હું ધંધુકે લઇ જાવ આને, પણ મારી પાસે પૈસા નહિ કે એની પાસે પૈસા નહિ !! અને ડોશી ઓને તો પૈસા કોણ આપે?? અત્યારના છોકરા પૈસા તો ખુબ કમાય પણ એની ફેશનેબલ બાયુંને ધરવે,!! પેલા આવું ન્હોતું હો,!! વળી મને વિચાર આવ્યો ને કે ઘરમાં ઘી પડ્યું છે ને , તે વાણિયાની દુકાને જઈને વેચી આવી ને પાંચ સો રૂપિયા આવ્યા ને સાડી ચારસો ખર્ચો થયો, ને આ વળી પચાસ રુપરડી વધી છે" ડોશીમા જાણે માનવતાના બૉમ્બ ઉપરા ઉપરી ફેંકતા હતાં. સહુ છક થઇ ગયાં હતાં. સાંભળી રહ્યા હતાં. ડોશીની અનુભવ ગીતા!!

વળી ડોશીમા બોલ્યા.

" હું તો તમને બધાય ને કહું છું કે બાધશોમાં,!! શું તમારે વેંચી લેવું છે,?? શું કામ તમે પાટવે આવો છો એક બીજા. વળી મુઈ હું એક વાત ભૂલી ગઈ કે સામેવાળા પાસેથી અને અમારા પાસેથી પોલીસ દહ દહ હાજર લઇ ગઈ બોલો, એમ જીવલો કહેતો તો, જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો પણ તમે એને ના ઓળખો,!! ગમેં ત્યાં બાધણું થાય એટલે પેલા જીવલો આવે અને પછી પોલીસ આવે!! પછી એ જીવલો ગામમાંથી બેયના જામીન ગોતે!! પછી જેવું કળ એવાં પૈસા પડાવે!! હવે આજે જીવલો અમારા ને એના બેયના જામીન ગોતશે થોડા થોડા પૈસા લઇ જાહે,!! તો વળી આપણે રળી રળી ને બીજાને જ ધરવવાનાને હે!! ,આ તમારા સાહેબ ને પૂછો મારી વાત સાચી કે ખોટી,?? હું તો તમને એજ કહું છું કે મોટા થઈને ભલા આદમી બાધશો નહિ ને બાયડી કે એમ કરશોજ નહિ,!!અમારેય પેલા બેય સીધાજ હતાં, પણ જ્યારથી ઊંચી એડિયું વળી આવી ને ત્યારથી દાટ વળી ગયો દાટ!!" હું તો તો તમનેય કહું છું કે તમે બધીય છોડીઓ આ ટૂંકા ટૂંકા કપડામાં કેવી રૂપાળીયુ લાગો છો નહિ!! પણ તમારા લગ્ન થાશે પછી ધ્યાન રાખજો દીકરીયું એય બાધશો નહિ હો!! અને આ દીકરાઓને પણ કહું છું તમેય ભાયું ભાયું બાધશો નહિ.ખરા ટાણે ભાયું જ કામ આવે બાયું નહિ!! પેલા આવું નોતું હો!! ભાયું બધાં હવે ગરીબ ગાયું જેવા થઇ જાય છે જયારે માથાભારે બાયું આવે ત્યારે!! પેલા આવું નોતું હો!! કપડાં પણ ટૂંકા અને જીવ પણ ટૂંકા હો !!

ડોશી એ વાત પુરી કરીને ડ્રાઈવરે બસ ઉભી રાખી કીધું કે "મૂળ ધરાઈ આવી ગયું" ડોશીમા ઉભા થયાં છોકરાને બેઠો કર્યો અને કીધું.

" એય સાહેબ તમારું ને આ તમારા નિશાળિયાનું સારું થાયે,!! અભરે ભરાહે તમારું બધાનું!! એય મારો વાલીડો તમારું સારું કરે"!! અને જવા રવાના થયા કે પ્રોફેસરે પૂછ્યું કે "માડી તમારું નામ શું એ તો કેતા જાવ..."

" મારું નામ કમુ" કહીને ડોશી નીચે ઉતર્યા ને કેમ જાણે છોકરાઓને શુંય સુજ્યું કે બધાં ઉભા થયાં અને બે મિનિટ સુધી સુધી કમુ માના માનમાં તાળીઓ પાડી. જીવનનો એક મહત્વનો પાઠ તેઓ ધંધુકા થી મૂળ ધરાઈની વચ્ચે શીખી ચુક્યા હતાં. બધાનાં મગજ માં એક જ વાક્ય ઘૂમતું હતું કે
*ભલા થઈને બાધશો નહિ...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED