અખો Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અખો

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 30
મહાનુભાવ:- અખો
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




આપણું ગુજરાતી સાહિત્ય ખૂબ જ વિશાળ છે. અનેક કવિઓ અને લેખકો પોતાની સર્જનશક્તિ દ્વારા સમાજને પ્રેરણારૂપ રચનાઓ લખી ચૂક્યાં છે, અને લખી રહ્યાં છે. આમાંના કેટલાંક ખાસ સાહિત્યપ્રકારો તો સર્જનકર્તાનાં નામની સાથે અમર રીતે જોડાઈ ગયા છે. જેમ કે, નરસિંહ મહેતા અને પદ, પ્રેમાનંદ અને આખ્યાન, દયારામ અને ગરબી, ભોજા ભગત અને ચાબખા, અખો અને છપ્પા.

આજે હું ચર્ચા કરવા જઈ રહી છું આવા જ એક સાહિત્યકાર અખા વિશે. 'છપ્પા' એ અખાની ઓળખ છે. સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, દંભ, પાખંડ, ધતિંગ જેવા દુષણોથી કંટાળીને અખાએ રચેલ છપ્પા એ કટાક્ષ રચનાઓ છે. તોછડાઈભર્યાં શબ્દો વાપર્યા વગર કટાક્ષ કરવાની મહારત છપ્પામાં દેખાઈ આવે છે. અખાએ ગુજરાતી તેમજ હિંદી ભાષામાં રચનાઓ કરી છે. અખો એ 'અખા ભગત' તરીકે વિશ્વમાં જાણીતા છે.

અખાને મળેલ ઉપનામો:-


“જ્ઞાનનો વડલો”, “હસતો ફિલસૂફ”,
“ઉત્તમ છપ્પાકાર” (કવિ ઉમાશંકર જોશી),
“બ્રામ્હી સાહિત્યકાર”(કાકા સાહેબ કાલેલકર)

જન્મ અને પરિવાર:-

વિવિધ વિદ્વાનોનાં મતભેદ પછી હાલમાં અખાનો જન્મ ઈ. સ. 1591માં અમદાવાદ પાસેનાં જેતલપુરમાં થયો હોવાનું મનાય છે. અખાનું મૂળ નામ અક્ષયદાસ કે અખેરાજ હોવાનું માનવામાં આવે છે. તેમનાં પિતાનું નામ રહિયાદાસ હતું, અને તેઓ શ્રીમાળી સોની જ્ઞાતિના હતાં. તેમનાં ત્રણ પુત્રો હતા, જેમાં અખો બીજા ક્રમના એટલે કે વચેટ પુત્ર હતા. અખાની માતા વિશે ખાસ માહિતિ ઉપલબ્ધ નથી.

એમણે બાળપણમાં માતા, જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક બે પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા અખા ભગત કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં એમના પર અવિશ્વાસ મૂક્યો તેમજ ટંકશાળમાં એમના પર ભેળસેળનો આરોપ મુકાયો એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્વશોધમાં નીકળી પડ્યા.

અખાએ તત્કાલીન ધાર્મિક તથા સાંસારિક આચારવિચારોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે, અને જ્યાં જ્યાં દંભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, અતાર્કિકતા, રૂઢિવશતા દેખાયાં ત્યાં ત્યાં એને નીર્ભિક રીતે ઉઘાડા પાડ્યા છે, જે અખાની સર્વગ્રાહી જાગ્રત વિચારશક્તિનો આપણને પરિચય કરાવે છે. અખા ભગત માત્ર ચિંતક, ચિકિત્સક કે તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે. એમણે નિષ્કર્મણ્યતા નહિ પણ નિષ્કામતા પ્રબોધી છે અને સંસારી રસને સ્થાને દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે.

અખાની વધુ જાણીતી રચનાઓ ‘અનુભવબિંદુ’ અને ‘અખેગીતા’ છે. ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે, તો ‘અખેગીતા’ (1649) એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે આલેખતી દૃષ્ટાંતો ઉપરાંત ભાવચિત્રો ને બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી મનોરમ બનતી સર્વોત્તમ કૃતિ છે. આ ઉપરાંત, અખા ભગતની ‘કૈવલ્યગીતા’, ‘કક્કો’, ‘બારમાસ’, ‘પંદર તિથિ’ વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે.

છપ્પા, પદ, સોરઠા અને સાખીઓ એમની છૂટક રચનાઓ છે. આમાં છપ્પા અખાનો પ્રથમ પંક્તિનો સૌથી વધુ લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાની હિંદી કૃતિઓમાં ‘બ્રહ્મલીલા’ અને ‘સંતપ્રિયા’ પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે. ‘અમૃતકલારમણી’ અને ‘એકલક્ષરમણી’ એ એમની પ્રમાણમાં લઘુ રચનાઓ છે, તો ‘જકડીઓ’ વિશિષ્ટ બંધારણ ધરાવતાં પદો છે. ‘કુંડળિયા’ તથા ‘ઝૂલણા’ પ્રકીર્ણ પ્રકારની રચનાઓ છે.

અખાએ વ્યવસાય માટે જેતલપુરથી આવીને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈ પોળમાં વસવાટ કર્યો હતો અને એ મકાન “અખાના ઓરડા” તરીકે આજે પણ ઓળખાય છે. જે આપણને ગુજરાતના શરૂઆતના શ્રેષ્ઠ સાહિત્યકારો માંના એકની યાદ તાજી કરાવે છે.ત્યાર બાદ કાલુપૂરમાં આવેલી મેઘલ બાદશાહ જહાંગીરની ટંકશાળમાં નોકરી સ્વીકારી હતી. તેમણે માનેલી ધર્મની જમના બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો ત્યાર બાદ તેમણે એક ગુરૂનું શરણ લીધું,પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

તેઓ સોનીનો વ્યવસાય કરતા ની સાથે છપ્પા લખવાનું ચાલુ કરેલ કેમકે બે વાર વિશ્વાસઘાત મળેલ. આ છપ્પામા સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો પ્રત્યક્ષ તિરસ્કાર, ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધા નું વર્ણન જોવા મળે છે.

એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. શંકરાચાર્યના કૈવલાદ્રૈતના સિદ્ધાંત એટલે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની અખાના જીવન પર વિશેષ અસર થઈ હતી.

અખાની રચનાઓ:-

અખાએ કુલ 746 છપ્પા લખેલા છે, જે 44 અંગમાં વર્ણન કરેલ છે જેવા કે

જડભક્તિ અંગ

વિચાર અંગ

અજ્ઞાન અંગ

પ્રાપ્તિ અંગ વગેરે

અખાની પ્રસિદ્ધ કૃતિઓ:-

અખેગીત

અનુભવ બિંદુ

ગુરુ શિષ્ય સંવાદ

ચિત્ત - વિચાર સંવાદ

અખાની જાણીતી પંક્તિઓ:-

“એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ.”

“ભાષાને શું વળગે ભૂર?,
રણમાં જે જીતે તે શૂર.”

આવી તો અનેક પંક્તિઓ છે. એક વાક્યમાં આપણે ઘણું બધું કહી જાય છે.

મૃત્યુ:-


અખાનું મૃત્યુ ઈ. સ. 1656માં થયું હોવાનું મનાય છે.

આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે, જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.


સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ તેમજ મહાનુભાવો વિશેનાં પુસ્તકો.


સ્નેહલ જાની.