ડાયરી - સીઝન ૨ - બુરા ન માનો હોલી હૈ.. Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - બુરા ન માનો હોલી હૈ..

શીર્ષક : બુરા ન માનો હોલી હૈ
લેખક : કમલેશ જોષી
મિત્રો, સૌથી પહેલા એ કહો કે આ તમારી કેટલામી હોળી-ધૂળેટી છે? વીસમી, ત્રીસમી કે પચાસમી? કેટલામી? હવે યાદ કરો કે હોળી-ધૂળેટી વિશે સૌથી પહેલી વખત તમે શું સાંભળ્યું હતું? શું સમજ્યા હતા? બાળપણમાં કદાચ આપણી પહેલી હોળી હશે ત્યારે આપણા મામા આપણે ત્યાં આવ્યા હશે. એમણે કોઈ ભડભડ બળતા ભડકાની ફરતે આપણને ફેરવ્યા હશે ત્યારે તો આપણને કશું સમજાયું પણ નહિ હોય, પરંતુ બે કે ત્રણ વર્ષના થયા ત્યારે કદાચ શેરીમાં મમ્મીએ આપણને પિચકારી પકડતાં શીખવ્યું હશે, મમ્મીએ વહાલથી આપણા ગાલે પીળો અને ભાલે લાલ રંગ પણ લગાડ્યો હશે ત્યારેય કદાચ આપણે એને એક મસ્ત ‘રમત’થી વધુ નહિ સમજી શક્યા હોઈએ. ધીરે ધીરે આપણે ડોલમાંથી પિચકારી ભરતા, એનો પાછલો દંડો દબાવી કે એ બંદુક જેવી હોય તો પ્લાસ્ટીકનું નાનકડું ટ્રીગર દબાવી ઝીણી અમથી શેર કોઈના પર ઉડાડતા શીખ્યા હોઈશું. ત્યારે શું આપણને ખબર હતી કે શેરી-ગલીના મોટેરાઓ હોળી-ધૂળેટી શા માટે ઉજવે છે? તમે કહેશો કે ‘લે, એટલી નાની ઉંમરે કોને ખબર હોય કે હોળીનો શું ઈતિહાસ છે અને ધૂળેટીનું શું મહત્વ છે?’, તો તમારે મારા સોશિયલ ઓબ્ઝર્વર મિત્રને ચોક્કસ સંભાળવો પડે.
ધુળેટીના અઠવાડિયા પહેલા એણે અમને ચોંકાવનારી વાત કરી.
‘તમે જાણો છો કે હોળી વિષે નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા સિવાયની જગ્યાએ, ખુલ્લા મને અને મૌલિકતાથી શું વાતો થાય છે?’
અમે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું એટલે એ બોલ્યો, ‘જુવાનીયાઓ કહે છે કે હોળી એટલે દિલથી દિલ મેળવવાનો તહેવાર, પેલું ગીત છે ને, હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ, રંગો મેં રંગ મિલ જાતે હૈ..'
એ અટક્યો એટલે અમારા ટીખળી મિત્રે કહ્યું, ‘એમાં ખોટું શું છે? તું ફિલ્મોમાં નથી જોતો? હોળી-ધૂળેટી એટલે આઈ લવ યુ થી શરુ કરી ભીતરે દબાવી રાખેલા તમામ ગાંડાવેળાને એક વાર મન ભરીને છુટ્ટા મૂકી દેવાનો તહેવાર નથી તો બીજું શું છે?’ સોશિયલ ઓબ્ઝર્વર મિત્રની આંખોમાં થોડી ‘ખીજ’ ઉપસી પણ ટીખળીને એનાથી જરા પણ ફરક ન પડ્યો.
‘તું યાર બધી વાતમાં ઓવર થીંકીંગ કરવાનું રહેવા દે...’ આટલું કહી એણે ઓબ્ઝર્વરના ખંભે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું.
‘સાચી વાત તો એ છે કે બહુ ગંભીર ગંભીર વિચારી વિચારીને તું પણ એક પ્રકારનો મેન્ટલ કેસ જ થઈ ગયો છે, મારું માન તો આ વખતની ધૂળેટીના દિવસે પચ્ચીસ ત્રીસ ફુગ્ગાઓમાં રંગીન પાણી ભરી તારી અગાસીએ ચઢી જજે અને મુક્ત મને શેરીમાંથી જે કોઈ પરિચિત નીકળે એના પર નિશાન લઈને એ ફુગ્ગો ફેંક્જે. અને જો એના ટકલા પર ફુગ્ગો ફૂટે અને પેલો તારી સામે જુએ તો જોરથી બોલજે... બુરા ન માનો હોલી હૈ... તું જોજે.. તારો એ પરિચિત પણ મસ્તીમાં આવી જશે..' અમે સૌ હસું-હસું થતા ટીખળી અને ઓબ્ઝર્વરને તાકી રહ્યા. ઓબ્ઝર્વરના ચહેરા પર સહેજ સ્મિત તો આવ્યું પણ એની આંખોમાં છલકતો કોન્ફિડેન્સ જોઈ ટીખળીને ગુગલી ‘ફેલ’ ગયો હોય એવું લાગ્યું. ઓબ્ઝર્વર બોલ્યો, ‘દોસ્ત.. જો આવા ગાંડા જ કાઢવા હોય તો એ માટે આપણે હોળી કે ધૂળેટી જેવા તહેવારની રાહ શા માટે જોવી જોઈએ, એ માટે દર મહિનાનો પહેલો રવિવાર ફિક્સ કરી નાખીએ અને પરિચિતોને ઘરે આમંત્રણ આપીએ, ને દે ધનાધન જામી પડીએ એવું ન થઈ શકે?’ આટલું કહી સહેજ ગંભીરતાથી એણે ઉમેર્યું, ‘આપણે આપણી ત્રીજી કે પાંચમી હોળી વખતે અણસમજુ હોવાને લીધે ભીતરે પ્રહલાદ રૂપી બીજ વાવવાનું ઇગ્નોર કરીએ, વીસમી-પચ્ચીસમી હોળી વખતે જુવાનીનું જોશ હોય એટલે મસ્તીના નશામાં પ્રહલાદની વાત ન સમજીએ અને જીવન આખું ઊંધું ચત્તું કરીને વૃદ્ધ થઈએ ત્યારે તો ભીતરે રગે રગમાં વ્યાપી ગયેલા હિરણ્યકશિપુ છાપ શેતાની વિચારોની લોખંડી કિલ્લેબંદીને લીધે આપણી ભીતરે પ્રહલાદ પ્રવેશી જ ના શકે. તો પછી આવી ગાંડા કાઢવાની રમત હોળી કે ધૂળેટીને દિવસે રમવાનો કોઈ અર્થ ખરો?’ અમે સૌ ક્યાંય સુધી ખામોશ બેસી રહ્યા.
ધૂળેટીના દિવસે પોલીસે ગોઠવવા પડતા બંદોબસ્ત, આવારાગર્દી, ગુંડાગર્દી કરતી કેટલીક ટોળકીઓ, પોલીસ સ્ટેશન બહાર ‘પકડી’ને બેસાડવામાં આવેલા બદમાશોના ટોળાઓ જોઈને આકાશના ઝરુખેથી પ્રહલાદ જુએ તો શું વિચારે? નાનપણમાં દાદીમાના ખોળામાં સુતા સુતા, સાંભળેલી હિરણ્યકશિપુ અને પ્રહલાદની વાર્તા કહેતી વખતે દાદીમાનો હેતુ શું હતો? આપણને ‘નિંદર આવી જાય’ એ ? કે આપણી ભીતરે પ્રહલાદત્વ ‘જાગે’ એ? પ્રહલાદત્વ એટલે પ્રહલાદની થીયેરી હોં. શું હતી પ્રહલાદની થીયેરી? ઈશ્વર એટલે કે પોઝીટીવ એનર્જી બધે જ છે. એ થાંભલા જેવા નિર્જીવ, નિષ્ફળ લાગતા વ્યક્તિમાં પણ છે. બસ થોડું મોટીવેશન, થોડું પ્રોત્સાહન, થોડો ટેકો મળી જાય તો હિરણ્યકશિપુ જેવી ભયંકર નેગેટીવીટી કે નિરાશા કે રોગમાંથી પણ માણસ ફરી બેઠો થઈ શકે છે એવી ફલશ્રુતિ પ્રહલાદની આખી લાઈફમાંથી સમજવા જેવી છે.
મિત્રો, દરેક વ્યક્તિ હિરણ્યકશિપુ ટાઈપની નેગેટીવીટીથી ઘેરાયેલો છે. ‘મોંઘવારી છે’ થી શરુ કરી છેક ‘કળિયુગ છે’ સુધીની અનેક નેગેટીવ વાતો અટ્ટહાસ્ય કરીને એને ડરાવી રહી છે. હોળી-ધૂળેટી નજીક છે ત્યારે આ અઠવાડિયું આપણી આસપાસના મિત્રો-પરિચિતોના ખભ્ભે હાથ મૂકી ‘ડોન્ટ વરી, ઈશ્વર છે, બધું મસ્ત થઈ જશે’ એવી પ્રહલાદ ટાઈપ પોઝીટીવીટીનો પ્રાણ એમનામાં ફૂંકવા પ્રયત્ન કરીએ તો કેવું? ધૂળેટીના દિવસે અંગતોના ગાલ પર લાલ-લીલા-પીળા રંગો સાથે સાથે એમની સારી બાબતો, એમના એચીવમેન્ટસ પણ થોડા હાઈલાઈટ કરીને, એમને ‘વેરીગુડ’ કહીને એમની ભીતરે થોડો ઉત્સાહ, ઉમંગ અને મોટીવેશનનો રંગ પણ ભરીને ‘એનું દિલ ખીલવીએ’ તો કેવું? મિત્રો, આવું કરીશું તો આકાશે ઈશ્વરના ખોળામાં બેઠેલો ‘પ્રહલાદ’ પણ કદાચ હરખાઈ જશે અને આપણને નાનપણમાં એની વાર્તા કહેનાર દાદીમાની આંખોમાં પણ અનોખો ખુમાર જોવા મળશે એવું મારું તો માનવું છે. તમે શું માનો છો? બાકી, આપણી સલાહ તમને ન ગમી હોય તો ‘બુરા ન માનો હોલી હૈ...’
હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)
(ગઈકાલની લોકસત્તા-જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત)