The Author Dharmik Vyas અનુસરો Current Read નળ દમયંતી ની વાર્તા - ભાગ 2 By Dharmik Vyas ગુજરાતી વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 37 "ડેડી તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ... પ્રેમ સમાધિ - પ્રકરણ-122 પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ... સિંઘમ અગેન સિંઘમ અગેન- રાકેશ ઠક્કર જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી... સરખામણી સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક... ભાગવત રહસ્ય - 109 ભાગવત રહસ્ય-૧૦૯ જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dharmik Vyas દ્વારા ગુજરાતી વાર્તા કુલ એપિસોડ્સ : 3 શેયર કરો નળ દમયંતી ની વાર્તા - ભાગ 2 (3) 1.9k 3.3k 1 તેમના ગયા બાદ, કલિએ દ્વાપરને કહ્યું – ‘બંધુ..! હું મારો રોષ રોકી શકતો નથી, તેથી હું નળના શરીરમાં નિવાસ કરીશ. પછી હું તેને રાજ્યચ્યુત કરી નાખીશ એટલે દમયંતી સાથે તે રહી શકશે નહીં. માટે મારી એક વિનંતી છે કે તમે પણ દ્યુતના પાસામાં પ્રવેશ કરીને મારી સહાયતા કરો.’ દ્વાપરે તેમની વાત સ્વીકારી. પછી, દ્વાપર અને કલિ બંને નળની રાજધાનીમાં જઈને સ્થાયી થયા. બાર વર્ષ સુધી બન્ને એ જ પ્રતીક્ષામાં રહ્યા કે નળરાજામાં કોઈ દોષ જોવા મળે, આખરે એક દિવસ તેમની એ પ્રતિક્ષાનો અંત આવ્યો, અને નળરાજાનું ભાગ્ય-પતન પ્રારંભ થયું. વિદર્ભકુંવરી દમયંતી સાથે લગ્નોત્સુક એવા કલિને નળરાજા પર ક્રોધ ફક્ત એટલા માટે જ હતો કેમ કે દમયંતીએ તેમની પતિ તરીકે પસંદગી કરી. એ જ રોષને કારણે નળરાજાની મતિભ્રષ્ટ કરી તેમના વડે અનિષ્ટ કાર્યો કરાવવા કાજે તેમના મસ્તિષ્કમાં પ્રવેશવા એ તલપાપડ હતો. તો, નળરાજાની કાયા-પ્રવેશ માટે વર્ષોથી લાગ જોઈ રહેલા કલિની પ્રતિક્ષાનો તે દિવસે અંત આવ્યો કે જ્યારે, એક દિવસ સાંજે લઘુશંકામાંથી પરવારીને પગ ધોયા વગર જ આચમન કરીને તેઓ સંધ્યા-પૂજન કરવા બેસી ગયા. તેમની આવી અશુદ્ધ અવસ્થા જોઈને કલિ તેના શરીરમાં સરળતાથી પ્રવેશી શક્યો. પછી ત્વરિત જ બીજું પણ સ્વરૂપ ધારણ કરી, દ્વાપરને સંગે લઈને એ નળરાજાના ભાઈ પુષ્કર પાસે ગયો, કે જે સંસાર ત્યાગીને જોગી બની ગયો હતો. કળીજુગ દ્વાપર મળીને આવ્યા, પુષ્કર કેરે પાસ રે; હસ્ત ઘસે ને મસ્તકા ધૂણે, મુખે મૂકે નિઃશ્વાસ રે વેશ વિપ્રનો ધરયો અધર્મી, ને બન્યો મસ્તક ડોલે રે; નૈષધપતિ બેઠો તપ કરવા, થઇ તરણાંને તોલે રે “એક કુળમાં ઉદયા બન્યો ના, તું જોગી, નળ રાણો રે; તે ભોગ ભોગવે નાના વિધના, તારે નહીં જળ દાણો રે” કળિ કહે છે, “જો જો ભાઇયો, કર્મે વાળ્યો આડો આંકો રે; એક જ બોરડીના બે કાંટા, એક પાધરો એક વાંકો રે તારા પ્તિઆસું અમારે મૈત્રી, તે માટે હિત કીજે રે..” એમ કહી કર ગ્રહી ઉઠાડ્યો, આવ આલિંગના દીજે રે. ભેટતામાં પિંડ પુષ્કરના મધ્યે, કીધો કળીએ પ્રવેશ રે; તેડી ચાલ્યો નૈષધપુર ભણી, કરવા નળ શુ ક્લેશ રે. વાટે જાતાં વારતા પરઠી, ના મળવું નાંખો જાંશા રે; કળિ કહે- “તું દ્યૂત રમજે, હું થાઉં બે પાશા રે પ્રથમા પોણ કરજે વૃષભનું, દ્વાપર થાશે પોઠી રે; સર્વસ્વ હરાવી લેજે નળનું, એ વાત ગમતી ગોઠી રે” જદ્યપિ પુષ્કર પવિત્ર હુતો, નહોતી રાજની અભિલાષા રે; ઉપજી ઈર્ષ્યા નળરાય ઉપર, મલ્યા જુગા બે અદેખા રે વૃષભવાહન પાસા કરમાં, આવ્યો રાજ્ય-સભાય રે; બાંધવા જાણી દયા મન આણી, નળ ઉઠી બેઠો થાય રે “ભલે પધાર્યા પુષ્કર બંધુ, જોગી વેશને છાંડો રે; આ ઘર, રાજ તમારું વીરા, રાજની રીતિ માંડો રે” આસન આપી કરે પૂજન, પૂછે કુશળ-ક્ષેમ રે; તો નળને કહે- “બીજી વાતે ન રાચું, દ્યૂત રમવાને પ્રેમ રે” નળ કહે- “બાંધવા દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળ રે; તું જોગેશ્વર કાં ઉપજાવે, ઉદર ચોળીને શૂળ રે” પુષ્કર કહે- “મારો પાંચ મુદ્રાનો પોઠીયો, જિતું કે હારું રે; એકી પાસે બળદ મારો, એકી પાસે રાજ તારું રે” કળિને કારણ પુણ્યશ્લોકને, પાપ તણી મતિ આવી રે; દ્યૂત રમવું અપ્રમાણ છે પણ, વાત આગળ ભાવી રે.. આમ કળિના મતિભ્રમથી નળરાજા પોતાના ભાઈ પુષ્કરનો દ્યુત રમવાનો આગ્રહ ટાળી ન શક્યા. તો દ્વાપર પણ પાસાનું રૂપ ધારણ કરીને તેમની સાથે જોડાયો. પુષ્કર પાસે તો દાવમાં મુકવા બસ પાંચ મુદ્રાના મૂલ્યનો એ એક બળદ જ હતો કે જેની ઉપર સવાર થઈને એ આવ્યો હતો. સામે પક્ષે નળરાજા પોતાનું ધન, રજત, સુવર્ણ, રથ, વાહનો વગેરે મુકતા પણ તે સર્વે હરાઈ જતું, કારણ પાસામાં દ્વાપર બિરાજેલો. પ્રજા અને મંત્રીઓ આ સર્વેથી ભારે અસ્વસ્થતા અનુભવતા અને રાજાને આગળ રમતા રોકવાની ઈચ્છા સાથે મુખ્ય દરવાજે આવીને ઊભા રહ્યા. તેમના અભિપ્રાયો જાણીને દ્વારપાળ રાણી દમયંતી પાસે ગયો અને કહ્યું, ‘તમે મહારાજને વિનંતી કરો. તમે ધર્મ અને અર્થના તત્વજ્ઞ છો. આપની સમગ્ર પ્રજા આપનું દુઃખ અસહ્ય જાણીને મુખ્ય દ્વારે આવી ઉભી છે.’ દમયંતી સ્વયં એ જ દુઃખના કારણે દુર્બળ અને અચેત બની રહી હતી. છલકાતા નયનો સાથે તે મહારાજ પાસે આવી અને વિનંતી કરી- ‘સ્વામી..! સમગ્ર નગરજનો તેમ જ રાજભક્ત મંત્રીમંડળ આપની મુલાકાત-હેતુથી રાજદ્વારે આવી ઉભેલ છે. આપ તેમને મળી લો તો સારું.’ પણ એ વાત પર કળિ-પ્રભાવ હેઠળ ભ્રષ્ટમતિ નળરાજાએ કઈં જ ધ્યાન ન આપ્યું. આખરે મંત્રીગણ, પ્રજાજન સૌ શોકગ્રસ્ત થઈ પાછા ફર્યા. ઘણા લાંબા સમય સુધી પુષ્કર અને નલ વચ્ચે દ્યુતક્રીડા ચાલતી રહી અને નળરાજા નિરંતર હારતા જ રહ્યા. તેઓ જે પણ પાસા ફેંકતા તે સર્વે અવળાં જ પડતા. આમ સર્વે કઈં હાથથી સરતું ગયું. રાણી દમયંતીને જ્યારે વાસ્તવિકતાની સર્વે જાણ થઈ ત્યારે તે ચોંકી ગઈ. તેને હવે પોતાનાં બે સંતાનોના ભવિષ્ય પર ઘેરાતા દુર્ભાગ્યના કાળા વાદળો સ્પષ્ટ દેખાયા, જેથી તે ખૂબ જ ચિંતાગ્રસ્ત અને વ્યાકુળ થઈ ઉઠી. બંને બાળકોને તેણે છાતી સરસા ભીંસી લીધા અને ત્વરિત જ એક કઠોર નિર્ણય લઈ લીધો. મોસાળ પધારો રે, મોસાળ પધારો- મોસાળ પધારો બાડુઆં રે, મારાં લાડવાયાં બે બાળ; નમાયાં થઇ વરતજો, સહેજો મામીની ગાળ – મોસાળ૦ હ્રદયા ચાંપે રે; રાણી હ્રદયા ચાંપે- હ્રદયા ચાંપે પેટને રે, એ છેલ્લું વહેલું લાડ; હવે મળવાં દોહલાં રે, મળીએ તો પ્રભુનો પાડ. – મોસાળ૦ થયાં માત વોહોણાં રે, માત વોહોણાં- માત વોહોણાં થયાં દામણાં રે, નહીં કો રુડો સાથ; રુએ રાણી હૃદયા ફાટે રે, કોણ માથે ફેરવશે હાથ. – મોસાળ૦ ચુંબન કરતી રે, માવડી ચુંબન કરતી- ચુંબન કરતી માવડી રે, ફરી ફરી મુખ જોય; હૈયે થકાં નવ ઉતરે રે, એમ કહી દમયંતી રોય. – મોસાળ૦ પછી તુરંત જ તેણે બૃહત્સેના નામની ધાયને મોકલીને નળરાજાના અત્યંત વિશ્વાસુ સારથિ, વાર્ષ્ણેયને બોલાવ્યો અને તેને કહ્યું- “સારથિ..! તમે રાજાના અંગત તેમજ કૃપાપાત્ર છો. હવે તો તમારાથી કઈં જ છુપાયેલ નથી, કે મહારાજ સહિત સમગ્ર રાજપરિવાર મોટા સંકટમાં આવી પડેલ છે. તો તમે અશ્વોને રથમાં જોડો અને મારા બે બાળકોને રથમાં બેસાડીને વિદર્ભના કુંણ્ડિનનગર લઈ જાઓ. ત્યાં જઈને તમે રથ અને ઘોડાઓને પણ ત્યાં જ છોડી દેજો. પછી ઇચ્છો, તો તમે પણ ત્યાં જ રહો નહિંતર અન્ય આશરો શોધી લેજો.” દમયંતીના કહેવા મુજબ સારથિ, મંત્રીઓની સલાહ લીધા પછી, બાળકોને કુંણ્ડિનપુર લઈ ગયો. રથ અને અશ્વોને ત્યાં જ છોડીને પછી પોતે ત્યાંથી પગપાળા જ અયોધ્યા પહોંચ્યો, અને ત્યાંના રાજા ઋતુપર્ણ પાસે સારથીની સેવા સ્વીકારી ત્યાં જ સ્થાયી થઈ ગયો. વાર્ષ્ણેયના ગયા બાદ, પુષ્કરે પાસાની રમતમાં નળરાજાનું રાજ્ય અને સંપત્તિ દગો કરીને છીનવી લીધા. પછી તે નળને સંબોધીને હસ્યો અને કહ્યું – ‘હજુય દ્યુત રમશો બાંધવ? પરંતુ તમારી તો પાસે દાવ માટે કંઈ નથી. પણ જો તમે દમયંતીને દાવમાં મુકવાલાયક માનતા હો, તો ત્યાં હજુ ય એક દાવ રમી શકાશે. નળરાજાનું હૃદય ફાટવા લાગ્યું, પરંતુ તેઓએ પુષ્કરને કશું જ કહ્યું નહીં. આમ.. હાર્યો નળ ને પુષ્કર જીત્યો, જૈ બેઠો સિંહાસનજી. આણ પોતાની વર્તાવી પુરમાં, કહે નળને જાઓ વનજી; વનકુળા પહેરી વન વાસો ને, કરો વનફળા આહારજી; એક વસ્ત્ર રાખો શરીરે, બાકી ઉતારો શણગારજી. સર્વ તજી એક વસ્ત્ર રાખી, ઉઠ્યો નળ ભૂપાળ જી. દમયંતીએ કહાવિયું, “તું પીયેર જાજે આ કાળ જી” રુદન કરતી રાણી આવી, ગ્રહયો પતિનો હાથ જી; શીશ નામીને સ્વામીને કહે, “મુને તેડો સાથ જી. સુખા દુઃખની કહીએ વારતા, એકલાં નવ સોહાય જી; હું સેવાને આવું સહીરે, થાકો તો ચાંપુ પાય જી” કંથ કહે, “હો કામિની, તું આવે એ મુને જંજાળ જી; એ દુઃખા સઘળાં વેઠીએ પણ, ટળે નહીં એમ કાળ જી” રોતી કહે છે કામિની રે, “જેમ છાયા દેહને વળગી જી; તેમ હું તમારી તારુણી રે, કેમે ના થાઊં અળગી જી. જો અળગી અક્રશો નાથજી, તો પ્રાણ તજું આ કાળ રે; નળ કહે આવે વન વિષે તો, નીકળવું હવે તત્કાળ રે” પછી તો તેઓએ તુરંત પોતાના સર્વે વસ્ત્ર-આભૂષણ ઉતાર્યા અને માત્ર એક જ વસ્ત્ર ધારણ કરીને નગર બહાર નીકળી આવ્યા. દમયંતી પણ માત્ર એક વસ્ત્રભેર પતિની પાછળ વનમાં ગઈ, કારણ.. દ્યુતક્રીડામાં શરત આકરી મૂકી પુષ્કર મુસ્કાય જી જો હારે તે ત્વરા રાજ મેલી, ત્રણ વરસ વન જાય જી. ત્રણ વરસ તો ગુપ્ત જ રહેવું, વેષ અન્ય ધરી જી. કદાચિત પ્રીછ્યું પડે તો પછી, વંન ભોગવે ફરી જી. નળરાજાના હિતેષુઓ અને મિત્ર-સંબંધીઓએ ભારે વ્યથાની લાગણી અનુભવી. નલ અને દમયંતી બંને નગર બહાર ત્રણ રાત રોકાયા. પુષ્કરે શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે વ્યક્તિ નળ પ્રત્યે સહાનુભૂતિ બતાવશે છે તેને મ્રુત્યુદંડ આપવામાં આવશે. ભયથી નગરના લોકો તેમના રાજાનું વિદાયવિધિ પણ કરી શક્યા ન હતા. પછી નળ દમયંતી બેઉ માત્ર પાણી પીને ત્રણ દિવસ અને રાત પોતાના નગર બહાર રહ્યા. ચોથા દિવસે તેમને આકરી ભૂખ લાગી. ત્યારબાદ ફળ અને મૂળ બંનેએ ખાધા પછી, ત્યાંથી આગળ વધી ગયા. એક દિવસ નળરાજાએ જોયું કે કેટલાક પક્ષીઓ તેમની આસપાસ આવીને બેઠા છે. તેમની પાંખો સોનાની પેઠે ચમકી રહી છે. એ જોઈ, નળે વિચાર્યું કે તેમની પાંખોમાંથી કેટલૂંક ધન પ્રાપ્ત કરી શકાશે. એથી રાજાએ પોતાના અંગ પરનું એકમાત્ર વસ્ત્ર ઉતાર્યું અને તેમને પકડવા માટે તેમના પર ફેંક્યું. પરંતુ પક્ષીઓ ભારે ચતુર નીકળ્યા. તેઓ તો એ કપડાં સાથે જ ઉડી ગયા. હવે નળરાજા સાવ નિર્વસ્ત્ર હતા અને પોતાનો લજ્જિત ચહેરો નીચે રાખીને ખૂબ દયામણી અવસ્થામાં ઉભા હતા. જતાં જતાં પક્ષીઓ બોલ્યા- ‘હે દુર્બુદ્ધે..! તું નગરમાંથી એક વસ્ત્ર પહેરી નીકળી આવ્યો એ જોઈને અમને ખૂબ દુઃખ થયું હતું. તો લે, હવે એ વસ્ત્ર અમે પાછું લઇ જઈ રહ્યા છીએ. અને સાંભળી લે, અમે પક્ષીઓ દેખાઈએ છીએ પણ અમે તે નથી, અમે દ્યુત-પાસા છીએ.’ ભોળા નળરાજા એ સાંભળી રહ્યા. પાસાઓની આ મેલી રમત તેઓની મતિમાં જ બેસતી નહોતી. પછી દમયંતીની પાસે આવી તેને પાસા વિશે બધી વાત કરી અને નળરાજા આગળ બોલ્યા- “હે પ્રાણપ્રિય..! તમે જુઓ, અહીં માર્ગો ફંટાય છે. એક અવંતિ તરફ જાય છે, બીજો રુક્ષવાન પર્વત પર થઈને દક્ષિણ દેશમાં જાય છે. સામે છે એ વિંધ્યાચળ પર્વત છે. આ નદી પાયોષ્ણી આગળ વધીને સમુદ્ર સાથે જોડાય છે. આ સર્વે મહર્ષિઓના આશ્રમો છે. સામેનો રસ્તો વિદર્ભ દેશ તરફ જાય છે. આ તરફનો રસ્તો કૌશલ દેશનો માર્ગ છે.” આમ નળરાજા દુ:ખ અને શોકભર્યા સ્વરે, અત્યંત સાવધાની સાથે દમયંતીને જુદા જુદા માર્ગો અને આશ્રમો બતાવવા લાગ્યા. આ સઘળું સાંભળી દમયંતીની આંખો આંસુથી ભરાઈ ગઈ. તે હળવા અવાજે કહેવા લાગી- “સ્વામી..! તમે શું વિચારી રહ્યા છે? મારા તો અંગ શિથિલ પડી રહ્યા છે અને હૃદય ઉદ્વિગ્ર થઈ રહ્યું છે. તમારું સામ્રાજ્ય ચાલ્યું ગયું છે, તમારી સંપત્તિ ચાલી ગઈ, અંગ પર એકેય વસ્ત્ર નથી, તમે થાકેલા ઉપરાંત ભૂખ્યા અને તરસ્યા છો; આવી અવસ્થામાં શું હું તમને આ નિર્જન અરણ્યમાં એકલા ત્યાગીને અન્યત્ર ક્યાંક જઈ શકું ખરી? હું તમારી સાથે રહીને તમારા દુ:ખ હળવા કરીશ. સંકટ સમયમાં પત્ની પુરુષ માટે કોઈ એક ઔષધિ સમાન હોય છે જે ધીરજ આપીને તેના પતિનું દુ:ખ ઓછું કરી દે, એ તો વૈદ્યો પણ સ્વીકારે છે.” નળે કહ્યું – ‘પ્રિયે..! તમે સાચા છો. પત્ની મિત્ર છે, પત્ની ઔષધિ છે. પણ હું તમને છોડવા માંગતો નથી. તમે આમ શા માટે શંકા લાવો છો?” દમયંતીએ કહ્યું – ‘તમે મને છોડવા નથી માંગતા, તો તમે મને મારી પિયરવાટ કેમ બતાવી રહ્યા છો? મને ખાતરી છે કે તમે મને ત્યાગી શકતા નથી. તેમ છતાં, આ સમયે તમારું મન વિચલિત છે, ને વિદર્ભ દેશને રસ્તો બતાવ્યો એથી જ મને શંકા થાય છે. આમાંથી માર્ગ બતાવતા મને અપાર દુઃખ તો થાય છે, પણ જો તમે મને મારા પિતા કે કોઈ સંબંધીના ઘરે મોકલવા માંગતા હો, તો તે ત્યારે જ યોગ્ય છે, કે આપણે બેઉ સાથે ત્યાં જઈએ. મારા પિતા અવશ્ય તમારું સ્વાગત કરશે. તમે ત્યાં ખુશીથી રહો.’ નળે કહ્યું- ‘પ્રિય..! તમારા પિતા એક રાજા છે અને હું પણ ક્યારેક રાજા હતો. એટલે આ સમયે હું મુશ્કેલીમાં તેમની પાસે જઈશ નહીં.’ આમ નળરાજાએ દમયંતીને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે પછી તેઓએ પોતાના બન્ને શરીર એક જ વસ્ત્રથી ઢાંકીને અરણ્યમાં અહીંતહીં ભટકતા રહ્યા. આખરે ભૂખ અને તરસથી ત્રસ્ત થઈને બેઉએ તે ધર્મશાળામાં આવીને રાતવાસો કર્યો, કે જ્યાંથી તેમનો લાંબો વિયોગ શરૂ થવાનો હતો. (ક્રમશ:) ‹ પાછળનું પ્રકરણનળ દમયંતી ની વાર્તા - ભાગ 1 › આગળનું પ્રકરણ નળ દમયંતી ની વાર્તા - ભાગ 3 Download Our App