છપ્પર પગી - 61 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 61

છપ્પર પગી ( પ્રકરણ ૬૧ )

———————————

પોતાનાં ધર્મનો આટલો અગાઢ મર્મ સાંભળી પલ તો અભિભૂત થઈ ગઈ. રાકેશભાઈ અને પ્રવિણે પણ આ વાત સાંભળી હતી.હવે મુંબઈ ઘરે પહોંચવાની તૈયારી જ હતી… થોડીવાર તો કોઈ જ કંઈ ન બોલ્યા. પછી પ્રવિણે કહ્યુ, ‘લક્ષ્મી આટલું બધુ ઉંડાણપૂર્વકનુ જ્ઞાન તારી પાસે છે, એ તો મને પણ ખબર નથી. મને તો અત્યારે એવી અનુભૂતિ થાય છે કે આપણે વર્ષોથી સાથે છીએ તેમ છતાં હજી કેટલું બધુ પરસ્પર જાણવા સમજવાનું બાકી રહેતું હશે..! હવે નિવૃત્તિમા મારે તારી જોડે વધારે પ્રવૃત્ત રહેવું જોઈએ એવું મને લાગે છે, જેથી હું પણ જે કંઈ આ જીવનની ઘટમાળમાં ચૂકી ગયો તે પામી શકું..’

રાકેશભાઈ તરત બોલ્યા, ‘ભાભી તમે અમારાં ટ્યુશન ચાલુ કરી દો… અમે તો ખરું ચૂકી રહ્યા હોય તેવું લાગે છે.’

લક્ષ્મીએ વાતને ટૂંકાવતાં કહ્યુ, ‘તમે બન્ને હવે બહુ મારી ખેંચવાનું રહેવા દો… મારી વાત છોડો. આપણો સનાતન ધર્મ ખૂબ જ અગાઢ છે અને આપણી પરંપરાઓ તો એટલી ઉજ્જવળ છે કે એ વિશાળ મહાસાગરના બિંદુ માત્ર જ્ઞાન પણ આપણે હજી જાણી કે પામી નથી શકતા, એ મૂજબ તસુભાર પણ જીવવું એ આપણા સૌનુ સૌભાગ્ય કહેવાય.. સંસારના આ વિષચક્રમાં જેટલું જાણીએ સમજીએ અને એટલું જીવનમાં ઉતારીએ તો પણ જીવનની સાર્થકતા રહેવાય… બધુ જ કોઈ એક જાણી, વાંચી, સમજી કે ઉતારી શકે તે હાલનાં સમયમાં અશક્ય છે એટલે જેવું જેનુ જેટલું જ્ઞાન અને એ હિસાબે ‘પરસ્પર દેવો ભવ’ એ સૂત્રે એક બીજાનાં સારા અનુભવો ગ્રહણ કરીએ તો આ નાશવંત ક્ષણિક જીવનમાં કંઈ પામીએ…આપણી પોતાની આંતરિક અને આત્મિક શાંતિને પ્રાધાન્ય આપીએ, બાકી સમાજની દ્રષ્ટિએ પોતાને મૂલવવા જઈએ તો એ વિષચક્રમાંથી ક્યારેય બહાર જ નહી નિકળાય..સારું હવે પેલું શ્રી રામ ભોજનાલય આવે ત્યારે ફરી ઉભા રહીએ, થોડા ફ્રેશ થઈએ.. મેં ત્યાં ફોન કરી દીધો છે… આપણે ત્યાં કઢી ખીચડી ખાઈને જ આગળ જઈશુ.’

લક્ષ્મીની વાત સાંભળી પ્રવિણ ફરી વિચારોમાં ઉંડાણમાં ગરકાવ થઈ ગયો.

થોડીવારની મુસાફરી પછી ભોજનાલય આવે છે, જમે છે.

મોડી રાત્રે મુંબઈ પરત ફરે છે. ખૂબ થાક હોવાથી બીજા દિવસે ઓફિસ માટે પણ બપોર પછી જ કામ પર લાગે છે.

આ ખાત મુહૂર્તની ઘટનાને હવે એક વર્ષ પુરુ થવા આવ્યું હતું…. આ દરમ્યાન પલ પોતાના નવા બિઝનેશમાં ખૂબ મક્કમતાથી અને સાવચેતી પૂર્વક આગળ વધી એક સોલિડ ફાઉન્ડેશન તરફ આગળ વધી રહી છે. પલની ઈચ્છા હતી કે પોતાની કંપનીનું રેગ્યુલર એક્ઝીક્યુશન બન્ને સ્કૂલની જોડે જોડે જ થઈ શકે.

બન્ને સ્કૂલ્સનુ નિર્માણ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે.. બાંધકામ લગભગ બધુ જ પૂર્ણ થવા આવ્યું હતુ.. કલર અને ફર્નિશિંગ કામ જ બાકી હતું એટલે પ્રવિણ અને લક્ષ્મી હવે એક બે દિવસમાં ફરી વતન જઈ રૂબરૂ કામ જોવા જવાનો પ્લાન કરી રહ્યા છે.

હિતેનભાઈ હવે ઓલમોસ્ટ નિવૃત્ત થઈ ગયા હતા, એ માત્ર પલ ની નવી કંપની માટે પલને મદદરૂપ બનતા હતા. લક્ષ્મી પોતાના સામાજિક કાર્યોમાં જ વ્યસ્ત રહેતી અને હવે તો એ પણ એનાંથી નિવૃતિ ઈચ્છતી હતી અને એનો પણ કર્મયોગ થી ભક્તિયોગ તરફ મન સ્વાભાવિક રીતે આગવો વધી રહ્યુ હતુ.

એ બન્ને બે દિવસ પછી વતન જાય એ પહેલાં એક મહત્વનું કામ પુરુ કરવાનુ હતું એટલે નક્કી થયા મુજબ આજે સાંજે પ્રવિણ ઓફીસથી સીધો જ લક્ષ્મીના એનજીઓ પર પહોંચી જાય છે. પ્રવિણ અને લક્ષ્મી બન્ને એનજીઓ ઓફિસમાં બેઠાં હોય છે એટલે લક્ષ્મીએ તરત મેનજર સાહેબને કહ્યું, ‘બહેન એમનાં કામમાંથી ફ્રી થયા હોય તો બોલાવજો.. અને જો હજી વ્યસ્ત હોય તો અમે ત્યાં જઈએ..’

મેનેજરે તરત કહ્યું, ‘અરે એ તો એક સાથે બે ત્રણ કામ જોડે કરી શકે છે.., એમની તો ચાર આંખો હોય છે, ત્યાં કામ પણ સરસ ચાલશે ને મોબાઈલ પર કેમેરાથી નજર પણ રાખતા રહેતા હોય છે એટલે બોલાવી જ લઈએ, એમને ખબર છે કે તમે આજે આવવાનાં એટલે એમણે મને કહ્યું જ હતું કે આવે તો તરત મેસેજ કરજો… મે વોટ્સએપ મેસેજ કર્યો જ છે… અરે … જો આવી પણ ગયા બહેન..!’

લક્ષ્મીના એનજીઓ માટે બહેનો માટે જે ડ્રેસ કોડ હતો તે આઈવરી કલરની સાઉથ કોટન સાડીમાં ખૂબ જ એટિકેટથી સજ્જ થયેલી, એકદમ કોન્ફિડન્ટ દેખાતી પણ પૂરેપુરી વિવેકસભર એક ગુણિયલ નારી ઓફિસમાં પ્રવેશીને તરત લક્ષ્મી અને પ્રવિણને પગે લાગવા જઈ રહી છે, તો તરત પ્રવિણ અટકાવે છે અને કહે છે,

‘અરે અરે જિનલ… આ શું કરે છે તું ?’

‘પ્રવિણ, લક્ષ્મી મને રૂણ સ્વિકાર કરવા દો તને બન્ને… પાછલું બધુ જ ભૂલી ગઈ છું, નવી જિંદગીની શરૂઆત કરી છે અને આ નવી જિંદગીના દાતા તમે બન્ને જ છો.. અને એ ન્યાયે તમે બન્ને મારા આ નવજીવનનાં માતા-પિતા બન્યા કહેવાઓને..! તો એ ન્યાયે મારો અધિકાર પણ છે અને ફરજ પણ..’

પ્રવિણે જવાબ આપ્યો, ‘જિનલ.. આપણે બધા કોઈને કોઈ રૂણાનુબંધથી જોડાયેલ હોઈએ એટલે જ આ બધી ઘટનાઓ બનતી હોય છે… બધા નિમિત્ત માત્ર હોઈ કોઈએ કોઈને યશ-અપયશ આપ્યા વગર કે ખેદ- અફસોસ વ્યક્ત કર્યા વગર ‘ આગે.. આગે.. અકર્તા ભાવે જવાનું છે.’

લક્ષ્મીએ મુખ્ય વાત આગળ વધારતાં કહ્યું, ‘ જિનલ.. બહેન મારે તારા પરીવાર જોડે સતત વાતચીત ચાલતી હતી.તારા હસબંડે તો બીજા લગ્ન કરી લીધા હતા અને હવે તો એ પણ નથી ટક્યા… વાસ્તવિકતા એમણે પણ સ્વીકારી છે.. તારી સીચ્યુએશન વિશે સતત અપડેટ કરેલ છે… તુ હા કહે તો તને પુરા માન સન્માન સાથે લેવા પુરો પરીવાર અમેરિકાથી આવશે…તમારી ઈચ્છા જાણવા માટે જ તમને બોલાવ્યા છે..’

બિલકુલ વાર લગાડ્યા સિવાય જિનલે જવાબ આપ્યો, ‘લક્ષ્મીબહેન હું તમારી દિકરી હોવ તો તમે શું નિર્ણય લો ? મને એ બન્ને વિચારીને કહો.. તમે બન્ને જેમ કહેશો તેમ કરીશ.!’

લક્ષ્મીએ કહ્યું, ‘અમે તો તારી ઈચ્છાને જ માન આપીએ. અને તું તો એક સમજુ અને પરિપક્વ સ્ત્રી છો એટલે તને કોઈ સલાહ આપીએ અને તું ફોલો કરે એ વિચારવાનો પ્રશ્ન જ નથી..’

‘…. તો પછી અહીં મને નવજીવન મલ્યું છે, મારી માની ચિંતાઓ ટળી છે, એ પણ અહીં બહુ જ ખૂશ છે.મને પોતાને હવે આ જીવન આ એનજીઓ માટે પરત રૂણ ચૂકવવા સમર્પિત કરી દેવુ એજ યોગ્ય લાગે છે અને વળી એમાં પણ આપવા કરતાં પણ હું વધુ પામી રહી છું એવી અનુભૂતિ વિશેષ થાય છે.. તો હવે મારે બીજો કોઈ વિચાર નથી કરવો… હા એમણે બીજા લગ્ન ન કર્યા હોત અને એ લોકોને મારી જરૂરિયાત હોત તો કદાચ વિચારવું યોગ્ય પણ હોત. મને મારા કર્મોની સજા મળી, ભોગવી પણ ખરી અને ઈશ્વરે નવજીવન બક્ષ્યુ છે તો શા માટે ફરી એ જ ઘટમાળના વિષચક્રમાં ફસાઈ જાઉ.. એમને ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો આપણો આ પરીવાર વિશાળ અને ઉદાર છે… દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય તો સૌનુ સ્વાગત છે.. ભલે એ પણ આવે, બાકી મારે ક્યાંય જવું નથી.’

પ્રવિણે કહ્યુ, ‘જિનલ… હા અમે બધા જ તારો પરીવાર છીએ અને આ બધુ જ આપણું જ છે.. તમે જે યોગ્ય લાગે તે નિર્ણય લે .., અમે તારી જોડે જ છીએ. અમને તો ખબર જ હતી કે તું આવોજ કંઈ નિર્ણય લઈશ પણ અમારી ફરજનાં ભાગરૂપે અને એનજીઓના સિંદ્ધાંત મુજબ લક્ષ્મીએ અમૂક પ્રયત્નો કરવા પડે અને એટલે જ અમે સામેથી અપડેટ મેળવતા રહેતા હતા..’

લક્ષ્મીએ કહ્યું, ‘સારું જિનલ.. વી રિસ્પેક્ટ યોર ડિસીઝન.. બટ યુ ટુ હેવ ટુ રિસ્પેક્ટ અવર ડિસીઝન નાવ…!’

‘ઓહ… તો હવે બાર્ગેઈન કરશો મારી જોડે એમ ને ..! જિનલે હસીને અને લક્ષ્મીને ભેંટીને કહ્યુ.

‘ સારું… કહો શું ઈચ્છો છો તમે મારી પાસે..?’

લક્ષ્મીએ કહ્યુ, ‘બસ બીજી કાંઈ જ નહીં પણ તારે…!!!’


( ક્રમશઃ )

લેખકઃ રાજેશ કારિયા.