Prem Samaadhi - 49 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-49

પ્રેમસમાધિ
પ્રકરણ-49

સુમન કલરવને જોઇને ખૂબ ખુશ હતો એ એટલો ઉત્તેજીત હતો કે કલરવને વળગીજ પડ્યો. બંન્ને મિત્રો ઘણાં સમય પછી મળ્યાં હતાં. સુમને કહ્યું “કલરવ તું ક્યાં ખોવાઇ ગયો ? યાર કેટલાં સમયે મળ્યાં ? તારાં ઘરનાં સમાચાર મળેલાં ખૂબ દુઃખ થયેલું દોસ્ત. તારાં મોંઢે મારાં મામાનું નામ સાંભળેલું તું આજે એમનાં ઘરમાં છે.. શું વાત છે બધી ? ક્યાં કોયડું ગૂંચવાયુ છે ? મને કહે તો ખબર પડે... બાય ધ વે કલરવ હું તને મારી બહેનનો ઇન્ટ્રો કરાવું...”
કલરવની નજર ફરીથી કાવ્યા તરફ સ્થિર થઇ ગઇ એણે કહ્યું "હાં સુમન વિજય અંકલની ડોટર કાવ્યા... એમ આઇ રાઇટ ?” સુમને કહ્યું “વાહ તું તો જાણે છે.. કાવ્યા આ મારો જીગરી દોસ્ત કલરવ જુનાગઢમાં અમે સ્કૂલમાં સાથે હતાં.. પણ કલરવ તું કાવ્યાને આમ ઓળખતોજ હોય પહેલેથી એમ જોયા કરે છે... તું ઓળખે છે ? પહેલાં ક્યાંય મળ્યાં છો ?”
કલરવે કહ્યું "મેં પહેલીવાર... પહેલી નજરે...”. એ બોલવાનું હતું ગળી ગયો.. બોલ્યો “એવું લાગ્યું મેં એને ક્યાંક જોઇ છે ખૂબ નજીકથી મળ્યો છું એટલે તાંકી રહેવાયુ મારાંથી સોરી કાવ્યા...”
કાવ્યાએ મીઠું હસતાં કહ્યું "એમાં સોરી શું ? મારે એવુંજ થયું મેં પણ તને પહેલાં ક્યાંક જોયો હોય તને નજીકથી ઓળખતી હોઊં એવું લાગ્યું મારી નજરજ ના હટી...”
સુમન બંન્નેની વાત સાંભળી હસી પડ્યો એ બોલ્યો “વાહ બેઊ એકબીજાને પહેલીવાર મળ્યાં છો અને છતાં એકબીજાને ઓળખતા હોવ એમ જોઇ રહો છો.... કહેવું પડે....”
કલરવ અને કાવ્યા એકબીજા સામે જોઇ હસી પડ્યાં... કાવ્યા અને કલરવની આંખોએ મસ્તીભરી નજરે જોઇ લીધું કાવ્યા શરમાઇને અંદર રૂમમાં જતી રહી...
સુમનને નવાઇ લાગી એટલો ભોળો અને ભોટ હતો કંઇ સમજ્યો નહીં એણે કલરવનાં ખભે હાથ મૂકીને કહ્યું “ચાલ બહાર બગીચામાં બેસીએ.. વાતો કરીએ પછી સમયજ નહીં મળે. મામા આવી જશે એટલે શીપ પર જવાનું છે.”
કલરવ અને સુમન બહાર બગીચામાં ગયાં. કલરવને હવે વધુ હળવાશ અનુભવાતી હતી અહીં અત્યાર સુધી માથે પડેલાં મહેમાન જેવું લાગતું હતું સુમનનાં આવ્યાં પછી એને સારું લાગ્યું પોતાનું કોઇ સાથે હોય એવી લાગણી થઇ આવી.
બંન્ને મિત્રો બગીચામાં મૂકેલાં હીંચકા પર બેઠાં. કલરવે કહ્યું “સુમન તને અહીં આવેલ જોઇને મને ખૂબ સારું લાગ્યું. પોતાનું કોઇ હવે સાથે છે એવું લાગ્યું”. એમ બોલતાં બોલતાં કલરવ લાગણીશીલ થયો આંખો ભરાઇ આવી.
સુમને કલરવની સામે જોયું અને એનાં હાથમાં હાથ મૂકી કહ્યું “દોસ્ત ચિંતા ના કર તું યોગ્ય જગ્યાએજ આવ્યો છું તે એકવાર મને કહેલું કે મારાં વિજય મામાનું નામ તારાં પાપાનાં મોઢે સાંભળ્યું છે... તારાં પાપાનાં ખાસ મિત્રજ છે મામા... બીજી વાત પછી કરીશ.” ત્યાં ઉપર બાલ્કનીમાંથી કાવ્યાએ બૂમ પાડીને કહ્યું “એય સુમન તને તારો ફ્રેન્ડ મળી ગયો એટલે મને એકલી પાડી દીધી... આવી અંચાઇ ના ચાલે... હું ત્યાં નીચે આવું છું તમારી સાથે બેસુ છું” એમ બોલીને બાલ્કનીમાંથી નીચે આવવા નીકળી ગઇ.
સુમને હસ્તાં હસ્તાં કહ્યું “મારી બહેન... એકની એક છે મારાં મામા એટલે અમારા કુટુંબના ભગવાન અમારે બેઉને એવુ બને કે સાચાં ભાઇ બહેન કરતાં વધુ..”. ત્યાં કાવ્યા નીચે આવીને ખુરશી પકડી ત્યાં મૂકી સામેજ બેસી ગઇ.. “હવે કરો વાતો હું પણ સાંભળું તમારી ભાઇબંધી...”
કલરવને હસુ આવી ગયું બોલ્યો “ભાઇબંધી સાંભળવાની થોડી હોય ? જોવાની અનુભવવાની હોય.. સંબંધ જોવાનાં નથી હોતાં... નિભાવવાનાં અને અનુભવવાનાં હોય છે.”
કાવ્યાએ હસીને કહ્યું "સુમન આ તારો ભાઇબંધ તો બહુ ઊંચી ઊંચી વાતો કરે છે” પછી હસીને કલરવને કહ્યું “બોલો સ્વામીજી બીજું શું સમજવાનું છે ?”
કલરવને હસુ આવી ગયું બોલ્યો "સ્વામીજી ? અરે મેં તો... મેં અનુભવ્યું એજ કીધું અનુભવેલું દીલમાં હોય છે એની યાદ હોય છે સાંભળેલું કાનમાં હોય છે જે યાદ કરવું પડે છે.”
કાવ્યા કલરવની સામેજ જોઇ રહી... પછી બોલી “એટલેજ સ્વામીજી કહ્યું તું બહુ સારી અને સાચી વાત કહે છે. સુમને તારો ઇન્ટ્રો કરાવ્યો એ તો માત્ર ઓળખ આપી પણ તારી ઓળખાણ તો હવે થાય છે. તારી ઓળખની ખાણમાં બધુ બહુ હશે એવું લાગે છે ઇન્ટેરેસ્ટીંગ...”
સુમને કહ્યું “યાર તમે બેઉ પણ એવી વાતો કરો છો ને કે મને અધ્ધરથીજ જાય છે. એય ચીબાવલી તું શાંત રહે મને કલરવ પાસેથી બધુ જાણવું છે અમે સ્કૂલમાંથી છૂટા પડ્યાં પછી એની સાથે એવું શું થઇ ગયું બધું ?”
સુમને એવું પૂછ્યું કે કલરવ એકદમ ગંભીર થઇ ગયો એણે સુમન અને પછી કાવ્યાની સામે જોયું... સુમને કહ્યું “એ મારી બહેનજ છે અજાણી નથી એ...”
કલરવે કહ્યું “મારી વાતજ હવે અજાણી નથી રહી તો કાવ્યાતો હવે મારી જાણીતી છે.. પહેલી નજરેજ મારી જાણીતી હોય એવું લાગેલું.. બસ એટલીજ નથી ખબર કે ક્યાં મળી હતી..”.
કાવ્યા શરમાઇ ગઇ બોલી "કલરવ કહેને સુમન પૂછે છે એ હું પણ જાણવા માંગુ છું એવું શું થયેલું ?” ત્યાં રામભાઉની બૂમ પડી “છોકરાઓ અંધારૂ થવા લાગ્યું અંદર આવી જાવ. હમણાં ખૂબ મચ્છર જીવાત આવશે કરડી જશે બધાં બારી દરવાજા બંધ કરવા પડશે. રાત્રે જમીને વાતો કરજો હમણાં અંદર આવી જાવ...”
કાવ્યાએ કહ્યું “ભાઉ સાચુ કહે છે મોટાં ને મોટાં મચ્છર હોય છે અહીં તો... અહીંની હવાજ ભેજવાળી ઠંડી એટલાં મચ્છર થાય ને.. ચાલો અંદર ભાઉ કહે છે એમ રાત્રે ખૂબ વાતો કરીશું ગપ્પા મારીશું...”
કલરવ હીંચકેથી ઊભો થયો એણે કાવ્યાનાં શબ્દને પકડીને કહ્યું “મારી વાતોમાં સચ્ચાઇજ હોય છે અનુભવ સિધ્ધજ હોય છે કોઇ ગપ્પા નથી હોતાં ના કોઇ ટાઇમપાસ છે... મારું જીવનજ....”
કલરવ આગળ બોલે પહેલાં કાવ્યાએ કહ્યું “આઇ એમ સોરી.. મારો કહેવાનો એવો મતલબ નહોતો હું કંઇક....” ત્યાં સુમને કહ્યું “ચલો અંદર તમે લોકો ક્યારે લડો અને ક્યારે સંપી જાવ ખબરજ નથી પડતી...”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-50

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED