નો ગર્લ્સ અલાઉડ - ભાગ 3 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 3


બે દિવસ પછી કોલેજના કોઈ કાર્ય માટે અનન્યા કિંજલને અને અન્ય મિત્રોને મળી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને બધાને વિચિત્ર લાગ્યું.

" અનન્યા તારી આંખોને શું થયું?" મેડમ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા.

" કંઈ નહિ મેમ બસ કોલેજ પૂરી થઈ ગઈ છે, તો આગળ શું કરવું એના જ ટેન્શનમાં નીંદર નહિ આવી..." અનન્યા ચહેરાને છુપાવતી બોલી. આખી રાત રડવાના લીધે એમની આંખ નીચે કાળા ડાઘ પડી ગયા હતા. આંખો સોજી ગઈ હોય એવું લાગતું હતું. એક પછી એક આવીને બસ એ જ સવાલ કરી રહ્યા હતા કે ' અનન્યા સાથે કઈક તો થયું છે?' થોડાક જ સમયમાં આખા કોલેજમાં અનન્યાની વાત હવાની માફક ફેલાતી ગઈ.

" શું અનુ તું પણ આમને આમ કેટલા દિવસ રડ્યા કરીશ? ધીરે ધીરે બધાને જાણ થવા લાગી છે કે જરૂર તારી લાઇફમાં કંઇક બન્યું છે.." કિંજલ મોટી બેન બનીને સમજાવતી હતી.

" લોકો મારા વિશે શું વિચારે છે મને કંઈ જ ફરક નથી પડતો..તું અહીંયા જ રૂક હું આચાર્યને મળીને આવું છું પછી સાથે નીકળી જઈએ..."

" ઓકે હું કેન્ટીનમાં બેસી તારી રાહ જોવ છું..." કિંજલ કેન્ટીન તરફ નીકળી ગઈ. કેન્ટીન પર પહોંચતા જ અનન્યાના સ્કૂલ મિત્રો આવી પહોંચ્યા.

" હાઈ કિંજલ હાવ આર યુ??" અનન્યાના સ્કૂલનો એક મિત્ર બોલ્યો. ચાર પાંચ મિત્રોની ટોળી જોઈને કિંજલ ચિંતામાં મુકાઈ. ' ઓહ શેટ! આ લોકોને પણ આજે જ અનન્યાને મળવા આવવું હતું, અનન્યાને આવી હાલતમાં જોશે તો સો પ્રકારના સવાલો કરશે.."

" એય કિંજલ ક્યાં ખોવાઈ ગઈ? અને અનન્યા ક્યાંય દેખાતી નથી ક્યાં છે એ આજ કલ?" સ્કૂલના એક પછી એક મિત્રો અનન્યા વિશે જ પૂછપરછ કરી રહ્યા હતા.

કિંજલ જૂઠું બોલતા બોલી. " અનન્યા કોલેજ આવી હતી પણ કઈક કામ હતું એટલે વહેલી નીકળી ગઈ..."

" લ્યો બોલો, બેન ત્રણ ચાર દિવસ અગાઉ મળવાનું નક્કી કરે છે અને પોતે જ વેલા આવીને જતી રહી, કોલેજ પૂરી થતાં અનુ ખૂબ બદલાઈ ગઈ છે.."

કેન્ટીનમાં અનન્યા વિશે જ વાતો થઈ રહી હતી અને થાય પણ કેમ નહિ સ્કૂલ હોઈ કે કોલેજ બધે જ અનન્યા સૌની ફેવરેટ હતી. આ બધાની વચ્ચે કિંજલ ધીમેથી દૂર જઈને અનન્યાને કોલ કરીને એમના જૂના મિત્રો વિશે જણાવ્યું.

" તે એને કીધું તો નથી ને કે હું કૉલેજ આવી છું!" બેગમાં રીઝલ્ટ ભરતા અનન્યા બોલી.

" ના નથી કીધું એટલે જ મેં ફોન કર્યો કે આપણે કોલેજની પાછળ મેન રોડ પર મળીએ..."

" ઓકે એમ પણ મારું કામ પતી ગયું છે હું નીકળું છું અને તું પણ ત્યાં પહોંચ..."

કિંજલ અનન્યાને કોલેજની પાછળની સાઈડ મળી.

" કામ પતી ગયું કોલેજનું?"

" હા મારા રીઝલ્ટ અહીંયા પડ્યા હતા એ લીધા અને થોડીક બુક જમા કરાવવાની હતી એ કરાવી...હવે નીકળીએ?"

અનન્યા ત્યાંથી નીકળવા જ જતી હતી કે કિંજલ બોલી.
" અનુ...હું તારી આવી હાલત નથી જોઈ શકતી.."

" હું ઠીક જ છું, તું મારી ચિંતા કરીને ખુદને તકલીફ ન આપ..."

" તને હું નાનપણથી ઓળખું છું..સાથે સ્કૂલ અને કોલેજ પૂરી કરી છે..તું પોતાને એટલી નહિ જાણતી હોય ને એના કરતાં હું તને વધારે ઓળખું છું... યાર ક્યાં સુધી આમ ને આમ સેડ રહ્યા કરીશ..તારી નટખટ વાતો હું ખૂબ મિસ કરું છું..એક કામ કરીએ આપણે મૂવી જોવા જોઈએ તો?"

" મારે કોઈ મૂવી નથી જોવું.."

" અરે ચાલને મઝા આવશે..."

" ના કીધું ને, હું નથી આવતી મૂવી જોવા તું તારા બીજા ફ્રેન્ડ ને સાથે લઈ જા..."

" ઓકે હું એકલી જોયાવિશ, ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી પર પણ મૂકીશ અને જો કોઈ પૂછશેને કે અનન્યા ક્યાં ગઈ? તો હું કહી દઈશ કે એ.."

" ઓકે ઓકે હું આવું છું...આગળ તારે કોઈને કંઈ કેવાની જરૂર નથી..."

" થેંક યુ માય સ્વીટી..." કિંજલ અનન્યાને ભેટીને ગાલ પર પપ્પી કરવા લાગી.

મૂવી શરૂ થયાના પંદર મિનિટ બાદ અનન્યા બોલી.
" કિંજલ એક વાતનો જવાબ આપ તો મને..."

" હમમ...બોલ.." કિંજલનું સંપૂર્ણ ધ્યાન સ્ક્રીન ઉપર જ હતું.
અનન્યા એ કિંજલને ઢંઢોળીને કહ્યું. " અહીંયા મારી તરફ જોને!"

" શું છે?" મોઢું બગાડતા કીંજલે અનન્યા તરફ જોયું. અનન્યા એ એમની બાજુની સીટ પર બેઠેલા કપલ પર ઈશારો કર્યો. એ કપલ શરમ રાખ્યા વિના એકબીજામાં ગળાડૂબ પ્રેમ કરી રહ્યા હતા. જેનો અવાજ અનન્યાને સંભળાઈ રહ્યો હતો.

" ઓહો...દો જીસ્મ એક જાન...એક જ ટિકિટમાં બે મૂવી જોવાનું નસીબ! વાહ અનુ તું લકી નીકળી હો!" કિંજલને મસ્તી કરવાની સૂઝી.

" કિંજલ, હું અત્યારે કોઈ મસ્તીના મૂડમાં નથી..તું આ કપલને પ્રેમથી સમજાવે છે કે હું મારી રીતે એને સમજાવુ..." અનન્યાનો ગુસ્સો વધી રહ્યો હતો.

કિંજલ સારી રીતે જાણતી હતી કે અનન્યા રાહુલનો ગુસ્સો આ કપલ પર ઉતારવા માંગે છે.

" જો અનુ, એ એમની સીટ છે એ જે કરે એ આપણે એને કંઈ ન કહી શકીએ...તું એને છોડ ને! અને સામે જો કેવું મસ્ત સીન ચાલી રહ્યું છે.." અનન્યાને કિંજલની વાત યોગ્ય લાગી. તેણે પોતાનું સંપુર્ણ સ્ક્રીન ઉપર કેન્દ્રિત કર્યું. થોડાક સમય બાદ ઇન્ટર્વલ અને ત્યાર પછી ફરી એ કપલ એકબીજાની બાહોમાં ગળાડૂબ થઈને પ્રેમમાં તરબતર થઈ રહ્યા હતા.

અનન્યાથી વધુ સહન ન થતાં તે ઊભી થઈ અને બોલી.

" અંકલ આન્ટી...આ ઓયો રૂમ નથી કે તમે અહીંયા અશ્લીલ હરકતો કરો છો, આ સિનેમા હોલ છે કઈક તો મર્યાદા રાખો..." અનન્યાના અવાજથી આખા સિનેમા હોલના લોકો મૂવીને છોડીને અનન્યા તરફ જોવા લાગ્યા.

" તું છે કોણ અમને કેવા વાળી? અમારી સીટ છે અમે ગમે તે કરીએ...તું તારું કામથી કામ રાખ..." છોકરી પોતાનો રૂઆબ બતાવતી બોલી.

" શરીર જોઈને તો નાની ઉંમર લાગી રહી છે, અઢાર વર્ષ પૂરા થયા તો છે ને?" અનન્યાના સવાલ સામે સોળ વર્ષની છોકરી પોતાનું મોં છુપાવા લાગી. એમનો બોયફ્રેન્ડ તો ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. અનન્યાની વાતથી સિનેમા હોલના લોકો સહમત થયા. " સાચી વાત છે આ બેનની આજકાલની છોકરીઓને કોઈ લાજ શરમ જ નથી, પોતાની ઉંમર પણ જોતા નથીને બોયફ્રેન્ડ રાખવા લાગી જાય છે.'

" હું તો કહું છું કે આ છોકરા છોકરીના મા બાપને બોલાવો એમને પણ ખબર પડે ને કે મારી દીકરીને દીકરો શું ખેલ ખેલી રહ્યો છે?"

" હા હા બરોબર છે બોલાવો એમના માતાપિતાને.." એક પછી એક અનન્યાના સમર્થનમાં બધા બોલવા લાગ્યા. આ જોઈને પેલા કપલે માફી માંગી અને આગળથી આવું કંઈ નહિ કરીએ એની ખાતરી આપી.

" વાહ બેન તે સારી હિંમત દેખાડી..."

" હા સાચી વાત કહી આપે...આવા જ વ્યક્તિઓની જરૂર છે આપણા સમાજમાં..." આખા હોલમાં અનન્યાની હિંમત માટે તાળીઓ પાડવામાં આવી. અનન્યાના ચહેરા પર લાંબા સમય બાદ હાસ્ય એ દસ્તક આપ્યું હતું.

સિનેમા હોલમાંથી નીકળીને કિંજલ બોલી. " વાહ અનુ, હવે મને લાગી રહ્યું છે કે હું મારી અનુને મળી રહ્યું છું..એકદમ બિંદાસ, મનમાં જે છે એ જ જુબાન પર, વચ્ચમાં કોઈ ફિલ્ટર નહિ..."

બંને એ સાથે નાસ્તો કર્યો અને પોતપોતાના ઘર તરફ નીકળી ગયા. ઘરે પહોંચતા જ અનુ મમ્મી પપ્પાને મળીને ખૂબ વાતો કરી. સિનેમા હોલમાં થયેલી ઘટના પણ કીધી. રમણીકભાઈ એ અનન્યાના માથા પર હાથ ફેરવતા એમને શાબાશી પાઠવી. કડવી બેને અનુની ફેવરિટ ડીશ પણ બનાવી રાખી હતી.

" આ શું મમ્મી! ઈટ્સ નોટ ફેર! હું હમણાં જ નાસ્તો કરીને આવી, તમારે પહેલા કહેવું હતું ને કે તમે કઢી ખીચડી બનાવાના છો..." રિસાતી અનન્યા સોફા પર મોં ફુલાવીને બેસી ગઈ.

" જો તો મારી દીકરીને ફરી રડાવી દીધી! આ મીઠી કડવીને તો કંઇ ખબર જ નથી પડતી.." રમણીકભાઈ અનન્યાને મનાવવા એમની બાજુમાં જઈને બેસી ગયા.

" અનુ દિકા..."

" શું છે પપ્પા?" મોં ફુલાવીને બેઠી અનન્યા બોલી.

" જો મારું પણ પેટ ભરેલું અને તારું પણ તો એક કામ કરીએ આપણે સાથે એક રમત રમીએ તો?"

રમતનું નામ સાંભળતા અનન્યા ચમકી ઉઠી.

" પણ કઈ રમત રમીશું?" અનન્યા બોલી.

રમણીકભાઈ એ સામે માત્ર હાસ્ય પિરોસ્યું.

અનન્યાની સાથે સાથે કડવી બેન પણ સમજી ગયા અને બોલ્યા. " ચાલો હું તો જાવ છું બીજા રૂમમાં..."

રમણીકભાઈ અને અનન્યા વચ્ચે અંતાક્ષરીની હરીફાઈ શરૂ થઈ. જ્યાં રમણીકભાઈ મોહમ્મદ રફી જેવા જૂના સિંગરોના ફેન હતા ત્યાં અનન્યા આજના સમયના અરિજિત સિંગરની ફેન હતી. રમણીક ભાઈ મોહમ્મદ રફીને બેસ્ટ સિંગર ગણાવતા ત્યાં અનન્યા અરિજિતને બેસ્ટ સિંગર કહેતી. માઇક હાથમાં લઈને એક પછી જૂના નવા ગીતોની રમઝટ શરૂ થઈ.

અનન્યા ધીમે ધીમે રાહુલને ભૂલવામાં કામયાબ થઈ રહી હતી પણ શું અનન્યા પૂરી રીતે સફળ થશે કે કોઈ બીજો જ રસ્તો અનન્યાને અપનાવો પડશે?

ક્રમશઃ