નારદ પુરાણ - ભાગ 9 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 9

શ્રી સનકે કહ્યું, “સગરના કુળમાં ભગીરથ નામનો રાજા થઇ ગયો/ જે સાતે દ્વીપો અને સમુદ્રો સહિત આ પૃથ્વી ઉપર શાસન કરતો હતો. તે ધર્મમાં તત્પર. સત્ય વચન બોલનાર, પ્રતાપી, કામદેવ જેવો સુંદર, અતિ પરાક્રમી, દયાળુ અને સદગુણોનો ભંડાર હતો. તેની ખ્યાતી સાંભળી એક દિવસ સાક્ષાત ધર્મરાજ તેનાં દર્શન કરવા માટે આવ્યા.

        રાજા ભગીરથે ધર્મરાજનું શાસ્ત્રીય વિધિથી પૂજન કર્યું, તેથી પ્રસન્ન થઈને ધર્મરાજે ભગીરથનાં વખાણ કર્યાં.

        વિનમ્ર ભગીરથે હાથ જોડીને કહ્યું, “હે ભગવન, આપ સર્વ ધર્મોના જ્ઞાતા છો. આપ સમદર્શી પણ છો. તેથી આપ મને કૃપા કરીને કહો કે કેટલા પ્રકારના ધર્મ કહેવામાં આવ્યા છે? ધર્માત્મા પુરુષોના કયા લોક છે? યમલોકમાં કેટલા પ્રકારની યાતનાઓ બતાવવામાં આવી છે? તે કોને ભોગવવી પડે છે? કેવા પ્રકારના લોકો આપના દ્વારા માન પામે છે? અને કેવા લોકોને આપ સજા કરો છો?”

        તેના પ્રશ્નથી ધર્મરાજ પ્રસન્ન થયા અને કહ્યું, “હું ધર્મ અને અધર્મનું યથાર્થ વર્ણન કરું છું તે ધ્યાનથી સાંભળો. ધર્મ અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે કે જેમનાથી પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે અધર્મના આચરણોને લીધે પ્રાપ્ત થનારી યાતનાઓ પણ અસંખ્ય છે.

        બ્રાહ્મણને જીવિકા આપવી એ પુણ્યનું કાર્ય છે. એવી જ રીતે અધ્યાત્મતત્વને જાણનાર પુરુષને આપેલું દાન અક્ષય હોય છે. જે માણસ પોતે અથવા બીજાઓ પાસે તળાવ બનાવરાવે છે, તેને મળતા પુણ્યનું વર્ણન કરવું અસંભવ છે. કોઈ પથિક તે તળાવનું પાણી પીએ તો બંધાવનારનાં સર્વ પાપો નષ્ટ થઇ જાય છે. જે માણસ એક દિવસ પણ ભૂમિ પણ જળનો સંગ્રહ અને તેનું સંરક્ષણ કરે છે, તે સર્વ પાપોથી છૂટીને સો વર્ષ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. હે રાજન! આ સંબંધમાં એક ઈતિહાસ કહું છું.

        ગૌડદેશમાં વીરભદ્ર નામનો મહાપ્રતાપી અને વિદ્વાન રાજા થઇ ગયો. તેની રાણીનું નામ ચંપકમંજરી હતું અને રાજા પાસે જ્ઞાની, ધર્મને જાણનારા અને કુશળ મંત્રીઓ હતા. એક દિવસ રાજા વીરભદ્ર પોતાના મંત્રીઓ સાથે શિકાર કરવા માટે ગાઢ જંગલમાં ગયો અને બપોર સુધી આમ તેમ ફરતો રહ્યો. તે બહુ થાકી ગયો તે સમયે રાજાને ત્યાં નાનું સરખું તળાવ દેખાયું, તે પણ સુકાઈ ગયું હતું. તે જોઇને મંત્રીને વિચાર આવ્યો કે શિખર ઉપર આ તળાવ કોણે બંધાવ્યું હશે? તેણે સુકાઈ ગયેલા તળાવમાં એક હાથ જેટલો ઊંડો ખાડો ખોદીને જળ મેળવ્યું. હે રાજન! તે જળ પીને રાજાને અને તેના બુદ્ધિસાગર નામના મંત્રીને પણ તૃપ્તિ થઇ.

        બુદ્ધિસાગરના મનમાં એક વિચાર જન્મ્યો અને તેણે રાજાને કહ્યું, “હે રાજન! આ તળાવ પહેલાં વરસાદના પાણીથી ભરેલું હતું, આને બધી બાજુએથી ખોદાવીને ચણાવી લેવું જોઈએ. આપ આજ્ઞા કરો.”

        પોતાના મંત્રીની વાત સાંભળીને રાજા પ્રસન્ન થયો અને તેણે તળાવ વધુ ઊંડું કરવા કહ્યું. તેની લંબાઈ અને પહોળાઈ બધી બાજુથી પચાસ ધનુષ જેટલી થઇ. (એક ધનુષ એટલે ચાર હાથ). તેમ જ તેની ચારે તરફ પથ્થરના ઘાટ બનાવવામાં આવ્યા. તે સરોવરમાં અગાધ જળનો સંચય થયો જેણે અનેક પ્રાણીઓ અને પથિકોની તરસ મટાડી. તેથી તેમના જીવનના અંતે તેઓ ધર્મવિમાનમાં ચડવાના અધિકારી થયા. વીરભદ્ર મૃત્યુ પછી મારે પાસે ધર્મવિમાનમાં બેઠો ત્યારે મેં તેને એક વાત કરી તે સાંભળો.”

        “હે  ભૂપાલ ભગીરથ, પૂર્વકાળમાં સૈકતગિરિના શિખર ઉપર લાવક નામના એક પક્ષીએ પાણી મેળવવા પોતાની ચાંચથી બે આંગળી જેટલી જમીન ખોદી હતી. ત્યારબાદ એક વરાહે પોતાના દાંતથી એક હાથ ઊંડો ખાડો ખોદ્યો,  તેમાં પાણી રહેવા લાગ્યું. તે પછી કાલી નામના એક પક્ષીએ તેને વધારે ખોદીને બે હાથ ઊંડો કરી દીધો. ત્યારથી તેમાં બે મહિના સુધી પાણી ટકવા માંડ્યું. ત્યારબાદ ત્રણ વર્ષ પછી હાથીએ તે ખાડો ત્રણ હાથ ઊંડો કરી દીધો એટલે તેમાં જળની માત્રા વધી અને પાણી ત્રણ મહિના ટકવા માંડ્યું. ત્યારબાદ વીરભદ્ર અને તમે ત્યાં આવ્યા અને બુદ્ધિસાગરના ઉપદેશથી તે પચાસ ધનુષ લંબાઈ અને પહોળાઈના તળાવને એટલું જ ઊંડું પણ કરાવ્યું અને તે મહાન સરોવર બની ગયું.

        તે તળાવ ખોદાવવાથી મળેલા પોતપોતાના પુણ્યથી પાંચ જીવ ધર્મવિમાનમાં આરૂઢ છે અને છઠ્ઠા આપ છો.”

        ધર્મરાજે આગળ કહ્યું, “હે ભગીરથ, હવે આગળ સાંભળો જે માણસ શિવ અને વિષ્ણુનું મંદિર બનાવે છે તેને જે પુણ્ય મળે છે તેનું ફળ સાંભળો.”

        “તે માણસ પોતાના માતૃકુળ અને પિતૃકુળની પેઢીઓ સાથે ત્રણ કલ્પ સુધી વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. જે માણસ માટીથી મંદિર બનાવે છે તેનું શરીર દિવ્ય થઇ જાય છે અને દિવ્ય વિમાનમાં બેસીને ત્રણ કલ્પ સુધી વિષ્ણુલોકમાં રહે છે. જે પાકા ચણતરનું દેવમંદિર બનાવે છે તે ત્રણ કલ્પ સુધી વિષ્ણુલોકમાં રહ્યા પછી બે કલ્પ સુધી બ્રહ્મલોકમાં રહે છે અને એક કલ્પ સુધી સ્વર્ગમાં રહે છે. તે પછી તે માણસ યોગીઓના કુળમાં જન્મ લઈને યોગ વડે વિષ્ણુનું ધ્યાન ધરીને મુક્તિ પામે છે.

        કાષ્ઠ વડે દેવમંદિર બનાવનારને બમણું ફળ મળે છે. ઇંટોથી બનાવનારને ચારગણું અને આરસપહાણથી દેવમંદિર બનાવનારને દશગણું ફળ મળે છે. તાંબાથી બનાવનારને સોગણું અને સુવર્ણથી મંદિર બનાવનારને કરોડગણું ફળ મળે છે.

        જે દેવાલય, તળાવ અને ગામનું રક્ષણ કરે છે તેને તેના બનાવનાર કરતાં સોગણું ફળ મળે છે. દેવમંદિરને વાળવાનું, ધોવાનું અને લૂછવાનું કાર્ય ભક્તિપૂર્વક કરનારને અનંત પુણ્ય મળે છે.

        મઠ, આશ્રમ અથવા ધર્મશાળા બનાવનાર બ્રહ્મલોકમાં જાય છે. જે માણસ તુલસીના છોડ ઉપર થોડું પણ પાણી રેડે છે તે ભગવાન વિષ્ણુ સાથે ચંદ્ર અને નક્ષત્રો વિદ્યમાન હોય ત્યાં સુધી રહે છે. તુલસીના છોડની આજુબાજુ ક્યારો બનાવે તેને પણ અમાપ પુણ્ય મળે છે.

        તુલસીનાં કોમલ દળથી ભગવાન વિષ્ણુનાં ચરણકમળની પૂજા કરનારો વિષ્ણુલોકને પામે છે.”

        “ભૂમિદાન કરનાર , જળદાન કરનાર , અન્નદાન કરનાર , દરિદ્ર અને રોગીની રક્ષા કરનાર, કપિલા ગાયનું દાન કરનાર, ભયથી વ્યાકુળ મનુષ્યની રક્ષા કરનાર,  શેરડીનું દાન કરનાર, વિદ્યાદાન કરનાર, શાલીન્ગ્રામનું દાન કરનાર, શિવલિંગનું દાન કરનાર, સુવર્ણનું દાન કરનાર, માણિક અને હીરાનું દાન કરનાર, વાહન અને મોતીનું દાન કરનાર, ઘોડાનું દાન કરનાર, હાથીનું દાન આપનાર, ભેંસનું દાન આપનાર, ગાયને ઘાસ ખવરાવનાર, લવણનું દાન કરનારને તે પ્રકારનાં પુણ્યફળ મળે છે.

        જે પોતાના આશ્રમને ઉચિત આચારપાલનમાં સંલગ્ન, સર્વ ભૂતના હિતમાં તત્પર તથા દંભ અને અસૂયાથી રહિત હોય છે તે બ્રહ્મલોકમાં જાય છે. જે રાગ દ્વેષથી રહિત થઈને પરમાર્થનો ઉપદેશ આપે છે, જેઓ સત્સંગમાં આનંદનો અનુભવ કરે છે, સત્કર્મ કરવા તત્પર રહે છે, બીજાઓની નિંદાથી દૂર રહે છે, જે પારકી સ્ત્રીઓથી વિમુખ રહે છે, જેણે આહાર અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જે અગ્નિ અને ગુરુની સેવા કરે છે, પતિની સેવા કરવામાં તત્પર સ્ત્રી – આ બધાં જન્મમરણરૂપ સંસારબંધનમાં પડતાં નથી.

        કાશીમાં શિવલિંગનું પૂજન કરીને પ્રણામ કરનાર માટે તે પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. જે દેવાલયમાં કરતાલ વગાડે છે, તે બધાં પાપોથી મુક્ત થઇ જાય. ભેરી, મૃદંગ, પટહ, મુરજ જેવાં વાદ્યોથી શિવને પ્રસન્ન કરે તેની સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. દેવમંદિરમાં શંખનાદ કરનાર  પણ સર્વ પાપોથી મુક્ત થાય છે.      

        હે ભૂપતિ, દેવાધિદેવ શ્રીહરિનું સ્મરણ કરવાથી સર્વ કર્મ સફળ થાય છે.

धर्माणि विष्णुश्च फ़लानि विष्णु: कर्माणि विष्णुश्च फ़लानि भोक्ता I

कार्यं चः विष्णु: करणानि विष्णुस्तस्मान्न किद्रव्य्तिरिक्तमस्ति II

        ભગવાન વિષ્ણુ એ જ ધર્મ છે. ધર્મનું ફળ પણ ભગવાન વિષ્ણુ જ છે. એવી જ રીતે કર્મ, કર્મોનું ફળ અને તેમના ભોક્તા પણ વિષ્ણુ જ છે. કાર્ય પણ વિષ્ણુ અને કારણ પણ વિષ્ણુ છે, તેનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી.

 

ક્રમશ: