No Girls Allowed - 24 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 24


આખરે અનન્યા બાલ્કનીમાંથી રૂમમાં આવી અને કહ્યું. " તમે હજી સૂતા નથી?"

" મને એમ કે તમે સ્ત્રી વિશે કંઈક ભાષણ આપશો, હવે એ સાંભળ્યા વિના તો મારે સુવાય નહિ.."

" હમમ...એકદમ રાઈટ..." અનન્યા આદિત્યની બાજુમાં બેડ પર બેસી ગઈ અને ફરી બોલી. "સ્ત્રીને સમજવા માટે તો પહેલા એને બરોબર સાંભળવી પડે, જેટલી સ્ત્રીને તમે સાંભળશો એટલી નજદીકથી તમે એને ઓળખતા જશો..ખાસ કરીને રાતના સમયે તો પોતાની પત્ની, પ્રેમિકા કે કોઈ ફિમેલ ફ્રેન્ડ સાથે વાતો કરવી જ જોઈએ.... એ પોતાના જીવનની એ વાતો તમારી સાથે શેર કરશે જે કોઈ અન્ય વ્યક્તિને કહી શકતી નહિ હોય..કોઈ પણ જજમેંટ આપ્યા વિના દિલથી એની વાતો સાંભળવી આ સેકન્ડ સ્ટેપ છે કોઈ પણ સ્ત્રીને સમજવા માટે, હવે સમજ્યા?"

" હમમ.." આદિત્યે માત્ર હામાં માથુ ધુણાવ્યું.

" તો આજ માટેનું મારું ભાષણ પૂરું થઈ ગયું છે હવે તમે આરામથી સુઈ શકો છો.." બેડની એક સાઈડ પર જઈ બ્લેંકેટને ઠીક કરતી અનન્યા બોલી.

" એક મિનિટ અનન્યા જી...તમે કહ્યું કે રાતે પોતાની પત્ની, પ્રેમિકા કે કોઈ ફિમેલ ફ્રેન્ડ સાથે વાત કરવી જોઈએ..."

" હાં..."

" તો તમે અત્યારે કઈ રીતે સૂઈ શકો છો?"

" મતલબ?"

" મતલબ એ જ કે હવે મારા લગ્ન તો થયા નથી કે નથી મારી કોઈ પ્રેમિકા તો મારે સ્ત્રીને સમજવા માટે કોઈ ફિમેલ ફ્રેન્ડ સાથે વાત તો કરવી જ જોશે ને!"

" હા તો કરી લ્યો...મારી કોઈ ના નથી...હું બ્લેંકેટ ઓઢીને કાન બંધ કરી દઈશ બસ, તમે પછી આરામથી તમારી ફિમેલ ફ્રેન્ડ સાથે વાતો કરી લેજો... ઓલ ધ બેસ્ટ ઍન્ડ ગુડ નાઈટ...."
અનન્યા સાચે જ બ્લેંકેટ ઓઢીને સૂઈ ગઈ.

આદિત્યે પોતાનો ફોન હાથમાં લીધો અને સીધો અનન્યાને કોલ લગાવ્યો. રીંગ સંભળાતા બાજુમાં પડેલા ટેબલ પરથી અનન્યા એ ફોન હાથમાં લીધો અને નામ જોયા વિના જ કોલ રીસિવ કરીને ફોન કાને લગાવ્યો.

" હેલો કોન?"

" હાવ આર યુ માય ફિમેલ ફ્રેન્ડ...?"

અનન્યાની ઝટ દઈને આંખો ખુલી અને ફોનમાં નજર કરીને જોયું તો આદિત્ય નામ હતું. તેણે બાજુમાં પથારીમાં જોયું તો આદિત્ય ત્યાં ન હતો. તેની તરત નજર બાલ્કની તરફ ગઈ. તે ઊભી થઈ અને આદિત્યની બાજુમાં ઉભી રહી ગઈ.

આદિત્ય મંદ મંદ હસ્યો અને પછી ગંભીર થઈને બોલ્યો. " સોરી અનન્યા, તને નીંદરમાંથી ઉઠાવી પરંતુ હું મજબૂર હતો, તે કહ્યું કે મારે કોઈ સ્ત્રી સાથે વાત કરવી જોઈએ તો મારી લાઇફમાં તારા સિવાય બીજી કોઈ છોકરી છે જ નહિ! હવે જ્યા સુધી હું તારી વાતોને પ્રેક્ટીકલી અનુભવ ન કરી લવ ત્યાં સુધી હું કોઈ સ્ત્રીને કઈ રીતે સમજી શકીશ! રાઈટ ને?"

" ફ્રેન્ડસ?" અનન્યા એ આદિત્ય તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો. અચાનક અનન્યાની આવી હરકત જોઈને આદિત્યને આંચકો લાગી ગયો. તેની પાસે મિત્રતાને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આદિત્યે પોતાનો પણ હાથ લંબાવ્યો અને બંને એ એકબીજા સામે સ્મિત કર્યું.

" તો આદિત્ય તારી હોબી શું છે?"

" તમેથી ડાયરેક્ટ તુ!"

" હવે આપણે હવે ફ્રેન્ડ છીએ, અને ફ્રેન્ડસ વચ્ચેની વાતોમાં રિસ્પેક્ટ ભલે ન દેખાય પરંતુ લાગણીઓમાં રિસ્પેક્ટ અવશ્ય હોય છે..સમજ્યો બુધ્ધુ..." અનન્યા એ આદિત્યના માથા પર ટપલી મારીને કહ્યું.

એક જ સેકન્ડમાં જાણે સંબધો બદલાઈ ગયા હતા. અનન્યા તો ખુલ્લા મન સાથે વાતો કરવા લાગી હતી. પરંતુ આદિત્ય માટે આ થોડુંક કઠિન હતું. છેલ્લા સાતેક વર્ષોથી પોતાની પર્સનાલીટી આદિત્યે ચેન્જ કરીને એક ગંભીરતા પોતાના જીવનમાં લાવી દીધી હતી. હવે આ ગંભીરતા આદિત્ય ધીરે ધીરે બદલવાની કોશિશ કરવા લાગ્યો હતો.

" મને રીડિંગ પસંદ છે, ચેસ રમવું ગમે છે અને સિંગીગ કરવું ગમે છે..."

" રિયલી! તને સિંગિગ ગમે છે!"

" હા મતલબ હું એટલો સારો સિંગર પણ નથી!"

" એ હું કઈ ન જાણું તારે એક સોંગ તો ગાવું જ પડશે!"

" અરે આ કેવી જીદ છે?"

" તારે સ્ત્રીને સમજવી છે ને?"

" હા.. પણ..."

" તો તારે સ્ત્રીની માંગણી પણ પૂરી કરવી પડશે.."

આદિત્ય થોડોક શરમાયો અને પોતાના કંઠને ઠીક કરતો તેણે ગાવાનું શરૂ કર્યું. " મેં કોઈ ઐસા ગીત ગાઉં કે આરજુ જગાઉં, અગર તુમ કહો..તુમકો બુલાઉં, યે પલકે બીચાઉં, કદમ તુમ જહાં જહાં રખો, જમીકો આસમાં બનાઉં, સિતારો સે સજાઉં અગર તુમ કહો.."

બાજુના રૂમમાં સૂઈ રહેલી આદિત્યની ટીમમાંથી એક વ્યક્તિ બોલ્યો. " આ આદિત્ય સરનો જ અવાજ છે ને?"

" હા યાર, પણ બોસ અડધી રાતે કેમ ગીત ગાય છે?"

" સવાલ એ નથી કે અડધી રાતે ગીત ગાય છે? પણ બોસ ગીત ગાય છે આ શોકની વાત છે!" ટીમના દરેક સભ્યો બોસના બદલાયેલા વ્યક્તિત્વ વિશે વાતો કરવા લાગ્યા.

" હવે તું બોલ તારી હોબી શું છે?"

" હમમ..મને મૂવી જોવું પસંદ છે, મને ડ્રોઈંગ કરવું પણ પસંદ છે અને ડાન્સ પણ ક્યારેક ક્યારેક કરી લવ છું...."

" તો મારે ફરમાઈશ કરવી પડશે કે પછી ?"

" ના ના હું ડાન્સ કરીશ....મને તો બસ મોકો જોઈએ કે કોઈ મને ડાન્સ કરવાનું કેય..."

" તો ચાલો શરૂ કરો..."

અનન્યા એ સાથે લાવેલ ટેપ રેકોર્ડરમાં ' મનવા લાગે' સોંગ શરૂ કર્યું અને તાલથી તાલ મિલાવતા ડાન્સ પણ શરૂ કર્યો. આદિત્ય મંત્રમુગ્ધ થઈને એમના ડાન્સને જોતો જ રહી ગયો. એમના ચહેરાના એક્સપ્રેશન, હવામાં લહેરાતા ખુલ્લા વાળમાં અનન્યા જાણે પરીલોકમાંથી ઉતરી આવેલી સુંદર પરી જ લાગી રહી હતી. આદિત્યનું મોં તો ખુલ્લું જ રહી ગયું.

સોંગ પૂર્ણ થતાં આદિત્યે તાળી પાડીને અનન્યાની ખુશીમાં વધારો કરી દીધો. ત્યાર બાદ બંને વચ્ચે નાનપણની અમુક રમુજી વાતો થઈ અને વાતો કરતા કરતા જ બન્ને બેડ ઉપર સાથે સૂઈ ગયા.

મોડી રાત સુધી જાગવાને લીધે ન આદિત્યની નીંદ ઉડી કે ન અનન્યાની આંખો ખુલી. આદિત્યની ટીમ તો ફ્રેશ થઈને રેડી થઈ ચૂકી હતી પરંતુ આદિત્ય હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. થોડાક સમય બાદ આદિત્યનો ફોન વાગ્યો. આંખો ચોળતો ચોળતો આદિત્ય બેઠો થયો અને કાવ્યાનો વિડીયો કોલ રિસિવ કર્યો.

આદિત્યને હજી પથારીમાંથી જાગતા જ જોઈને કાવ્યા બોલી. " ભાઈ, તમે હજી સુધી સૂતા હતા?"

" શું વાત કરે છે તું?" કાવ્યાના મમ્મી પણ વિડિયો કોલમાં આવીને બોલ્યા.

" હા મમ્મી જોવો ભાઈ હજી બેડ પર જ છે.."

વિડિયો કોલનો અવાજ સંભળાતા અનન્યાની પણ નીંદર ઉડી ગઈ તેણે અડધી આંખોને ખોલીને વિડિયો કોલમાં નજર કરી.

આદિત્ય સાથે અનન્યાને જોઈને કાવ્યા અને એના મમ્મીના તો હોશ ઉડી ગયા.

" હાય રામ! આ છોકરી કોણ છે?" પાર્વતી બેન ઊંચે અવાજે બોલ્યા. આખરે આદિત્યની નીંદર ઉડી જ ગઈ. તેણે ફટાફટ પોતાનો ફોન પોતાની સાઈડ કર્યો અને ઊભો થઈને બોલ્યો.

" અરે મમ્મી એવું કઈ નથી!"

" હમમ...હવે હું સમજી મમ્મી, કે કેમ ભાઈ મને એની સાથે મનાલી ન લઈ ગયા?"

" કાવ્યા તું ગલત સમજી રહી છે?"

" આદિત્ય દીકરા હવે જે હોય એ કહી દે...હું તારી મા છું..તું જે કહીશ એની સાથે તને પરણાવી દઈશ..."

અનન્યા બેડ પર ટેકો લઈને આદિત્યના હાલ ઉપર હસી રહી હતી.

ક્રમશઃ











બીજા રસપ્રદ વિકલ્પો