નો ગર્લ્સ અલાઉડ - ભાગ 33 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 33



અનન્યા વાયદો કરીને ત્યાંથી જતી તો રહી પરંતુ એકતા માટે જોબ શોધવી સહેલું ન હતુ. એકતા પાસેથી અનન્યા એ તેમની લાયકાત અને બાયોડેટા માંગ્યો જેથી તેમને જોબ શોધવા માટે સરળતા રહે. એકતાની સાથે સાથે અન્ય બીજી બે છોકરી માટે પણ જોબનો બોઝ અનન્યા એ પોતાના માથે લીધો.

અનન્યા એ જોબ શોધવાની શરૂઆત પોતાની જ કંપનીમાં કરી. કંપનીમાં કઈ પોસ્ટ ખાલી છે એમની બધી જાણકારી આકાશ પાસે હતી અને આકાશના કહ્યા પછી જ એ પોસ્ટની જગ્યા ભરાતી હતી.

અનન્યા એ અનુકૂળ સમય જોઈને આકાશ સાથે જોબની વાત કરી ત્યારે આકાશે વળતા જવાબમાં કહ્યું. " અનન્યા તે જે એ છોકરી માટે કર્યું એનો મને તારા ઉપર ગર્વ છે પણ સાચું કહુ તો હાલમાં આપણી કંપનીમાં એક પણ પોસ્ટ ખાલી નથી...સો સોરી...અનન્યા..."

આકાશની વાત પણ યોગ્ય હતી. એટલે અનન્યા એ આકાશ પર દબાવ ન નાખીને અન્ય જગ્યાએ જોબ શોધવાનું નક્કી કર્યું. બિઝનેસ વુમન બન્યા પછી અનન્યા પાસે અન્ય ઘણી કંપનીની ઓફરો આવતી રહેતી. જેથી અનન્યા પાસે એ કંપનીઓના કોન્ટેક્ટ નંબર હતા. એક પછી એક એ બધી કંપનીઓમાં અનન્યા એ જોબ માટે વાત કરી પરંતુ એ બધી કંપનીઓ માત્ર અનન્યાને જ જોબ પર રાખવા માટે કહી રહી હતી. અનન્યા એ એકતા અને અન્ય બે છોકરીઓનો બાયોડેટા પણ મોકલ્યો. છતાં પણ કંપની એ બિનઅનુભવી યુવતીઓને જોબ પર ન રાખવાની વાત કરીને સાફ શબ્દોમાં ઇનકાર કરી દીધો. વાયદોનો ભાર મનમાં રાખીને ફરતી અનન્યા પાસે હવે માત્ર આદિત્ય જ એક સહારો હતો.

આદિત્યનો ફોન નોટ રિચેબલ આવતા અનન્યા ક્રોધિત થઈ. તેણે ફરી બે ત્રણ વખત પ્રયાસ કર્યો પણ ફોન ન લાગતા તે એમના ઓફિસ તરફ જવા રવાના થઈ. ઓફીસે પહોંચતા જાણવા મળ્યું કે આદિત્ય કોઈ કામ બાબતે દિલ્હી ગયો છે. ત્યાંથી ક્યારે પરત ફરશે એવી કોઈ જાણકારી એમની પાસે ન હતી. ત્યાં જ એના ફોનમાં કાવ્યાનો મેસેજ આવ્યો અને અનન્યા કાવ્યાના ઘરે જવા નીકળી ગઈ.

અનન્યાને શરબત આપીને કાવ્યા બોલી. " અનન્યા, એની પ્રોબ્લેમ? "

" હવે કાવ્યા તારી પાસેથી શું છૂપાવુ...." એટલું કહીને અનન્યા એ એ એકતાની જોબની વાત કહી દીધી.

" તને શું લાગે છે આદિત્ય કોઈ ગર્લ્સને એની કંપનીમાં જોબ ઉપર રાખશે?"

" આઈ નો કાવ્યા.. બટ એક વખત ટ્રાય કરવામાં શું જાય છે? કદાચ હું એને પ્રેમથી સમજાવુંને એ સમજી જાય તો..."

" તું ખોટી મહેનત કરે છે આદિત્ય પાછળ... એ કોઈ પણ સંજોગોમાં ગર્લ્સને એની કંપનીમાં જોબ ઉપર નહિ જ રાખે..."

" કાવ્યા મને એક વાતનો જવાબ આપીશ..આ આદિત્યને ગર્લ્સ સાથે આટલી દુશ્મની કેમ છે?"

અનન્યા એ આ વાત પહેલા પણ કાવ્યા સમક્ષ રજૂ કરી હતી પરંતુ કાવ્યા કોઈ પણ બહાનું કાઢીને વાતને બદલી દેતી પણ આ વખતે કાવ્યા એ વાતને બદલવાને બદલે વાત પર જ પુર્ણવિરામ મૂકવાનું યોગ્ય સમજ્યું.

કાવ્યા એ આસપાસ જોયું તો પાર્વતી બેન કિચનમાં કામ કરી રહ્યા હતા. પાર્વતી બેન ક્યારે કામ કરતા કરતાં આવી પહોંચે અને એની વાત સાંભળી જાય એ ડરના લીધે કાવ્યા અનન્યાને એના પર્સનલ રૂમમાં લઈ ગઈ.

અનન્યાને બેસાડીને કાવ્યા એ આદિત્યની કોલેજ લાઇફ કહેવાની શરૂઆત કરી.

આદિત્યની કોલેજ લાઇફ :

" કોન્ગ્રેચ્યુલેશન ઓલ સ્ટુડન્ટ્સ...કડી મહેનત કરીને તમે એક્ઝામ આપી ઍન્ડ આઈ હોપ કે તમારી એકઝામ સારી એવી ગઈ હશે...આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ... તમારું આ કોલેજનું લાસ્ટ યર છે તો અમારી કૉલેજે તમારા માટે એક સરપ્રાઈઝ ટ્રીપનું આયોજન કર્યું છે...આ ટ્રીપમાં ક્યાં ક્યાં સ્થળો છે ? કઈ કઈ એકટીવિટી છે આ બધી જાણકારી તમે જયારે એ ટ્રીપમાં આવશો ત્યાં જ ખબર પડશે...તો રેડી છો આ ધમાકેદાર ટ્રીપ માં આવવા માટે?"

" યસ સર..." બધા સ્ટુડન્ટ એકસાથે બોલી ઉઠ્યા.

" હા પણ આ ટ્રીપમાં જોડાવા માટે અમુક શરતો છે...ઍન્ડ થોડીક ફી પણ તમારે પે કરવી પડશે..હવે કેટલી ફી છે કઈ કઈ શરતો છે એની જાણકારી અમે નોટિસ બોર્ડમાં લગાવી દીધેલી છે..તો ચાલો મળીએ સરપ્રાઈઝ ટ્રીપમાં..."

" યાર..આવી ટ્રીપ કોણ ગોઠવતું હશે? નામ સરપ્રાઈઝ ટ્રીપ અને પાછી એની ફી પણ આપણે પે કરવાની!" રવિ પોતાનું મોં બગાડતા બોલ્યો.

" હવે તું તો રેવા જ દે એમ પણ તું ક્યાં આ ટ્રીપમાં આવાનો છે?"

" લે કેમ ? તને કોણે કીધું હું આ ટ્રિપમાં નહિ આવું?"

" એટલી વારમાં ભૂલી પણ ગયો! યાદ કર, તું તો તારી ગર્લફ્રેન્ડને લઈને ગોવા ફરવા જવાનો હતો ને?"

" હા હું જવાનો હતો પણ મેં વિચાર્યું કે કોલેજનું આ લાસ્ટ યર છે અને કદાચ આપણી એક સાથે આ લાસ્ટ ટ્રીપ પણ હોઈ શકે તો ફ્રેન્ડશીપ ફર્સ્ટ..અને એમ પણ હું મારી ગર્લફ્રેન્ડને ગોવા તો નેકસ્ટ યર પણ લઈ જઈ શકું..."

" વાહ તારી દોસ્તીને સલામ છે...."

આદિત્ય પણ મિત્રોના ગ્રુપમાં સાથે બેસ્યો હતો. છ મિત્રોનું આ ગ્રુપ કોલેજના ફર્સ્ટ યરથી જ બની ગયું હતું. જેમાં ત્રણ ગર્લ્સ અને ત્રણ બોયઝ સામેલ હતા. આ ત્રણ ગર્લ્સમાં આદિત્યની ગર્લફ્રેન્ડ પણ સામેલ હતી. નામ હતું કવિતા. અમીર ઘરની એકમાત્ર દીકરી. મોજશોખની પહેલેથી જ શોખીન. હરવું, ફરવું ખાવું પીવું મોજ મસ્તી કરવી એ તો એ નાનપણથી જ કરતી આવતી હતી. પરંતુ જ્યારે એમની મુલાકાત આદિત્ય સાથે થઈ ત્યારે એમને સમજાયું કે જીવનની સાચી મઝા તો દોસ્તીમાં છે, એકબીજાના સુખ દુઃખ વહેંચવામાં છે, કોઈની મદદ કરીને આપણને જે ખુશીનો અનુભવ થાય ને એ ખુશી મહેલોમાં રહેનારા લોકો અનુભવી શકતા નથી. મનમૂકીને જીવન માણવાનો મંત્ર તો દોસ્તીમાં જ રહેલો છે. આદિત્યની આ પ્રકારની વાતો સાંભળીને કવિતા ઇમ્પ્રેસ પણ થઈ અને ધીમે ધીમે પ્રેમમાં પણ પડી ચૂકી હતી. એક જ ગ્રુપમાં સાથે રહેતા હોવા છતાં પણ કવિતા અને આદિત્યની લવ સ્ટોરીની જાણ કોઈને પણ ન થઈ અને આમ કહીએ તો જાણ થવા ન દીધી. આદિત્ય બિલકુલ નહતો ઈચ્છતો કે એમની અને કવિતા વચ્ચેની વાત કોલેજમાં કોઈને ખબર પડે. એ પોતાની લાઇફ પ્રાઇવેટ રાખવા માંગતો હતો. કવિતાને પણ આદિત્યની વાત યોગ્ય લાગી. અને એટલા માટે જ ત્રણ વર્ષથી ચાલતી આ લવ સ્ટોરી ચૂપચાપ ચાલતી જતી હતી.

કોલેજથી નીકળતા સમયે ઉત્સાહિત થતી કવિતા બોલી. " આદિત્ય..આઈ એમ સો હેપી..કોલેજના લાસ્ટ યરમાં આપણને આવી ટ્રીપ મળશે મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું...."

કવિતા ટ્રીપમાં શું શું હશે? કેવી એક્ટિવિટી હશે એને લઈને ઘણી બધી વાતો કરવા લાગી. બક બક કરતી કવિતાની વાતો સાંભળતો આદિત્ય ચૂપચાપ ઊભો હતો.

" હેય...આદિત્ય...શું થયું કેમ સેડ થઈને ઊભો છે? તું ટ્રીપ ઉપર આવે તો છે ને?"

" ના યાર..હું ટ્રીપ પર નહિ આવી શકું.."

" વોટ!! તું ટ્રીપની ના પાડે છે! હરવા ફરવાનો શોખ તો તને મારા કરતાં પણ વધારે છે તો આ વખતે શું થયું?"

" કવિતા પ્લીઝ તું મને ટ્રીપ પર આવવા માટે ફોર્સ ન કરતી..."

" વાહ આ સારું...હું અહીંયા જવા માટે કેટલી એક્સાઇટેડ થાવ છું ને તું છે કે આવવાની ના પાડીને મારું મૂડ ઓફ કરી નાખ્યું..."

" કવિતા હું તને ટ્રીપ પર ન જવા માટે નથી કહી રહ્યો..તું જઈ શકે છે..તું એન્જોય કર..બસ હું ટ્રીપ પર નહિ આવી શકું એ જ તને સમજાવું છું.."

" મારે તારી કોઈ વાત નથી સમજવી...તું ટ્રીપ પર કેમ નથી આવી રહ્યો એનું રીઝન દે... શું પ્રોબ્લેમ છે કે તું કોલેજની આ લાસ્ટ ટ્રિપમાં આવવાની ના પાડે છે?"

આદિત્યે મનમાં કહ્યું. ' સોરી કવિતા હું તને સાચું રીઝન નહિ જણાવી શકું..'

શું કારણ હતું કે આદિત્યે આ ટ્રીપમાં આવવાની ના પાડી. શું કવિતા આદિત્ય વિના આ ટ્રીપમાં જશે? વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ