મેરી ક્રિસમસ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેરી ક્રિસમસ

મેરી ક્રિસમસ

-રાકેશ ઠક્કર

નિર્દેશક શ્રીરામ રાઘવને પાંચ વર્ષ પહેલાં આયુષ્માન ખુરાના-તબુ સાથે અંધાધુન જેવી જબરદસ્ત સફળ ફિલ્મ આપી હતી. એના પાંચ વર્ષ બાદ મેરી ક્રિસમસ લાવ્યા હોવાથી અપેક્ષા હતી જ. અને ફિલ્મ જોયા પછી એમ જરૂર થશે કે સસ્પેન્સ- થ્રીલર આને જ કહી શકાય.

એક અલગ પ્રકારની ફિલ્મ હોવાથી અંધાધુન જેવી નહીં લાગે પણ નિરાશ થવાશે નહીં. જૉની ગદ્દાર અને બદલાપુર માં પણ શ્રીરામ છાપ છોડી ગયા હતા. મેરી ક્રિસમસ ની વિશેષતા એ છે કે આખી ફિલ્મ હત્યા પર છે પણ ક્યાંય હિંસા કે એક્શન નથી. ફિલ્મ એક અલગ અનુભવ આપી જાય છે. ફિલ્મને બહુ આરામથી બનાવવામાં આવી હોવાથી આરામથી જોવા જેવી છે.

આખી કહાની એક રાતની જ છે. આર્કિટેક્ટ તરીકે પોતાને ઓળખાવતો આલ્બર્ટ (વિજય) વર્ષો પછી મુંબઈમાં આવે છે. ક્રિસમસ હોવાથી એ બહાર ફરવા નીકળે છે. એક રેસ્ટોરન્ટમાં જાય છે ત્યાં એની મુલાકાત મારીયા (કેટરીના) અને પુત્રી સાથે થાય છે. એ પછી બંને સાથે જ રહે છે. બંને એકબીજાની જિંદગી વિષે વાત કરે છે. થોડા કલાક પછી વિજયને ખબર પડે છે કે તે એક હત્યાના કેસમાં ફસાઈ ગયો છે.

બોલિવૂડમાં માત્ર સલમાન સાથે જોડી જમાવી શકનાર કેટરીનાએ દક્ષિણના વિજય સેતુપતિ સાથે કમાલ કર્યો છે. દર્શકો પોસ્ટર પર વિજય સેતુપતિનું નામ અને ચહેરો જોઈ થિયેટરમાં પહોંચશે પણ બહાર આવ્યા પછી કેટરીનાનો અભિનય યાદ રહી જશે. એક માતાની લાચારીને એણે પડદા પર જીવી બતાવી છે. મારીયાના રૂપમાં એ પોતાની પુત્રીને પોતાના પતિથી બચાવવાની કોશિશ કરે છે એની સાથે દર્શક જોડાય છે.

શ્રીરામ રાઘવન પહેલા એવા નિર્દેશક હશે જેમણે કેટરીનાને અભિનેત્રી સાબિત કરી છે! અત્યાર સુધી કેટરીનાની અભિનય બાબતે આલોચના થતી રહી છે. પહેલી વખત એને મેરી ક્રિસમસ માં સારા અભિનય માટે ભરપૂર પ્રશંસા મળી છે. તેને હવે થોડા વર્ષ સુધી વાંધો આવી શકે એમ નથી. કેટરીનાએ છેલ્લે ટાઈગર ૩ માં એક્શન કરીને થોડી પ્રશંસા મેળવી હતી પણ એ સાચા અર્થમાં હવે પોતાને અભિનેત્રી કહી શકે છે. તેના અભિનય પર શંકા કરનારાઓની બોલતી બંધ કરી દીધી છે.

શ્રીરામની અગાઉની ફિલ્મોની જેમ આ પણ એક રીતે મહિલાકેન્દ્રી ફિલ્મ છે. એમણે કેટરીનાને અત્યાર સુધીની ફિલ્મોમાં શ્રેષ્ઠ પાત્રમાં રજૂ કરી હોવાનું સમીક્ષકોએ પણ સ્વીકાર્યું છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર જે સ્થિતિ થાય એ પણ કેટરીનાએ પોતાની સ્થિતિ સુધારી લીધી છે.

અસલમાં કેટરીના સાથે સૈફ અલી ખાન સાઇન થયો હતો. કેમકે એની સાથે એક હસીના અને એજન્ટ વિનોદ બનાવી હતી. પણ જેમ જેમ શ્રીરામ વાર્તા પર કામ કરતા ગયા એમ એમને ખ્યાલ આવતો ગયો કે એમાં કેટરીના સાથે એક અલગ અને નવો લાગે એવો ચહેરો વધુ કામ કરી શકે છે. ફિલ્મ ‘96’ જોયા બાદ નિર્માતાને સમજાવીને સૈફની જગ્યાએ વિજય સેતુપતિને પસંદ કર્યો હતો.

વિજયે પોતાની પસંદગી સાચી સાબિત કરી બતાવી છે. એ પોતાની માસૂમિયતથી દિલ જીતી લે છે. ક્યાંય અભિનય કરતો હોય એમ લાગતું જ નથી. પાત્રને સહજતાથી જીવી જાય છે. ક્લાઇમેક્સમાં ઈમોશનલ અંદાજ એનો પુરાવો છે. OTT પર એની 96, વિક્રમ, સુપર ડિલક્સ, વિક્રમ વેધા વગેરે છે એને IMDB પર 8 થી વધુ રેટિંગ મળેલું છે.

કેટરીના સાથે એની જોડી થોડી અજીબ લાગશે પણ એ જ વાર્તાની માંગ હતી એનો ખ્યાલ આવશે. બંનેના પાત્ર અલગ છે પણ જામે છે. ફિલ્મનો પહેલો ભાગ ધીમો હોવા છતાં ક્યાંય કંટાળો આવતો નથી. બીજો ભાગ વધુ મજેદાર બન્યો છે. દર્શકોને જકડી રાખવા ફિલ્મમાં અનેક ટ્વીસ્ટ અને ટર્ન છે. સસ્પેન્સ છેલ્લે સુધી બન્યું રહે છે અને ક્લાઇમેક્સ તો અપેક્ષા અને કલ્પના બહારનો છે.

કેટલીક ખામીઓ છે. અઢી કલાકની ફિલ્મ બે કલાકમાં પૂરી થઈ શકી હોત. સ્ક્રીપ્ટની કેટલીક વાત સમજાતી નથી. જેમકે, પોતાની યોજના નિષ્ફળ રહી હોવા છતાં કેટરીના વિજય આગળ નાટક કેમ ચાલુ રાખે છે અને એને પોતાનું જૂઠ પકડાઈ જવાનો ડર કેમ લાગતો નથી. અલબત્ત મેરી ક્રિસમસ મગજ ઘરે મૂકીને જોવા જઈ શકાય એમ નથી. જો પડદા પરથી નજર હટી તો વાર્તા સમજાશે નહીં.

વિજય અને કેટરીના બધું ભૂલીને એક રૂમમાં ડાન્સ કરે છે જેવા શ્રેષ્ઠ દ્રશ્યો પણ છે. વિજયનું પાત્ર ભાગ્યે જ હસતું દેખાય છે પણ એની વાતો- સંવાદ મજેદાર હોય છે. બીજા પાત્રો સાથે પણ વનલાઇનર સારા છે. સંજય કપૂર નાની ભૂમિકામાં મનોરંજન પૂરું પાડી જાય છે. નીરજ પાઠક, ટીનૂ આનંદ, અશ્વિની કાલસેકર અને રાધિકા આપ્ટે પણ નોંધ લેવા મજબૂર કરે છે.

શ્રીરામે સાબિત કર્યું છે કે સ્ક્રીપ્ટ મજબૂત હોય તો મોટા સેટ અને મોંઘા કપડાં વગર પણ સારી ફિલ્મ બની શકે છે. બેકગ્રાઉન્ડ સંગીત અને ગીતો ફિલ્મની થીમ પ્રમાણે છે. પ્રીતમના સંગીતમાં ટાઇટલ ટ્રેક, રાત અકેલી હૈ, નજર તેરી વગેરે વાર્તા સાથે જમાવટ કરે છે.