મન્મથ અને રતિ અમર અનંત પ્રેમનાં દેવ-દેવી ગણાય છે. આ સુંદર યુગલનો પ્રેમ વસંતઋતુમાં વધુ મહોરી ઊઠતો. ફૂલ, કળી, કોયલ, પોપટ, મધમાખી, લીલાંછમ વૃક્ષો વગેરે એમના સાથીદાર હતાં.
એક દિવસ મન્મથના પિતા’ વિષ્ણુએ એને બોલાવીને કહ્યું, “મારે તને એક બહુ કઠિન કામ સોંપવું છે. ઊંડા ધ્યાનમાં બેઠેલા શિવને જગાડવાની આવડત અને શક્તિ માત્ર તારામાં છે. એકવાર તું આ કરે તો પછી એ આંખો ખોલીને પાર્વતી સામે જોશે. તું તો પ્રેમનો દેવતા છે. શિવને તારા બાણ મારીને પાર્વતીના પ્રેમમાં પાડી દેજે."
આ સાંભળતાની સાથે મન્મથને કંપારી છૂટી ગઈ. “પિતાજી, તમે મને આગ સાથે રમત કરવાનું કહો છો. શિવજી કોઈ સામાન્ય દેવ નથી. એ તો સંહારના ઈશ્વર છે. એમણે ગુસ્સામાં આવીને ત્રીજું નેત્ર ખોલી નાખ્યું તો શું થાય એ તમે જાણો છો. એમનું તાંડવનૃત્ય તો તમે જોયેલું. દક્ષયનીના અગ્નિસ્નાન પછી ક્રોધે ભરાયેલા શિવને તમે પણ શાંત નહોતા પાડી શક્યા. ભગવાન બ્રહ્માએ માંડમાંડ એમને શાંત કર્યા અને સૃષ્ટિનો વિનાશ થતો થતો રહી ગયો. આવા શિવજીના રોષની સામે ટકી રહેવાનું મારું ગજું નથી. મહેરબાની કરીને મને મોતના મુખમાં ધકેલવાનું માંડી વાળો.”
વિષ્ણુએ પછી કડક અવાજે કહ્યું, “મન્મથ, હું જાણું છું કે શિવજીનો સ્વભાવ બહુ આકરો છે, પરંતુ એ ન ભૂલો કે એ બહુ દયાળુ પણ છે. પત્નીના મૃત્યુનું નિમિત્ત બનેલા સસરાને પણ એમણે છેવટે પુનર્જીવિત કર્યા. એ એક જ એવા દેવતા છે, જે પોતાના ભક્તોને એટલા ચાહે છે કે ખુદને નુકસાન થતું હોય તોયે વરદાન આપી દેતાં અચકાતા નથી. તારી સાથે કંઈ અઘટિત બની જાય તોયે મને ખાતરી છે કે શિવ અંતે તો મારી સહાય કરશે જ. બહુ જોખમી લાગે એવું આ કામ તારે કરવું તો પડશે જ. આખી દુનિયાના અસ્તિત્વનો હવે સવાલ છે."
મન્મથ અને રતિ આ બધું સાંભળ્યા પછીયે જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતાં થયાં. એ જોઈને વિષ્ણુએ છેવટે કહી દીધું, “આ તારી ફરજ છે. એ તું નહીં નિભાવે તો તારકાસુર દુનિયા આખીને ત્રાસ આપતો રહેશે. શિવ-પાર્વતીના પુત્રનો જન્મ નહીં થાય તો તારકને રોકવાવાળું કોઈ નહીં રહે. એ બધાંનું પાપ તારા અને માત્ર તારા માથે આવશે.”
મન્મથ સમજી ગયો કે વિષ્ણુએ સોંપેલું કામ કર્યા વિના છૂટકો નહોતો. મનેકમને એ રતિ સાથે કૈલાસ પર્વત ભણી ઊપડ્યો. ત્યાં એમણે ઊંડા ધ્યાનમાં બેઠેલા શિવ અને પ્રેમભાવે શિવજીને તાકી રહેલી પાર્વતીને જોયા. મન્મથ કામે લાગ્યો. એણે એના બધા સાથીદારોને મદદ માટે બોલાવ્યા. એના મુખ્ય વાહન પોપટની સાથે ગણગણાટ કરતું મધમાખીઓનું ટોળું અને વસંતના દેવ પણ આવી પહોંચ્યા. થોડી જ વારમાં વેરાન, ઠંડાગાર કૈલાસ પર્વતમાં વસંતઋતુ ખીલી ઊઠી. બરફ પીગળીને ખળખળાટ કરતા ઝરણાની જેમ વહેવા લાગ્યો. બરફ નીચે ઢંકાઈ ગયેલા વૃક્ષનાં પાંદડાં લાલ અને લીલાંછમ થઈને સૂર્યપ્રકાશમાં ઝળહળવા લાગ્યા, રંગબેરંગી ફૂલ ખીલી ઊઠ્યાં. એમની સુગંધ અને પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ભરાઈ ગયું. કૈલાસ પર પ્રેમ કરવાની ઋતુ આવી ગઈ, પણ સમાધિમાં બેઠેલા શિવ પર એની કોઈ અસર ન થઈ. એમની આંખો બંધ જ રહી.
રતિ અને મન્મથે શિવની સામે પોતાનું અદ્ભુત નૃત્ય કર્યું. જોનારા મુગ્ધ થઈ ગયા, પણ શિવની સમાધિ તૂટી નહીં. બીજી તરફ પાર્વતી પર આ સુંદર વાતાવરણનો જાદુ ચાલી ગયો. એણે વધુ ઉત્કટભાવે શિવને જગાડવા માટે પ્રાર્થના કરી, પરંતુ જાગે તો શિવ શાના? એ તો બંધ આંખે સ્થિર મુદ્રામાં બેસી રહ્યા.
આમ ને આમ દિવસો વીતી ગયા. મન્મથ ઊંચોનીચો થવા લાગ્યો. એની કોઈ યુક્તિ કામ નહોતી કરતી. છેવટે એણે એનું અંતિમ શસ્ત્ર અજમાવવાનું નક્કી કર્યું. શેરડીના સાંઠામાંથી બનાવેલું એનું ધનુષ્ય અને ફૂલના પાંચ બાણ હાથમાં લીધા. પાંચેય બાણની અણી પર જુદાં જુદાં પ્રકારનાં ફૂલ હતાં શ્વેત કમળ, નીલ એટલે કે ભૂરું કમળ, જૂઈ, આંબામહોર અને અશોક વૃક્ષ પર ઊગતું ફૂલ. આમાંથી એક બાણનો અછડતો સ્પર્શ પણ થાય તો માણસ પ્રેમઘેલો થઈ જાય. મન્મથે તો શિવને પાંચે પાંચ બાણી મારી દીધા.
શિવને ફૂલની જેમ હળવેથી સ્પર્શીને બાણ નીચે પડ્યા. એમણે આંખો ખોલી, પરંતુ એમાં પ્રેમને બદલે ક્રોધની આગ ભડભડી રહી હતી. કોણે એમની તપસ્યાનો ભંગ કર્યો?
શિવની નજર પછી મન્મથ પર પડી, જેણે મીઠુંમધુરું સ્મિત કર્યું. શિવ મૌન રહ્યા. એટલે મન્મથે તો માની લીધું કે એના બાણનો જાદુ ચાલી ગયો. પરંતુ એ ખોટું ધારી બેઠેલો મન્મથને હસતો જોઈને શિવના ક્રોધનો પારા વધુ ઊંચે ચઢી ગયો. એમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું. એવું કહેવાય છે કે. શિવની ત્રીજી આંખ ઊઘડી ગયાનો આ એકમાત્ર પ્રસંગ છે. એમાંથી નીકળેલી જ્વાળાએ મન્મથને એક પલકારામાં જ ભસ્મીભૂત કરી દીધો. પછી રાખનો ઢગલો જોઈને શિવનો ક્રોધ ઠર્યો અને એમની ત્રીજી આંખ બંધ થઈ. એ ઊભા થવા અને કંઈ જોવા કે બોલ્યા વિના ત્યાંથી ચાલતા થયા. પોતે ધ્યાનમાં સ્થિર ન રહી શક્યા, એની હતાશા શિવને હતી. એમની તપસ્યાનો ભંગ થઈ ગયેલો બાપડો મન્મથ! એણે આપેલું બલિદાન સાવ એળે ગયું.
રતિ આઘ્યાતની મારી જમીન પર ઢળી પડી છાતીફાટ રુદન કરતાં એ બોલી રહી હતી "પ્રિય પતિ, આપણે તો સદાકાળ સાથે ને સાથે રહેવાનું હતું. તમારા વિના હું કેમ કરીને જીવી શકીશ? શિવે મને પણ કેમ બાળીને
રાખ ન કરી નાખી?”
પાર્વતીએ રતિને આશ્વાસન આપવા માટે પોતાનાથી બનતા પ્રયત્ન કવી. બિચારો મન્મથ એને મદદ કરવાના પ્રયાસમાં પોતાનો જીવ ખોઈ બેઠો. આ વાતનું પાર્વતીને દુઃખ હતું. બીજી તરફ ગુસ્સો પણ આવી રહ્યો હતો કે શિવની આટલી ભક્તિ અને સેવા કર્યા પછીયે એમણે તો આંખ ખોલ્યા પછી પાર્વતી પર નજર સુધ્ધાં નહોતી નાખી
અપમાનિત થયેલી પાર્વતીએ ત્યાં ને ત્યાં નિર્ણય કરી લીધો કે, “હું હવે શિવની પાછળ દોડવાની નથી. એક દિવસ એ સામે ચાલીને મારી પાસે આવશે. ત્યાં સુધી હું થોર તપસ્યા કરીશ.” આવું નક્કી કરીને પાર્વતી કૈલાસ પર્વત પરથી ઊતરી ગઈ.
રતીકકળતી રતિએ વિષ્ણુને પૌકાર પાડ્યો. “પિતાજી, તમે અમને સાથ આપવાનું મદદ કરવાનું વચન આપેલું. હવે અમને તમારી જરૂર પડી છે.” વિષ્ણુ તરત પ્રગટ થયા. એમને પણ અહીં બની ગયેલી ઘટનાથી બહુ આદ્યાત અને હતાશાની અનુભવ થયો. એમણે રતિને કહ્યું, “પુત્રી, તું આટલી દુઃખી ન થા. હું મન્મથને પાછો જીવિત કરીશ, પણ એ હવે માનવરૂપમાં નહીં દેખાય, એનું કોઈ શરીર નહીં હોય, પણ એ હંમેશાં લોકોના વિચારોમાંથી જન્મતો રહેશે અને તમે બંને હંમેશાં સાથે રહેશો. જ્યારે પણ, જ્યાં પણ પ્રેમની વાત થશે ત્યાં તમે અદશ્યપણે પ્રગટ થશો. એ હવે મનોજ અને અનંગના નામે પણ ઓળખાશે. મનોજ એટલે જે મનમાંથી જન્મે અને અનંગ એટલે જેનું શરીર નથી, તમે કરેલા ત્યાગને દુનિયા હંમેશાં યાદ રાખશે.
મન્મથના બાળવા-બળવાની ઘટના હોળી' સાથે સંકળાયેલી છે, જેના બીજે દિવસે સામાન્ય રીતે હળવો વરસાદ પડે છે. પતિ ગુમાવ્યા પછી રુદન કરી રહેલી રતિની આંખમાંથી જે આંસુ પડ્યાં, એ હજીયે વરસાદના ટીપાં બનીને વરસતા હોવાનું કહેવાય છે.”