ધંધાની વાત - ભાગ 1 Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ધંધાની વાત - ભાગ 1

Stories of Indian Businessman

- લેખક -

કંદર્પ પટેલ

 

ધીરૂભાઈ અંબાણી

‘રિલાયન્સ’ - એક ‘વિશ્વાસ’

“સપના જોવાની હિંમત કરે તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે.”

સમુદ્રના તળિયે છીપમાંના મોતી સમાન કિંમતી શબ્દો ગુજરાતના વ્યાપારી ખમીરને સમગ્ર દુનિયા સમક્ષ ઉજાગર કરનાર ધીરૂભાઈ હીરાચંદભાઈ અંબાણીનાં છે.

“આપત્તિ એ કોઈ અવરોધ નહિ, પણ એક અવસર, એક તક છે. આપત્તિ એ જ તમને શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. કોઈ પણ પીછેહઠમાં ભવિષ્યમાં એક કદમ આગળ વધવા માટેનો અંતઃવિરામ હોય છે. તમારા પ્રયાસોમાં તમે ચઢીયાતા બનો અને વધુ સખત પરિશ્રમ કરો તે માટે જ કપરો કાળ નિર્માયેલો હોય છે.”

– ધીરૂભાઈ અંબાણી

તેમની સંપત્તિ, બિઝનેસ, રેવન્યુ, માર્કેટ કેપ, શેરધારકો, ઈન્વેસ્ટર્સ....! આ દરેક બાબતો માટે ‘ગૂગલદેવ’ સાક્ષાત પૂર્ણસ્વરૂપે સુલભ છે જ. પરંતુ, ધીરૂભાઈની ‘નથિંગ ટુ સમથિંગ’ બનવા તરફની જે સીડી છે તેમાંથી પ્રેરણા લેવા જેવી જરૂર છે. તેમની કાર્યશૈલી, પદ્ધતિ, સિદ્ધાંતો, વ્યવહાર અને તેમના વિચારો એવા તે ક્યા પ્રકારના હતા જે તેમને આટલી ઊંંચાઈની ઉડાન સુધી લઈ ગયા? આજનો યુવાન આવતી કાલના ભારતનો પાયો છે. એ યુવાન માટે પ્રેરણારૂપ વ્યક્તિ ‘ધીરૂભાઈ અંબાણી - ધ બ્રાન્ડ’ કરતા સારૂં બીજું કોઈ હોય ના શકે.

લેટ્‌સ લૂક ઓન ધ રોલર કોસ્ટર રાઈડ ઓફ

‘રિલાયન્સ’

એરિઅલ ‘વ્યુ’

૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ ધીરૂભાઈનો નહિ, એક સાહસનો જન્મ થયો. એક ખમીરવંતા ટાવરીંગ ટેલેન્ટનો જન્મ. ભવિષ્યમાં કોર્પોરેટ વર્લ્ડની સિકલ ફેરવવા માટે જુનાગઢના ચોરવાડમાં માતા જમનાબેનની કુખે આ એકમેવ, અજોડ, અનન્ય, અદ્‌વિતીય બિઝનેસમેનનો મોઢવણિક પરિવારમાં જન્મ. પિતા હીરાચંદભાઈનું પાંચમું સંતાન એટલે ધીરૂભાઈ. ‘અંબાણી’ અટક ક્યારેય ના-અટક બનવાની હતી, એક બ્રાન્ડ બનવાની હતી. આ ‘બ્રાન્ડીફિકેશન’ આપના વ્હાલા લોકલાડીલા અને દરિયાદિલ ધીરૂભાઈના મનની ઉપજ હશે એ કોણ કહી શકે? સમજીએ તો એવું લાગે કે જાણે પાંખ વિના ફરતો ‘કોર્પોરેટ વર્લ્ડ’નો બેતાજ બાદશાહ લાગે, જાણે ઈન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન માટે જવાબદાર દહાડતો, ધ્રૂજાવતો, ગરજતો બબ્બર શેર. આસમાનની બુલંદીને ચૂમતું એક આતિશી નામ અને સાગરના મોજાની જેમ ઉછળતું ધોધમાર કામ. એક જીવતી જાગતી ‘હ્યુમન બ્રાન્ડ’. ‘રિલાયન્સ’ નામનો શબ્દ આજે પણ કોર્પોરેટ જગતમાં વિશ્વાસનો પર્યાયી બનીને ગુંજે છે.

કોર્પોરેટ ‘ઉડાન’

‘ધીરૂભાઈ’ એ ગુણવત્તા વર્ષો, દાયકાઓ કે સદીઓ સુધી સાથોસાથ હોઈ શકે છે, એનો ટટ્ટાર લહેરાતો ધ્વજ છે, સચોટ મિસાલ છે. એડનથી ભારત પાછા ફર્યા પછી તેમણે ‘રિલાયન્સ કોમર્શિયલ કોર્પ્ારેશન’ની સ્થાપના કરી. મરી-મસાલામાંથી યાર્નના વેપારમાં સ્વિચ સ્વાઈપ કરી. અમદાવાદમાં નરોડામાં ‘વિમલ’ ની શરૂઆત કરી, તે પણ એકદમ ઠાઠમાઠથી. હંમેશા ધીરૂભાઈ માર્કેટિંગની બાબતમાં અવ્વલ ક્રમે પાસ થયા છે. ‘વિમલ’ની જાહેરાત માટે ધીરૂભાઈ મોટા પાયે વિશાળ કાર્યક્રમો કરતા અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ લેતા. ૬-૬ પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવતું અને તેની સાથે કાણ ફાડી નાખે એવી ૪૦ હજાર વોટની મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ થતો અને એકસાથે ૩-૩ મોડલ રેમ્પ પર ‘વિમલ’ના કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરીને રેમ્પ-વોક કરતી. ધીરૂભાઈએ ભારતમાં એકસાથે એકસાથે ૧૦૧ જગ્યાએ ‘વિમલ’ના શો-રૂમ ખુલ્લા મુક્યા. એક દિવસમાં આટલા રિટેલર્સ સાથે દિલ માત્ર ધીરૂભાઈ જ કરી શકે.

ત્યારબાદ તેમણે મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. પોલીએસ્ટર અને પેટ્રોકેમિકલમાં ઉત્પાદનની એક વેલ્યુ ચેઈન ઉભી કરી અને ઓઈલ રીફાઈનરીની શરૂઆત કરી. પોતાની બહુ ઓછી જાણીતી કંપનીમાં લોકોને ઈન્વેસ્ટ કરવા માટેનો વિશ્વાસ રાખવાનું કહ્યું અને તેમનો વિશ્વાસ જીત્યો પણ ખરો. ‘રિલાયન્સ’ નો અર્થ જ ‘વિશ્વાસુ’ એવો થાય છે, જે તેમને સાર્થક કરી બતાવ્યું. સફળ થવા માટે પોતાના સિદ્ધાંતો સાથે ચેડા કર્યા સિવાય વચન પાળીને કાર્ય કરી બતાવ્યું અને ‘રિલાયન્સ’ ગ્રુપને જીવંત તવારીખ બનાવ્યું.

‘સોલિડ બેઝ’ ઓફ રિલાયન્સ

રિલાયન્સના જીવંત તવારીખ હોવા પાછળના ‘ધીરૂભાઈ અંબાણી’ના પાયારૂપ કેટલાક મહત્વના અંશોઃ

કોર્પોરેટ ફિલોસોફી

સચોટ, સફળ અને સરળ. હંમેશા ઊંચું અને નવતર નિશાન. ત્વર, ચપળતા, સજાગતા કેળવીને શ્રેષ્ઠતમની વિચાર કરવો. રિલાયન્સની ટીમમાં તેને સંવર્ધિત કરીને હંમેશા ઊંચું નિશાન સધાય તેનો ખ્યાલ રાખવો.

“સફળતા એ કોઈ વ્યક્તિની સિદ્‌ધિ અને લાયકાતને આભારી ગણાવી શકાય નહિ પરંતુ તે એક કાર્યપ્રણાલી અને જૂથના જુસ્સાને આભારી છે.”

નેતૃત્વ

વ્યક્તિગત મોજશોખ એકદમ સામાન્ય, અવ્વલ દોસ્ત, સદાય તાજગી અને તિતિક્ષાપૂર્ણ ચહેરો, વ્યક્તિત્વની ઔદાર્યતા. ઉત્કૃષ્ટ માટેની અચલ અભિલાષા. ૬૯ વર્ષના જીવનમાં – ચોરવાડના બાળક હોય કે એડનના કર્મચારી, બોમ્બેમાં મરી-મસાલા અને યાર્નના વેપારી હોય કે ભારતની સૌથી વિશાળ પ્રાઈવેટ સેક્ટર કંપનીના ચેરમેન. ધીરૂભાઈએ પોતાના નેતૃત્વની એક નોંધપાત્ર લાક્ષણિકતા જાળવી રાખી.

“તમારૂં વિઝન સફળ થાય તેવું જોઈએ, હવામાં રહે તેવું નહિ. સ્વપ્ન એવું જુઓ જે સાકાર કરી શકાય.”

મૂક દાતા

શાસ્ત્ર મુજબ દાનનો અર્થ થાય છે, ‘માનવસમુદાયના કલ્યાણને વિકસાવના આશયથી થયેલી કોઈ પ્રવૃત્તિ.’ ધીરૂભાઈ એક દીર્ઘદ્રષ્ટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક તરીકે જાણીતા હતા. પરંતુ દાન એવી રીતે કરતા કે ‘એક હાથે દાન કર્યું હોય તો બીજા હાથને રત્તીભર પણ અંદેશો ના હોય.’ સૌથી મુક દાતા તરીકે તેમની લાક્ષણિકતા હતી. ક્યારેય પોતાની દાનધર્મથી કોઈ જાહેરાત ન થઈ જાય તેનું સૌથી ચીવટપૂર્વક ધ્યાન રાખતા. તેથી જ જયારે લોકો મહાન અને પરોપકારી વ્યક્તિઓનું નામ વિચારે ત્યારે ધીરૂભાઈનું નામ મગજમાં બંધબેસતું નથી.

એક કિસ્સો જાણવા જેવો છે. ધીરૂભાઈએ એક વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હતા અને તે વ્યક્તિ પાછા આપી શકવાની સ્થિતિમાં નહોતો કારણ કે તેને પીવાની લત હતી. આ પૈસા ગયા, એમ સમજીને માંડવાળ કરવાને બદલે ધીરૂભાઈએ તે વ્યક્તિને બમણી લોન આપી. તેમનો ઈરાદો એ હતો કે વ્યક્તિ પોતાના નુકસાનમાંથી બહાર આવે અને પરિસ્થિતિની ગંભીરતા સમજે. ફરી પગભર થઈ શકે જેથી જૂની અને નવી ઉધારી બધું જ ચૂકવી શકે. અને છેવટે એવું થયું પણ ખરૂં.

“ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો પર કોઈનો ઈજારો નથી.”

ભામાશાવૃતિ

વિદેશમાં કોઈને પોરસ ચઢાવવા પત્ર લખવો, પોતાના વતનના સહપાઠીના પુત્રને નોકરી અપાવવી, મુંબઈ જોવા માંગતા પોતાના જુના દોસ્તના પરિવાર માટે વિમાનની ટીકીટો મોકલવી, નવા કપડા લઈ રાખવા અને એરપોર્ટ પર તેમને લેવા જવા, ભૂકંપમાં તહસ-નહસ થઈ ગયેલા ગામને પુનઃ બેઠું કરવા આખી મેકશિફ્ટ હોસ્પિટલ બનાવી વિમાન દ્વારા મોકલવી, પૂરગ્રસ્ત વિસ્તારમાં ટ્રક ભરીને શાકભાજી મોકલવા – આવી દરેક નાનીમોટી મદદ તેઓ હંમેશા સાહજિકતા, સિફતાઈ અને કોઈને કશી ખબર ના પડે તેવી રીતે કરતા.

“હું ગીતા જીવું છું.”

મૈત્રીપૂર્ણ વ્યવહાર

અગ્રણી લોકો મોટે ભાગે તેમના કર્મચારીઓ સાથે ઘરોબો કેળવતા દરે છે. પોતાની નીચેના માણસો સાથે મૈત્રી બાંધતા નથી અને હંમેશા એક ચોક્કસ અંતર રાખતા હોય છે. પરંતુ ધીરૂભાઈ હાથ મેળવતા, ખભે હાથ મુકીને હળીમળી શકતા હતા. સંકોચ વિના ‘શું ચાલે દોસ્ત..?’ જેવું પ્રફુલ્લ સંબોધન પણ તેમની તરફ આકર્ષિત કરતુ હતું. પોતાના કર્મચારીઓને મહામૂલી મિલકત ગણતા હતા. લોકોને પોતીકા સમજીને આત્મીયતાપૂર્વક વાત કરવાની રીત તેમનામાં ખુબ સારી હતી. એ એકમાત્ર વ્યક્તિ હતા જે દરેકને ખુલ્લા દિલે સાંભળતા, તેમના વિચારોને આવકારતા અને તેમાંથી સચ્ચાઈ પકડીને ખચકાટ વિના સ્વીકારતા. આવી દરિયાદિલી ધરાવતા દિલેર વ્યક્તિ હતા.

“અવિશ્વાસના લીધે નવું કરવાની વૃત્તિ ખતમ થાય છે અને વ્યક્તિ સ્થિતિનો દુરૂપયોગ કરવા પ્રેરાય છે. જયારે વિશ્વાસ અને પારદર્શિતાથી સાહસિકતા આવે છે.”

ઈકોનોમિક ‘બિઝ’સોફી

“નાણું એ પ્રોડક્ટ નહિ બાયપ્રોડકટ છે, એની પાછળ દોડો નહિ.” ધીરૂભાઈના મોઢે આવા શબ્દો સાંભળીને જરૂર આશ્ચર્ય થાય, પરંતુ તે તેમની માન્યતા હતી. જયારે મુખ્ય ધ્યેય પૈસાને બનાવવામાં આવે ત્યારે કેવી રીતે ધન કમાઈ શકાય કે કેવી રીતે બચત કરી શકાય તે પરત્વે જ લક્ષ્ય સધાય છે. તેના ભોગે પ્રોડક્ટની ગુણવત્તાને માર પડે છે અને સ્વાભાવિકપણે તે નબળું જ ઉત્પાદન થાય છે. તેઓ એવું વિચારતા કે જયારે તમે કંઈક અઢળક-વિશાળ સર્જાે છો ત્યારે આડપેદાશ તેમાંથી ખરે છે ત્યારે તે પણ ખુબ નફારૂપ હોય જ છે. ગ્રાહકો વાત સાંભળે છે, વિચારો સ્વીકારે છે અને કાર્યથી પ્રભાવિત થાય છે. જો વધુ કામ કરીએ તો વધારે ધન મળવાનું જ છે. અર્થ સીધો છે, સારા કાર્યની આડપેદાશ નાણું છે.

“દૃઢ નિશ્ચય અને પૂર્ણતાના આગ્રહ સાથે તમે કાર્ય કરશો, તો સફળતા ચોક્કસ તમને વરશે.”

સ્વતંત્ર કાર્યપ્રણાલી

કંપનીના માલિકો ખુબ ઝડપથી પ્રોફેશનલ વ્યક્તિને નોકરીએ રાખવામાં ઘણી કાળજી લે છે. ઈન્ડસ્ટ્રી માટે બેસ્ટ પ્રોફેશનલ કર્મચારીની નિમણુંક કરે છે. એક વાર તે કર્મચારી બની જાય પછી તેમને જે કુશળતાના આધારે નીમ્યા હોય છે, તે કામ તેઓ કરવા નથી દેતા. માલિકો અને મેનેજરો તેમના પર હાવી થઈ જાય છે અને તેમને માત્ર સૂચનાઓના પાલન કરનાર બનાવી દેવાય છે. પરંતુ, ધીરૂભાઈની મેનેજમેન્ટ ટેકનિક્સ થોડી અલગ હતી. તેઓ હંમેશા કહેતા, ‘ગો અહેડ.’ પોતાના લેવલના નિર્ણયો લેવા માટેની છૂટ દરેક કર્મચારીને આપવામાં આવતી હતી. ક્યારેય કોઈને પણ નોકરી પર રાખવાની ભલામણ સ્વીકારતા નહિ અને ‘મેરીટ’ પ્રમાણે જ નોકરી આપવાની પ્રક્રિયાને વળગી રહેતા.

“કમર્ચારીઓને યોગ્ય વાતાવરણ આપો, પ્રોત્સાહિત કરો, જરૂરી સહાય આપો. તેમાંના દરેક પાસે અભૂતપૂર્વ ઉર્જાનો સ્ત્રોત છે. તે બહાર આવશે જ..!”

‘ઓરબિટ થિયરી’

ધીરૂભાઈ હંમેશા કહેતા કે તમારૂં વર્તુળ, તમારો પરિઘ સતત બદલતા રહો. તેઓ હંમેશા સમજાવતા કે આપણે બધા અગાઉથી નક્કી વર્તુળમાં જન્મ્યા છીએ અને પ્રગતિ માટે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતે મોટા ભાગના લોકો જે ક્ષિતિજે જન્મ્યા હોઈએ તેમાં જ જીવવાનું અને મરવાનું પસંદ કરતા હોય છે.સમય સાથે ઉત્ક્રાંતિ ન થાય તો શું પરિણામ આવે એનાથી દરેક માહિતગાર હોય છે. અવકાશયાન પૃથ્વીના ગુરૂત્વાકર્ષણના વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારની સ્થિતિ સહન કરવા બનાવાયેલું હોય છે તે જ રીતે દરેકે પોતાને પાછળ ધકેલતા પ્રવાહોને ભેદવા માટે માનસિક રીતે મજબૂત બનવું પડે છે. ઘર્ષણ સામે ઓગળી ન જવાય તેના માટે રક્ષાકવચ તૈયાર કરવું જ પડે.

“મુશ્કેલીઓનો સામનો કરતી વખતે પણ તમારૂં લક્ષ્ય નિશ્ચિત કરો અને દરેક પ્રતિકૂળતાને તકમાં ફેરવો.”

દરિયાદિલ દોસ્તી

પ્યુન હોય કે પ્રેસિડેન્ટ, બધા જ ધીરૂભાઈના મિત્ર હોય. કોઈ પણ વર્ગ, નાત-જાત કે દરજ્જાનો વ્યક્તિ હોય, ધીરૂભાઈ દરેક સાથે હળેમળે અને વાતચીત કરે. ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા ધીરૂભાઈને જયારે ‘લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ મળ્યો ત્યારે આખો હોલ તાળીથી ગુંજી ઉઠ્‌યો હતો. પરંતુ દરેક ફોટોગ્રાફરો બહુ આત્મીયતાથી ‘ધીરૂભાઈ.....ધીરૂભાઈ..’ કહીને સંબોધતા હતા. આ વાત ખરેખર આપણને સામાન્ય લાગી શકે, પરંતુ એટલી સામાન્ય હતી નહિ. સ્વાભાવિક રીતે દરેકને એવોર્ડ મળ્યા પછી લોકો ‘સર’ કે ‘મિસ્ટર અંબાણી’ નામે સંબોધન કરે એવી અપેક્ષા હોય જ. પરંતુ અહી દરેક ફોટોગ્રાફર ‘ધીરૂભાઈ...’ જ સંબોધન કરતા હતા અને તેમની ઈચ્છા મુજબ પોઝ આપતા હતા. માત્ર લોકો માટે જ નહિ, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ...! દરેકને માટે તે ધીરૂભાઈ જ હતા.

“મેં લોકોમાં વિશ્વાસ મુક્યો છે અને તેના કારણે લોકોને મારા પર ભરોસો બેઠો છે.”

‘પોઝિટીવ’ અભિગમ

રિલાયન્સનું સામ્રાજ્ય ઉભું કરવામાં કેટકેટલા ગંજાવર અવરોધો નડયા અને છતાં ક્યારેય ફરિયાદ કરી નહિ તે એટલે ધીરૂભાઈ. દરેકેદરેક પ્રોજેક્ટ લાઈસન્સ રાજ, લાલફિતાશાહી અને અમલદારશાહીની વચ્ચેથી માર્ગ કરીને તેમણે આગળ વધવું પડતું હતું.તેમ છતાં તેમને ક્યારેય હતાશા દાખવી નહિ. તેમણે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે તેવી ફરિયાદો કરી નહિ. કોઈ સિસ્ટમ કે પ્રોસેસ નથી તેવો અફસોસ વ્યક્ત કર્યો નહિ. દરેક અડચણને એક તક તરીકે સ્વીકારી લીધી અને પોતે આ દરેક અવરોધોને પાર કરીને રિલાયન્સને ઉંચાઈ પર લઈ ગયા.

“અવરોધો આવે ત્યારે હરિને બેસી જવાને બદલે મનમાં આશા, આત્મવિશ્વાસ અને ભરોસો રાખીને નકારાત્મક પરિબળોને ચેલેન્જ કરવી જોઈએ, મહત્વાકાંક્ષા અને પહેલ કરવામાં આવે તો આખરે વિજય મળે જ છે. નવી સદીમાં એક નવા ભારત માટે યુવાન સાહસિકો સફળ થાય છે અત્યંત જરૂરી છે.”

ધીરૂભાઈએ તેમના એક ભાષણમાં કહ્યું હતું,

“હું મને એક નવો રસ્તો શોધનાર ગણું છું. હું જંગલમાં ખોદકામ કરીને બીજા લોકો ચાલી શકે તે માટે રસ્તો તૈયાર કરવામાં માનું છું. હું જે પણ કરૂં તે સૌથી પહેલા કરૂં તે મને ગમે.”

અવસાન

હદય રોગના હુમલાના કારણે ૨૪ જૂન,૨૦૦૨ના રોજ ધીરૂભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રૂઆરી ૧૯૮૬માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો. એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી. તેઓ ૬ જુલાઈ, ૨૦૦૨ ના રોજ મૃત્યુ પામ્યા.

તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણી એ અંતિમ સંસ્કાર કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે ૭ જુલાઈ, ૨૦૦૨ના રોજ સાંજે તેમને અગ્નિદાહ અપાયો હતો.

ધીરૂભાઈ અંબાણી એ મુંબઈના મૂળજી-જેઠા ટેક્સટાઈલ માર્કેટમાંથી નાના વેપારી તરીકે પોતાની લાંબી યાત્રા શરૂ કરી હતી. મહાન ઉદ્યોગપતિ તરીકે તેમને માન આપવા માટે ‘મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્‌સ’ એ ૮ જુલાઈ, ૨૦૦૨ના રોજ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો. ધીરૂભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂ. ૭૫૦૦૦ કરોડ હતું.

પુરસ્કાર અને સન્માન

નવેમ્બર ૨૦૦૦

ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે ‘કેમટેક ફાઉન્ડેશન’ અને ‘કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ’ દ્વારા તેમને 'મેન ઓફ સેન્ચ્યુરી' નું સન્માન અપાયુ હતું.

૨૦૦૦, ૧૯૯૮ અને ૧૯૯૬

‘એશિયાવીક’ મેગેઝિન દ્વારા 'પાવર ૫૦’ - એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ.

જૂન ૧૯૯૮

નેતૃત્વનું અનોખું ઉદાહરણ આપવા બદલ ‘ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સ્લિવિનિયા’ દ્વારા સૌ પ્રથમ ‘ડીન્સ મેડલ' મેળવનાર ભારતીય તરીકેનું ગૌરવ

ઓગસ્ટ ૨૦૦૧

ધી ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા કોર્પોરેટ શ્રેષ્ઠતા માટે ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી FICCI દ્વારા ‘મેન ઓફ 20th સેન્ચ્યુરી’ જાહેર થયા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા - TIMES OF INDIA દ્વારા ૨૦૦૦માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ‘ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ’ જાહેર થયા.

ભગવદ્‌ ગીતા કહે છે, “મહાન માણસના કર્મ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. એ જે કઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.” આ સિદ્ધાંત પ્રમાણે ધીરૂભાઈનું જીવન એક દ્રષ્ટાંતરૂપ છે.