પ્રેમ સમાધિ
પાર્ટ – 31
કલરવનો અગમ્ય ભય સાચો પડી ગયો... ઘર કુટુંબ વેરાન બની ગયું એનાં કાનમાં હજી ચીસો અને આડોશી પાડોશીનાં શબ્દો ગુંજી રહેલાં... “તું બહાર હતો બચી ગયો. આ બંન્ને નિર્દોષ જીવથી ગયાં..” એને થયું નિર્દોષ તો બધાં હતાં. તો દોષિત કોણ ? પાપા ? એમણે ઉઠાવેલાં જોખમી કદમથી એણે નાનકી વ્હાલી બહેન ગુમાવી... નિર્દોષ ભોળી માં ગુમાવી. એ વિચારોમાં હતો અને પોલીસ પટેલે કહ્યું "કલરવ... કલરવ.. બેટા તારી બહેન અને માં મૃત જાહેર થયાં છે તારાં પાપા ક્યાં છે ?”
કલરવ સાવ કોરા ધાકોર ચહેરે પોલીસ પટેલ સામે જોઈ રહ્યો બોલ્યો "સર પાપા બહારગામ ગયાં છે એમનો ફોન આવેલો કે ઘરનું ધ્યાન રાખજે. ખાસ વાત હતી એટલે હું વાત કરવા જ ઘરની બહાર નીકળ્યો હતો. "પાપા.. પાપા..” એમ કહેતો રડી પડ્યો ક્યાંય સુધી રડતો રહ્યો.
પોલીસ પટેલે કહ્યું "તારી પાસે મોબાઈલ ફોન હોયતો તરત તારાં પાપાનો સંપર્ક કર એમને જાણ કરવી ખુબ જરૂરી છે. અમે તપાસ ચાલુ કરી દીધી છે હુમલાખોર નરાધમોને અમે પકડી લઈશું પણ...”
“કલરવ તમારે કોઈ સાથે દુશ્મની ? તારાં પાપાને ?” કલરવે કંઈ જવાબ આપ્યા વિના ફોન ખીસામાંથી કાઢ્યો જે નંબર પરથી ફોન આવેલો એ ફોન નં ડાયલ કર્યો સામેથી ફોન સ્વીચઓફ આવ્યો. એણે કહ્યું “પાપાનો નંબર નથી સર એમણે કોઈ બીજાનાં નંબરથી ફોન કરેલો. એ નંબર બંધ આવે છે.”
પોલીસ પટેલે કહ્યું "તારો ફોન મને આપ હું કરી જોઉં છું” એમણે નંબર જોયો ફોન લગાડ્યો સ્વીચઓફ આવ્યો. બોલ્યાં “આ નંબરની તપાસ કરાવું છું એમણે એ નંબર લઈને નોંધ કરી કહ્યું બીજા કોઈનો સંપર્ક કરી શકે તો કર. કોઈની પાસે માહિતી હશે તારાં પાપા ... “
કલરવે કહ્યું “પાપા સુરત.. સુરત પાસે ક્યાંક છે એવું કહેલું પાપા ઘણાં સમયથી ટેંશનમાં હતાં એમની સાથેનાં એમનાં મિત્ર જેવાં મધુ અંકલની સાથે...” પોલીસ પટેલે કહ્યું "ઓહ એમ વાત છે અમને બધી વાતની જાણ છે... હવે સમજાયું આ દુશ્મનીનીજ વાત છે... તારાં માથે પણ ભય છે.. તારી માં અને બહેન હોસ્પીટલનાં મુર્દા ઘરમાં છે.. શેતાનો મારીને ભાગી ગયાં છે.. કોઈ હાથમાં આવે તો આગળ ખબર પડે...”
કલરવે કહ્યું “પાપાનાં મિત્રનો નંબર છે વિજયકાકા એમને ફોન કરી જોઉં” કલરવે વિજય ટંડેલને ફોન લગાડ્યો... એ ફોન લાગ્યો પણ એમાં રીંગ જતી હતી કોઈ ઉપાડતું નહોતું... ફોન કટ થઇ ગયો. એની આંખમાંથી આંસુ સરી રહેલાં... એણે ફરીથી વિજય ટંડેલનો નંબર લગાવ્યો... ત્યાં ફોન ઉપડ્યો. એણે તરત કહ્યું "હેલ્લો " "હેલ્લો વિજય અંકલ... " સામેથી કોઈનો અવાજ આવ્યો... “તમે કોણ બોલો છો ? જેનો ફોન છે એ ખુબ ઘવાયેલાં છે એમની કારને એક્સીડેન્ટ થયો છે તેઓ બેભાન છે હોસ્પીટલમાં એડમીટ છે ઇમરજન્સીમાં તમે કોણ ?” કલરવને ખબરજ ના પડી હવે શું કરવું ? એ ચિંતામાં પડી ગયો કે વિજય અંકલ બેભાન છે ? એમની કારને એક્સીડેન્ટ થયો છે ? હવે કોને ફોન કરવો ?
કલરવને આઘાત સાથે ચિંતામાં પડેલો જોઈને પોલીસ પટેલે કહ્યું “વિજય ટંડેલ ? ઓહ... આ તો પેલો પોરબંદર વાળો નામચીન ગુંડો... તારી પાસે એમનો નંબર ? તારાં પાપાના દોસ્ત છે ? તમે લોકો કોઈ ષડયંત્રમાં ફસાયા છો. હવે જે નંબર તપાસમાં મુક્યો છે એની માહિતી કઢાવીશ પણ તું એ નંબર પર ડાયલ કર્યા કર અથવા એમનો ફોન આવે આતો મોટી ક્રાઇમ સ્ટોરી હાથ લાગી છે.”
પોલીસ પટેલે હવાલદારને કહ્યું " આ છોકરાનું ધ્યાન રાખજો". એને પાણી આપો. ચા નાસ્તો કરાવો...” પછી બોલ્યાં “કલરવ તારા પાપાને સારી રીતે ઓળખીએ છીએ પોસ્ટમાસ્તર સારાં માણસ છે રિટાયર્ડ થવાની ઉંમરે ક્યાં આવામાં ફસાયા ? કંઈ નહીં તું ચિંતા ના કર અમે પણ પ્રયાસ કરીએ છીએ સુરત તપાસ કરીને જણાવીએ છીએ” એ ત્યાંથી ગયાં. કલરવ વિચારમાં પડી ગયો હવે શું થશે ? એણે મોબાઈલથી ફરીથી પ્રયાસ કર્યો. ફોન સામે સ્વીચઑફજ બતાવતો હતો. કલરવ રડી રડીને થાક્યો હતો... એણે જોયું પોલીસ સ્ટેશનમાં એમની રીતે કામ થઇ રહ્યું હતું એને નાનકી અને માં નાં વિચાર આવતાં હતાં. મારે ઘરેથી બહાર નહોતું નીકળવાનું. ઘર બંધ કરીને અંદરજ રહેવાનું હતું માં અને ગાર્ગીનું ધ્યાન રાખવાનું હતું પણ... હું શું કરું ? પાપાએ વાત કરવા બધું જણાવવા બહાર બોલાવ્યો એ પણ બહાનું કરીને... પાપાને ક્યાં ખબર હતી ? ના પાપાને ખબર હતી કે જોખમ છે... તો એમણે... એ ઊંડા વિચારોમાં પડી ગયો... આજ અને આવતીકાલ ધૂંધળી નજર આવી રહી હતી એનાં ડૂસકાં હજી શાંત નહોતાં થયાં હેડકી આવી રહી હતી.
હવાલદારે પાણી આપ્યું કલરવે થોડું પાણી પીધું ગ્લાસ પાછો આપ્યો ત્યાં હવાલદારે કહ્યું "બેટા ચા નાસ્તો કરીશ ?રાત પડી ગઈ છે પણ હું ચા ની વ્યવસ્થા કરું છું” કલરવે કહ્યું “ના અંકલ કંઈ નહીં જોઈએ...”
ત્યાં કલરવનો ફોન રણક્યો કલરવે તરતજ ફોન ઉપાડ્યો. કલરવનાં ફોનની રીંગ સાંભળી હવાલદાર પણ દોડીને એની નજીક આવી ગયો... “ફોન આવ્યો ? કોનો છે ?” કલરવે ફોન ઉપાડ્યો સામેથી શંકરનાથ બોલતાં હતાં. કલરવે કહ્યું “પાપા -પાપા..” એ ખુબ રડી પડ્યો. શંકરનાથને અમંગળનાં એંધાણ આવી ગયાં બોલ્યાં “બેટાં શું થયું ? કેમ રડે છે ? તું ક્યાં છું? ઉમા ગાર્ગી ક્યાં છે ?”
કલરવે રડતાં રડતાં કહ્યું “પાપા... માં અને ગાર્ગી ઘરે હતાં હું બહાર તમારી સાથે વાત કરવા નીકળેલો કોઈ અજાણ્યાં બાઈક પર આવી આવી માં ગાર્ગીને ગોળીએ દીધાં મારી નાંખ્યા પાપા હું પોલીસ સ્ટેશનમાં છું પાપા.. પાપા.. આ શું થઇ ગયું ? હું શું કરું ?”
ત્યાં પોલીસ પટેલ દોડતાં આવી કલરવનાં હાથમાંથી ફોન લઇ લીધો બોલ્યાં "શંકરનાથ તમે ક્યાં છો ? તમારો દિકરો અમારી પાસે છે અમે તમારાં...” પછી ચૂપ થઇ ગયાં.
શંકરનાથે કહ્યું “પોલીસ પટેલ મને ખબર છે કોણે મારાં કુટુંબને રગદોળી નાંખ્યું ... હું છોડીશ નહીં એ શેતાનને...” પોલીસ પટેલે કહ્યું “દુશમની પછી વસૂલજો પહેલાં અહીં આવી જાવ. તમારાં પત્ની દીકરીને અગ્નિદાહ આપો અમે કેસ દાખલ કરી દીધો છે તમારો પુત્ર કલરવ ...”
વધુ આવતાં અંકે - પ્રકરણ -32