સંધ્યાની વાત સાંભળીને દક્ષાબહેને તરત પૂછ્યું, "બેટા! તું ક્યાં નિર્ણયની વાત કરે છે? ક્યાં કારણથી તું આવી વાત કરે છે?"
"હું આમ એટલા માટે કહું છું કારણ કે, મારા સાસુસસરા કોઈ જ વડીલ તરીકેની એની ફરજ બજાવતા જ નથી. હક એમને જોઈએ છે પણ મારી તો ઠીક અભિમન્યુની કોઈ બાબતે પણ મને સાથ આપતા નથી. આર્થિક મદદ પણ તેઓ સામેથી કરતા નથી. હું જ મારી રીતે જેટલું થઈ શકે એટલું ઘરને ચલાવું છું. હું એમની જોડે રહું એનો મને કોઈ જ ફાયદો આ દોઢ વર્ષમાં મને દેખાયો નહીં. ઉલ્ટાનો અભિમન્યુની પરવરિશમાં મને એ લોકો કોઈ ને કોઈ બાબતે વિઘ્ન ઉભા કરે છે. આથી એમનાથી નોખી રહું એજ અમારા બધા માટે સારું છે."
"સંધ્યા આ તું શું કહે છે? બેટા! ઉતાવળે કંઈ જ નક્કી કરતી નહીં. આરામથી વિચારીને કોઈ નિર્ણય પર અમલ કરજે." એકદમ શાંતિથી દક્ષાબહેન બોલ્યા હતા.
"દીકરા! હું તારી વાત સાથે એકદમ સહમત છું. તું જે વિચારે છે એ યોગ્ય જ છે. જો તને માનસિક શાંતિ ન મળતી હોય તો તું તારી રીતે જીવવા સ્વતંત્ર છે. અને હા, આ તારું ઘર છે તું અહીં અમારી સાથે આવીને રહી શકે છે."
પંકજભાઈએ સંધ્યાની વાતને અનુમતિ આપતા વધુ ચોખવટથી વાતને રજુ કરતા કહ્યું હતું.
"પપ્પા, મારા આવવાથી ભાઈ અને ભાભીને તકલીફ નહીં થાય ને? ભાભીને કદાચ.."
"બસ સંધ્યા... હવે આગળ તું કઈ જ નહીં બોલતી. આ ઘર મારું છે અને એ લોકો મારી સાથે અહીં રહે છે. તું પણ મારી જ દીકરી છે, મારે માટે તમે બંને એક સમાન છો. તું જ્યારથી ઈચ્છે ત્યારથી અહીં આવી શકે છે."
"હા, પપ્પા." આટલું બોલી સંધ્યા લાગણીવશ થઈ ગઈ હતી. જીવનનો બહુ જ મોટો નિર્ણય એ લઈ રહી હતી. સંધ્યાને મનમાં એક ડર પેસી ગયો હતો કે, એના સાસુ અને સસરા ક્યાંક પોતાના પુત્રને કોઈક આડીઅવળી વાતો કરીને પોતાનાથી દૂર ન કરી દે. આથી જ એણે અલગ થવાનું નક્કી કરી લીધું હતું. સંધ્યાએ હવે એમના ઘરે જવાની રજા લીધી અને ફરી કાલ આવીશ એમ કહીને અભિમન્યુને લઈને એના ઘરે જવા જતી જ હતી ત્યાં જ સુનીલ તથા પંક્તિ આવી પહોંચ્યા હતા. એમને મળી અને સંધ્યાએ રજા લીધી હતી.
સંધ્યા પોતાના ઘરે આવ્યા બાદ, એના કામમાં વળગી પડી હતી. બધું જ કામ પતાવી, અભિમન્યુને ઉંઘાડીને એણે પોતાના સાસુ અને સસરા પાસે જઈને પોતાના મનના વિચાર રજુ કરતા કહ્યું, "પપ્પા મારે તમારી સાથે એક બહુ જ અગત્યની વાતની ચર્ચા કરવી છે."
"હા, બોલને શું વાત કરવી છે?"
"હું આ ઘરમાં સતત સૂરજના વિચારોમાં જ ઘેરાયેલી રહું છું. ઘરનો એક એક ખૂણો મને એના અવાજના ભણકાનો અહેસાસ કરાવ્યા કરે છે. હું ખુબ પ્રયત્ન કરું છું, પણ અસફળ થાઉં છું. જો તમારી અનુમતિ હોય તો હું મારે પિયર રહેવા જતી રહું. બસ, આજ વાતની તમારી રજા જોઈતી હતી." ખુબ સમજદારીથી સંધ્યાએ નોખા થવાની વાત રજુ કરી જ દીધી હતી.
"તારી પરિસ્થિતિ અમે સમજી શકીયે છીએ, તું ઈચ્છે તો તારા લગ્ન પણ અમે કરાવી આપીએ, પણ અમારા સૂરજની નિશાની અમારા કુટુંબનો વારસદાર અભિમન્યુ અમારી સાથે જ રહે એવી અમારી ઈચ્છા છે." રશ્મિકાબહેન હક જતાવવાના ઈરાદા સાથે થોડું કડકાઈથી બોલ્યા હતા.
"અભિમન્યુ તો હજુ ખુબ જ નાનો છે. અમે બંને એકબીજા વગર હાલની પરિસ્થિતિમાં રહી શકીએ એમ નથી. અને બીજા લગ્ન કરવા હું બિલકુલ તૈયાર નથી. હું મારા દીકરાની પરવરિશના ધ્યેય સાથે મારુ અને સૂરજનું સ્વપ્ન પૂરું કરવા ઈચ્છું છું. તમે મને સમજીને અનુમતિ આપો તો મને ખુબ ખુશી થશે. અને જયારે તમે ઈચ્છો તમે અમને મળવા આવી શકો છો અને હું પણ હંમેશા આવતી રહીશ. બસ, મને મારી જિંદગીમાં આ સમયે થોડા તમારા સાથની જરૂર છે." એકદમ વિનમ્રતાથી સંધ્યાએ પોતાની વાત રજુ કરી હતી.
"હા સંધ્યા! તું જેમ ઠીક લાગે એમ રહી શકે છે. અમારો તને પૂરો સાથ છે. તું મન પર કોઈ જ વાતનો બોજ રાખ્યા વગર તારું જીવન જીવ." ખુબ જ ભાવુક થઈને ચંદ્રકાન્તભાઈએ સંધ્યાને અનુમતિ આપી દીધી હતી.
સંધ્યા ખુશ થઈને સાસુ અને સસરાને પગે લાગીને પોતાના રૂમમાં ઊંઘવા માટે ગઈ હતી.
સંધ્યા જેવી રૂમની બહાર ગઈ કે તરત રશ્મિકાબહેન ચંદ્રકાન્તભાઈને બોલ્યા, "તમે એને અભિમન્યુને લઈ જવાની કેમ હા પાડી? આપણા ઘરનો એ વારસદાર છે."
"એ ફક્ત આપણા ઘરનો વારસદાર જ નહીં પણ સંધ્યાનો દીકરો પણ છે. તું એ વાત ભૂલ નહીં. અને હા, હવે આ વાતની તારે કોઈ ચર્ચા સંધ્યા સાથે કરવાની નથી." થોડું કડકાઈથી ચંદ્રકાન્તભાઈએ કહ્યું હતું.
સંધ્યાના કાને આ શબ્દો પડ્યા તો ફરી એને થયું કે, મેં કોઈ ખોટું પગલું તો નથી ભર્યું ને? હું અભિમન્યુથી એના દાદા અને દાદીનો પ્રેમતો નથી છીનવી રહી ને? ચંદ્રકાન્તભાઈ ખુબ સરસ રીતે સંધ્યાને સમજીને બોલ્યા એ વાત સંધ્યાના મનને સ્પર્શી જતા એ થોડી વિચારમાં પડી ગઈ હતી. પણ એક પછી એક વાત યાદ આવતા પોતાના મનને મક્કમ કરીને પિયર જતું રહેવાનું જ સંધ્યાને ઉચિત લાગ્યું હતું.
આ તરફ સંધ્યા રજા લઈને નીકળી એટલે એના ગયા બાદ પંકજભાઈએ સુનીલ અને પંક્તિને જે ચર્ચા સંધ્યા સાથે થઈ એ જણાવી હતી. સુનીલ તો બધું જ બરાબર સમજીને પપ્પાની વાતને સહમત હતો પણ પંક્તિને આ વાત ગળે ઉતરતી નહોતી. હા એ ચૂપ હતી, પણ મનમાં થોડું તો થયું કે, સંધ્યાને એકવાર પણ એમ ન થયું કે ભાભી સાથે હું ચર્ચા કરું. હું ગમે તેટલું એને બેનથી વિશેષ રાખું એ ક્યારેય મને સમજી જ શકતી નથી.
એક ઊંડો અફસોસ એને જળમૂળથી હલાવી ગયો હતો. ફરી એ એના મૂળભૂત સ્વભાવને વશ થઈ ગઈ હતી.
સંધ્યા પોતાના રૂમમાં પ્રવેશીને સુરજ અને પોતાના સગાઈના ફોટાની ફ્રેમને જોઈ રહી હતી. એ ફોટો જોતા જ ભૂતકાળમાં સરી પડી હતી. સૂરજની એને ભીતર સુધી સ્પર્શી જતી નજર આજે સંધ્યાને ફરી બેકાબુ કરી રહી હતી. સંધ્યાએ પોતાની આંખને બંધ કરી અને સૂરજનો ભીતરમાં ધબકતો અહેસાસ એણે મહેસુસ કર્યો પણ પ્રત્યક્ષ સાથને ઝંખતી સંધ્યાના આંખમાંથી આંસુ સરકવા લાગ્યા હતા. એ પોતાની પથારી પર ઊંઘવા ગઈ હતી. આ પથારીમાં જે સૂરજ સાથેનો એણે સાથ મળ્યો હતો એ સાથ આજે પોતાની રુહમાં શક્ય એટલો ભરવા ઈચ્છતી હતી. આવતીકાલથી એ પોતાના પિયર જતી રહેશે આથી આ રૂમમાં વિતાવેલ સૂરજ સાથેની દરેક યાદ એ પોતાના મનમાં ભરી રહી હતી.
તારી દરેક યાદ આજ મનને વિચલિત કરે છે,
તારી સાથે વિતાવેલ દરેક ક્ષણ મનને ઉત્તેજિત કરે છે,
સમયે આપણને નોખા એમ કર્યા...
દોસ્ત! રુહમાં વસતો તારો અંશ મને દરેક પળે ફરી જીવંત કરે છે.
સંધ્યાને અહીંથી જવાનું મન જ નહોતું પણ અભિમન્યુના ભવિષ્ય માટે આમ કરવું જ એને યોગ્ય લાગતું હતું. પોતાની બાજુમાં ઊંઘી રહેલા અભિમન્યુને એ જોઈ રહી હતી. અભિમન્યુ ગાઢ ઊંઘમાં હતો. સંધ્યાએ એના માથા પર ચુંબન કર્યું, અને એના દુખડા લીધા હતા. એ મનમાં જ વિચારી રહી કે, બાળક કેટલું નિર્દોષ હોય છે, એને આપણે જેમ જીવાડીએ એ એમ જીવતું રહે છે. અભિમન્યુ માટે અતિ લાગણી સંધ્યાને અમુક અંશે વધુ પડતી માયાળુ બનાવી રહી હતી.
શું અભિમન્યુ પોતાના જીવનમાં આવતા આ બદલાવને સ્વીકારી શકશે?
શું સંધ્યાની બધી તકલીફમાં એને રાહતનો અહેસાસ થશે?
મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻