બધું શું ઠીક કરવાનું છે? તું ક્યાં છે હાલ એટલું તો જણાવી દે?" શિવમની મમ્મીએ પૂછ્યું.
શિવમ આગળ શું કહેવું અને શું ન કહેવું એ વિચારી રહ્યો હતો ત્યાં જ પાછળથી કોઈએ એકાએક તેના ખભા પર હાથ મૂક્યો. શિવમ અચાનક ચમકી ગયો અને તેનો ફોન હાથમાંથી પડી ગયો.
“ ઓહ..! શિવમ તું તો ડરી ગયો." શિવમના હાથમાંથી એકાએક ફોન પડી જતાં કાલિંદી એ કહ્યું.
“ કાલિંદી તું..!? તને આરામ કરવાનું કહ્યું હતું ને તું અહીંયા શું કરે છે." કાલિંદી ને પોતાની સમક્ષ જોતા જ શિવમે પૂછ્યું.
“ એ તારા ફોનમાં એટલા કોલ કોના આવતાં હતાં એજ પૂછવા આવી હતી, અહીં તું ઉદાસ દેખાઈ રહ્યો છે. સાચું કહેજે શું થયું, કોનો હતો એ કોલ?"
“ આખરે શું કહું હું તને કાલિંદી? તેમની સમક્ષ તો હું કઈજ ના બોલી શક્યો ચાલ તને મારા હદયની વેદના જણાવીને થોડું દુઃખ ઓછું કરું. એ મમ્મીનો ફોન હતો. દેવભાઇ અને પૂજા ભાભી વિશે તેઓ પૂછી રહ્યા હતા. ભાઈ - ભાભીની ચિંતા તેમને સતાવી રહી છે. તેઓ તેમની સાથે વાત કરવા માંગે છે, તેઓ જાણવા માંગે છે ભાઈ - ભાભી ઠીક તો છે ને...! કાલની રાતે હું અહીં આવ્યો હતો એક દિવસ જતો રહ્યો અને આજે બીજો પણ જતો રહેશે." સૂર્ય આથમવાની અણી ઉપર હતો તેની સામે નજર નાખતા શિવમે ઉદાસ થતાં કહ્યું.
“ તો શું તે તારા મમ્મીને જણાવી દીધું કે દેવભાઈ અને પૂજાભાભી હવે આ દુનિયામાં નથી રહ્યા." કાલિંદી એ પૂછ્યું.
“ ના.. કંઈ રીતે જણાવી શકું. હું ઘણું બોલવા માંગતો હતો કિન્તુ મારા શબ્દો મોંમાં જ સમાઈ ગયા." શિવમે કહ્યું.
“ પણ શિવમ આજ નહિ તો કાલે તેમને જાણ તો થઈ જ જશે ને. ત્યારે તેમને કેટલું દુઃખ પહોંચશે. તે ક્યારેય વિચાર્યું છે? જો કોઈ અન્ય દ્વારા તેમને જાણ થશે તો..?" કાલિંદી એ ચિંતાતુર સ્વરે કહ્યું.
“ હા જાણું છું. આજે નહિ તો કાલે તેમને જાણ થવાની જ છે પરંતુ આજે હું તેમને જણાવી દવ તો તેમને કોણ સંભાળે. મમ્મીને જાણ થાય તો તેઓ તો જીતે જી મરી જાય અને નાનીમા આટલી ઉંમરે આ દુઃખદ વાત સહન ન કરી શકે. ક્ષણિક થયું, મારા હદયમાં છૂપાયેલું બધું જ દુઃખ હું તેમની સમક્ષ ઢોળી દવ. પરંતુ તેમને જે દુઃખ પહોંચે એનું શું..!?" શિવમ આખરે તૂટી ગયો. તેનું હદય અને તેની આંખો બંને રડવા લાગ્યાં. આખરે બે દિવસથી પોતાની અંદર દબાયેલું દર્દ આંસુ સ્વરૂપે બહાર નીકળી જ ગયું.
કાલિંદી શિવમની નજીક આવી અને તેને સાંત્વના આપવા લાગી. દુઃખના સમયે એક એવા ખભાની જરૂર પડે છે જે આંસુ વહાવા માટે કામ આવે છે. બસ આ ખભો કાલિંદીનો હતો.
“ શિવમ તું આ રીતે તૂટી ના શકે. આ અમરાપુર ગામને તારી જરૂર છે. ભાઈ - ભાભીના મોતનો બદલો પણ લેવાનો છે. એ બ્રહ્મરાક્ષસનો અંત હવે નિકટ હશે." કાલિંદી એ તૂટેલા શિવમને હિંમત આપતાં કહ્યું.
કાલિંદીના શબ્દો સાંભળીને શિવમે પોતાની જાતને સંભાળી. જે થવાનું હતું એ થઈ ગયું નાહક એના વિશે વિચાર્યા વિના આગળ શું કરવું એ વિચારવું આ સમયે ઉચિત હતું. એટલા માટે શિવમે કાલિંદીના શબ્દોને પોતાની હિંમત માનીને આંસુ લૂંછી તે ઉભો થયો. “ બસ કાલનો દિવસ એ કાળી પ્રેત આત્માનો અંતિમ દિવસ હશે." આટલું કહીને શિવમ બહાર ઊભેલા અઘોરી દાદા પાસે ગયો. કાલિંદી પણ પોતાની જગ્યાએથી ઉભી થઇ. બધા ગામલોકો તો જતાં રહ્યા હતા પરંતુ અઘોરી દાદા હજુ બહાર ઊભા હતા.
બહાર ઊભેલા અઘોરી દાદાના ચહેરા ઉપર ચિંતા છવાયેલી નજરે ચડી.અઘોરી દાદા કોઈ વાત વિશે વિચારી રહ્યા હતા, બ્રહ્મરાક્ષક વિશે કંઇક તો એવું હતું જે તેમને સમજાતું ન્હોતું. જે બ્રહ્માસ્ત્ર સુધી પહોંચવામાં અડચણ પેદા કરી શકે એમ છે.જેને જાણ્યા વિના આગળ વધવું સહેલું નહોતું.
“ દાદા હવે એક પળની પણ વિલંબ કર્યા વિના મને જણાવો કે બ્રહ્માસ્ત્ર સુધી કેવી રીતે પહોંચાશે." શિવમે આવતાં વેંત પુછી લીધું. કાલિંદી પણ એટલામાં ત્યાં આવી પહોંચી હતી.હવે તેની તબિયતમાં પહેલા કરતા ખાસ્સો સુધારો આવી ગયો હતો.
અઘોરી દાદા કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયેલા લાગી રહ્યા હતા. શિવમે એકાએક આવીને પૂછ્યું તો તેઓ પોતાના વિચારોને અધ્ધ વચ્ચે અટકાવીને વિચારોમાંથી પાછા ફર્યા.
“ કાલની રાત અમાવસ્યાની રાત છે. એ દિવસે કાળી શૈતાની શક્તિઓમાં વધારો થાય છે અને ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરીને સમગ્ર પૃથ્વીને પોતાના કબજામાં કરી શકે છે. બ્રહ્મરાક્ષકની શૈતાની શક્તિમાં વધારો થાય એ પહેલાં આપણે તેનો ખાત્મો બોલાવો પડશે નહિતર અનર્થ થઈ જશે " અઘોરી દાદાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
કાલિંદીની સાથે વાતો કરવા લાગી ગયેલો શિવમ એ પણ ભૂલી ગયો કે તેનો ફોન હજુ પણ ચાલુ છે. તે તો બદલાની આગમાં તપી રહ્યો હતો. તેથી જેમ બને તેમ બીજા પગથિયા સુધી પહોંચીને એ બ્રહ્માસ્ત્ર હાંસિલ કરવા માંગતો હતો. તે પોતાના ભાઈ - ભાભીની સાથે અન્ય નિર્દોષ અને માસુમોનો મોતનો બદલો લઈને તેમની આત્માને શાંતિ અર્પવા ઈચ્છતો હતો.
******
“ આપણે આજે જ અમરાપુર માટે રવાના થઈશું, ત્યાં ન ઘટવાનું ઘટી ગયું છે. બા હવે એને આપ જ રોકી શકો એમ છો." ગભરાયેલા સ્વરે તેઓ પહેરેલ કપડે ગાડીમાં બેઠા.
ગાડી ઝડપભેર પોતાના શહેરના રસ્તાને વટાવતી અમરાપુર આવી રહી હતી. અંદર બેઠેલા બે વ્યક્તિઓ ખૂબ જ ચિંતાતુર દેખાઈ રહ્યા હતા.
“ પણ બેટા શું થયું છે અને તું કેમ રડી રહી છે? આટલા વર્ષો પછી અમરાપુર જવાનું કારણ કઈક તો હશે ને મને જણાવ. મારું મન ગભરાઈ રહ્યું છે." ગભરાયેલા સ્વરે બા એ કહ્યું.
“ જે થવાનું હતું એ થઈ ગયું, પરંતુ હવે જે થવા જઈ રહ્યું છે એને બસ તમે જ રોકી શકો એમ છો. એ દુર્લભરાજનું સત્ય આપણે બંને જ જાણીએ છીએ." સામેથી બાની દીકરીએ પ્રત્યુતર આપતાં કહ્યું.
“ દુર્લભરાજ ? પણ એતો બાવીશ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો છે ને." ચિંતા તેમજ નવાઈનાં મિશ્રિત ભાવ સાથે બા એ પૂછ્યું.
“ હા... પરંતુ આપને જે વાતનો ડર હતો એજ થયું." બાની દીકરીએ કહ્યું.
“ મતલબ એ દુષ્ટ વ્યક્તિ બ્રહ્મરાક્ષક બની ગયો." બા એ પૂછ્યું.
“ હા, એ દુષ્ટ વ્યક્તિ બ્રહ્મરાક્ષક બની ગયો અને તેણે કેટલાય નિર્દોષ વ્યકિતઓના જીવ લીધા છે અને એમાં મારો દીકરો........" આખરે એ રડી પડ્યા.
“ રાજેશ્વરી તું શું કહેવા માંગે છે, સ્પષ્ટ શબ્દોમાં કહેતો...એમાં તારો પુત્ર...? આગળ કઈક જણાવ મારું ઘરડું શરીર કંપી રહ્યું છે." બા ( ગુરૂમાં ) એ કહ્યું.
ગાડીમાં બેઠેલી બે વ્યક્તિઓ રાજેશ્વરી દેવી અને તેમના માતૃશ્રી ( ગુરુમા ) અમરાપુર પહોંચવાના આરે જ હતા ત્યાં વાત વાતમાં રાજેશ્વરીના મુખેથી, પોતાના મનમાં દબાવેલ દુઃખદ વાત બહાર નીકળી ગઈ.
એ અમરાપુરના રસ્તે ગાડી પુર જોશમાં આવી રહી હતી. રાજેશ્વરી અને ગુરુમાં ચિંતાતુર દેખાઈ રહ્યા છે. રાજેશ્વરી બધું જાણી ગયા છે છતાં પણ તેઓ ચૂપ છે. તેઓ અંદરથી તૂટી ગયા છે એટલે આગળ કંઈ પણ બોલી શકે તેમ નહોતા. છતાં પોતાના વેદના ભરેલાં શબ્દોને ધીમે ધીમે પોતાના માતૃશ્રી સામે ઠાલવ્યાં.
ગુરૂમાંને દુઃખદ વાત સાંભળતા એક જોરદાર આંચકો લાગ્યો. છતાં પોતાની દીકરી રાજેશ્વરીના દુઃખી ચહેરા સામે જોઇને હિંમત કરીને બોલ્યાં....
“ પુત્રી જે થવાનું હતું એ થઈ ગયું છે, અમરાપુર પહોંચીને પૂર્ણ સત્યની જાણ થશે. એ પહેલાં તું કેવી રીતે માની શકે આપણો દેવ અને પુત્રવધુ પૂજા... " ગુરૂમાં બોલતાં બોલતાં અટકી ગયા. તેઓ વધુમાં કઈક જણાવવા માંગતા હતા પરંતુ હાલ તેમને કઈ પણ કહેવું ઉચિત લાગ્યું નહિ.
“ સાચી વાત હજુ અમરાપુર શું થયું છે એ ફક્ત શિવમની વાત ઉપરથી થોડું ઘણું જાણ્યું હતું સચ્ચાઈ શું છે એતો ત્યાં જઈને જ જાણ થશે. એક માનું હદય માનવા માટે તૈયાર જ નથી કે મારા દીકરાને કંઈ થયું હોય." રાજેશ્વરી દેવીએ પોતાના મનને મનાવતા ઉતાવળે બોલ્યા.
ઘનઘોર વૃક્ષોથી ઘેરાયેલાં એ રસ્તાઓ બાવીશ વર્ષ જૂના સ્મરણોને યાદ કરાવતા હતા. એ ભયંકર રાત્રે દુર્લભરાજ અને તેમના સાથી મિત્રો રાજેશ્વરીના ઘરે આવીને ઘમકી આપવી, માનસિંહનું ત્યાં આવવું.... અમરાપુરના ધૂળિયા રસ્તાઓની વર્ષો જૂની સુગંધ એ ઘટનાઓને યાદ કરાવતી હતી.આખરે પવનવેગે દોડી રહેલી ગાડી અમરાપુર આવી પહોંચી.
******
“ બ્રહ્માસ્ત્રને હાંસિલ કરવું એટલું સહેલું નથી. કેટલાંય વિધ્નો વટાવીશું ત્યારે તેના સુધી પહોંચી શકીશું, તોય નક્કી તો ના જ કેવાય જીવીત પાછા આવી શકીશું કે નહિ." અઘોરી દાદાએ કહ્યું.
“ દાદા તમે ફક્ત મને બ્રહ્માસ્ત્ર સુધી પહોંચવાનો રસ્તો બતાવો બાકી આગળ જે થશે એ અમે જોઈ લેશું." શિવમે દૃઢ મનોબળ સાથે કહ્યું.
“ હા અઘોરી દાદા આગળ હું અને શિવમ સંભાળી લઈશું. તમે ફકત દૂરથી એ જગ્યા તરફ આંગળી કરજો જ્યાં બ્રહ્મરાક્ષકના અંતનું બ્રહ્માસ્ત્ર પડ્યું છે.
શિવમ, કાલિંદી અને અઘોરી દાદાએ જંગલનો રસ્તો પકડ્યો. જતાં જતાં નંદિની અને વિરમસિંહની રજા લીધી. બસ હવે આજની રાત એ શૈતાનની આખરી રાત હતી.
ગામની બહાર પગ મૂકવા ગયા ત્યાં....
વધુ આવતાં ભાગમાં...