નિતુ - પ્રકરણ 1 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નિતુ - પ્રકરણ 1

નિતુની શેરીમાં, શેરીની સ્ટ્રીટ લાઈટ સિવાય લગભગ તમામ મકાન અંધારઘોમ થઈ ગયા હતા. પણ એ અંધકાર ભરેલી મધ્ધરાતે આગિયાની જેમ એક ઘરમાંથી અંધકારને ચિરી બે ઘટ્ટ બંધ સફેદ પડદા પાછળથી જીણો પ્રકાશ આવી રહ્યો હતો.

આટલી મોડી રાત્રે નિતુ મન લગાવીને પોતાની ઑફિસનું કામ કરી રહી હતી. કદાચ તેની કોઈ મજબૂરી હશે! અને હકીકત પણ એ જ હતી. મહાપરાણે નોકરી મળેલી નિતુને અને તે આ નોકરી ગુમાવવા નહોતી માંગતી. રાતનાં લગભગ સાડા બાર વાગી ગયા, પણ નિતુ હજું અણનમ બની બેઠેલી. જોને! વિદ્યા મેડમ તેને કામ જ એટલું આપતી! જાણે તેની સિવાય ઑફિસમાં કોઈ કામ જ ના કરતું હોય અને આપણી નિતુ પણ એટલી જ ચતુર કે બધું જ કામ પૂરું કરી દેતી. પણ આજ-કાલ રાત-રાત ભર જાગી કામ પૂરું કરવા મથી રહી હતી. રામ જાણે કેમ આજકાલ વિદ્યા મેડમ દ્વારા કામનો બોજો વધતો જતો હતો? અને નિતુ તેને કશું કહી શકવા સમર્થ પણ ના હતી.

કારણ? કારણ તેની મજબુરી. દિવસભરની એટલી દોડધામ પછી રાતે પણ એટલું કામ કે ન પૂછો વાત. થોડા પગારમાં આટલું બધું કામ કરી આપવું એ બધું જ વિદ્યા જાણતી હતી. એક વખત ઑફિસમાં વાત પણ નીકળેલી. છતાં વિદ્યા દ્વારા નિતુને કામનો એટલો બોજો આપવામાં આવતો. જો તેની જગ્યાએ કોઈ બીજું હોત તો કદાચ રિઝાઈન કરી દે. પણ પરાણે મળેલી નોકરી છોડી બીજી નોકરી શોધવી એ હાલ થોડું વસમું સાબિત થાય તે માટે નિતુ બીજી નોકરી કરવા કરતાં મળેલી નોકરીને વળગી રહેવામાં સમજદારી માનતી.

ચિંતા તો અઢળક હતી તેનાં મનમાં અને થાકી પણ જવાતું. શું કરવું? અને શું ન કરવું? એ વાતની બરોબર જાણકાર. ખૂબ ઉદાર ને શાંત મનની, એટલે ગમ્મે તેવું કામ કરવાની હિમ્મત તેનામાં કશેથી પણ આવી જાય તેવી. ઘણો ખર્ચો હતો માથા પર અને તેને પહોંચી વળવા આજે તે વધારે સમય આપી રહી હતી. પહેલેથી જ વિદ્યા તેને એટલું કામ આપતી, ને જ્યારે પગાર વધારાની વાત કરી ત્યારે વિદ્યા તેને કહી બેસી, "તું જેટલું વધારે કામ કરીશ તેના માટે હું તને વધારે પૈસા આપીશ, ને હમણાં કોઈનો પગાર વધારો નથી થવાનો." બિચારી નિતુ બોલે પણ શું? ત્રણ મહિના પહેલાં જ નોકરી મળેલી અને ત્રણ જ મહિનામાં પગાર વધારાની વાત!...

તે દિવસે ભારે ડગલે ચાલતી નિતુ વિધ્યાની કેબિનમાં ગઈ અને ધીમા અવાજે વાત કરી લીધી. પણ જવાબમાં માત્ર વધારે કામ કરી પૈસા મેળવવાની સલાહ મળી. આખરે એને એટલો સંતોષ તો થયો હતો કે આ વખતે તેને વધારે કામ કરવાની રકમ મળશે. તેનું આ મૌન તેની માત્ર સાદગી જ ન હતી, પણ જીન્દગીની લડાઈ માં તેણે ઘણું જોઈ લીધેલું. પોતાના જ પતિથી થાપ ખાધાં પછી બીજીવાર હારવાની હિમ્મત ન્હોતી વધી. છૂટાછેડા લીધા ને આજે અડધું વરસ પણ નથી થયું. છતાં તેને વસમી વેળાએ હ્રદય પર પથ્થર મૂકી કામ કરવું પડ્યું.

"ઘરમાં નાની બહેનનાં લગ્ન કરવાના છે અને નાનો ભાઈ કૉલેજના પહેલાં વર્ષમાં છે. તેની ફી, ભણવાના બીજા ખર્ચ. બધાંને કેમ કરી પહોંચી વળાશે?" તેની ખૂબ ચિંતા હતી તેને અને એટલે જ વધારે કામ કરવાની ફરજ પડી હતી. છૂટાછેડા લીધા પછી પણ મયંક તેને ફોન કરી બે વાર પૂછી વળ્યો કે મારી કોઈ હેલ્પ જોઇએ તો ક્હે. પણ મયંક પર તેને વિશ્વાસ ન આવ્યો અને તેની પાસેથી મદદ લેવી નિતુને ન ખપ્યું. પોતાના જ પગ પર નિર્ભર થનાર નિતુ હવે એવો નિર્ણય પૂર્ણ કરી બેસી કે પોતાનાથી ચલાશે એટલું જ ચાલશે. કદાચ બીજાં પર આશ્રિત થઈને બીજીવાર પડવું એ તેને મંજૂર ન્હોતું. વધારે નહિ તો થોડું ચાલશે એવો એ નિર્ણય કરી બેસેલી.

"થોડી બચાવેલી રકમ છે, થોડી મદદ મમ્મી ગામેથી લઈ આવશે અને પોતાની આજની મહેનતનો પ્રસાદ આવશે એટલે આવનાર તમામ કામોને પહોંચી વળશે." માત્ર આજ વિચાર તે કરી રહેલી.

છતાં તેને આજ એમ લાગતું હતુ કે મેડમે તેનાં પર ઉપકાર જ કર્યો છે. કોઈ પણ પ્રકારનાં અનુભવ વિનાં પચ્ચીસ હજારનો પગાર કરી આપેલો વિદ્યાએ અને એમ ન હતુ કે વિદ્યા નિતુથી અજાણ હતી. તેની પરિસ્થિતી ની સારી એવી જાણકાર હતી. એ વાત નિતુ પણ જાણતી હતી. છતાં પગાર વધારાની ના પાડી. આજ-કાલ તો નિતુ એટલું કામ પામવા લાગી કે મનના ખુણામાં ક્યાંક એ સવાલ આવી જતો કે વિદ્યા મેડમને વધારે કામ કરવાવની હા ભણી તે ભૂલ તો નથી કરી બેસીને?

અંતે આજે તે સમય પણ આવ્યો કે વધારે કામનો બોજો ઉપાડતી નિતુ અને વિધ્યા વચ્ચે ધીમે-ધીમે અણગમાની ગાંઠ જનમ લેવા લાગી. ક્યારેક તેને વિચાર પણ આવી જતો, "શું આખી ઑફિસમાં હું જ તેને દેખાવ છું? હું કામ કરીને આપુ એટલે શું મને હર વખત નવુ નવુ કામ આપવાનુ? હવે તો હદ થવા લાગી છે. ઘરમાં તો કે ઑફિસનુ કામ, રવિવારે એક્સ્ટ્રા ડે." ક્યારેક બેચેન થઈને તો થોડું વધારે બોલી જતી. તેના મનમા ક્યારેક એટલો ગુસ્સો ભરાતો કે એમ લાગે જાણે આજે તે કોઈ ચોક્કસ નિર્ણય લઈ લેશે. પણ એવું કશું થતું નહિ. એવું નથી કે તે અજાણ હતી, તેના મનમાં જન્મેલાં અણગમાને વિદ્યા પણ સારી પેઠે જાણતી હતી.

મનમાં ગુસ્સો ઘણો હતો વિદ્યા મેડમ માટે, પણ ક્યારેક પોતાના કલિગ પાસેથી સાંભળે, કે 'વિદ્યા મેડમ એટલાં પણ ખરાબ નથી' ત્યારે થોડીવાર તેનો ગુસ્સો થોભી જતો. જોકે ત્રણ મહિનામાં આજ સુધી તેનું સારુ રૂપ જોયું હોય તેવો કોઈ પ્રસંગ યાદ નથી. ઑફિસમાં વિદ્યા પોતાના પર આવતાં નિતિકાનાં ગુસ્સાને જાણી ગયેલી અને ત્યાર બાદ થી જ તેણે નિતુનું કામ વધારી દીધેલું.

આજે તો વધારે કામ હતુ. આજ ફરી પાછો ગુસ્સો આવી ગયો. પણ ઘરની વાતો યાદ આવે એટલે મન ફરી કામમાં વળગી જાય. ક્યારે સાડાબાર નો એક થયો તે પણ તેને ખબર ન રહી. અંતે જ્યારે કામ ખતમ કરી સુવા માટે ઊઠી તો ધ્યાન ગયું કે બે વાગી ગયા. ફરીથી સવારે વહેલાં ઉઠીને ઑફિસ જવાની ચિંતા અને વિદ્યા મેડમનો ગુસ્સો મનમાં આવી ગયો. સવારનું એલાર્મ સેટ કરી તે શાંત થઈ.

પણ હજુ એ વ્યાજબી ન્હોતુ કે આટલી જલ્દી શાંતી પમાય. જેવીજ આંખ બંધ કરી કે મનમાં નતનવા વિચારો આવવા લાગ્યા. "ભાઇની તો હજુ એટલી ચિંતા નથી પણ બહેનના લગનમાં સો કામ બાકી છે. ક્યારે કરશે? વળી, ઑફિસના કામમાથી તો ફૂરસત જ નથી. કૈંક મહેમાનો આવશે. તેમને મોંઢે કેમ સેવાશે?" ને સૌથી મોટી ચિંતા તો એ હતી, કે "મમ્મી અને બહેન બન્ને ગામડે છે. પહેલાં તેમને સુરત લઇ આવવા. ગામમાં જે જમીન છે તેની સોંપણી કોઈ સારા માણસને કરવી". આ બધી વાત તેના મનમાં અચાનક ચમકી. કરી પણ શું શકાય? બધાં કામ થઈ જશે તેમ વિચારી ઊંઘ તો લીધી.

સવાર થતાં એલાર્મ વાગે તે પહેલાં તો ફોનની ઘંટડી વાગી. આંખો ખોલી નામ જોયું તો અચાનક તેની આંખો ચમકી.

"આટલી સવારમા મમ્મીનો ફોન!" આશ્વર્ય થયું મનમાં.

"હેલ્લો મમ્મી?" ફોન ઉંચકતા જ તે બોલી પડી.

"બેટા તું ઠીક તો છેને?" શારદા એ ચિંતા સાથે પૂછ્યું.

"હા મમ્મી, કેમ આટલી સવારમાં પૂછે છે?"

"તારી ચિંતા થાતી 'તિ ને એટલે પૂછી લીધું"

આવા સવાલો શારદા દર વખતે પૂછતી અને કેમ ન પૂછે! છૂટાછેડા લીધા પછી નિતુને ખૂબ મનાવી કે પાછી ગામે આવી જા. પણ તે એક ની બે ન થઈ તે ન જ થઈ અને સુરત જેવા શહેરમાં એકલી રહેવા લાગી. દીકરી આવા મોટા શહેરમાં એકલી રહે તો ચિંતા તો થવાની જ ને! આ કારણે જ શારદા દર વખતેં એ જ સવાલ પૂછે અને નિતુ એક જ જવાબ આપે - "ચિંતા કરવાની જરૂર નથી મમ્મી."

ઘણું સારુ લાગવા લાગ્યુ તેને. શારદા સાથે વાત કરતા કરતા તે બધી જ ચિંતા ભૂલી જાય. વાતમાં ને વાતમાં તેણે તેની એક મુંજવણ તો દૂર કરી. તેણે જણાવ્યુ કે " આપણી જમીન બાજુવાળા બેસરકાકા સાંચવશે, ને દર વર્શે આપણી સાથે તેનો હિશાબ કરી જાહે." આ સાંભળી નિતુને એટલી ચિંતા તો દૂર થઈ કે હવે ગામની જમીન અને મકાન બન્ને સચવાઈ ગયા.

આજે ઘણાં સમય પછી ફોન પર વાત થઈ એટલે વાત લાંબી ચાલી. વાત કરતાં કરતાં તેણે સવારનો નાસ્તો તૈયાર કરી લીધો અને ચા બર્નર પર મૂકી એટલે વાત પણ પૂરી થઈ. "ફોન ચાર્જ કરવાનો છે!" તેમ વિચારી તે રૂમમાં ગઈ તો યાદ આવ્યુ કે ઑફિસ લઈ જવાની ફાઈલ તો હજું બેગમાં મૂકવાની જ બાકી હતી. રાતનું બધું જ કરેલું કામ આજે ઑફિસ પહોંચાડવાનું હતું. યાદ આવતુ ગયુ અને કામ બેગમાં પેક થતુ ગયું.

"એક... બે અને.. આ ત્રણ, આ ત્રણેય ફાઈલ પ્રોડક્શન હાઉસની અને ક્લાયન્ટ રીપોર્ટ આ ફાઈલમાં છે." યાદ કરતા કરતાં તેણે લગભગ બધું જ કામ યાદ કરી લીધું, તો સાથે એ પણ યાદ આવ્યું કે બર્નર પર ચા મૂકી છે. ફટાફટ બેગ બંધ કરી તે કીચન તરફ દોડી અને ચા બચાવી લીધી. પણ ચા ના ચક્કરમાં માર્કેટીંગ વાળી ફાઈલ કે જે આજની મુખ્ય છે, તે એક બાજુ ટેબલ પર જ પડી રહી. થોડું મોડું થવાથી તેને બેગ ચેક કરવાનો પણ સમય ન રહ્યો. ઘડીયાળમાં જોયું અને ઉતાવળી થઈ નાસ્તો કર્યો ન કર્યો તે નીકળી ગઈ.

આ કોઈ નવાયની વાત નથી. ઘણી વખત આવું થઈ જતુ. તે પોતાની તૈયારી કરવામાં જ રહેતી અને તે બદલ તેને ભૂખ કે તરસ તો ક્યારેક બન્ને સહન કરવાનો વારો આવતો. નિતુનાં વિદ્યા પ્રત્યે આવતા ગુસ્સાનાં અનેક કારણોમાંથી એક કારણ આ પણ હતુ.