અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 1 Rajendra Burkhawala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણતો દિવ્યપ્રકાશ - ભાગ 1

ડરામનો રાત્રિનો ઘોર અંધકાર, ક્યાંક પણ દૃષ્ટિગોચર થતું નાં હતું, સૂનકાર નાં સૂસવાટામાં વિલય થતો ગહન શૂન્યાવકાશ. અંધકાર પ્રકાશને શોધતો ક્ષિતિજ તરફ ડગ માંડતો ક્યાંક ક્ષિતિજમાં જ વિલીન થતો ઓગળી ગયો. તોપણ અંધકાર ગહન અને ગહન ઊંડી કાળી ડીબાંગ રાત્રિ ની ગુફામાં સંતાઈ ગયો. હવે અંધકારને ચીરતો સૂર્યનો પ્રકાશ પૃથ્વીને અજવાળતો ધીમે ધીમે પૃથ્વી પર પ્રકાશના કણક કિરણો પાથરતો આગળ વધી ગયો.

દીપ્તિ નિંદ્રામાંથી જાગી ઘડિયાળમાં જોયું અરે ! સવારના ૭ વાગી ગયા છે, દીપ્તિ ઝડપથી રસોડામાં ગઈ. આજે બહુજ મોડું થઈ ગયું દીપ્તિ થી બોલી જવાયું. નિત્ય કર્મથી પરવારી દીપ્તિ ચા પીવા બેઠી ચા ની ચુસ્કીઓ લેતા એ અંતરના ઊંડાણમાં સરી પડી. ઘરમાં એકલી અટૂલી રહેતી દીપ્તિ જાણે એકજ ક્ષણમાં ૨૨ વર્ષ ની જીંદગી જીવી ગઈ. બચપણના સંસ્મરણો એના મનના ઊંડાણમાં વિખેરાઈ ગયા. મમ્મી પપ્પાનો ચહેરો તેના માનસપટ પર દેખાતો જ ન હતો, દીપ્તિ કારણ શોધવા બેઠી ત્યારે તેને ખબર પડી કે મારો જન્મ થતાંની સાથે જ મમ્મી પપ્પા જીવનની અંતિમ ક્ષણોમાં પ્રભુનાં ધામમાં વિદાય થયાં હતા. નાણીને સહારે જીવન પાંગળ્યું, યૌવનને આંગણે આવતા સુધીમાં નાણી પણ કાળધર્મ પામી.

અચાનક દોરબેલ વાગ્યો વિચારોની તંદ્રા તૂટી સફાળી દીપ્તિ ઊભી થઈ બારણું ખોલ્યું જોયું તો બાજુના હેમલતા બહેન ઊભા હતા,
"અરે દીપ્તિ શું કરે છે ?" હેમલતા બહેનના અચાનક પૂછાયેલા પ્રશ્નથી દીપ્તિ ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ. દીપ્તિ મનમાં વિચારી રહી શું કહું હેમલતા બહેન મારા મનના ઊંડાણમાં લાગણીઓનો પ્રવાહ મારા મનને બેચેન કરે છે હું કોઈ પણ નિર્ણય પર પહોંચી શકતી નથી કારણકે મારું ચંચળ મન વિચારોના ઊંડા વમળમાં જબરજસ્તીથી ખેંચી જાય છે અને હું બેબાકળી કંઈ પણ કરી શકતી નથી. મનની ઊંડાઈમાં હું મારા ખોવાયેલા અસ્તિત્વને શોધી રહી છું પણ મનની ચંચળતા નાં તોફાનમાં મારું અસ્તિત્વ દૃષ્ટિગોચર જ થતું નથી.

"કેમ દીપ્તિ કયા વિચારોમાં ખોવાઈ ગઈ ?" હેમલતા બહેને આશ્ચર્ય સહિત પ્રશ્ન કર્યો.
"ના ના કંઈ નહીં આંટી" દીપ્તિએ ક્ષોભ સહિત જવાબ આપ્યો "એ તો બસ એમજ"
"હું તને કહેવા આવી છું કે આજે સાંજે હું અને મારો દીકરો એક પાર્ટીમાં જવાના છીએ એટલે તું જરા ધ્યાન રાખજે. રાત્રે મોડું થશે જરા જો જે." હેમલતા બહેન કહીને જાતાં રહિયા.

હેમલતા બહેન પોતાને ઘેર આવ્યાં. રસોઈ અને બીજા બધા કામો આટોપીને થોડીકવાર બેઠા છાપું વાંચતા વાંચતા ક્યાંક અંતરમાં વિચારોનો વલોપાત શરૂ થયો, વિચારોના પ્રવાહમાં દૂર સુધી જાતાં રહિયા. દીપ્તિનો અજબ પ્રકારનો રહસ્યમયી તેજસ્વી ચહેરો મનપટ પરથી વિલીનજ ન હતો થતો, દીપ્તિનાં ચહેરાની નિર્દોષતા, દીપ્તિના ચહેરા પર ઉભરતી નિખાલસ રેખાઓ હેમલતા બહેનને આકર્ષિત કરી રહીં હતી. હેમલતા બહેનને પોતાના દીકરા નિશાંત માટે આવી જ વહુની કલ્પના કરી હતી. પણ દીપ્તિ સાથે વાત કેવીરીતે કરવી તે ધિદ્રામાં હેમલતા બહેન ખોવાઈ ગયા.સમજાતું જ નહતું કે દીપ્તિ ને આપણે કંઈ રીતે કહીએ કારણકે આ અખી જીંદગીનો સવાલ હતો. ઘણું બધું વિચાર્યા પછી હેમલતા બહેન એક એવા નિર્ણયપર આવ્યાં કે સમય આવ્યે હું લગ્નનો પ્રસ્તાવ દીપ્તિની સામે પ્રગટ કરીશ.

નિશાંત કાપડિયા એક સફળ બિઝનેસમેન. Organic Fertilizer Pvt. Ltd. Company નાં CEO. એમની કંપની ઓર્ગેનિક ખેતી માટે જરૂરી કુદરતી જડીબુટ્ટી વિકસાવવાનો પ્રોજેક્ટ બનાવ્યો છે.
નિશાંત કેમિકલ ખેતીના વિરોધી છે. તેમનું માનવું છે કે જ્યારથી કેમિકલ ખેતીની શરૂઆત થઈ છે ત્યારથી આ પૃથ્વી પર અનેક અસાધ્ય રોગો વધી ગયા છે. એટલે નિશાંત દરેક ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે સમજાવ્યા છે. દરેક ખેડૂતને સારા માં સારું વળતર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. માનો કે નિશાંત ખેડૂતોના ભગવાન છે. નિશાંત પોતે ઓર્ગેનિક ફર્તિલાઈઝર દિગ્રિહોલ્ડર છે અને ખુબજ ઇન્ટેલિજન્ટ છે. આપનું ભારત ઓર્ગેનિક ખેતી કરી સ્વસ્થ જીંદગી જીવે એવું તેમનું સ્વપ્નું છે.

લગભગ બપોરનો ૧ વાગ્યાનો સમય હતો. નિશાંત ફેક્ટરી પરથી ઘેરે આવ્યો. કારપાર્ક કરીને જેવો ગેટમાં પ્રવેશ્યો કે સામે દીપ્તિ અકસ્માત જ ભટકાઈ "અરે ! દીપ્તિ ?" નિશાંતથી બોલી જવાયું. પણ દીપ્તિ નીચું જોઈ ગઈ. નિશાંત સાથે કંઇપણ વાત ન કરી. દીપ્તિ જતી રહી. દીપ્તિનાં વર્તનથી નિશાંત છોભીલો પડી ગયો. દીપ્તિ મારી સાથે આવું વર્તન કરશે તેનો નિશાંતને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. "શું હશે દીપ્તિનાં મનમાં ?" નિશાંતનાં અંતરમાં વિચાર ઝબુક્યો. નિશાંત વિચારતો ઘેર ગયો. હવે નિશાંત ને ખુબજ આશ્ચર્ય થયું.
"નિશાંત દીકરા તું આવી ગયો ? ચાલ તું જરા ફ્રેશ થઈ જા હું ક્યારની જમવા માટે તારી રાહ જોઉં છું" હેમલતા બહેને કહ્યું. પણ નિશાંત પોતાના રૂમમાં ચાલ્યો ગયો. નિશાંતનાં મનના પડદા પર અનેક ચિત્રો પસાર થઈ ગયા. અંતરના વલોપાતે નિશાંતને બેચેન બનાવી દીધો. એક ઘેરો અંધકાર નિશાંતનાં મનમાં છવાઈ ગયો. "અન્ય અજાણ્યા વ્યક્તિના દિલનો તાગ મેળવવો ખુબજ મુશ્કિલ છે અને એમાં એક મહિલાના દિલનો તાગ મેળવવો ખુબજ કઠીન છે. મહિલાઓના દિલનાં રહસ્યોને ઋષિઓ જાણી શક્યા નથી તો હું તો એક સામાન્ય વ્યક્તિ." નિશાંત નાં મનમાં આ શબ્દોની વણઝાર ચાલી. નિશાંત અશાંત વિચારોના વમળમાં ડૂબી ગયો. વિચારોનું તોફાન નિશાંત નાં મનમાં મચી ગયું અને બેબાકળો બનીને ખુરશીમાં ફસડાઈ પડ્યો.

"નિશાંત" હેમલતા બહેને બૂમ પાડી
"હાં મમ્મી" નિશાંતે જવાબ આપ્યો.
"ચાલ જમવાનું થઈ ગયું છે, જમિલે પછી મારે તારી સાથે એક વાત પર દિસ્કસ કરવી છે." જમી પરવારીને નિશાંત અને તેના મમ્મી બેઠા.
હેમલતા બહેને વાત કરવાની શરૂઆત કરી.
"જો દીકરા હવે તું વેલસેટ થઈ ગયો છે હવે કોઈ ચિંતા નથી અને હવે તારી ઉંમર પણ થઈ ગઈ છે એટલે તે લગ્ન વિશે શું વિચાર્યયું છે ?" મમ્મીનો વેધક પ્રશ્નથી નિશાંત એકદમ ચોંકી ગયો.
"અરે મમ્મી શું ઉતાવળ છે ? હજુ મારી કંપનીએ એવી કોઈ તરક્કી કરી નથી એટલે હજું પાંચ વર્ષ સુધી તો વિચારજ ન કરતી."
"પણ દીકરા આ ઉંમરે તો લગ્ન થઈ જ જવા જોઇએ. જો હવે મારાથી પણ કંઈ બહુ કામ બનતું નથી એટલે વહુ આવી જાય તો ઘરમાં રોનક પણ આવી જાય હવે મારી પણ ઉંમર થઈ ગઈ છે એટલે હું તારા દીકરાને રમાડીને જાઉં ને."
"મમ્મી શું તારા ધ્યાનમાં કોઈ છોકરી છે ?"
"છેને, એ છોકરીને તો તે પણ જોઈ છે."
"એ વળી કોણ છે ?" મમ્મી.
"આપની બાજુમાંની દીપ્તિ."
દીપ્તિ નું નામ સાંભળીને નિશાંત વિચારોના વમળમાં ફંગોળાઈ ગયો. દીપ્તિ નું સહાષ્ય મુખ કમળ, કપાળ પર ચમકતી બિંડી, ભરાવદાર વાળ, આમ તેમ હાલતી કાનની બુટ્ટી જાણે એવું લાગતું હતું કે જીવનના બગીચામાં ખીલેલું ફૂલ. સતત મોહિત કરતું વદન, હોઠ પર ખીલેલું ગુલાબ સાક્ષાત દેવપરી મનમાં સાકાર થઈ. પણ દીપ્તિ નાં આજનાં અજબ વર્તનથી નિશાંત સ્તબ્ધ થઈ ગયો. દીપ્તિ નો ગંભીર ચહેરો તેના માનસપત પર છવાઈ ગયો. નિશાંત નિરાશ થઈને
"પણ મમ્મી દીપ્તિ તૈયાર થશે ખરી ?" દીકરાના સવાલમાં જ દીપ્તિ નો જવાબ આવી ગયો.
"દીકરા મને પણ એ જ ચિંતા છે." હેમલતા બહેન નિઃશ્વાસ નાખીને બોલ્યા.
હેમલતા બહેને ઘડિયાળમાં જોયું બપોરે ૩ વાગ્યા હતા. હેમલતા બહેન સફાળા ઊભા થયા.
"હવે વધુ વાત કાલે કરીશું."

સાંજનો લગભગ ૫ વાગ્યાનો સમય. સમીરની મંદ મંદ શીતળ લહેર વાતાવરણમાં ઠંડક વેરતી હતી. હજું દિવકરની આછી રોશની જાણે પૃથ્વીને પ્રકાશિત કરતી ચારેકોર વિખેરાયેલી હતી. સાંજનો સૂર્યાસ્ત રંગોળીઓ પાથરતો આકાશને પ્રેમના રંગથી રંગીન કરતો હતો. ક્ષિતિજ પરથી ઊડતાં પંખીઓના જુંડ પોતાના માળામાં જવા માટે ઉતાવળા થયા હતા. સાગર પણ કંઈ શાંત ન હતો એ પણ કોઈ અનજાન રહને શોધતો કિનારા પર અથડાતો હતો.
હેમલતા બહેન ઇંચકા પર બેઠા બેઠા શકભજી સમારતા હતા. એટલામાં દીપ્તિ બહાર નીકળી હેમલતા બહેને દીપ્તિ ને બૂમ પાડી.
"એઇ દીપ્તિ કેમ ક્યાં જાઈ છે ?"
હેમલતા બહેનના વેધક પ્રશ્નથી દીપ્તિ ડઘાઈ જ ગઈ. થોડું હાસ્ય વેરી દીપ્તિ એ કહ્યું
"મારે મારી ફ્રેન્ડ ને ત્યાં જવું છે, જરા કામ છે મારે"
"અરે પાછી આવે ત્યારે થોડીવાર અહીંયા આવજે મારે તારું કામ છે." હેમલતા બહેને કહ્યું.
થોડું મોડું થયું એટલે હેમલતા બહેનને વાત કરવાની તાલાવેલી લાગી. "હું દીપ્તિ ને લગ્ન વિશે શું કહીશ ? મારો પ્રસ્તાવ સ્વીકારશે ખરી ?" દીપ્તિ નો સર્માંલ્ય સ્વભાવ હેમલતા બહેન જાનતા હતા છતાં પણ એક વખત વાત કહેવામાં શું વાંધો છે ? આવા અવનવા વિચારોથી તેમનું મન લાગણીઓ ની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયું.
"કેમછો આંટી?" દીપ્તિ નાં બોલવાનાં અવાજથી હેમલતા બહેન એકાએક ગભરાઈ ગયા ઘડીભર તો સ્તબ્ધ જ થઈ ગયા.
"અરે દીપ્તિ તું ક્યારે આવી ?" હેમલતા બહેન માંદ માંદ બોલી શક્યા.
"જ્યારે તમે મારા લગ્નના અનંત વિચારોમાં ખોવાઈ ગયા હતા." દીપ્તિ એ હેમલતા બહેનનાં વિચારો વાંચી લીધા.
"દીકરા તને કેવીરીતે ખબર પડી કે હું તારા લગ્નના જ વિચાર કરું છું ?" હેમલતા બહેને આશ્ચર્યથી કહ્યું.
"જ્યારે કોઈના પણ અંતરના વિચારોનો પડગો પડે છે ત્યારે એ પડગા નાં સ્પંદનો બીજી વ્યક્તિના અંતરમાં અથડાયા વગર રહેતા નથી. એટલે તમારાં અંતરના વિચારોના સ્પંદનો મારા માનસપત સાથે અથડાયા અને હું તમારા મનની વાત જાણી ગઈ." દીપ્તિ એ ખુબજ ઉંડાણપૂર્વક સમજાવ્યું.
"તો પછી લગ્ન વિષે તારો શું વિચાર છે ?" હેમલતા બહેને દીપ્તિ ને સંકોચપૂર્વક પૂછ્યું.
"જુવો આંટી લગ્ન વિષે મેં હજુ કોઈપણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને આંટી સાચું કહું તો જીવનમાં હું ક્યારે પણ બંધનથી બંધાવાનું વિચારીશ નહીં કારણકે બંધન એ સોનાના પીંજરામાં પુરાયેલા પોપટ જેવું છે. પોપટ ક્યારે પણ મુક્તિના આકાશમાં સ્વતંત્ર રીતે વિહાર કરી શકતો નથી. પોપટ પોતે પીંજરાની અંદર છત્પતાત કરતો, રીબાતો, અંતરમાં વલોપાત કરતો જીવ્યે જાઈ છે. એ પોતાની વ્યથા કોઈને કહી શકતો નથી કારણકે તેની વ્યથા સાંભળવા કોઈ નવરું નથી. બધાજ સ્વાર્થી બની ગયા છે કોઈ પણ દુઃખીનું દુઃખ સમજવા તૈયાર નથી. તો પછી હું શું કામ વ્યર્થ બંધનને સ્વીકારી ને આ ક્ષણિક જિંદગીની ગુલામ થાઉં. નાં તો હું સંસારના બંધનોનો સ્વીકાર કરીશ નાં તો હું મનના બંધનો નો સ્વીકાર કરીશ. હું તો મુક્ત ચિદાકાસ માં વિહરતી મુક્ત આત્મા છું. મને નાં તો આ નશ્વર શરીર સાથે સંબંધ છે નાં તો મન સાથે, હું તો અવ્યક્ત અંસ ચૈતસિક સત્તાનો પરમ વ્યોમનો પરમાર્થીક મુક્ત જીવનની યાત્રિક છું."
દીપ્તિ નાં સુવ્યક્ત વિચારોથી હેમલતા બહેન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. થોડી વાર સુધી તો અબૂધ જ બની ગયા.
"પણ દીકરા જીંદગી જીવવા માટે કોઈને ને કોઈનો સહારો જોઈતો હોય છે. એક આધાર જોઈતો હોય છે જે જિંદગીની ઇમારતને મજબૂત રીતે પકડી શકે. આ એક એવો સંબંધ છે કે જીંદગીની શરૂઆતથી જીંદગીના અંત સુધી નાં પૂરપાટ દોડી જતાં સમયનાં સાપેક્ષમાં વહી જતી મર્યાદાઓ નો મજબૂત રીતે સામનો કરી શકે. જીવનમાં આવતી સમસ્યાઓ ને એક બીજાના સહારે જીવાતો લાગણીઓ નો સંબંધ જ ઉકેલ લાવી શકે. લગ્ન એ બંધન છે જ નહીં પરંતુ બે આત્માઓના મિલનનો પરમ યોગ છે. કેટલાય દાખલા આપના પુરાણોમાં સંગ્રયેલા છે. અરે અહીં સુધી કે ઋષિ મુનિઓ એ પણ લગ્ન કર્યા છે. પરમ સંસ્કારોના આધાર પર રચાયેલી લગ્નની વેદી પર જો લગ્ન જીવન જીવાય તો સુખ અને દુઃખના વાદળો દૂર જતા રહે છે અને પવિત્ર ચિદાકાશ માં ઊડતાં બે પ્રેમી પંખીડા પ્રેમનાં દિવ્ય નશા માં ચકચૂર થઈ જાય છે. એકાકાર થઈ જાય છે. તે બે અસ્તિત્વની સીમાઓ પાર કરીને એકત્વ નાં અનંત વિસ્તારોમાં ઓગળી જાય છે." હેમલતા બહેને પણ લગ્નની વાસ્તવિક રૂપરેખા દીપ્તિ ને સમજાવી.
"અરે, રાત્રીના૮ વાગી ગયા." દીપ્તિ એ ઘડિયાળમાં જોયું. "ચાલો હવે હું જાઉં છું." કહીને દીપ્તિ પોતાને ઘેર જતી રહીં.
નિશાંત ૮:૩૦ વાગ્યે ફેક્ટરી પરથી આવ્યો. ફ્રેશ થઈને જમવા બેઠો. જમીને તેની મમ્મીએ વાત ઉપાડી. સાંજે દીપ્તિ સાથે થયેલી ચર્ચા નિશાંત ને કહી સંભળાવી. નિશાંત કશું પણ બોલ્યો નહીં. પોતાના રૂમમાં જઈને અનંત વિચારોના વંટોળમાં ખોવાઈ ગયો. વિચારતા વિચારતા અનંત સ્વપ્નાઓ ની દુનિયામાં ખોવાઈ ગયો.