ડાયરી - સીઝન ૨ - હિસાબ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - હિસાબ

શીર્ષક : હિસાબ
લેખક : કમલેશ જોષી
અમે કોમર્સમાં ભણતા ત્યારે વાર્ષિક હિસાબો ભણવાના આવતા. કાચા સરવૈયાથી દાખલાની શરૂઆત થતી, તે વાયા વેપારખાતું અને નફાનુકસાન ખાતું થઈ પાકા સરવૈયા સુધી પહોંચતી. ત્યારે તો દરેક વિદ્યાર્થી, મેચની છેલ્લી ઓવર વખતે ખેલાડીઓ અને ક્રિકેટરો અનુભવે છે એવી અથવા ચૂંટણીના પરિણામની આગલી રાતે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો અનુભવે છે એવી ઉતેજના, સસ્પેન્સ અને ટેન્શન અનુભવતો. નિયમ એવો હતો કે પાકા સરવૈયાની ઉધાર અને જમા એટલે કે મિલકત લેણા અને મૂડી દેવા એ બંને બાજુનો સરવાળો એક સરખો થઈ જવો જોઈએ. અમારા સાહેબ એને ‘ટાંટિયા મળી જવા’ કહેતા. બારથી બાવીસ મિનીટ સુધી ચાલતા આ દાખલાઓમાં જયારે પાકા સરવૈયામાં બંને બાજુના સરવાળા સરખા આવતા ત્યારે જાણે ગંગા સ્નાન કરીને ‘પવિત્ર’ થઈ ગયા હોઈએ ત્યારે અનુભવાતી અથવા કોર્ટ કેસમાં જજ સાહેબ કોઈને સંપૂર્ણ નિર્દોષ જાહેર કરે ત્યારે અનુભવાતી અથવા તો (કદાચ) મૃતાત્માના આ જન્મના તમામ હિસાબો ચકાસી ચિત્ર ગુપ્ત એને ‘નિષ્પાપ’ કે ‘સ્વર્ગનો અધિકારી’ જાહેર કરતો હશે ત્યારે મૃતાત્માને અનુભવાતી ‘હળવાશ’ સમગ્ર વર્ગ ખંડના તમામ વિદ્યાર્થીઓ અનુભવતા. (ઓહ માય ગોડ! કેવા કેવા રૂપકો અપાઈ ગયા નહિ?)
શું માર્ચ એન્ડીંગ વખતે ઓડીટ અને ‘ટાંટિયા મેળ’ની ભયંકર વ્યસ્તતા જેમ વેપારીઓ અને સંસ્થાઓ અનુભવે છે એમ લાઈફ એન્ડીંગ વખતે પણ આપણી પાસે કોઈ ‘હિસાબ’ માંગવામાં આવશે? જેમ ઈ.ડી. અને ઇન્કમટેક્સ જેવી સંસ્થાઓના અધિકારીઓ ‘દરોડા’ પાડે છે એમ આપણા જીવન ઉપર પણ ચિત્ર ગુપ્ત અને એનો સ્ટાફ ‘રેડ’ પાડશે અને પાઈ એ પાઈ નહિ તો ઈશ્વરે લોન સ્વરૂપે આપેલા શ્વાસો અને એનર્જીનો હિસાબ માંગશે? હોસ્પિટલમાંથી છ મહીને સ્વસ્થ થઈને આવેલા, વ્હીલચેર પર બેઠેલા એક વડીલે કહ્યું કે ‘આઈ.સી.યુ.ના બેડ પર કે ઓપરેશન થીયેટરમાં, એનેસ્થેસિયાની અસર તળે બંધ આંખે સૂતેલો જીવાત્મા એટલી ક્ષણો, મિનિટો કે કલાકો માટે તો ચોક્કસ ઈમાનદારી અને સચ્ચાઈ પૂર્વક આખી જિંદગીનો હિસાબ કોઈ અદૃશ્ય શક્તિ સમક્ષ રજુ કરતો હશે એવું મારું તો મારા અનુભવે માનવું છે.’ તો શું બેભાન કરવા અપાતા એનેસ્થેસિયાની અસર તળે આપણે ખરેખર ‘ભાન’ માં આવીએ છીએ અને જેવી એની અસર ઓછી થાય અને આંખો ખોલીએ કે તરત જ ફરી કોઈ બેકાબુ ‘બેહોશી’ આપણને ઘેરી વળે છે?
અમે ભણતા ત્યારે ધંધાના મુખ્ય તો ત્રણ પ્રકાર ભણવાના આવતા: એકાકી વેપારી, ભાગીદારી પેઢી અને કંપની. જિંદગીના પહેલા પચ્ચીસ વર્ષ ‘એકાકી વેપારી’ની જેમ એકલું જીવતા આપણને લાગે કે હવે જિંદગી જીવવાના ધંધામાં ફાવટ આવી ગઈ છે, હવે વધુ ડેવલપમેન્ટની જરૂર છે એટલે આપણને અનુકુળ ‘જીવન સાથી’ એટલે કે ‘લાઈફ પાર્ટનર’ સાથે ભાગીદારીમાં જીવનનો ધંધો વિકસાવતા આપણે જીવનના સંધ્યા કાળ સુધીમાં બાળકો અને એના બાળકોથી છલકાતી બહુ વિશાળ ‘કંપની’ તો ઉભી કરીએ છીએ પણ એના ‘હિસાબ’ની ચિંતા કદી કરી છે ખરી? ધંધાના ‘ચોપડા’ની જેમ ‘જિંદગી ના ચોપડા’ વિશે કદી મંથન કર્યું છે ખરું? જો કર્યું હોય તો શું ‘ટાંટિયા મેળ’ થાય છે ખરો? દર કલાકે લગભગ હજાર અને દર વર્ષે લગભગ પંચ્યાશી લાખ જેટલા શ્વાસ ‘વેંચીને’ આપણે ખરેખર શું ‘ખરીદી’ રહ્યા છીએ? અને જે ‘ખરીદી’ રહ્યા છીએ એ જયારે આપણે પૃથ્વી છોડી ‘માદરે વતન’ પાછા જઈશું ત્યારે ‘ભેગું’ તો આવશે ને? કેમ કે પરદેશથી પાછો આવતો વ્યક્તિ અમુક વજનથી વધુ કે પ્રોહીબીટેડ હોય એવી કોઈ ‘વસ્તુ’ સાથે લઈ જઈ શકતો નથી એમ પૃથ્વી છોડીને જઈએ ત્યારે પણ ‘ન હાથી હૈ, ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ, સજન રે જુઠ મત બોલો’ જેવું થશે. આપણે આખી જિંદગી ‘એક એક શ્વાસ ની કીંમત ચૂકવીને’ એવી જેટલી વસ્તુઓ ‘એકઠી’ કરી હશે જે ‘ઉપર પ્રોહીબીટેડ’ છે એ તમામ વસ્તુઓ આપણા ગયા પછી આપણા ‘વારસદારો’ ભાગે પડતી વહેંચી લેશે, વાપરશે અથવા વેડફી નાખશે, માટે બી કેરફુલ.
મિત્રો, માર્ચ એન્ડીંગ એટલે નાણાકીય વર્ષનો આખરી દિવસ. એક વેપારી મિત્ર આ દિવસે પણ એકદમ સ્વસ્થ, ફ્રેશ અને ફ્રી દેખાતો હતો. એને ‘ટેન્શન ફ્રી’ હોવાનું કારણ પૂછતાં જવાબ મળ્યો ‘આપણે હિસાબ માટે છેલ્લા દિવસની રાહ નથી જોતા, બધું ડે ટુ ડે, અપડેટ રાખીએ છીએ, ઘણી વાર છેલ્લે સમય મળતો નથી અને હિસાબમાં બહુ ગોટાળા થઈ જાય છે એટલે ખોટી અને મોટી પેનલ્ટી ભોગવવી પડે છે.’ ઓહ, તારી..! એણે સહજતાથી કહેલી વાત તો આખી જિંદગીને ટેન્શન ફ્રી કરી, મૌજથી જીવવાની માસ્ટર કી જેવી હતી. આપણે પણ આજ કરીશું-કાલ કરીશું કરતા કેટલી બધી ‘બાબતો’ છેલ્લા દિવસ માટે ‘પેન્ડીંગ’ રાખી બેઠા છીએ નહિ? શું છેલ્લા દિવસે આ બધું ‘એક સાથે’ પૂરું કરવાની શક્તિ, સમય, સ્વસ્થતા આપણી પાસે હશે ખરાં? પદ, પૈસા અને પ્રતિષ્ઠા પાછળ બેફામ ખર્ચાઈ રહેલા ‘શ્વાસ’નો ‘સ્ટોક’ ખાલી થઈ જાય એ પહેલા ‘શ્વાસ’ ઉછીના આપનાર આપણા લેણદાર એવા પરમાત્માને ચુકવણું કરી આપણી ‘ક્રેડીટ’ એટલે કે ‘શાખ’ બચાવવા કોશિશ નહિ કરીએ? સાવ છેલ્લે હરિદ્વારની જાત્રાનો કે મસ મોટા દાનનો કે રામનું નામ જ સત્ય હોવાની કબુલાતનો કદાચ સમય નહી મળે તો? એમ વિચારી આજથી જ ડેઇલી સેવિંગ સ્કીમની જેમ કે મંથલી ઈ.એમ.આઈ.ની જેમ કે વાર્ષિક લવાજમની જેમ થોડું થોડું ઈશ્વર તરફ, કાનુડા તરફ, નરસિંહ-મીરાબાઈ તરફ, મેડીટેશન તરફ શ્વાસોનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરીએ તો કેવું? જેમ જમવાનું રોજેરોજ જમીએ છીએ એમ રોજે રોજ થોડું થોડું ઈશ્વરના ગુણોનું, સારા માણસોના વિચારોનું શ્રવણમ્, કીર્તનમ્, પૂજનમ્ ની પણ ટેવ પાડીએ તો કેવું? એટલીસ્ટ નેક્સ્ટ ટાઈમ ફરી વખત આપણે ઈશ્વર પાસે ‘શ્વાસ’ની લોન માંગીએ ત્યારે આપણો ક્રેડીટ સ્કોર જોઈ ઈશ્વર ‘માંગ માંગ માંગે તે આપું’ કહી વરદાયી ‘તથાસ્તુ’ મુદ્રા ધારણ કરી આપણી સામે પ્રસન્નતા પૂર્વક સ્મિત કરે એટલુ ‘પુણ્યનું ભાથું’ તો આપણે બાંધવું જ પડશે ને?
મિત્રો, ક્ષણે ક્ષણ મારી અને તમારી જિંદગીનો હિસાબ રાખતું આપણું ભીતરી શ્વસનતંત્ર, શ્વાસોના ગુડ ઇન્વેસ્ટમેન્ટ વખતે ‘પ્રસન્નતા’ અને બેડ ઇન્વેસ્ટમેન્ટ વખતે ‘ખિન્નતા’નો ભાવ પ્રગટાવી સતત ‘લાલ-લીલી’ બત્તી આપણી સમક્ષ ધરતું રહે છે. બસ, આજના દિવસથી જ, એક વાર આપણે પણ ‘હિસાબ’ રજુ કરવાનો છે એટલું યાદ રાખી ભીતરે ‘પ્રસન્નતા’ વધે, ‘ખિન્નતા’ ઘટે એવા વાણી, વર્તન અને વિચારોનો વેપાર કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા-જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)