નો ગર્લ્સ અલાઉડ - ભાગ 14 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 14


" આ સોનુ ખરેખર કામવાળી છે?" અનન્યા એમના પહેરવેશને નિહાળતી બોલી.

" હમમ..મને તો લાગે છે આકાશનું જરૂર આની સાથે કોઈ ચક્કર ચાલે છે.." સિતાઇને જોઇ રહી કિંજલે કહ્યું.

સોનુ વિશેનો ટોપિક બંને વચ્ચે ખૂબ લાંબો ચાલ્યો પણ અંતે કવેશ્ચન માર્ક સિવાય બીજું કંઈ ન મળ્યું. આકાશ આછો ગુલાબી શર્ટ પહેરી પરફ્યુમ છાંટીને બહાર આવ્યો.

" થઈ ગઈ વાતો?" હાથની બાયુ વાળતા આકાશે કહ્યું.

" વાત તો હજી કરવાની છે, આવ બેસ.." અનન્યા થોડી બાજુમાં ખસી અને આકાશને બેસવા માટે જગ્યા કરી.

હાશકારો અનુભવતો આકાશ બેસ્યો અને કહ્યું, " બોલો હવે.. હું એકદમ રેડી છું..."

" આકાશ, મેં કાલે મારા ફેમિલીને વાત કરી આ બિઝનેસ વિશે, એમને કોઈ આપત્તિ તો નથી પણ એમનું કહેવું છે કે એ આપણી ડ્રીંકસ એક વાર ટેસ્ટ કરવા માંગે છે..."

" હા તો એમાં શું ટેસ્ટ કરાવી આપ..અને જોજે તું ડ્રીંકસ પીયને જે તારા ચહેરા પર હાવભાવ આવ્યા હતા ને એવા જ ખુશીના ભાવ તારા પપ્પાના ચહેરા પર પણ આવશે..."

" ભગવાન કરે તારી વાત સાચી નિકળે..કારણ કે મારા પપ્પાને ડ્રીંકસ કંઈ ખાસ પસંદ પણ નથી..."

" તું એ બઘું મારી ઉપર છોડી દે...હું હેન્ડલ કરી લઈશ..બોલ ક્યારે જવાનું છે તારા પપ્પા પાસે?"

" અત્યારે જ!"

" ઓકે હું હમણાં ડ્રીંકસ લઈ લવ છું તમે બંને બહાર ગાડીમાં મારી રાહ જોવો.."

અનન્યા અને કિંજલ ઘર બહાર ગાડીમાં બેસી ગયા. આકાશે સોનુને કિચનનું કામ પતી ગયું હોવાથી એને પણ ઘરે જવા માટે રજા આપી દીધી. આકાશ આવ્યો અને ગાડીમાં બેસી ત્રણેય જણા અનન્યાના ઘરે જવા રવાના થયા. આકાશ પહેલી વાર અનન્યાના પપ્પાને રૂબરૂ મળવાનો હતો. અંદરથી થોડોક ડર જરૂર હતો પરંતુ આકાશને વડીલો સાથે વાતચીત કરવાનો ખાસો અનુભવ હતો. થોડાક સમયમાં અનન્યાનું ઘર આવ્યું અને એકસાથે બધા અંદર પ્રવેશ્યા.

" કિંજલ બેટા! આવ આવ કેટલા દિવસે તું અમારા ઘરે આવી.." કડવી બેને આવકારો આપતા કહ્યું.

રમણીક ભાઈ સોફા પર બેઠા હતા. અનન્યા એ આકાશનો પરિચય આપતાં કહ્યું. " પપ્પા આ આકાશ મેં તમને કાલે બીઝનેસ વિશે વાત કરી હતી ને એ આમનો પ્લાન છે.."

" ઓહ તો આ એ છોકરો છે..શું નામ કીધું હતું તે કંપની નું?"

" મેજીક..." અનન્યા એ ઉત્તર આપતા કહ્યું.

" હા મેજીક... મીન્સ જાદુ છે તમારા ડ્રીંકસમાં એમ ને!" રમણીક ભાઈ હસી પડ્યા. માહોલને થોડોક હળવો જોઈને આકાશનો બાકી બચ્યો થોડોક ડર પણ છુમંતર થઈ ગયો.

" નમસ્તે અંકલ.." આકાશે હાથ જોડીને કહ્યું.

રમણીક ભાઈ એ પણ સામે વંદન કર્યા અને બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો. થોડાક સમયની વાતચીત બાદ રમણીકભાઈ બોલ્યા. " તો ડ્રીંકસ અમને પણ ટેસ્ટ કરાવો અમે પણ જોઈએ કેવો જાદુ છે તમારા ડ્રીંકસમાં.."

આકાશે ડ્રીંકસની બોટલ સામે રાખીને એમાંથી એક બોટલ રમણીકભાઈને અને બીજી બોટલ કડવી બેનને આપી.

બે ઘૂંટ પીતા જ કડવીબેન અને રમણીકભાઈનું મન ખુશખુશાલ થઈ ગયું.

" વાહ દીકરા ડ્રીંકસ તો મસ્ત છે!" કડવી બેને જજમેન્ટ આપતા કહ્યું.

" સાચું કહ્યું તે કડવી, ડ્રીંકસ તો એક નંબર છે..."

" થેન્ક્યુ અંકલ..."

" પણ પ્રોડક્ટ સારો હોવાથી બિઝનેસ સફળ થઈ જશે એવું મારું માનવું નથી..." રમણીક ભાઈ થોડાક ગંભીર થતાં બોલ્યા.

" યસ..તમે સાચું કહ્યું, આના કરતાં સારા પ્રોડક્ટ પણ માર્કેટમાં આવે જ છે પરંતુ એ જાજો સમય માર્કેટમાં ટકી શકતા નથી.."

" હમમ..સમજદાર તો તું લાગે છે..તો બોલ શું પ્લાન વિચાર્યો છે બિઝનેસને સફળ બનાવવા માટે?"

આકાશે બિઝનેસનો આખો પ્લાન રમણીકભાઈ સમક્ષ રજૂ કરી દીધો. બંને વચ્ચે અડધી કલાકની વાતચીત જોઈને અનન્યા અને એના મમ્મી ચોંકી ગયા. બંને એકબીજા સાથે એ રીતે વાતચીત કરી રહ્યા હતા કે જાણે એ બંને એકબીજાને વર્ષોથી જાણતા હોય. પરંતુ આ જોઈને અનન્યાને વિશ્વાસ આવી ગયો કે એમના પપ્પા આ બિઝનેસ માટે એમને મંજૂરી આપી જ દેશે.

આકાશે થોડાક સમય બાદ જરૂરી કામ હોવાથી રજા લીધી અને ત્યાંથી જતો રહ્યો. આકાશના જતા જ અનન્યા સોફા પર કૂદીને બેઠી અને કહ્યું. " તો પપ્પા કેવો લાગ્યો પ્લાન? હું આ બિઝનેસ કરી શકું ને?"

" હા દીકરા મારી હા છે..."

" થેન્ક્યુ પપ્પા... થેન્ક્યુ સો મચ.." અનન્યાને જાણે કોઈ તિજોરીની ચાવી મળી ગઈ હોય એમ તે ખુશીથી ઉછળી પડી.

અનન્યા જ્યાં નવો બિઝનેસ કરવા જઈ રહી હતી ત્યાં આદિત્ય ખન્નાના બિઝનેસની ગતિ ધીમી પડવા લાગી હતી. ક્યાંક ક્લાઈન્ટની સંખ્યા ઘટી રહી હતી તો ક્યાંક ક્લાઈન્ટ આદિત્યના કામથી નાખુશ થઈ રહ્યા હતા. આદિત્યની વધતી પરેશાની જોઈને એમની કંપનીના એમ્પ્લોય પણ દુઃખી હતા. કારણ કે સ્વભાવે આદિત્ય જરૂર કઠોર હતો પણ નિયત એમની કામ બાબતે એકદમ સાફ હતી. કામના ટેન્શનમાં આદિત્ય મોડી રાત સુધી ઓફીસે જ બેસી રહ્યો.

" સર ઓફિસ બંધ કરવાનો સમય થઈ ગયો છે.."

બંધ આંખોને ખોલીને આદિત્યે ઓફીસની ચારેકોર નજર ફેરવી અને કંઇક વિચારતો વિચારતો ઘર તરફ જવા રવાના થયો. ગાડીની સ્પીડ ત્રીસ ઉપર રાખીને આદિત્યે વિચારોની ગતિ તેજ કરવા લાગ્યો હતો. એમનું સંપૂર્ણ ધ્યાન કંપનીને ફરી ઉંચા શિખરે પહોંચાડવામાં હતું. ઘર ક્યારે આવી ગયું આદિત્યને એમનો પણ ખ્યાલ ન રહ્યો.

" મમ્મી ભાઈ આવી ગયો..." હેડફોનને કાનમાંથી નીકાળતી કાવ્યા બોલી. પાર્વતી બેન આદિત્યના ચહેરાને જોઈને તરત સમજી ગયા કે આદિત્ય કોઈ વાતથી પરેશાન છે.

" આદિત્ય દીકરા! શું થયું?" પાર્વતીબેને સાદ આપતા કહ્યું.

આદિત્ય કોઈ જવાબ આપ્યા વિના જ સીધો રૂમ તરફ નીકળી ગયો.

" શું થયું હશે આને?"

" ભાઈ જરૂર કામની બાબતમાં પરેશાન હશે..."

" ભગવાન કરે મારા દીકરાની પરેશાનીનો જલ્દીથી અંત આવે..." કોઈ મા પોતાના દીકરાને ચિંતામાં કઈ રીતે જોઈ શકે? પાર્વતીબેન તુરંત ઘરમાં રહેલા મંદિર તરફ ગયા અને દીવો કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.

આદિત્ય પથારીમાં પડીને ભૂતકાળના સ્મરણોને વાગોળી રહ્યો હતો. યુવાનીમાં દરેક વ્યક્તિઓથી નાની મોટી ભૂલ થતી જ હોય છે. અસમજણ અને કંઇક પામી લેવાના જોશમાં ઘણી વખત યુવાન ગેરમાર્ગે દોરાઈ જતો હોય છે. અને જ્યારે સમજણનું ફૂલ ખિલે ત્યાં સુધીમાં જીવનની દિશા જ બદલાઈ ચૂકી હોય છે. આદિત્ય સાથે ભૂતકાળમાં કંઈક આવી જ ઘટનાઓ બની હતી. જેને યાદ કરતો આદિત્ય આજે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો.

થોડાક સમય બાદ કાવ્યા જ્યારે કોઈ કામથી આદિત્યના રૂમ તરફ ગઈ ત્યાં જ એમની આંખો સામેનું દ્ર્શ્ય જોઈને એમની આંખોમાંથી દડદડ કરતા આંસુ વહેવા લાગ્યા. મોં માંથી એક પણ શબ્દ નીકાળ્યા વિના જ તે સીધી રસોડામાં ગઈ અને મમ્મીનો હાથ પકડીને તેમને આદિત્યના રૂમ તરફ લઈ આવી.

પાર્વતી બેને જ્યારે આદિત્યની આવી હાલત જોઈ ત્યારે તે સીધા આદિત્યને ભેટી પડ્યા. આદિત્ય એમને ભેટીને મનમૂકીને રડવા લાગ્યો. એમના રડવાના અવાજથી આખુ ઘર જાણે ધ્રુજી ઉઠ્યું. કાવ્યા એ આદિત્યના હાથમાંથી એમના પિતાની તસ્વીર ખેંચી લીધી અને તસ્વીર પર હાથ ફેરવતા કાવ્યા બોલી. " આઈ મિસ યુ પપ્પા!"

ક્રમશઃ