Sapt-Kon? - 21 books and stories free download online pdf in Gujarati

સપ્ત-કોણ...? - 21

ભાગ - ૨૧


"ઓહ માય ગોડ...." વ્યક્તિના ચહેરા પર નજર પડતાં જ એન્ડ્ર્યુનું મોં ખુલ્લું રહી ગયું, "યે ટો વોહી લડકી હાય જો કલ હમે જંગલ કે રાસ્તે મિલા થા.."

માણેકરામ તો ખુદ એક અવાચક પૂતળું બનીને એ યુવતીના નિશ્ચેતન દેહને અપલક નજરે અને પહોળા મોએ જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી પણ રહ્યો હતો કે 'હજી કાલે તો બાબુજીને મેં આ છોકરી વિશે જણાવ્યું અને એક રાતમાં તો એનું પત્તુ સાફ થઈ ગયું. એકા રાતેઈ... આ હાદસો બની ગયો. આત્મહત્યા કિ પરિકલ્પિતા હત્યા? એખાના આસાચે... હમણાં આવું છું.." એમ કહેતા જ માણેકરામે ગામ તરફ દોટ મુકી, ધોતિયાનો છેડો ઝાલી રસ્તામાં પડતાં આખડતા એ પહોંચ્યો સીધો દેબાશિષબાબુના ઘરે..

"બાબુજી..... બા...બુજી....." ઝાંપેથી જ રાડો પાડતો એ દોડતો અંદર આવ્યો, "બાબુજી.... એ છોકરી....ચલા શીઘૃઈ‌.. જલ્દી ચાલો,.." હજી એનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો અને કપાળે વળેલા પરસેવાનો રેલો એના ગળા વાટે થઈને રેલાઈ રહ્યો હતો જેનાથી એનો કુર્તો છાતી સુધી ભીનો થઈ ગયો હતો.

"શું થયું માણેકરામ? કિ હાલો..? આમ અધ્ધર શ્વાસે દોડતો આવ્યો છે. બધું બરાબર તો છે ને? સબાકીછુ ઠીક આછે?" હોલની વચ્ચોવચ્ચ બાંધેલા હીંચકામાં બેઠેલા બાબુજીની આંખમાં એની ઉતાવળે આવવાનું કારણ જાણવાની અધીરાઈ જન્મી.

"બાબુજી, પેલી છોકરી.... સામેના મકાનમાં રહે છે. ... એટલે કે હતી.... એટલે કે.... બિપારિતા બારીતે.... એ..."

"શું થયું છે એ કહીશ સરખું, સમજાય એમ... એકાતુ પાણી નિયે એસો... કોઈ પાણી લઈ આવો ને આપો આને," શિમોની ઝડપથી જઈને પાણીનો ગ્લાસ ભરી લાવી અને માણેકરામના હાથમાં પકડાવ્યો.

એકીશ્વાસે અને એક જ ઘૂંટડે ગ્લાસ ખાલી કરી માણેકરામે ગ્લાસ નીચે મુક્યો અને બાંય વડે મોં લૂછ્યું.

"સામેના ઘરમાં રહેતી છોકરી દરિયામાં તણાતી મળી આવી છે... મેયેતિકે સમુદ્રે અટાકે પાઓયા ગેછે..."

સવાર સવારમાં નીચેથી આવી રહેલો શોરબકોર સાંભળી આંખો ચોળતો દાદર ઉતરી રહેલો શ્રીધર આ સાંભળીને ત્યાં જ ઉભો રહી ગયો.

"તુમિ કિ બલાછા?" માણેકરામની વાત પર જાણે વિશ્વાસ ન હોય એમ શ્રીધરે પૂછ્યું.

"આપણા સામેના ઘરમાં જે છોકરી રહે છે એ... એ... સમુદ્રે અટાકે..."

માણેકરામ વાક્ય પૂરું કરે એ પહેલાં શ્રીધર દાદરા કુદાવતો નીચે ઉતર્યો અને પગરખા પણ પહેરવા રોકાયા વિના સડસડાટ ઘરની બહાર નીકળી ગયો અને દોડતો દોડતો દરિયાકાંઠે પહોંચ્યો...


@@@@

રડીરડીને શાંત થયેલા વ્યોમની આંખોમાં વરસાદ વરસ્યા પછીના આકાશ જેવો ઉઘાડ હતો. અમોલ એની પડખે જ ઉભો હતો.

"હવે કાંઈ પણ થાય, કોઈ પણ ભોગે હું ઈશ્વાને શોધીને જ જંપીશ. બહુ થયું, હવે હું કોઈની વાત નથી સાંભળવાનો," વ્યોમના અવાજમાં વ્યગ્રતાનું કંપન હતું.

"જો દોસ્ત, હું તારી પીડા સમજી શકું છું કેમ કે પોતાના પ્રિયજનના વિરહની વેદના મારાથી વધુ સારી રીતે કોણ જાણી શકે. તરતા ન આવડવા છતાંય ડૂબવાના સાહસ સાથે જાણીજોઈને કુવામાં છલાંગ લગાડી છે." અમોલ આડું જોઈ ગયો અને નીચેથી કાંકરા ઉપાડી ખીણમાં ફેંકવા લાગ્યો.

"શું હું જાણી શકું એ કોણ હતું?" વ્યોમે એના ખભે હાથ મુક્યો.

"કેટલાક સંબંધોના નામ સરનામાં નથી હોતા માય ફ્રેન્ડ, ખુલી આંખે જોયેલું અધૂરું સ્વપ્ન, ધરા અને ગગનનું મિલન થાય એવી ક્ષિતિજ હજી વિસ્તરી જ નથી. વિચારોમાં વાવેલું પ્રેમબીજ છોડ બની પાંગરે એ પહેલાં જ એને કચડી નાખવામાં આવ્યું, ઉડતા પંખીની પાંખો કાપી એને મુક્ત આકાશે વિહરવા મુકી દેવાય તો એ નીચે જ પટકાય, બસ. .. એવું જ કાંઈક. ..., દોર વિનાની કટીપતંગ જેમ ફંગોળાતો, અથડાતો, કુટાતો.... ખેર, જવા દે એ બધું.... નિરર્થક ચર્ચા છે આ બધી... ઘણું મોડું થઈ ગયું છે, હવે પાછા જઈએ નહિતર સર તારી સારી રીતે ખબર ન રાખવા બદલ મારી ખબર લઈ લેશે. .." વ્યોમના ઉદાસ ચહેરા પર હાસ્યનું મોજું ફરી વળ્યું. અમોલનો હાથ પકડી આંખોથી આભાર વ્યક્ત કરતા વ્યોમે હોટેલ સિલ્વર પેલેસ પહોંચ્યા પછી અમોલનો હાથ છોડ્યો, ઉપરથી આ દ્રશ્ય જોઈ રહેલા રાણી કલ્યાણીદેવીના હૈયે થોડી ટાઢક વળી, 'ટૂંકા ગાળામાં અમોલે વ્યોમ સાથે લાંબી મિત્રતા કરી લીધી લાગે છે, માતાજી હવે ઈશ્વા મળી જાય એ જ યાચના કરું છું તમારી પાસે, કોઈ રસ્તો સૂઝાડો માં, કોઈ માર્ગ તો દેખાડો.' મનોમન પ્રાર્થના કરી કલ્યાણીદેવી બાલ્કનીમાં મુકેલી ઇઝીચેરમાં બેસી ગયા .

વ્યોમ અને અમોલ એમના રૂમમાં આવ્યા ત્યારે ડો. ઉર્વીશ એક કાગળ પર કઈ લખી રહ્યા હતા, બંનેને આવતાં જોઈ એમણે પેન અને કાગળ બાજુએ મુકી દીધા અને પોતાના ચશ્માં ઉતારી એના પર મુક્યા. અમોલે એ કાગળ પર અછડતી નજર ફેંકી અને ફ્રેશ થવા બાથરૂમમાં જતો રહ્યો, વ્યોમ શૂઝ ઉતારી ડો. ઉર્વીશની બાજુમાં સોફામાં બેઠો, એના ચહેરા પર હળવું સ્મિત જોઈ ડો. પણ મનોમન રાજી થયા. અમોલે બાથરૂમમાં જઈ નળ ચાલુ કરી, વહી રહેલા પાણી સાથે પોતાના અશ્રુઓ પણ વહાવી દીધા અને મોઢું ધોઈ નેપકીન વડે ચહેરો લૂછતો બહાર આવ્યો.

"તારું પત્યું તો હવે હું જાઉં, આવતાં ભેગો જ અંદર ઘુસ્યો, આટલી ઉતાવળ હતી તો રસ્તામાં ઘણીય ઝાડીઓ હતી, અંધારું ય હતું, રસ્તે આવતાં જતાં કોઈ ભટકાય એમ પણ નહોતું, ત્યાંજ .. કરી...." અમોલ દોડતો વ્યોમ પાસે આવે એ પહેલાં જ વ્યોમ બાથરૂમમાં ઘુસી ગયો અને દરવાજો બંધ કરી દીધો, બંધ દરવાજાની બહાર એનું હાસ્ય રેલાઈ રહ્યું હતું.

"હમણાં બહાર નીકળ એટલે બતાવું...." અમોલ પણ ખડખડાટ હસી પડ્યો.

"વેરી ગુડ માય બોય, તું સાચી દિશામાં જઈ રહ્યો છે, વ્યોમ ધીમેધીમે આઘાતમાંથી બહાર આવી રહ્યો છે. વેલ ડન, કીપ ઈટ અપ," ડો. ઉર્વીશે અમોલની પીઠ થાબડી.

"સર, હું બનતી કોશિશ કરી રહ્યો છું એનું એકમાત્ર કારણ તમે પણ જાણો છો..."

"શું કારણ છે? .. મને પણ જાણવું છે. "

"કા....રણ..., શેનું કારણ....?" અમોલ થોથવાઈ ગયો.

"મજાક કરું છું, જસ્ટ ચિલ. ... મેં તો ફક્ત કારણ એટલું સાંભળ્યું એટલે થયું તારી થોડી ફીરકી લઉં." અમોલની પીઠે ઘબ્બો મારી વ્યોમે નેપકીન એના માથે ઓઢાડી દીધો અને બેડ પર ઊંધો પડી હસવા લાગ્યો, અમોલે પણ એનું અનુકરણ કર્યું અને એની ઉપર જ પડતું મૂક્યું.

@@@@

"મા. ...લિની. .... માલિની...ઇઇઇઇઇ......." આજુબાજુ જોયા વગર ઉઘાડાપગે દોડતો શ્રીધર દરિયાકાંઠે પહોંચ્યો ત્યારે કેટલાય લોકો ટોળે વળીને ઉભા હતા, એમને ચીરતો, એમની વચ્ચેથી રસ્તો કાઢી શ્રીધરે ટોળાની વચ્ચે પહોંચી જોયું તો માલિનીનું નિર્જીવ શરીર દરિયાની ભેજવાળી રેતમાં ચત્તુપાટ પડ્યું હતું, એની ભીની સાડી ઘૂંટણ સુધી ઉપર ચડી આવી હતી અને રેતીથી ખરડાયેલી એની ગોરી, માંસલ પિંડીઓ સૂર્યના કિરણોથી ચમકી રહી હતી. ટોળામાંથી કેટલીક આંખો લોલુપતાથી એને તાકી રહી હતી.

"માલિની..ઈઈઈ.... " રેતીમાં પોતાનું શરીર અફાળતો શ્રીધર ગોઠણભેર ઝુકીને નીચે બેસી ગયો અને માલિનીની ઠંડી પડી ગયેલી સફેદ હથેળી પોતાના હાથમાં લઈ પોક મુકી રડવા લાગ્યો.

"અમાકા એકા રેખે કોઠાયા ગેલે? ક્યાં જતી રહી મને એકલો મૂકીને? આમિ તોમાકે બિયે. ... હજી ગઈકાલે જ તો મેં તને પરણવાનું વચન આપ્યું હતું. તુમિ આમાકે ચેરે યેતે પારાબે ના... માલિની.... મા. ...લિની. ...." શ્રીધર રડતો રહ્યો અને ટોળે વળેલા માણસોમાંથી અમુક પરસ્પર ચર્ચા કરવા લાગ્યા તો અમુક શ્રીધર પર હસવા લાગ્યા, કોક મુક સાક્ષી બની ઘટનાનું મનોવિશ્લેષણ કરવા લાગ્યા તો કોકની આંખમાં શ્રીધર પ્રત્યે દયાનો ભાવ જાગ્યો, હજી કો'ક્ કાંઈ બોલે એ પહેલાં તો માણેકરામ અને બાબુજી હાફળાફાફળા ટોળા વચ્ચે આવી ઉભા રહ્યા.

આગળ હજી આ ઘટનાના મુખવાસ રૂપે મમળાવવા માટે મસાલો મળવાનો હોય એમ લોકો ઘડીક શ્રીધર સામે તો ઘડીક બાબુજી તરફ જોવા લાગ્યા.....


ક્રમશ:












બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED