છપ્પરપગી ( પ્રકરણ ૩૯ )
—————————-
બીજા દિવસે સવારે ઉપસ્થિત બધાએ નિત્યકર્મ, ચા-નાસ્તો વિગરે પતાવ્યા બાદ આશ્રમના કમ્પાઉંડમા ગંગામૈયાના દૂરથી દર્શન થાય તે રીતે બનાવેલ ગઝેબો છે, ત્યાં બેઠાં બેઠાં વાતો કરે છે.
શેઠ, શેઠાણી, અભિષેકભાઈ અને એમનાં પત્ની ચારેય ગજેબાની એક તરફ અલગથી બેસેલ હતા…અભિષેકભાઈ અને એમના પત્ની બન્ને અહીં આવીને ખૂબ ખુશ હોય છે… બન્નેને એકદમ નિરવ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો…
પણ આ કદાચ સ્મશાન વૈરાગ્ય જેવું હતુ. અહી છે એટલે અહીંના વાતાવરણ પ્રમાણે આ સ્થિતી એમને યોગ્ય લાગે પણ જો પરત અમેરિકા જતા રહે તો ફરી ત્યાંથી ભારત આવવાનું ન ગમે… એકવાર ત્યાં ગયા પછી ભારત આવવું એમનાં માટે કપરું બની જતું હોય છે, એટલે અભિષેકભાઈએ કહ્યુ, ‘પપ્પા… જિંદગીમાં આખરે આપણે જોઈએ શું?
પૈસો, પ્રતિષ્ઠા, આત્મિક સંતોષ, મનની શાંતિ..! મને અહીં આવીને એવું થાય છે કે શા માટે હવે હું અમેરિકાની ટેન્શન વાળી જિંદગી જીવી રહ્યો છું? અમારા બન્ને ના વ્યવસાયમાં આવક ઘણી છે, ત્યાં લો એન્ડ ઓર્ડર, વ્યવસ્થા, ચોખ્ખાઈ, ઈઝી ગોઈંગ સિસ્ટમ.. એ બધાને લીધે ત્યાં ગમે પણ વ્યવસાયનું ટેન્શન, બહાર નીકળીએ તો હવે ઘણી વખત ગન કલ્ચરને કારણે શૂટઆઉટના કિસ્સાઓ વધુ બને છે, સોશ્યલ લાઈફ બિલકુલ નથી.. આવું બધુ કમ્પેર કરીએ તો બહુ જ ડાયલેમા થાય છે.
અત્યારે એવું થાય કે ત્યાંથી બધુ વાઈન્ડઅપ કરી અહીં જ શાંતિની જિંદગી પુરી કરીએ.. ત્યાં જઈશ તો એવું થાય કે ભારત નથી જવું.. જેમ છીએ તેમ રહી કાઢીશુ. નવી વ્યવસ્થા બદલાય એ અમૂક ઉંમર પછી સહેલાઈથી સ્વિકારી નથી શકાતી…’
એમના પત્નીએ પણ એની વાતમાં સૂર પુરાવ્યો.
એ સાંભળીને શેઠે કહ્યુ,
‘જો.. દિકરા, આ તો અમને થતું હતું કે હવે અમારા દિવસો નજીક છે એટલે અમારે થોડા દિવસો તમારી બન્ને જોડે વિતાવવા હતા.. તમે બન્નેએ હિંમત કરી આવી ગયા અને થોડા દિવસો જોડે રહીશુ એટલે અમારા બન્નેની અંતિમ ઈચ્છા પુરી થઈ જશે.. પછી અમારા બન્નેમાંથી કોઈની પણ વહેલા મોડી વિદાય થાય તો તમને કે અમને કોઈ અફસોસ ન રહે..કદાચ તમે છો ત્યાં સુધીમાં કે ગયા પછી થોડા સમયમાં અમારે જવાનું થાય તો છેલ્લે જોડે ન રહ્યા એવું ન મનમાં રહે.. અમે હવે શાંતિથી વિદાય લઈ શકીએ તેમ છીએ. તારે અહિ રહેવું કે પરત જઈને આવવું કે ત્યાં જ રહેવું એ તમે બન્ને નક્કી કરો.. તમારી જિંદગી છે, તમારે શું કરવું એ તમે જ નક્કી કરો.’
પછી થોડી વાર રોકાઈને ફરીથી કહ્યું, ‘અમારા ગયા પછી મુંબઈની મિલકત, ધંધો, અન્ય રોકાણ, ફાર્મહાઉસ વિગરે જે કંઈ છે તેનું શું કરવુ તે અંગે મે અને તારી મમ્મીએ વિલ બનાવી જ દીધું છે… આ બધું જ તમારાં બન્નેનુ છે, મેં થોડી ઘણી વ્યવસ્થા નિયમિત દાનપૂણ્ય માટે, કેટલુંક પલ માટે આપ્યું છે જે તારી જાણ માટે… આપણા લોયર નિતાબેન પંજાબી પાસે પણ સીલબંધ કવરમાં, વિટનેસની સહીઓ સાથે તૈયાર કરી આપી દીધેલ છે, એટલે એ બાબતે મને કે તમને કોઈ ચિંતા ન રહે.મેં વિલ તૈયાર કરતી વખતે પ્રવિણ અને લક્ષ્મીને પણ બોલાવ્યા હતા અને અમારી ઈચ્છા હતી કે એ બન્ને ને પણ કંઈ આપીએ પરંતુ એ બન્નેએ સ્પષ્ટ ના પાડી એટલે થોડી વ્યવસ્થા મેં પલ માટે રાખી જે એમણે હા પાડી હતી..
પ્રવિણે આપણને ગયા વર્ષે આપણા હિસ્સાની ૧૫૩ કરોડ રૂપિયા જેવી રકમ ચૂકવી આપી છે, જે રકમ આપણાં ચારેય ના એકાઉંટ માં શેર મુજબ જમા છે..એટલે હવે આપણી આ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ૩૦% પ્રવિણ, ૩૦% લક્ષ્મી, ૨૦% પલ, ૫% હિતેનભાઈ, ૫% તેજલ, અને ૧૦% હિસ્સો કંપનીના કર્મચારીઓ માટે જે પ્રવિણે પોતાના હિસ્સાનો રાખ્યો છે.. એ ૧૦% હિસ્સામાથી જે પ્રોફિટ-રકમ આવે તે દરેક કર્મચારીઓ માટે જ આજીવન રહેશે… આવી વ્યવસ્થા અમે ગોઠવી છે.’
અભિષેકભાઈએ વળતા જવાબ આપ્યો, ‘હા… પપ્પા મને પ્રવિણે લગભગ બધી જ વાત ફોન પર કહી ને સમજાવી હતી અને આ બાબતે પહેલેથી જ મારી પૂર્ણ સહમતિ પણ છે…’
શેઠાણીએ પણ એ જ વાતને ભાર મૂકતાં કહ્યું, ‘અભિષેક.. મારી ઈચ્છા પુરી થઈ. હજી કેટલાક દિવસો જોડે જ રહેવાના છીએ એ જ મોટી વાત છે.. બાકી મારી કેટલીક ઈચ્છાઓ હતી તે મેં લક્ષ્મીને કહી જ દીધું છે.. મારી ડાયરી અને કેટલીક રકમ ભરેલ અમુક ચેક પણ સાઈન કરીને લક્ષ્મીને આપી રાખ્યા છે અને લક્ષ્મીને બધું જ ખબર છે કે હવેથી નિયમિત રીતે શુ કાર્ય કરવાનુ, અમારા ગયા પછી શું કરવાનું અને હા… બેટા તમને પણ ભવિષ્યમાં તમારી રકમમાંથી કંઈ આપવાનું મન થાય તો લક્ષ્મીના એનજીઓ સરસ કામ કરે છે, તે ધ્યાનમાં રાખજો.’
શેઠને યાદ આવ્યું એટલે એણે આ આશ્રમ વિષે પણ જણાવ્યુ, ‘ બેટા… આ આશ્રમ માટે મેં અને લક્ષ્મીએ એવી વ્યવસ્થા કરી છે કે આજીવન આ આશ્રમને બહારથી ક્યાંય કોઈ એક રૂપિયાની જરૂર નહીં પડે… ગયા મહિને અમે બન્નેએ અમારા બદલે તમારા બન્નેનુ નામ ટ્રસ્ટમાં સૂચવ્યું છે, એ માટે બધા જ પેપર્સ તૈયાર થઈ ગયા છે.. આજે વિશ્વાસરાવજી તમારા બન્નેની સહીઓ કરાવશે જ.. હવે આ આશ્રમનાં ટ્રસ્ટીઓમાં સ્વામીજી, વિશ્વાસરાવજી, લક્ષ્મી, પ્રવિણ, તમે બન્ને અને પલ…છો. માત્ર લક્ષ્મી એક આજીવન ટ્રસ્ટી તરીકે છે, બાકીનાં બધા ને પોતાની કે બહુમતિની ઈચ્છાથી ફેરફાર કરી કરાવી શકાશે… એ અંગે બંધારણમાં વિગતે બધી જોગવાઈ છે, આજે તમને કોપી પણ આપશે એ સાચવીને લઈ જજો અને સમય મળ્યે વાંચી પણ લેજો.’
‘ચાલો… બધા.. સ્વામીજી ફ્રિ થઈ ગયા છે હવે..આપણે હરીદ્વારમાં બે ત્રણ જગ્યાએ બપોરે ભોજન પહેલાં જઈ આવવાનુ છે.. બધા બસમાં ગોઠવાઈ જઈએ એટલે જલ્દી નીકળાય’ એવી વિશ્વાસરાવજીએ બુમ પાડીને કહ્યુ એટલે બધા જ તરત વેનિટીબસમાં ગોઠવાઈ જાય છે… પણ પલ ક્યાંય ન દેખાઈ એટલે વિશ્વાસરાવજીએ પૂછ્યું કે મિસ. ક્યુરિયોસિટી ક્યાં રહી ગઈ..?
લક્ષ્મીએ ફોન કર્યો તો સામેથી પલે જવાબ આપ્યો કે એતો કિચનમાં છે… ગૌશાળામાં સેવા આપી બપોરનુ મેન્યુ શુ રાખવું એ ગોઠવવા રોકાઈ… એટલે લક્ષ્મીએ એને કહ્યુ કે હવે આવી જા જલ્દી… એટલે પલ આવી ને બેસી પછી તરત બસ ઉપાડી.
પ્રવિણે સ્વામીજીને પૂછ્યું કે આપણે ક્યાં જઈએ છીએ ? તો સ્વામીજીએ કહ્યુ, ‘એ તો વિશ્વાસરાવજી જાણે… આપણે તો એમનાં આદેશ મુજબ બેસી જવાનું … મને તો એટલી જ ખબર છે કે બપોરે ભોજન માટે ફરી અહીં આશ્રમ પર આવવાનું નથી… આ આપણી પલે કંઈ ગોઠવણ કરી છે કે આશ્રમમાં જ બનેલું ભોજન આપણે જ્યાં હોઈશું તે જગ્યાએ બપોરે ભોજન સમયે આવી જશે..!’
‘ઓ.. હો.. અમારી પલ આટલી સરસ તૈયાર થઈ ગઈ..!
શું છે આજે ભોજનમાં ? એવુ પ્રવિણે પૂછ્યું તો પલે કહ્યુ કે, ‘સરપ્રાઈઝ…! આવે ત્યારે જોઈ લેજો ને…?’
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા