છપ્પર પગી ( ભાગ - ૬૦ )
———————————
આખી વાત પ્રવિણ અને લક્ષ્મી ટૂંકમા સમજી ગયા. પ્રવિણ જોડે ધીમેથી કંઈક ચર્ચા કરીને લક્ષ્મીએ જિનલની મા ને કહ્યું, ‘તમે અને જિનલ બન્ને મારા એનજીઓ દ્વારા ચાલતી સંસ્થામાં રહેવા આવી જાવ તો, તમારે આ ઉંમરે હવે તકલીફ ન વેઠવી પડે અને જિનલની સારવાર પણ અમે કરાવીશુ… અમને વિશ્વાસ છે ચોક્કસ જિનલને સારૂ થઈ જ જશે.તમારા જેવા બિજા ઘણા લોકો ત્યાં રહે જ છે, તમને વાંધો નહીં આવે.’
‘પણ તમી તો અણજાણ સો.. ક્યમ ભરોહો કરુ…ને ઈમ કાં અમને સહાય કરો..? મારે માથે તો હવે ઘરવારો ય નથ.. બેય અમે નોધારા..ન્યા કાંઈ થાય તો કુને રાવ કરીએ..’
‘તમે અજાણ્યા નથી અને અમે પણ અજાણ્યા નથી’ લક્ષ્મીએ આશ્વાસન આપતા જણાવ્યું.
પછી લક્ષ્મીએ તરત પ્રવિણ સામે સૂચક નજરે જોયું એટલે પ્રવિણ તરત વાત સમજી ગયો એટલે પ્રવિણ બોલ્યો, ‘કાકી હું પવલો છું… મુંબઈ રહેતો હતો ને એ..! ઓળખ્યો મને કે નહી ?’
જિનલની મા હિરાકાકીએ હવે પહેલી વખત પ્રવિણ સામે બહુ ધ્યાનથી જોયું અને પછી એક ઉંડા અફસોસ સાથે બોલ્યા,
‘અરે દિકરા પવલા તું સે ભાઈ.. તન તો દિકરા તે’દિય ન પારખી હકી ને આઈજે નો પારખી હકી.. એમ કહીને પ્રવિણને ભેટીને મોટી પોક મૂકી ને રડતાં રડતાં બોલ્યા..’લઈ જા દિકરા લઈજા અમની… મારું જીવતર તો ઝેર થઈ ગ્યુ સ…આ જિનલીનુ કાંઈ હારું થાય તો માર જીવ પણ સૂટે, બાકી હવ નથ રેવાતું મારથી..’
‘કાકી.. ચિંતા ન કરો. ભગવાન સૌ સારા વાના કરશે.’ પ્રવિણે આશ્વાસન આપતા કહ્યું.
લક્ષ્મીએ કહ્યુ, ‘કાકી તમે તૈયારી કરો.. બે દિવસ પછી મારી ગાડી ને ડ્રાઈવર તમને બેય ને લેવા આવશે. પછી તમને કોઈ તકલીફ નહીં પડે.’
‘પવલા આ કુણ સે ? તારી વવ સે ?’
‘હા.. કાકી. લક્ષ્મી સે ઈનું નામ’
‘અરે સાકસાત લખમી જ સે..’ એમ કહી બ્લાઉઝમાં હાથ ખોસી નાનો બટવો કાઢી, એમાંથી દસ રુપિયાની નોટ કાઢી લક્ષ્મીને હાથમાં મુકી ને માથે દુખણાં લીધા ને કહ્યુ, ‘લખમી નુ મોઢું પેલી વાર જોયું ને..’
લક્ષ્મીએ સાડીનો પાલવ માથે ઓઢી હીરાકાકીને પગે લાગી અને કહ્યું, ‘કાકી જે પણ થયું, બન્યું એ બધું હવે ભૂલી જાવ…એ હવે તમારો દિકરો જ છે ને જિનલ મારી બેન…તમારે અહીં કોઈને જણાવવું હોય તો કહી રાખજો. ઘર બંધ કરી ચાવી જેને સોંપવી હોય તો સોંપીને આવી જજો. તમને હવે કોઈ તકલીફ નહીં પડે. ભરોસો કરજો અમારા પર..!’
લક્ષ્મી અને પ્રવિણ બન્ને હવે મંદીર પાસે પાર્ક કરેલી પોતાની કાર તરફ પરત ફરે છે. થોડી વાર થઈ હતી એટલે પલ પણ કારમાંથી નીચે ઉતરી જ ગઈ હતી અને મંદિરમાં બેસી પૂજા કરતી હતી… રાકેશભાઈ નજીક આમથી તેમ ટહેલતાં હતાં. પ્રવિણે બન્ને ને બોલાવી કારમાં બેસી મુંબઈ તરફ પ્રયાણ કરે છે.
થોડી વાર થઈ તો એકદમ વિચારે ચડેલી પલને જોઈ લક્ષ્મી પુછે છે, ‘ક્યાં ખોવાઈ ગઈ બેટા..?’
‘મા મારે લંડનમાં હોસ્ટેલમાં ફ્રેંડ્સ જોડે ઘણી ચર્ચાઓ થતી… ત્યારે મને એક દિવસ એન્જેલિનાએ કહ્યુ હતુ કે યુ હિંદુસ વર્શિપ પ્રાઈવેટ પાર્ટ ઓફ યોર ગોડ શિવ..! એ દિવસે તો મને બહુ ખરાબ લાગ્યુ હતુ પણ મારી પાસે કોઈ જવાબ પણ ન હતો., આજે મંદીરમાં જોયું તો એ સેન્ટેન્સ જ યાદ આવ્યુ.. મને પ્લીઝ ડિટેઈલમાં સમજાવ ને ! આજે તો બહુ ટાઈમ છે…’
લક્ષ્મીએ પલનું માથું પોતાના ખભે ઢાળી માથે હાથ ફેરવતા કહ્યુ, ‘સારુ થયુ બેટા તે આજે પુછ્યુ તો.. આજે બહુ જ નિરાંત છે.. ચાલ તને સમજાવું.’ એમ કહી લક્ષ્મીએ સમજાવવાનું શરુ કર્યુ,
‘આપણાં સૌ હિંદુઓની આસ્થાનું પ્રતિક છે ભગવાન શિવ. શિવજીની આસ્થા અને શિવજીના વિશ્વાસનાં પ્રતિક છીએ આપણે સૌ અને આપણા સૌના શિવજી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે ‘શિવલિંગ’. પરંતુ નવમી અને દસમી શતાબ્દીમાં મુગલોના આર્યાવર્ત અને ભારત આવ્યાં પછી અને સોળમી અને સત્તરમી સદીમાં અંગ્રેજોનાં ભારત આગમન પછી કેટલુંક મુગલોએ તો કેટલુંક ફિરંગીઓએ કેટલીક માન્યતાઓ ભારતનાં લોકોમાં પ્રસરાવી અને એમને એવું માનવા માટે મજબૂર કર્યા કે અને એમનાં મનમાં એવું ઠસાવ્યું કે ભગવાન શિવનું લિંગ એ એમનું ગુપ્તાન્ગ છે. પણ એ આપણું જ દુર્ભાગ્ય છે કે ઘણાં બધાં હિંદુઓએ એવું માની પણ લીધું કે શિવલિંગ એ ભગવાન શિવજીનું ગુપ્ત અંગ છે. ખરેખર દેવાધિદેવ મહાદેવજીનું લિંગ કેટલું પાવન છે અને કેટલું પવિત્ર છે અને કલ્યાણકારી છે એ જાણવું જરૂરી છે. શિવલિંગનો ખોટો અર્થ કાઢીને અન્ય ધર્મો એ હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં કોઈ જ કસર ના છોડી અને આપણે પણ એ મજાકને સત્ય પણ માની લીધું.
એક શબ્દનાં ઘણાં અર્થો થતાં હોય છે, એ આપણે જાણીએ છીએ.
સંસ્કૃત જગતની બધી જ ભાષાઓની જનની છે. એને દેવભાષા પણ કહેવમાં આવી છે. વિભિન્ન ભાષાઓમાં એક જ શબ્દના જુદા જુદા અર્થો થાય છે. ઉદાહરણ સ્વરૂપે આપણે “સૂત્ર” શબ્દ લઈએ તો હિંદીમાં એનો એક અર્થ થાય છે દોરા – ધાગા. પણ સંસ્કૃતમાં સૂત્રના અનેક અર્થો છે જેમકે ગણિતીય સૂત્ર, વૈજ્ઞાનિક સૂત્ર, બ્રહ્મસૂત્ર, નારદીય સૂત્ર.
સંસ્કૃત ભાષાની પૂરતી જાણકારી ના હોવાંના કારણે અને એનાં અર્થને સમજવાની આપણી તૈયારી અપૂરતી હોવાનાં કારણે જ આપણે શિવલિંગને ગુપ્તાન્ગ સમજી લીધું. સંસ્કૃતમાં “લિંગ” શબ્દનો અર્થ થાય છે ચિન્હ, પ્રતિક, નિશાન અને જનનેન્દ્રિયનો અર્થ થાય છે શિશ્ન (ગુપ્તાંગ). એનો અર્થ એ થયો કે શિવલિંગ એટલે શિવનું ચિન્હ, શિવનું પ્રતીક, શિવનું નિશાન.
સંસ્કૃતમાં પુરુષ માટે પુલ્લિંન્ગ શબ્દપ્રયોગ થાય છે. આ જ લિંગ જો પુરુષવાચક શબ્દ હોય તો તેનો અર્થ થાય છે પુરુષનું ચિન્હ, પુરુષનું પ્રતિક, પુરુષનું નિશાન. ભાષા વ્યાકરણમાં ક્યાંક તો વાંચવામાં આવ્યું જ હશે કે સ્ત્રીલિંગ જો પુરુષના લિંગ માટે આટલાં અર્થો હોય તો શું સ્ત્રીલિંગ એટલે સ્ત્રીઓને પણ લિંગ હોય છે? ત્યાંજ તો આપણી માન્યતા ખોટી પડે છે ને.
આવી ખોટી માન્યતાઓને કારણે ભારતમાં ઘણી બધી સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ નથી કરતી. હવે મનમાં એ પ્રશ્ન જરૂર થાય કે તો પછી આ શિવલિંગ બન્યું કઈ રીતે ? વેદકાળના ઋષિ-મુનિઓના મનમાં એવો વિચાર આવ્યો કે કેવી રીતે…? તેમના મનમાં એવો વિચાર આવ્યો કે શિવજીને લિંગમાં પરિવર્તિત કરી દઈએ તો કેવું ? આ લિંગનો વિચાર આવ્યો આવી રીતે. શૂન્ય, આકાશ, અનંત, બ્રહ્માંડ અને નિરાકાર એ પરમ પુરુષના પ્રતિક છે. એટલે જ આ પ્રતિકને લિંગ કહેવામાં આવે છે.
સ્કન્દપુરાણમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે આકાશ સ્વયં લિંગ છે, વાસ્તવમાં શિવલિંગ એ આપણા બ્રહ્માંડની આકૃતિ છે. જે શિવમય વાતાવરણની ધુરા (axis) છે. શિવલિંગનો એક અર્થ અનંત પણ થાય છે કે જેનો આદિ, અંત અને મધ્ય પણ ના હોય. જે અંતથી રહિત હોય તે અનંત અને ના જેની કોઈ શરૂઆત હોય એ અનંત. બ્રહ્માંડ બે જ ચીજો હોય છે, ઉર્જા અને પદાર્થ. આપણું શરીર પદાર્થથી નિર્મિત છે, આત્મા ઉર્જા નિર્મિત છે. આ રીતે શિવ પદાર્થ અને શક્તિ ઉર્જાનું પ્રતિક છે. આ બન્નેના મિલન થવાથી એ શિવલિંગ બને છે. મનમાં તો એ શંકા જરૂર થતી હશે કે શિવ અને પાર્વતી, શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરુષ. આ બંન્નેનુ મિલન એટલે જ શિવલિંગ. પણ આતો એવી જ વાત થઈને કે જે આપણા મનમાં ઠસાવવામાં આવ્યું હોય. પણ એવું નથી અને એ સાચું પણ નથી જ. આ સત્યને સાબિત કરવાં માટે આપણે “યોનિ ” શબ્દનો અર્થ પણ જાણી લેવો અત્યંત આવશ્યક છે.
મનુષ્ય યોની, પ્રકૃતિ યોનિ, ઝાડપાનની યોનિ, જીવજંતુઓની યોનિ. યોનિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે જીવ પોતાનાં કર્મ પ્રમાણે જે જન્મ પામે છે એને યોનિ કહેવાય. સંકૃતમાં મનુષ્ય યોની એક જ છે. એમાં પુરુષ અને સ્ત્રી યોનિનો કોઈજ પ્રકારનો ભેદભાવ નથી તાત્પર્યાર્થ એ કે પુરુષ યોનિ અલગ નથી કે સ્ત્રી યોનિ પણ અલગ નથી. પ્રકૃતિ એ સ્ત્રીનું પ્રતિક છે. આ બન્ને જ્યારે મળે ત્યારે એક જ યોનિ પ્રાપ્ત કરે છે. શિવ અને શક્તિ શિવલિંગ બનાવતી વખતે મળ્યા નહોતાં પણ એક યોનિનું નિર્માણ કર્યું અને એ આપણે માટે પૂજનીય બની. અને આમાંથી જ શિવલિંગ બન્યું પણ એ બન્યું કઈ રીતે ? તો આપણાં પ્રાચીન ઋષિ મુનિઓએ કે જેઓ જ્ઞાન વિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતાં હતાં તેમને શિવલિંગને એક આકાર આપ્યો. આ વાત પણ સ્કન્દપુરાણમાં કરવામાં આવી છે.
આરંભમાં ઋષિ-મુનિઓએ દીપકની જ્યોતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. પણ ધ્યાન એકાગ્ર નહોતું થઇ શકતું કારણ કે તેજ હવા ચાલતી હતી, તેજ હવામાં જ્યોતિ ટમ ટમ થયાં કરતી હતી. તેમનું ધ્યાન એકાગ્ર નહોતું થઇ શકતું, કહો કે ધ્યાનમાં બાધા આવતી હતી એટલે એમને આનો વિકલ્પ શોધવાનો શરુ કર્યો. કારણ કે તેઓ લાંબી અવધિ સુધી ધ્યાન કેન્દ્રિત નહોતાં કરી શકતા. એટલે એમણે એ દીપ જ્યોતિને એક પથ્થરના ઢાંચામાં ઢાળવાનું શરુ કર્યું. અને એને શિવલિંગ કહેવામાં આવ્યું. અને આ રીતે શિવલિંગ નો જન્મ થયો. આપણે કોઈના કહ્યા પ્રમાણે ના ચાલવું જોઈએ, અને કોઈના કહેવાથી કોઈ પણ વાત સાચી મણિ ના લે વી જેઓએ. આપણે ગર્વથી કહેવું જોઈએ કે આપણે હિન્દૂ છીએ અને આપણી સંકૃતિ ગૌરવશાળી છે.
आकाश लिंगमित्याहुः पृथ्वी तस्य पीठिका ।
आलायः सर्व देवानां लयनात लिंगमुच्यते ॥
અર્થાત્ આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.
"લિંગ" એટલે લક્ષણ, ચિહ્ન, નિશાન, બ્રહ્મનું પ્રતીક એવો અર્થ અભિપ્રેત છે. લિંગમાં શિવભક્તોનો જીવભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી "લિંગ" નામ પડ્યું છે. જે સાધક આ દિવસે લિંગપૂજનને વિશેષ અગત્ય આપે છે અને લિંગપૂજા પરાયણ બને છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. લોમશ મુનિ કહે છે કે -
त्यकता सर्वाणि पापानि निर्गदो दग्ध कल्मषः ।
मन्मना मन्नमस्कारो मामेव प्रति पद्मते ॥
અર્થાત્ શિવલિંગમાં મનને એકાગ્ર કરીને જે સાધક નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તથા રોગ રહિત બનીને મનને જ પામે છે.
શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.
આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે! શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી. શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.
શિવલિંગના પાચ સ્વરૂપો છે.
(૧) સ્વયંભૂ લિંગ - શિવજી ઋષિમુનિઓના તપથી પ્રસન્ન થઈ પૃથ્વીની અંદર રહ્યા છે. જે રીતે અંકુર પૃથ્વીમાંથી આપોઆપ (સ્વયંભૂ) બહાર નીકળે છે, તે રીતે શિવજી લિંગ સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે. આને સ્વયંભૂ લિંગ કહેવામાં આવે છે.
(૨) બિંદુ લિંગ - સ્વહસ્તે લખેલા પત્રમાં અગર અન્ય કોઈ વસ્તુમાં આવાહન કરી અર્ચન-પૂજન કરવું રે બિંદુ લિંગ કહેવાય છે. આ લિંગ ભાવનામય છે.
(૩) સ્થાપિત લિંગ - ભૂદેવોએ, રાજવીઓએ અને શ્રીમંતોએ કારીગર પાસે કલાત્મક રીતે કંડારાવી જે લિંગની મંત્રોચ્ચાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ કહેવાય છે.
(૪) ચર લિંગ - શરીરનાં અંગ-ઉપાંગો જેવાં કે નાભિ, નાકનું ટેરવું, શિખા, હ્રદય વગેરેમાં આત્મા સંબંધી લિંગની કલ્પના કરવી તેને ચરલિંગ કહે છે.
(૫) ગુરુ લિંગ - गुणान् रुन्धे इति गुरुः અર્થાત્ ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ. માટે પ્રકાંડ પંડિત કે વિદ્વાન શરીર તે ગુરુ લિંગ ગણાય છે.
વ્રતધારીએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે, શિવલિંગ પર જે દ્રવ્ય ચડાવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી. પણ શિવલિંગને સ્નાન કરાવ્યું હોય તે જળનું આચમન કરાય છે, કારણ કે ચિવલિંગની શિલાનો સ્પર્શ થતાંની સાથે જ તે જળ પવિત્ર બની જાય છે.
શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે, જેમના દર્શનમાત્રથી જીવ-પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે, આ તત્ત્વ તે શિવ તત્ત્વ છે. સ્કંદ પુરાણમાં શિવલિંગનો મહિમા વર્ણવતો શ્લોક છે "જ્યોતિર્મય જેમનું સ્વરૂપ છે, નિર્મળ જ્ઞાન જેમનું નેત્ર છે, જે સ્વયં લિંગ સ્વરૂપ છે, તે પરમ શાંત કલ્યાણમય ભગવાન શિવને અમારા વંદન."
પ્રણવ એટલે ૐ. સમસ્ત અભીષ્ટ વસ્તુઓને આપનાર પ્રથમ શિવલિંગ છે. સ્થૂળ લિંગને "સકલ" અને સૂક્ષ્મ લિંગને "નિષ્કલ" કહે છે. પંચાક્ષર મંત્ર - "ૐ નમઃ શિવાય" ને પણ સ્થૂળ લિંગ કહેવાય છે.
શિવલિંગ મૂળભૂત રૂપે તો વિરાટ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. શિવલિંગની પૂજા સર્વ દેવોની પૂજા કર્યા બરાબર છે. લિંગ પુરાણમાં તો મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ત્રિલોકનાથ અને ભગવાન વિષ્ણુની કલ્પના પણ કરેલી છે. અને ઉપરના ભાગમાં પ્રણવ સદાશિવ ભગવાનની કલ્પના કરવામાં આવી છે.
લિંગવેદી અને લિંગના પૂજન-અર્ચનથી સર્વ દેવો અને દેવીનું પૂજન થઈ જાય છે. એ જ માયા અને માયાવી મહાદેવનું પ્રત્યક્ષ રૂપ છે.’
પોતાનાં ધર્મનો આટલો અગાઢ મર્મ સાંભળી પલ તો અભિભૂત થઈ ગઈ. રાકેશભાઈ અને પ્રવિણે પણ આ વાત સાંભળી હતી.હવે મુંબઈ ઘરે પહોંચવાની તૈયારી જ હતી… થોડીવાર તો કોઈ જ કંઈ ન બોલ્યા. પછી પ્રવિણે કહ્યુ,…..
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા.
નોંધઃ આ ભાગમાં વાર્તા તત્વ ઓછુ લાગશે અને આપણી સનાતન પરંપરાને થોડી ઉજાગર કરવાની વાત જણાવી છે.. આપ જેવા સમૃદ્ધ વાચકોને શિવલીંગની ખબર હોય જ પણ પલ જેવા યુવા વાચકો માટે મુક્યુ છે.. જેમને ન ગમે તે ક્ષમા કરશો..🙏