છપ્પરપગી (પ્રકરણ ૩૮ )
—————————-
બધા જ લોકો પોતાની ડીશ તૈયાર કરી સ્વામીજી ફરતે ગોઠવાઈ ગયા એટલે બધાની કૂતુહલતા સંતોષવા સ્વામીજીએ પેલા અવકાશી પદાર્થની વાત માંડી…
‘ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર વસેલા કો’ક ગામમાં જોશુઆ હુતાગલુંગ નામનો યુવાન તેના રોજિંદા કામમાં પરોવાયેલો હતો. આત્માની વિદાય પછીના શરીર રૂપી ખોળિયાને ચિરનિંદ્રામાં પોઢવા માટે લક્કડિયું ખોળિયું (શબપેટી) બનાવવું જોશુઆનો વ્યવસાય હતો, જે માટે તેણે ઘરના પાછલા ભાગે નાનકડું વર્કશોપ ઊભું કરેલું. આ મહેનતકશ યુવાનની આખી જિંદગી વર્કશોપમાં લાકડાના પાટિયા, ખીલા-ખીલી અને હથોડી જોડે કામ પાડવામાં નીકળી જાત. પરંતુ ઓગસ્ટ ૧ની એ રાત્રે જોશુઆની જિંદગીને અસાધારણ સુખદ વળાંક આપનારી ઘટના બની.
એક અવકાશી ઉલ્કા ગુરુત્વાકર્ષણથી ખેંચાતી પૃથ્વીના ઉપલા વાતાવરણમાં પ્રવેશી. કરોડો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પૃથ્વીના ભૂપૃષ્ઠ પર તે બીજે ક્યાંય પણ પડી હોત, પરંતુ ‘ઉપરવાળા’એ જાણે જોશુઆની જિંદગીમાં વળાંક આપવાનું નક્કી કર્યું હોય તેમ ઉલ્કાએ જોશુઆના ઘરની દિશા પકડી. કલાકના સેંકડો કિલોમીટરની તેજરફતારે તે ધસી આવી અને છાપરું તોડીને ઘરમાં પ્રવેશી.
વર્કશોપમાં બધું કામકાજ પડતું મૂકીને જોશુઆ અવાજની દિશામાં ગયો. જોયું તો કાળા રંગનો પથ્થર ઘરની ફરસમાં છએક ઇંચ ઊંડો ખાડો રચીને પડ્યો હતો. છાપરામાં પડેલું બાકોરું જોતાં જોશુઆ એટલું તો પામી ગયો કે પાણો આકાશી માર્ગે આવેલો હોવાથી વિશેષ હોવો જોઈએ. આથી તેણે મોબાઇલ ફોન વડે પાણાની તસવીરો લઈ સોશ્યલ મીડિયા પર મૂકી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં માધ્યમો વડે જોડાયેલા મિત્રોને સહજ કૌતુક કરાવવા માટે ભરાયેલું તે પગલું જોશુઆ માટે આર્થિક હરણફાળ સાબિત થવાનું હતું.
બન્યું એવું કે થોડા જ કલાકોમાં જોશુઆની પોસ્ટ વાઇરલ થઈ. ઇન્ડોનેશિયાના ભૌગોલિક સીમાડા વટાવીને જગતના વિવિધ દેશોમાં પહોંચી. લાખો લોકોએ જોશુઆની પોસ્ટ જોઈ, જે પૈકી જેરાડ કોલિન્સ નામનો માલેતુજાર ખાસ હતો. હીરાની પરખ ઝવેરી જાણે તેમ જેરાડ કોલિન્સ અવકાશી ઉલ્કાનો ઝવેરી હતો. આથી તેણે જોશુઆની છાબડીમાં ખરી પડેલા સંપેતરાને બેશકિંમતી આઇટમ તરીકે ઓળખી કાઢ્યું. આ પ્રાથમિક ઓળખાણ પછી વારો જાતતપાસ કરવાનો હતો. નસીબજોગે જેરાડ ત્યારે ઇન્ડોનેશિયામાં જ હતો, એટલે તેણે જોશુઆનો સંપર્ક કરી સુમાત્રા ટાપુની વાટ પકડી.
આશરે ૨.૧ કિલોગ્રામ વજનની ઉલ્કા Carbonaceous Chondrites તરીકે ઓળખાતા કાર્બનની બનેલી હતી. આ તત્ત્વ પૃથ્વી પર અતિ દુર્લભ છે. બલકે, અવકાશી ઉલ્કા જ તેનો સ્રોત છે, માટે Carbonaceous Chondrites યુક્ત ઉલ્કા આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ ગ્રામના ૧૦૦થી લઈને ૧,૦૦૦ ડોલર સુધીના ગમે તે ભાવે વેચાય છે. જેવી જેની ગરજ અને જેવુ જેનું એ ખરીદવા પાછળનું વિઝન...
કહેવાય છે કે જેરાડ કોલિન્સ નામના એક વ્યક્તિએ બહુ તગડી રકમના સાટામાં જોશુઆ પાસેથી પેલું અવકાશી સંપેતરું ખરીદી લીધું. જોશુઆ માટે રાતોરાત જીવનની દશા અને દિશા બન્ને બદલાયા. આ તરફ જેરાડ કોલિન્સે ઉલ્કાના અનેક નાના ટુકડા કર્યા અને તેમને e-Bay નામની વેબસાઇટ પર વેચવા મૂક્યા. માત્ર ૩૩.૬૮ ગ્રામનો એક ટુકડો તો પૂરા ૨૯,૧૨૦ ડોલરમાં વેચાયો હતો…!
આ હિસાબે આશરે ૨,૧૦૦ ગ્રામના મામૂલી જણાતા પથ્થરમાંથી જેરાડે કેવીક કમાણી કરી હશે તેનો અંદાજિત આંકડો જરા ગણી જુઓ.
હવે તમારી પાસે આ સો-બસ્સો ગ્રામનો પથ્થર છે અને તમે રહ્યા વ્યાપારી તો જોઈ લો કુદરતે તમને જે આપ્યું છે તેનું તમે શું ઉભુ કરી શકો છો.. !’
હવે છેલ્લા કેટલાંક વર્ષોથી લક્ષ્મીજીની અપાર કૃપા અને દોમ દોમ સાહ્યબી ધરાવતા આ પરીવારને આવા આકસ્મિક મળેલ એકાદ કરોડની કિંમતના પથ્થરમાં કોઈ લાલચ ન થાય એ સ્વાભાવિક છે… એટલે લક્ષ્મીએ પ્રવિણ સામે જોયું અને એના મનોભાવ તરત પામી ગઈ હોય તેમ સ્વામીજીને કહ્યું, ‘સ્વામીજી… આ તો ગંગામૈયાના દર્શન માટે આવ્યા અને અનાયાસે મળેલ પ્રસાદી છે… એટલે એ તો મૈયા ને જ સમર્પિત કરવાની હોય ને..!’
‘તો શું તમે એ ગંગામૈયામાં પધરાવી દેશો..નદીને શું જરુર? ગંગા મૈયા આટલી બધી પવિત્ર અને પ્રાચિન છે..? આવા અનેક સવાલો પલે પૂછ્યા..!
સ્વામીજી મરક મરક હસ્યા પછી કહ્યુ, દિકરી તને ક્યુરીયોસિટી બહુ જ છે અને એ સારી વાત છે… પણ તમે બધાએ હવે જમી લીધું છે તો આપણે હવે આશ્રમ પર જવા નિકળી જઈએ.મારે આજનું ઘણું કામ બાકી છે.. આવતી કાલે રાત્રે સત્સંગ માટે બેસીએ ત્યારે યાદ કરાવજે તને થોડી માહિતી ચોક્કસ આપીશ.
હવે બધા આશ્રમમાં પહોંચી જાય છે.. પોતપોતાનાં બ્લોકમાં…આમ તો દરેક બ્લોકને સ્વામીજીએ અલગ અલગ નામ આપ્યા છે. બધાએ સરસ મજાનો ટ્રેક કર્યો, ભરપેટ ભોજન પણ લીધું હતું, માહોલ અને વાતાવરણ પણ સરસ હતુ એટલે ઘસઘસાટ ઉંઘી જાય છે.
(ક્રમશઃ)
લેખકઃસંકલન: રાજેશ કારિયા
નોંધઃ જોશુઆની વાત ઈન્ટરનેટની મદદથી લીધી છે.