નળ દમયંતી ની વાર્તા - ભાગ 1 Dharmik Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નળ દમયંતી ની વાર્તા - ભાગ 1

નળ દમયંતી ની વાર્તા

દ્યુતક્રીડામાં સર્વસ્વ હારી ગયા બાદ, પાંચ પાંડવ અને દ્રૌપદીને બાર વર્ષનો વનવાસ થયો. ખિન્ન અવસ્થામાં સૌ કામ્યક વનમાં આવ્યા બાદ, અર્જુન એક દિવસ શસ્ત્ર લેવા ઇન્દ્રલોકમાં ગયો, ત્યારે તેની ગેરહાજરી ખૂબ જ સાલતા ઉદાસ પાંડવો અંદરોઅંદર કોઈક વાર્તાગોષ્ટિ કરી રહ્યા હતા અને ત્યારે જ મહર્ષિ બૃહદશ્વા તેમના આશ્રમમાં આવતા જોવા મળ્યા.

મહર્ષિ બૃહદશ્વાને આવતા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર આગળ વધ્યા અને શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર તેમની સ્વાગતપૂજા કરી, તેમને આસન પર બેસાડ્યા. થોડા વિશ્રામ પછી યુધિષ્ઠિરે તેમને પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું,

“મહારાજ! કૌરવોએ કપટબુદ્ધિથી મને આમંત્રી મારી સાથે છળપૂર્વક જુગાર રમ્યો અને મારું રાજપાટ ધનવૈભવ સર્વકઈં છીનવી લીધું, અને તે એટલું જ નહીં, તેણે મારી પ્રિય દ્રૌપદીને સભામાં ખેંચી લાવીને તેને અપમાનિત કરી. અંતે, તેઓએ અમને કાળી મૃગછાલ પહેરાવી વનવાસ વ્હોરવા લાચાર કરી મુકયા. હે મહર્ષિ..! હવે તમે જ મને કહો કે આ પૃથ્વી પર મારા જેવો ભાગ્યહીન રાજા બીજો કોણ હશે..! તમે મારા જેવો વ્યથિત અને પીડિત બીજે ક્યાંય જોયો કે સાંભળ્યો છે?”

મહર્ષિ બૃહદશ્વા કહ્યું – “ધર્મરાજા..! તમારુ આ કહેવું યોગ્ય નથી કે તમારા જેવા દુઃખી રાજા ક્યારેય થયા નથી; કેમ કે હું તમારા કરતાય અધિક દુર્ભાગી અને નિરાધાર રાજાની વાત જાણું છું, જો તમે ઈચ્છો તો હું કહી સંભળાવું.”

પછી, ધર્મરાજ યુધિષ્ઠિરની વિનંતીભર્યા આગ્રહથી મહર્ષિએ વાત કહેવાનો પ્રારંભ કર્યો.

નિષધ દેશમાં વીરસેનનો પુત્ર, એવો નળ નામનો રાજા રહી ચુક્યો છે. નળરાજા ખૂબ જ સદગુણી, સર્વોત્તમ સુંદર, સત્યવાદી, જિતેન્દ્રિય હતા. તેઓ સર્વપ્રિય હતા; વેદોના જાણકાર અને બ્રાહ્મણભક્ત હતા. તેમની સેના ખૂબ મોટી હતી. તેઓ સ્વયં શસ્ત્રોમાં ખૂબ કુશળ હતા. તેઓ એક પરાક્રમી યોદ્ધા, પરોપકારી અને અપ્રતિમ બહાદુર પણ હતા. પણ એ સાથે જ, તેમને જુગાર રમવાનો પણ થોડો શોખ હતો.

તે જ અરસામાં ભીમ નામના રાજા વિદર્ભદેશમાં શાસન કરી રહ્યા હતા. તેઓ પણ રાજાનળની જેમ જ સર્વગુણ સંપન્ન અને શક્તિશાળી હતા.

તેઓએ દમણ ઋષિને પ્રસન્ન કર્યા અને તેમના વરદાન દ્વારા ચાર સંતાનો પ્રાપ્ત કર્યા હતા. ત્રણ પુત્રો અને એક છોકરી. પુત્રોનાં નામ દમ, દંત અને દમન જ્યારે પુત્રીનું નામ દમયંતી હતું.

દમયંતી સાક્ષાત લક્ષ્મી સમાન સ્વરૂપવાન હતી. વળી તેની આંખો વિશાળ અને કમનીય હતી. એવી સુંદર કન્યા તો દેવ અને યક્ષોને ત્યાં ક્યાંય જોવા મળે તેમ ન હતી.

તે દિવસોમાં, ઘણા લોકો વિદર્ભથી નિષધ દેશ આવતા અને રાજા નળ સમક્ષ દમયંતીના સ્વરૂપ અને ગુણોના વખાણ કરતા. તો નિષધ દેશથી વિદર્ભ દેશ જનારાઓ પણ દમયંતીની સામે રાજા નળના રૂપ, ગુણો અને પવિત્ર ચરિત્રનું વર્ણન કરતા. આમ, આને કારણે એ બંનેના હૃદયમાં પરસ્પર સ્નેહ વિકસિત થયો.

એક દિવસ રાજા નળે પોતાના મહેલના બગીચામાં કેટલાક હંસ જોયા. તેઓએ એક હંસને પકડી લીધો એટલે એ હંસ બોલ્યો- “જો તમે મને છોડી દેશો, તો અમે સર્વે ઉડીને વિદર્ભ દેશમાં જશું અને ત્યાં દમયંતી સમક્ષ તમારા ગુણોનું આવી સુંદર રીતે વર્ણન કરીશું કે તે નિશ્ચિતપણે તમને મનથી પરણી લેશે.” નળે હંસને છોડી મુક્યો એટલે એ સર્વે વિદર્ભ દેશમાં ઉડી પહોંચ્યા.

રાજકુંવરી દમયંતીએ જ્યારે પોતાની આસપાસ આ સર્વે હંસને જોયા તો તેણી તેમને પકડવા દોડી. તે જે પણ હંસ તરફ દોડતી એ બોલી ઉઠતો-

“હે દમયંતી! નિષધ દેશમાં નળ નામનો એક રાજા છે. તે અશ્વનિકુમાર સમાન અતિ સુંદર છે. મનુષ્યજાતિમાં તેનાથી અધિક સુંદર અન્ય કોઈ નથી. સાક્ષાત કામદેવની જાણે કે એ મૂર્તિ છે. જો આપ તેની પત્ની બનો, તો આપનો જન્મ અને સ્વરૂપ બંને સફળ થશે. અમે તો સર્વત્ર ફરીફરીને અનેક દેવ, ગંધર્વ, મનુષ્ય, સર્પ અને રાક્ષસને જોયા છે. પણ નળ જેવો દેખાવડો પુરુષ ક્યાંય જોયો નથી. જેમ સ્ત્રીઓમાં રત્ન આપ છો, તેવી જ રીતે પુરુષોમાં એક રત્ન રાજાનળ છે. તમારા બંનેની જોડી ખૂબ જ સુંદર બની રહેશે.”

દમયંતીએ કહ્યું- “હે હંસ, તો તો હવે તમારે રાજા નળને પણ જઈને એવું જ કહેવું જોઈએ.

એટલે, હંસો ઉડતા ઉડતા નિષધ દેશ પાછા ફર્યા, અને રાજા નળને દમયંતીનો સંદેશ આપ્યો.

બીજી તરફ હંસોના મુખેથી રાજા નળની કીર્તિ સાંભળીને રાજકુમારી દમયંતી તેમને પ્રેમ કરવા લાગી હતી.

સમય જતાં તેની આસક્તિ એટલી તીવ્ર બનતી ગઈ કે અહર્નિશ તે નળરાજાના વિચારોમાં જ ખોવાયેલી રહેવા લાગી. તેનું શરીર ઘૂમીલ અને દુર્બળ બનતું ગયું અને તે દરિદ્ર શી દેખાવા લાગી. સખીઓએ દમયંતીનું હૃદય ખંખોળ્યું અને વિદ્રભરાજને વિનંતી કરી કે ‘તમારી દીકરી અસ્વસ્થ છે.’

રાજા ભીમે પોતાની પુત્રી વિશે ઘણું વિચાર્યું. અંતે તે નિર્ણય પર આવ્યો કે મારી પુત્રી લગ્નલાયક બની ચુકી છે, તેથી તેનો સ્વયંવર યોજવો જોઈએ.

તેમણે અનેક રાજાઓને તેમણે સ્વયંવરના આમંત્રણનો પત્ર મોકલાવ્યો અને માહિતી આપી કે રાજાઓએ દમયંતીના સ્વયંવરમાં ઉપસ્થિત રહીને એનો લાભ લેવો જોઈએ અને મારો મનોરથ પૂરો કરવો જોઈએ.

આમંત્રણ મળતા જ દેશ-દેશના રાજાઓ, હાથી, ઘોડા અને રથના અવાજથી ધરતીને ધમરોળતા વિદર્ભ દેશ પહોંચવા લાગ્યા.

રાજા ભીમે સૌનો આદર-સત્કાર કરવા યોગ્ય વ્યવસ્થા કરી હતી. દેવર્ષિ નારદ અને પર્વતો થકી દેવતાઓને પણ દમયંતીના સ્વયંવરના સમાચાર મળ્યા. ઇન્દ્ર વગેરે તમામ લોકપાલો પણ તેમના મંડળ અને વાહનો સાથે વિદર્ભ દેશ માટે રવાના થયા.

રાજા નળનું મન તો પહેલેથી જ દમયંતી સાથે જોડાયેલું હતું. દમયંતીના સ્વયંવરમાં હાજરી આપવા માટે તેણે પણ વિદર્ભનો પ્રવાસ ખેડયો. દેવતાઓએ સ્વર્ગમાંથી ઉતરતી વખતે જોયું કે કામદેવ જેવો સુંદર રાજાનળ પણ દમયંતીના સ્વયંવર માટે જઈ રહ્યો છે. સૂર્ય સમાન નળની તેજકાંતિ અને લોકોત્તર રૂપ સંપત્તિથી ચકિત દેવતાઓ પણ થઈ ગયા.

તેમણે ઓળખી લીધું કે આ તો રાજા નળ છે. તેઓએ નભમાં જ પોતાના વિમાનો ઉભા કર્યા મુક્યા અને નીચે આવીને નળને કહ્યું – ‘રાજેન્દ્ર નળ..! તમે એક મહાન સત્યવ્રતિ છો. તો અમારી કરવા માટે તમે અમારા દૂત બનો એવી અમારી ઈચ્છા છે.’

રાજા નલે તેમની સહાયતાનું પ્રણ લીધું અને કહ્યું કે, ‘હા, હું કરીશ.’

પછી આગળ પૂછ્યું, ‘તમે કોણ છો અને મને દૂત બનાવીને તમે શું કામ કરાવવા માગો છો?’

ઇન્દ્ર બોલ્યા- ‘અમો દેવતા છીએ. હું ઇન્દ્ર છું અને આ અગ્નિ, વરુણ અને યમ છે. અમે અહીં દમયંતી માટે આવ્યા છીએ. તમે અમારા સંદેશવાહક તરીકે દમયંતી પર જાઓ અને એમ કહો કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ દેવો તારી પાસે આવીને તુજ સાથે લગ્ન કરવા માગે છે. આમાંથી પતિ તરીકે જેને ઇચ્છો તે દેવતાને સ્વીકારી લે.’

નલ તેના બંને હાથ જોડીને બોલ્યો, ‘દેવરાજ..! તમારો અને મારો ત્યાં જવાનો હેતુ એક જ છે. તેથી તમે મને ત્યાં સંદેશવાહક તરીકે મોકલો, તે ઉચિત નથી. જેની કોઈ સ્ત્રીને પત્ની તરીકે મેળવવાની ઇચ્છા થઈ ચૂકી હોય, તે એ ઈચ્છા કેવી રીતે છોડી શકે અને તેની પાસે જઈને આ પ્રકારની વાત કહી શકે? તો કૃપા કરીને મને આ બાબતમાં ક્ષમા કરો.’

દેવોએ કહ્યું – ‘રાજા નળ..! તમે આ પહેલા જ અમને વચન આપી ચુક્યા છો કે હું તમારું કામ કરીશ. હવે વચનભંગ ના કરશો. અવિલંબ ત્યાં પહોંચી જાવ.’

નલે કહ્યું, ‘મહેલમાં નિરંતર સખત સુરક્ષાનો પ્રબંધ છે, હું કેવી રીતે જઈ શકું?’

ઇન્દ્રએ કહ્યું -‘ જાઓ, તમે ત્યાં ચોક્કસ જ જઇ શકશો.’

ઇન્દ્રની માયાથી રાજાનળ બેરોકટોક એ શાહી મહેલમાં પ્રવેશ્યો અને દમયંતીને જોઈ. દમયંતી અને તેની સખીઓ પણ તેને જોઈ સ્તબ્ધ રહી ગઈ. તે આ અનુપમ સ્વરૂપવાન પુરુષને જોઈને મોહિત થઈ જઈ ને અવાક બની ગઈ.

દમયંતીએ પોતાની જાત સંભાળીને રાજા નલને કહ્યું – ‘હે વીરપુરુષ..! દેખાવે તો તમે અત્યંત સુંદર અને નિર્દોષ લાગો છો. સૌ પ્રથમ તમારો પરિચય આપો. તમે અહીં કયા હેતુસર આવ્યા છો અને અહીં આવતા વખતે દ્વારપાલોએ તમને કેમ ન જોયા? તેમની તરફથી જો જરા પણ ભૂલ થાય છે તો મારા પિતા તેમને સખત દંડ આપે છે.’

નળ બોલ્યા- ‘કલ્યાણી..! હું નળ છું હું લોકપાલના એક દૂત તરીકે તમારી પાસે આવ્યો છું. સુંદરી..! ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ, એમ આ ચાર દેવ તમારી સાથે લગ્ન કરવા ઇચ્છુક છે. તો તમે આમાંના એક દેવતાને તમારા પતિ તરીકે વરણ કરો એવો હું આ સંદેશ તમારી માટે આવ્યો છું. તે દેવતાઓના પ્રભાવને કારણે, જ્યારે હું તમારા મહેલમાં પ્રવેશવા લાગ્યો, ત્યારે કોઈ મને જોઈ શક્યું નહીં. મેં દેવતાઓનો સંદેશ આપ્યો. હવે તમે જે ઇચ્છો તે કરો.’

દમયંતીએ શ્રદ્ધાપૂર્વક દેવતાઓને નમન કરી મંદ સ્મિત સાથે રાજા નળને કહ્યું- ‘હે નરેન્દ્ર. મને પ્રેમદ્રષ્ટિથી જુઓ અને આજ્ઞા કરો કે હું તમારી યથાશક્તિ શી સેવા કરું. મારા સ્વામી, મેં મારુ સર્વસ્વ મારી જાત સહિત તમારા ચરણોમાં અર્પણ કરી દીધું છે. તો તમે મને વિશ્વાસપૂર્ણ પ્રેમ કરો. જે દિવસથી મેં હંસો પાસેથી તમારા કીર્તિગાન સાંભળ્યા છે, ત્યારથી હું તમારા માટે વ્યાકુળ છું. તમારા માટે જ મેં આ રાજાઓની ભીડ એકઠી કરી છે. હવે જો તમે મુજ દાસીની પ્રાર્થનાનો અસ્વીકાર કરશો, તો હું તમારા માટે વિષ ઘોળીને, અગનજ્વાળામાં કે પાણીમાં ડૂબીને પ્રાણ ત્યાગ કરી દઈશ.’

રાજા નળે કહ્યું- ‘જ્યારે મહાન દેવતાઓ તમારા પ્રણય સંબંધના પ્રાર્થી છે, તો પછી તમે એક મનુષ્યને કેમ ચાહો હો? તે ભવ્ય ઐશ્વર્યશાળી દેવતાઓની ચરણ-રજ સમાન પણ હું નથી. તમે તેમાં તમારું મન વાળી દો. દેવોને અપ્રિય કરવાથી મનુષ્ય બરબાદ થઈ શકે છે. તમે મારી રક્ષા કરો અને તેમનું વરણ કરો.’

નળની વાત સાંભળીને દમયંતી ગભરાઈ ઉઠી. તેની બંને આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તે કહેવા લાગી – ‘બધા દેવોને પ્રણામ કરીને હવે પછી હું પતિ તરીકે તમારુ જ વરણ કરું છું અને એની હું આ સચ્ચાઈપૂર્વક શપથ લઈ રહી છું.’

આ બોલતી વખતે દમયંતીની કાયા કાંપી રહી હતા અને તેનાં હાથ જોડાયેલા હતા.

રાજા નલે કહ્યું- ‘વારુ, તો તમે તેમ જ કરો. પરંતુ મને જણાવશો કે અત્યારે હું તેમનો સંદેશ આપવા માટે તેમનો દૂત તરીકે અહીં આવ્યો છું. જો હું આ સમયે મારો જ સ્વાર્થ સાધવાનું શરૂ કરું તો તે કેટલું અયોગ્ય છે. હું મારો પોતાનો સ્વાર્થ માત્ર ત્યારે જ સાધી શકું કે જ્યારે તે ધર્મ વિરુદ્ધ ન હોય.’

‘તમારે એમ જ કરવું જોઈએ.’ – દમયંતી ગદગદ સ્વરે બોલી.

‘હે નરેશ્વર, તો હવે એક જ નિર્દોષ ઉપાય છે જે અનુસાર કાર્ય સાધવાથી કોઈ દોષ લાગવાની શકયતા નથી. આપ લોકપાળોની સાથે જ સ્વયંવર-મંડપમાં પધારજો. હું એ સર્વે દેવતાઓની સમક્ષ જ તમને વરમાળા પહેરાવી તમારું વરણ કરીશ, પછી તો તમને કોઈ દોષ નહીં જ લાગે ને..!”

પછી રાજા નળ દેવતાઓ પાસે ગયા. દેવોએ સર્વકઈં પૂછ્યું ત્યારે એ બોલ્યા- “આપ લોકોના આદેશ પર હું દમયંતીના મહેલમાં ગયો હતો. વૃદ્ધ દ્વારપાળો બહાર પહેરો આપી રહ્યા હતા, પરંતુ તેઓએ મને તમારા પ્રભાવ હેઠળ જોયો નહીં. માત્ર દમયંતી અને તેની સખીઓએ મને જોયો. તે બધી આશ્ચર્યચકિત થઈ ગઈ. દમયંતી સમક્ષ મેં આપ સર્વેનું વર્ણન કર્યું, પણ તે તમને પસંદ કરવાને બદલે મારુ જ વરણ કરવાની જીદ લઈને બેઠી છે.

તેમણે કહ્યું છે કે ‘બધા દેવોની સમક્ષ જ સ્વયંવરમાં એ મને વરમાળા આરોપી મારુ વરણ કરશે કે જેથી ધર્મવિધાનમાં વર્ણવેલ વિશ્વાસઘાટનો કોઈ દોષ મને ન લાગે. મેં તમારી સમક્ષ સર્વે વાસ્તવિકતા વર્ણવી આપી છે હવે અંતિમ નિર્ણય આપ લેશો.”

ત્યારે દેવતા કરે વિચાર, ફરી જાતાં હશે સંસાર.

આપણો શ્રમ કેમ જાએ વૃથા, તે માટે વરવી સર્વથા;

જો કન્યાને ગમ્યો નળ ભૂપ, તો આપણ પણ લીજે નળનાં રૂપ.

દેવ કહે- ‘સુણો નૈષધરાય, અમો ધરું તમારી કાય;

પંચ નળ રહિયે એક હાર, ભાગ્ય હોય તેને વરશે નાર.’

નળ કહે- ‘રે કાં નહીં સ્વામ, મેં આવવું તમારે કામ;

માનવ ક્યાંથી સુરની સંગત, દેવ ચારની પામું પંગત.’

બોલ બંધા કીધો નળ દેવ, કાલે એમ કરવું અવશ્યમેવ;

તો, બીજી તરફ ભીમરાજાના મહેલમાં….

ગઈ દમયંતી જ્યાં છે માત, તવ સ્વયંવરની કીધી વાત;

લાડ વચન કન્યાના ગમે, ઘરમાં ભીમક આવ્યા તે સમે.

પુત્રી શીર મૂક્યો ભુજ, કાલે વરને વરજે તું જ;

ઝંખના તુંને છે જે તણી, તે આવ્યો છે નૈષધધણી.

પુત્રી મનમાં પ્રસંન થઇ, પોતાને અંતઃપુર ગઇ.

બીજે દિવસે વિદર્ભરાજા ભીમે શુભ મુહૂર્તમાં સ્વયંવર રાખ્યો અને લોકોને બોલાવવા મોકલ્યા. બધા રાજાઓ પોતપોતાના નિવાસ-સ્થળેથી આવ્યા અને સ્વયંવર મંડપમાં યથાસ્થાને બેસી ગયા. આખી સભા રાજાઓથી ભરાઈ ગઈ.

જ્યારે તમામ તેમની બેઠકો પર બેઠા, કે પોતાની અંગકાંતિથી સર્વેના નયન અને મનને આકર્ષિત કરતી રાજકુંવરી દમયંતી રંગમંડપમાં આવી. જેમજેમ એકેક રાજાઓના પરિચય સભાને દેવા લાગ્યા, તેમતેમ દમયંતી એક પછી એકને જોઈજોઈને આગળ વધવા લાગી. પછી આગળ એક જગ્યા પર જઈને એ અટકી ગઈ. ત્યાં નળરાજા જેવા જ આબેહૂબ દેખાતા, એકસમાન વેશભૂષામાં પાંચ રાજાઓ એકસાથે બેઠા હતા.

મન ઇચ્છા નૈષધરાય તણી, કન્યા ગઇ પંચ નળ ભણી;

જુએ તો ઉભા નળ પંચ, કન્યા કહે આ ખોટો સંચ.

હંસનું કહ્યું અવૃથા ગયું, નળ નાથનું વરવું રહ્યું;

એક નળ સાંભળીઓ ધરા, આ કપટી કો આવ્યા ખરા.

પાંચે નળ ચેષ્ટાને કરે, લેવા માળ કંઠ આગળ ધરે;

ત્યારે દમયંતી થઈ ગાભરી, દઈઠું વિપરીત ને પાછી ફરી.

આવી જાહાં પિતા ભીમક, ‘અરે તાત, જુઓ કૌતક;

હું એક નળને આરોપું હાર, દેખી પંચને પડ્યો વિચાર.’

ભીમક કહે, ‘આશ્ચર્ય જા હોય, તું વિણ પંચ ના દેખે કોય;

શકે દેવતા તાંહાં નિરધાર, થઇ આવ્યા નળને આકાર.

વાત સાંભળી ભીમકતણી, કન્યા પુનઃ આવી પંચ નળ ભણી

પાંચ નળને જોઈને દમયંતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો, તે રાજા નળને ઓળખી જ શકતી નહોતી. તેણી જેની તરફ જોતી, તેને એ જ નળરાજા લાગતો.
હવે તે વિમાસણમાં પડી ગઈ કે ‘હું દેવોને કેવી રીતે ઓળખું અને આ જ રાજાનળ છે એમ હું કેવી રીતે જાણી શકું?’

તે ખૂબ જ વ્યથિત થઈ ગઈ. અંતે દમયંતીએ નક્કી કર્યું કે આવી દુવિધામાં દેવોનું શરણ લેવું યોગ્ય છે. એટલે હાથ જોડીને તેણીએ તેમના વખાણ કરવાનું શરૂ કર્યું-

‘હે દેવતાઓ..! હંસના મુખેથી રાજાનળનું વર્ણન સાંભળીને મેં તેમને જ પતિ તરીકે પસંદ કર્યા છે. હું મારા મન અને વાણીથી નળ સિવાય બીજા કોઈને પતિરૂપે નથી ચાહતી. ઈશ્વરે નિષધપતિ નળને મારા પતિ બનાવ્યા છે અને મેં આ વ્રત માત્ર નળની આરાધના માટે જ શરૂ કર્યું છે. મારી આ સત્ય-શપથના બળ પર, હે દેવતાઓ..! મને તેમના જ દર્શન અપાવો. ઓ લોકપાળો, એ માટે તમે સર્વે તમારું મૂળ સ્વરૂપ પ્રગટ કરો, જેથી હું પુણ્યશ્લોક નરપતિ નળને ઓળખી શકું.’

દેવતાઓએ દમયંતીનો આ આર્ત-વિલાપ સાંભળ્યો. તેનો દ્રઢ નિશ્ચય, સાચો પ્રેમ, આત્મશુદ્ધિ, બુદ્ધિ, નિષ્ઠા અને નળ-પરાયણતા જોઈને તેઓએ તેને એવી શક્તિ આપી, કે જેથી તે દેવતા અને માણસ વચ્ચેનો તફાવત સમજી શકે.

તુરંત જ દમયંતીએ જોયું કે દેવોના શરીર પર પ્રશ્વેદ નથી વળતો. તેથી તેમના ગળામાં પડેલી પુષ્પમાળા કરમાઈ નથી તેમ જ કાયા પર બિલ્કુલ મેલ નથી. તેમની પાંપણો ઝપકતી નથી તેઓ સિંહાસન પર બિરાજમાન છે પરંતુ તેમના પગ પૃથ્વીને સ્પર્શતા નથી અને તેમની છાયા પણ ધરતી પર પડતી નથી.

જ્યારે રાજાનળના શરીરનો પડછાયો બની રહ્યો છે. તેની પુષ્પમાળા થોડી સુકાઈ ગઈ છે. અંગ પર પ્રશ્વેદ-બિંદુઓ છે જેને કારણે ત્યાં થોડા મેલ અને ધૂળ બાઝી રહ્યા છે. તેનાં પોપચા એક સમાનરૂપે ફરકી રહ્યા છે અને તેનાં પગ પૃથ્વીને સ્પર્શ કરીને ત્યાં જ સ્થિત છે.

દમયંતીએ આ લક્ષણો દ્વારા દેવતાઓ અને પુણ્યશ્લોક નળને ઓળખ્યા. પછી ધર્મ અનુસાર, નળની પસંદગી કરવામાં આવી. દમયંતીએ તુરંત જ પછી નારીસહજ સંકોચવશ થઈને ઘૂંઘટ તાણી લીધો અને નળના ગળામાં વરમાળા પહેરાવી મૂકી.

દેવો અને મહર્ષિઓ ‘સાધુ – સાધુ’ પોકારી ઉઠ્યા; રાજાઓમાં આક્રોશ વ્યાપી ગયો. પરંતુ રાજા નળે દમયંતીને આનંદાતિરેક સાથે વધાવી લીધી. તેણે કહ્યું-

‘કલ્યાણી..! દેવોની ઉપસ્થિતિમાં પણ તમે તેમનું વરણ ન કરીને મારુ વરણ કર્યું છે, તેથી તમે હવે મને પ્રેમ-પરાયણ પતિ માનજો. હું તમને જ જોઈ-સાંભળીશ. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તમને પ્રેમ કરીશ ને આ હું તમને શપથપૂર્વક સત્ય જ કહું છું.’

બંનેએ એકબીજાને પ્રેમથી નમસ્કાર કર્યા પછી બેઉએ ઇન્દ્ર આદિ દેવોનું શરણ લીધું. દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થયા. તેમણે નળને આઠ વરદાન આપ્યા.

ઇન્દ્રએ કહ્યું – ‘નળ! તમને યજ્ઞમાં મારા દર્શન થતા રહેશે અને તમને શ્રેષ્ઠ ગતિ મળશે.’

અગ્નિદેવે કહ્યું – ‘જ્યાં તમે મને સ્મરણ કરશો, ત્યાં હું પ્રગટ થઈશ અને તમને મારા જેવું પ્રકાશમય લોક મળશે.’

યમરાજે કહ્યું – ‘તમારા દ્વારા તૈયાર કરાયેલી રસોઈ ખૂબ જ સ્વાદીષ્ટ હશે અને તમે તમારા ધર્મમાં સદાય દ્રઢ રહેશો.’

વરુણે કહ્યું – ‘જ્યાં તમે ઇચ્છો ત્યાં જળ પ્રગટ થશે. અને તમારી માળા સદૈવ ઉત્તમ સુગંધથી પરિપૂર્ણ રહેશે.’

આ રીતે બધા દેવો બે વરદાન આપ્યા પછી પોતપોતાના લોકમાં પ્રસ્થાન કરી ગયા. આમંત્રિત રાજાઓ પણ ચાલ્યા ગયા. રાજા ભીમે પ્રસન્નતાપૂર્વક નળ સાથે દમયંતીના વિધિવત લગ્ન કરાવ્યા.

રાજા નળ થોડા દિવસો માટે વિદર્ભ દેશની રાજધાની કુંડલપુરમાં રહ્યા, પછી રાજાભીમની અનુમતિ મેળવી પત્ની દમયંતી સાથે પોતાની રાજધાની પરત ફર્યા.

રાજા નળે પોતાની રાજધાનીમાં ધર્મ અનુસાર પ્રજાનું પાલન કરવાનું શરૂ કર્યું, અને સાચે જ તેમના દ્વારા રાજા શબ્દનો અર્થ સાર્થક થયો. તેમણે અશ્વમેધ વગેરે જેવા ઘણા યજ્ઞો કર્યા. સમય જતાં દમયંતીના કુખે પુત્ર અને પુત્રીનો જન્મ થયો.

મહર્ષિ બૃહદશ્વા આગળ બોલ્યા- ‘ હે યુધિષ્ઠિર..! જે સમયે ઈન્દ્ર લોકપાલ દમયંતીના સ્વયંવરમાંથી પરત ફરતા પોતાના લોકમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં કળિયુગ અને દ્વાપરને મળ્યા.

ઈન્દ્રએ પૂછ્યું- ‘હે કલિરાજા..! ક્યાં પ્રસ્થાન કરી જાવ છો?’

કલિએ કહ્યું- ‘પૃથ્વીલોક પર વિદર્ભકુંવરી દમયંતી સાથે લગ્ન હેતુસર તેનાં સ્વયંવરમાં જાઉં છું.’

ઈન્દ્ર ઉપહાસપૂર્ણ હસ્યા અને કહ્યું – ઓહ, તમે અતિ વિલંબ કર્યો. તે સ્વયંવર તો પૂર્ણ થઈ ગયો છે. કુંવરી દમયંતીએ રાજા નળનું વરણ કરી લીધું અને અમે સૌ તો બસ તાકતા જ રહ્યા.

કળિરાજાએ ક્રોધિત થઈને કહ્યું- ‘ઓહ, આ તો એક મોટો અનર્થ કર્યો. તેણે દેવોની અવગણના કરી એક મનુષ્યને અપનાવ્યો, તેનો તેને દંડ થવો જ જોઈએ.’

ત્યારે સર્વ દેવોએ કહ્યું – ‘વાસ્તવમાં એવું નથી. અમારી અનુમતિ મળ્યા બાદ જ દમયંતીએ નળનું વરણ કર્યું છે. આ નળરાજા સર્વગુણ સંપન્ન અને પૂર્ણપણે તેને લાયક છે. તે તમામ ધર્મોના મર્મજ્ઞ અને સદાચારી પુરુષ છે. તેમણે ઇતિહાસ-પુરાણો સાથે તમામ વેદોનો અભ્યાસ કર્યો છે. તેઓ ધર્મઅનુસાર યજ્ઞ રચી તેમાં દેવતાઓને સંતુષ્ટ કરે છે, ક્યારેય કોઈને હેરાન કરતા નથી, તેમ જ સત્યવાદી અને દ્રઢનિશ્ચયી છે. તેમની ચતુરાઈ, ધીરજ, જ્ઞાન, તપ, પવિત્રતા, દમ અને શમ લોકપાલો સમાન જ છે. માટે તેને શાપ આપવો એ નરકની હળહળતી અગ્નિમાં પડવું સમાન છે.”

આટલું કહીને દેવતાઓ ચાલ્યા ગયા.

(ક્રમશ:)