પ્રેમ સમાધિ
પાર્ટ – 33
પોલીસ પટેલ કલરવને સાથે લઈને એનાં ઘરે પહોંચ્યાં તેઓ હવાલદાર સાથે જીપમાં હતાં. પાછળ શબવાહીનીમાં બે શબ... ઘર આંગણે પોલીસ જીપ અને શબવાહીની આવી આડોસ પાડોશ અને ફળીયામાં બધાં ઘરનાં બારણાં બારીઓ ખુલવા માંડી. પાડોશમાં રહેતાં રમામાસી પહેલાં ઘરની બહાર નીકળી કલરવ પાસે આવી ગયાં. કલરવને વળગાવી રડી પડ્યાં. કલરવ પણ હવે છુટા મોંએ રડી ઉઠ્યો... આજુબાજુનાં ઘરમાંથી ધીરે ધીરે બધાં માણસો આવવા લાગ્યા. બધાનાં મુખે એકજ વાત હતી એવું શું થયું કે આવા સાલસ ભલા માણસનાં કુટુંબને ગોળીએ દીધાં? એમણે શું બગાડેલું ? અને શંકરનાથ ક્યાં છે ?
ત્યાં પોલીસ પટેલ પાસે આવી એક દાદાએ પૂછ્યું “સાહેબ શંકરનાથ ક્યાં છે ? એમની ભાળ મળી ? આ શું થઇ ગયું ? આ દીકરો એકલો અહીં શું કરશે ?”
ત્યાં શબવાહીનીમાંથી બે લાશને સ્ટ્રેચરમાં લઈને કામદાર આવ્યા... રમા માસી અને બધી સ્ત્રીઓ એક સાથે રોકકળ કરી રહી હતી છાતીઓ કૂટવા માંડી...
વાતાવરણ એકદમ ગંભીર અને ગમગીન હતું પોલીસ પટેલે કહ્યું “શંકરનાથ સાથે ફોન પર વાત થઇ છે એ સવાર સુધીમાં આવી જશે ત્યાં સુધી તમે લોકો આ દીકરા સાથે અહીં રહેજો હું પણ અહીં સાથેજ છું.”
કલરવનું ઘર ખુલ્લું હતું એમજ વાસેલું હતું ખોલીને બંન્ને શબને ઘરનાં ચોકમાં સુવાડ્યા. કલરવ દોડીને એની માં ને વળગ્યો.. માં.. માં.. એમનાં નિશ્ચેતન દેહનો કોઈ પ્રત્યુત્તર નહોતો... કલરવ રડી રડીને હાથ જોડીને બોલી રહેલો મારી નાનકી બહેનનો શું વાંક હતો ? અમારો શું વાંક ? અમને કેમ આમ ?
પોલીસ પટેલે કહ્યું “દીકરા... નિર્દોષને મારનાર પણ જીવતો નહીં રહે... એને એની સજા મળશેજ હવે શાંત થઇ જા... સવાર સુધીમાં તારાં પાપા પણ આવી જશે”. રમા માસીએ કલરવને ખેંચી પોતાનાં ખોળામાં લીધો માથે હાથ ફેરવી આશ્વાસન આપી રહ્યાં.
ઘરનાં ચોકમાં કુતુહલવશ અને જાણવાની જીજ્ઞાસા સાથે બધાં ઊભાં હતાં. પોલીસ પટેલે હાથ જોડીને કહ્યું “અડધી રાત ઉપર થઇ ગઈ છે બધાં પોતપોતાનાં ઘરે જાવ શાખ પાડોશી - 5-6 જણાં અહીં રહો. સવારે શંકરનાથ આવે એટલે અગ્નિદાહ આપી દઈશું... તમે જાવ બધાં”. એમ હાથ જોડીને વિનંતી કરી...
ધીરે ધીરે બધું ટોળું વિખરાવા લાગ્યું પોતપોતાનાં ઘર તરફ ઘીમાં ગણગણાટ સાથે રવાના થયું રમા માસીએ કહ્યું "દીકરા ન બનવાનું અમંગળ બની ગયું છે હવે આ સ્વીકાર્યા વિના છૂટકો નથી આવું કારમું અને કમોત ઈશ્વર કોઈને ના આપે. હું ઉમાબેન માટે કોરો સાડલો વગેરે ગાર્ગી માટે ફ્રોક લાવું છું બંનેનાં શબને સ્નાન કરાવીને સુવાડીયે.. પરોઢ થાય એટલે ગામનાં છાણ લીંપીને વિધિ કરીશું... બધાં સાજસામાન લઇ આવશે તું લગીરે ચિંતા ના કરીશ...”
કલરવ રમામાસીનાં મોઢે "શબ " શબ્દ સાંભળીને ખુબ દુઃખી થયો એ સ્વીકારવા તૈયારજ નહોતો એણે કહ્યું “માસી હું જાણું છું મારી માં કે બહેન જીવતાં નથી પણ એ શબ નથી મારાં પોતાનાં છે મારાં જીવથી વ્હાલા છે... ભગવાને મને કેમ જીવતો રાખ્યો ? આ નરક બનેલું ઘર મને ખાવા થાય છે”.. એમ કહીને ખુબ આક્રંદ કરવા લાગ્યો.
રમામાસી સમજી ગયાં બોલ્યાં "દીકરા મૃત્યુ થયા બાદ માણસનું નામ પણ ભૂંસાય છે સવાર ક્યારે પડે અને એનો અગ્નિદાહ દેવાય એની રાહ જોવાય છે આપણાં માણસ ગયાં પણ એમનાં જીવને પણ શાતા મળે શાંતિ મળે એવું નિર્વાણનું કામ પણ કરવું પડેને તને દુઃખ થાય આઘાત લાગે સમજું છું પણ કાળજું કઠણ કરી જે ક્રિયાવિધિ કરવાની છે એ કરવીજ પડશે...” એમ કહેતાં આંખ સાડલાનાં પાલવથી લૂંછતાં ઉભા થયાં અને ઘરે કપડાં લેવાં ગયાં. હવે ઘરમાં પોલીસ પટેલ, હવાલદાર, અને બીજા બે ત્રણ જણાં ગમગીન ચહેરે બેઠાં હતાં કલરવ રડી રડીને થાકેલો આંખો સૂજી ગઈ હતી એ બસ અપલક નયને માં અને ગાર્ગીનેજ જોઈ રહેલો પણ એનાં મનમાં તુમલ તોફાન ચાલી રહેલું વારે વારે એને ક્રોધ આવી રહેલો ક્યારેક આંખો ભીની થઇ રહેલી એને વિચાર આવ્યો... પાપાએ મને બે શબ્દ નહીં.. અને ફોન કાપી નાંખ્યો... હું અહીં એકલો...
ના... ના.. પાપા અહીં આવવાજ નીકળી ગયાં હશે એ સમય બગાડ્યા વિના અહીં આવીજ જશે. એ આવશે ત્યારે બધી વાત કરીશ...પણ એમણે મને કંઈ કીધું નહીં ? પાપાએ શ્રીફ્ળનું નિમિત્ત કહીને મને ઘરની બહાર બોલાવેલો...
પાપાએ શ્રીફ્ળનું કારણ કાઢ્યું નિમિત્ત બનાવ્યું એજ શ્રીફળે કેવું કારમું ફળ આપ્યું શ્રીફળતો મહાદેવને ચઢાવવાનું હતું રમતું મુકવાનું હતું મેં તો એને તળાવમાં નાંખી દીધું... મારાથીજ ભૂલ થઇ ગઈ ?
મહાદેવનું શ્રીફળ મેં... એને શંકા કુશંકા થવા લાગી અમંગળ વિચાર આવવા લાગ્યા...
ત્યાં એનાં વિચારભંગ થયા રમામાસી “કોરાં” ના પહેરાયેલાં કપડાં લઈને આવ્યા સાથે બીજા પાડોશી બહેન હતાં. રમામાસીએ કહ્યું તમે બધાં બહાર બેસો અમે બંન્ને સ્નાન કરાવીને નવા કોરાં કપડાં પહેરાવીએ પાછળ બીજા માસી છાણ લઈને આવ્યાં બોલ્યાં “તમે તૈયારી કરો હું છાણ લીપીને ચોકો તૈયાર કરું છું તમે બધાં બહાર બેસો”.
કલરવ, પોલીસ પટેલ હવાલદાર બીજા બધાં બહાર જઈને બેઠાં કમાડ બંધ થયું... રમામાસી લોકો આગળ વિધિ કરવા લાગ્યાં...
********
વિજય ટંડેલ હોસ્પિટલમાં ઈમરજંસી વિભાગમાં દાખલ હતો... ડોક્ટરની તાત્કાલિક સારવારથી એને ભાન આવ્યું... એણે પૂછ્યું “હું ક્યાં છું ?પછી ડોકટને પૂછ્યું મારી ટેક્ષીને એક્સીડેન્ટ થયેલો ... એવું યાદ છે” પાછો બેભાન થઇ ગયો ત્યાં એ રૂમમાં પગલાં પડ્યાં... વિજય ટંડેલ...
********
વધુ આવતાં અંકે - પ્રકરણ -33