સંધ્યા - 35 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 35

સંધ્યા સવારના પોતાનો નિત્યકર્મ પતાવીને તૈયાર થઈ ગઈ હતી. જરૂરી જણાતો સામાન પણ એણે પેક કરી લીધો હતો. સંધ્યાને તૈયાર જોઈને રશ્મિકાબહેન તરત એમ થયું કે, સંધ્યાએ તો ઝડપથી આ વાતને અમલમાં પણ મૂકી દીધી! એમને સંધ્યાને ઘણુ બધું કહેવું હતું. મનમાં જે ગુસ્સો હતો કે, સૂરજ તારે હિસાબે જ નથી એ મેણું ફરી મારવું હતું, પણ ચંદ્રકાન્તભાઈએ કડકાઈથી સંધ્યાને કઈ જ ન કહેવા કહ્યું હોય અને તેઓ પણ અત્યારે હાજર હોય ન છૂટકે એમણે પોતાનો ક્રોધ પીવો પડ્યો હતો. સંધ્યા પોતાની જોબ માટે નીકળે ત્યાં સુધીમાં એણે અભિમન્યુને પણ તૈયાર કરી દીધો હતો. સંધ્યા જોબ પર જતી રહી હોય, અભિમન્યુને એના દાદા સ્કુલ મુકવા જતા હતા. રશ્મિકાબહેને આજ ફરી અભિમન્યુ એની સાથે રહે એ માટે એક છબકલું કર્યું હતું.

સંધ્યા જોબ માટે નીકળી ગઈ એ પછી જયારે ચંદ્રકાન્તભાઈ અભિમન્યુને સ્કુલ મુકવા જાય એ પહેલા ચક્કર ખાઈને પડી ગયા હતા. ચંદ્રકાન્તભાઈ લાગણીમાં ચિંતાતુર થઈ ગયા હતા. એમણે તરત રશ્મિકાબહેનને ઉભા કર્યા હતા. એમને રૂમમાં બેડ પર ઉઘડ્યા, પાણી આપ્યું તથા રશ્મિકાબહેનના કહેવાથી લીંબુ સરબત પણ બનાવીને પીવડાવ્યું હતું. આ સેવામાં એટલો સમય વીતી ગયો કે, અભિમન્યુને ખુબ જ મોડું થઈ ગયું હતું. સ્કુલમાં શિક્ષક અભિમન્યુને મોડું થયું આથી ખીજાય એ બીકે આજ અભિમન્યુએ સ્કુલ ન જવાની ફરી જીદ પકડી હતી. ચંદ્રકાન્તભાઈએ પૌત્રની જીદ સામે શરણાગતિ લઈ લીધી હતી અને આજ ફરી અભિમન્યુની સુકલમાં રજા પડી હતી.

ચંદ્રકાન્તભાઈ ગામમાં એમ જ આંટો મારવા ગયા એટલે રશ્મિકાબહેને અભિમન્યુને પોતાની પાસે બોલાવ્યો હતો. એના માથા પર પ્રેમથી હાથ ફેરવી પૂછ્યું, "બેટા! તને ખબર છે કે, આજથી તારે તારા નાનાને ત્યાં રહેવા જવાનું છે? તું ત્યાં જતો રહીશ તો મને અહીં બિલકુલ ગમશે નહીં એ ચિંતામાં જ મને ચક્કર આવી ગયા હતા."

"ના દાદી! મને નથી ખબર." એકદમ નિખાલસતાથી અભિમન્યુ બોલ્યો હતો.

"બેટા! તને મારા વગર ત્યાં ગમશે? તું એમ કરને મમ્મીને જવું હોય તો જવા દે અને તું અહીં મારી પાસે રહી જા."

"ના દાદી તમારા વગર નહીં ગમે! તમે પણ અમારી સાથે ત્યાં ચાલો ને! મને ત્યાં નાનાને ઘરે ખુબ જ ગમે છે. અને સાક્ષી જોડે રમવાની પણ ખુબ મજા આવે છે. અને સાચું કહું દાદી, મને કોઈના વગર પણ ચાલે, મમ્મી વગર મને બિલકુલ ન ગમે. તમે મારી ચિંતા ન કરો અને તમારો સામાન પેક કરીને નાનાને ત્યાં તમે પણ અમારી સાથે આવો." અભિમન્યુનું સાફ મન બધું જ ચોખેચોખ્ખુ બોલી ગયું હતું.

રશ્મિકાબહેન તો અભિમન્યુના જવાબથી એકદમ સમસમી ગયા હતા. એમને સૂરજની જેવી સંધ્યા માટે લાગણી હતી એની જ ઝલક અભિમન્યુમાં દેખાણી હતી. કાપો તો લોહી પણ ન નીકળે એવી હાલત રશ્મિકાબહેનની થઈ ગઈ હતી. તેઓ એટલા સ્તબ્ધ થઈ ગયા કે કઈ જ બોલી શક્યા નહીં. ભોળાભાવે અભિમન્યુ બોલ્યો, "બોલો ને દાદી! તમે ત્યાં આવશો ને?"

"ના બેટા! તારા દાદા અહીં એકલા થઈ જાય તો મને એમની પણ ચિંતા થાય ને!" ફરી એકવાર પ્રયાસ કરવાના હેતુથી બોલ્યા હતા.

"ઓકે દાદી! હું રજાના દિવસે આવતો રહીશ. અને જો તમને ખુબ યાદ આવે તો વીડિયોકોલ કરજો. ઓકે દાદી. હવે તમે રાજી ને?"

"હા હવે હું રાજી!" પરાણે રશ્મિકાબહેન આટલું બોલી શક્યા હતા.

દાદીને પુત્રની વાત પતી ત્યાં ચંદ્રકાન્તભાઈ પણ આવી ગયા હતા. આથી રશ્મિકાબહેનને હવે કઈ જ કહી શકાય એવો મોકો મળવો મુશ્કેલ હતો. એમનું છબકલું ખોટું ઉતર્યું હતું. એના ખોટા પ્રયાસની હાર થઈ હતી. એમના મનમાં બસ એક જ વાત ઘૂંટાતી હતી કે, આ ઘરનો વારસદાર અહીં કેમ ન રહે? બસ, પુત્ર મોહમાં એમની બુધ્ધિ બગડી ગઈ હતી.

સંધ્યા જોબ પરથી ઘરે આવી એને ખબર પડી ગઈ હતી કે આજ અભિમન્યુ ફરી સ્કુલ ગયો નથી. અભિમન્યુની સ્કુલમાંથી ફોન સંધ્યાને આવ્યો હતો. સંધ્યાને ગુસ્સોતો ખુબ જ હતો પણ એ આજ આખરી દિવસ અહીં હોય ચૂપ રહેવાનું જ યોગ્ય સમજી હતી. સંધ્યા એના સાસુ, સસરાને જમાડીને પોતાના પિયર જવા નીકળી હતી. ચંદ્રકાન્તભાઈ હસતા અને થોડા ગમગીન ચહેરે હતા, પણ રશ્મિકાબહેનના ચહેરે ક્રોધ ભારોભાર સંધ્યાને વર્તાઈ રહ્યો હતો.

સંધ્યા પોતાના પિયર પહોંચી ગઈ હતી. આમ આટલા જલ્દી સંધ્યા પોતાના નિર્ણયને અમલમાં લેશે એવો અંદાજો કોઈને નહોતો, છતાં બધાએ ખુબ ઉમળકા સાથે સંધ્યાને આવકારી હતી. સંધ્યા હવે પોતાના પિયર હતી આથી મનથી થોડી રાહત એને હતી. આજે એને અભિમન્યુને પોતાની પાસે બોલાવીને સ્કુલ કેમ જવાની ના પાડતો હોય છે એ વાતનું ખરું કારણ જાણવાની કોશિશ કરી હતી. અભિમન્યુએ કીધું, કે ત્યાં સ્કુલમાં બધા મને એમ પૂછ્યા કરે છે કે, તારા પપ્પા કેમ તને મુકવા નથી આવતા? મેં કીધું કે, કૃષ્ણજીને એનું ખુબ કામ છે તો એની પાસે રોકી લીધા છે. મારી વાત એ લોકો સાંભળીને હશે છે. અને મને એટલો ગુસ્સો આવે છે કે, મને એમને મારવાનું મન થઈ જાય છે, પણ તારી વાત યાદ આવતા હું કોઈને મારતો નથી પણ મને એમની વાતથી તકલીફ થાય છે." અભિમન્યુ એકસાથે બધું જ બોલી ગયો હતો.

"ઓહ! તો તે કેમ મને કહ્યું નહીં? બેટા! તે એટલે આજ પણ આ કારણે સ્કુલમાં રજા પાડી ને! તારા શિક્ષકે મને બહુ જ ગુસ્સે થઈને જાણ કરી હતી."

અભિમન્યુએ સવારે જે થયું એ બધું જ પોતાના મમ્મીને નિખાલસતાથી કહી દીધું હતું. સાથોસાથ દાદીએ જે એની સાથે વાત કરી એ પણ કહી જ દીધી હતી. અભિમન્યુ ભોળભાવે બધું જ મમ્મીને કહીને સાક્ષી જોડે રમવા જતો રહ્યો હતો.

સંધ્યા જેવી એકલી પડી કે એને થયું, સારું થયું જે મેં નિર્ણય લીધો એ યોગ્ય જ છે. આ વાત જ એ સાબિતી છે કે મારી સાથે કુદરત સાથ આપે છે. મેં હંમેશા સાચા મનથી બધાને સ્વીકાર્યા છતાં લોકો પોતાના સ્વાર્થથી જ મને અપનાવે છે. સંધ્યાના આંખમાં આંસુ આવી ગયા હતા. એને એમ થઈ ગયું કે, એકવાર પણ એ લોકોને એમ ન થયું કે, બેટા તું ત્યાં શું કામ જાય છે? તારા વગર અમને નહીં ગમે! આ તારું જ ઘર છે. બસ, આટલા જ શબ્દોની આશા સંધ્યાને જોતી હતી, પણ એ શબ્દો કદાચ એના ભાગ્યમાં નહોતા જ! આ સૂરજનું વસાવેલ ઘર હતું છતાં એ આજ ઘર વિહોણી પોતાના પિયરે આસરો લેવા આવી હતી. સંધ્યાના મનમાં ખુબ જ વેદનાનું શૂળ ભોંકાય રહ્યું હતું.

સંધ્યાના ચહેરાને જોઈને પંકજભાઈ એની હાલત સમજી જ ગયા હતા. એમને આજ પહેલીવાર એમ થયું કે, મેં મારી દીકરીને પગભર કર્યા વગર પરણાવી એ ખરેખર ખુબ મોટી ભૂલ કરી છે. આજના સમયમાં દીકરીને ફક્ત ભણાવવી જ જરૂરી નથી પણ ભણાવ્યા બાદ એને માટે યોગ્ય રસ્તો પણ શોધી આપવો એ માતાપિતાની ફરજ છે. દીકરીનું દુઃખ આજે પારાવાર અફસોસ પંકજભાઈને પણ કરાવી રહ્યું હતું.

સુનીલે આજ પોતાનું લેપટોપ પર વર્ક કરતા બધી જ વાત અભિમન્યુ અને સંધ્યાની સાંભળી હતી. એ કાંઈ જ બોલ્યો નહોતો પણ એનું મન અત્યંત દુઃખી હતું.

શું હશે આવનાર દિવસોમાં સંધ્યાના જીવનમાં બદલાવ?
શું અભિમન્યુ પોતનું મન સ્કુલમાં લગાડી શકશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻