સંધ્યા - 5 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 5

સુનીલ કહીને જતો રહ્યો પણ સંધ્યાનું મન વિચલિત થઈ ગયું. એના મનમાં પણ એક ભય પેસી ગયો, કદાચ સુનીલને સૂરજ માટેના રીવ્યુ નેગેટિવ મળ્યા તો? ના ના એ સારો જ વ્યક્તિ હશે! મન મનાવતા મનમાં જ બોલી.

કોઈ જ ઓળખાણ વગર પણ સંધ્યાને મનમાં એક આશા હતી કે, સૂરજનું વ્યક્તિત્વ સારું જ હશે! અહીં સંધ્યાને જેવું થયું એવું દરેકના જીવનમાં એકવાર તો એવું થતું જ હોય છે. જેમના માટે આપણે ધારણા બાંધી હોય એ સાચી જ હશે એવું માની લેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિને જાણ્યા વગર એના માટે ધારણા બાંધવી એ ખુબ જ મોટી ભૂલ હોય છે. સંધ્યા સૂરજને મનથી જ પસંદ કરવા લાગી હતી, એ કેવો છે એ ફક્ત એનું અનુમાન જ હતું. સુનીલની સૂચનાઓ એકદમ સાચી જ હતી. જો અનુમાન સાચું ઠર્યુ તો ઠીક નહીતો ઘણી છોકરીયું જ નહીં પણ છોકરાઓની જિંદગી વેડફાય જાય છે. સંધ્યા પોતાના ભાઈની વાત સમજી શકતી હતી પણ મન બાવરું હવે સંધ્યાના હાથમાં રહે એમ નહોતું જ!

સંધ્યાની આંખમાંથી ઊંઘ જ ઉડી ગઈ હતી. એકબાજુ મન લાગણીને છંછેડી રહ્યું હતું, તો બીજી તરફ મગજ ભાઈની વાતનું મનોમંથન કરી રહ્યું હતું. મન અને મગજ ના વિચારોમાં સંધ્યા પીસાઈ રહી હતી. સંધ્યાએ મન અને મગજ માંથી મનને જ સાચું રાખી સૂરજને જલ્દીથી મળશે એવી ઈચ્છાને દિલમાં રાખીને એ ઊંઘી ગઈ હતી.

સંધ્યા સવારે નિત્યક્રમ મુજબ એ ઉઠી અને તૈયાર થઈ સુનીલ સાથે કોલેજ જવા નીકળી. રસ્તામાં સુનીલે કીધું, "જો સંધ્યા સૂરજના રીવ્યુ બિલકુલ સારા નથી તું એને ભૂલી જજે, અને હા ક્યારેય મળવાનો પ્રયત્ન જ ન કરતી."

"વાહ.. શું તું કે એમ જ મારે કરવાનું? મારી કોઈ જિંદગી જ નથી? ના હું એકવાર એની સાથે વાત કરવા ઈચ્છું છું."

સુનીલે અચાનક જોરથી બ્રેક મારી અને સંધ્યાને નીચે ઉતારવા કહ્યું, સંધ્યા પણ ગુસ્સામાં ઉતરી ગઈ, અને સુનીલની સામે આંખમાં આંખ મેળવી ગુસ્સે થતા જોવા લાગી. એક જોરદાર તમાચો સંધ્યાના ગાલ પર પડી ગયો, અને રોડ પર અચાનક સંન્નાટો છવાઈ ગયો હતો.
એ જ ક્ષણે ભર ઊંઘમાંથી સફાળી સંધ્યા જાગી ગઈ હતી. સંધ્યાએ ઘડિયાળમાં જોયું, હજુ રાત્રીના બે જ વાગ્યા હતા. એના ધબકારા ખુબ વધી ગયા હતા. પોતે સ્વપ્નમાં પણ સુનીલ સાથે આવું વર્તન ન કરે છતાં આવું સ્વપ્ન એને આવ્યું આથી એ ખુબ ભયભીત થઈ ગઈ, એ ઉભી થઈ ને પોતાના ભાઈ પાસે ગઈ, ભાઈ ઊંઘી રહ્યો હતો, એને જોઈને મન શાંત થતા પાછી પોતાના રૂમમાં આવી હતી. મોબાઈલમાં એ ફોટો જોઈને મનમાં જ બોલી, "તમને કંઈ જ ખબર નથી પણ હું તમારા વિનાનું આ જીવન બિલકુલ ઈચ્છતી નથી." એક આંસુ સંધ્યાની આંખ માંથી સરી પડ્યું હતું. સંધ્યાને ખુદને નહોતું સમજાતું કે, કેમ આટલું ખેંચાણ એને સૂરજથી થઈ રહ્યું છે! ઊંઘ સાવ ઉડી જ ગઈ હતી. વિચિત્ર લાગણી એ અનુભવી રહી હતી. પોતાની બાલ્કની પાસે એ આવી, બહાર ખુલ્લા આકાશમાં એ જોવા લાગી, કલ્પનામાં જ સુંદર અનુભૂતિ એ મેળવી રહી હતી. ત્યાં જ એક તૂટતો તારો એણે જોયો, એ જોઈને એ તરત જ આંખબંધ કરીને બોલી, મારા જીવનમાં મારા માતાપિતાથી સર્વોચ્ચ કોઈ જ નથી હું ક્યારેય એમની વિરુદ્ધ કોઈ જ ઈચ્છા ન રાખું, બસ આટલી જ મને સમજણ આપજો.

સંધ્યા એવી પ્રાર્થના કરીને ખુદને ખુબ જ હળવી થયેલ અનુભવવા લાગી. અચાનક મનનો બધો જ ભાર હળવો થઈ ગયો હતો. મન હળવું થયું આથી આંખ પણ ઘેરાવા લાગી હતી. અને એ ઊંઘી ગઈ હતી.

દક્ષાબેન સવારનાં આઠ વાગ્યે સંધ્યાને જગાડવા આવ્યા, રોજ ૬:૩૦ ઉઠી જતી સંધ્યા હજુ ઉઠી નહોતી. એમણે પ્રેમથી સંધ્યાના માથે હાથ ફેરવ્યો, એના ચહેરા પર વેરાયેલ વાળની લટને ધીમેથી હટાવી, પોતાની દીકરીની માસુમિયત જોઈ રહ્યા. દક્ષાબેનના મનમાં દીકરી પ્રત્યેની લાગણીનું પૂર ઉમટ્યું હતું. એમણે એક હળવું ચુંબન સંધ્યાના કપાળે કર્યું હતું.

સંધ્યા મમ્મીનો સ્પર્શ થતા જાગી ગઈ હતી, પણ રાત્રીના વિચારોનો થાક એની આંખ પર દક્ષાબેનને વર્તાઈ આવ્યો હતો.

"બેટા તબિયત સારી નથી?"

"ના મમ્મી સારું જ છે."

"આઠ વાગ્યા છતાં તું ઉઠી નહીં અને તારી આંખ પણ આજ ભારી દેખાઈ છે."

"ઓહો! આઠ વાગી ગયા?"

"હા બેટા."

"સંધ્યાને છતાં પણ આજ ઉઠવાનું મન નહોતું, એ મમ્મીને બેડ પર બેસાડી એના ખોળામાં માથું રાખીને પોઢી રહી."

"તારે કોલેજ નથી જવું?"

"જવું છે, બસ બે જ મિનિટમાં ઉઠું."

સંધ્યા મનમાં જ વિચારવા લાગી, "હું આમ બધાનો પ્રેમ ભૂલી ને કેમ સૂરજ માટે જ સતત વિચાર્યા કરું છું? મારા જીવનના આ દરેક સંબંધની શું કોઈ કિંમત જ નથી? એને આવું વિચારી પોતાના પર ગુસ્સો આવ્યો. ખરેખર હું કંઈ જ વિચાર્યા વગર સૂરજ તરફ જ ખેંચાઈ રહી છું. અત્યારે પણ જો ને, હજુ સૂરજ જ મારા મનમાં ખળભળાટ મચાવે છે!"

"બેટા શું થયું? તું ઈચ્છે તો મને કહી શકે છે?"

"ના મમ્મી કાંઈ જ નથી થયું." એમ કહી વાળને બાંધતી સંધ્યા બેડ પરથી ઉઠી હતી.

દક્ષાબેન ફરી એના કામે વળગ્યા અને સંધ્યા જલ્દી તૈયાર થવા લાગી હતી.

સંધ્યા થોડી જ વારમાં તૈયાર થઈને નાસ્તો કરવા પહોંચી ગઈ હતી. બધાને ગુડમોર્નીગ વિશ કરીને ફટાફટ નાસ્તો પતાવી સુનીલ સાથે કોલેજ જવા નીકળી હતી. સુનીલને સંધ્યાની સ્થિતિ સમજાય ગઈ હતી. સંધ્યાનો ઉતરી ગયેલ ચહેરો જોઈને સુનીલને ખુબ દુઃખ થયું હતું. એ પાર્કિંગમાં સંધ્યાને બોલ્યો, "તું કેમ સડેલુ મોઢું કરીને ફરે છે. તારો સૂરજ રસ્તામાં મળશે તો તારું આવું મોઢું જોઈને તને ના પાડી દેશે!"

"ભલે ના પાડે."

"કેમ શું થયું? કાલ તો ખુબ ખુશ હતી. અચાનક કેમ આમ કહે છે? તારા ફ્રેન્ડ્સ કઈ બોલ્યા?"

"ના સુનીલ!"

"તો શું થયું કે તો ખબર પડે"

સંધ્યાએ રડમસ અવાજે રાતનું સ્વપ્ન કહ્યું. સુનીલ તો સાંભળીને હસવા લાગ્યો.

"હા તું હસ. તને તો મને હેરાન કરવાની જ માજા આવે છે."

"અરે ભૂત! મેં તને ક્યારેય એક ટપલી પણ નથી મારી અને હું તને રસ્તા પર તમાચો મારુ એવું સ્વપ્ન જોવે તો હસવું જ આવે ને!"

"તું સાચે જ મારા પર ગુસ્સે નથી ને?"

"હા, હવે સો રૂપિયાના સ્ટેમ્પ પર સહી કરીને આપું?"

બંને ખડખડાટ હસવા લાગ્યા.

"તું આમ હસતી જ રહે!" એમ કહી હગ કરતા સુનીલ બોલ્યો.

"ચાલ જલ્દી હવે કોલેજ નું મોડું થઈ જશે!" હળવું સ્મિત કરતા સંધ્યા બોલી હતી.

સંધ્યા આંખે રસ્તે વિચારતી રહી, "સુનીલ મને કેટલું સમજી શકે છે! હું ખુબ ભાગ્યશાળી છું. હું જેમ એ કહેશે એમ જ હું કરીશ. પોતાના મનમાં એક પ્રણ સંધ્યાએ લઈ જ લીધું હતું. ભાઈ જે કહેશે અને સમજાવશે એ જ મારે માટે ઉત્તમ હશે! પાછળ બેઠા સાઈડ મીરરમાંથી ભાઈનો ચહેરો જોવા એ સહેજ નમી, અને સૂરજ બાઇકમાં સામેથી આવી રહ્યો હતો. સૂરજની નજર સંધ્યા પર પડી, પરંતુ સંધ્યા સાઈડ મિરરમાં સુનીલને જોઈ રહી હતી. સુનીલે જોયું કે, સૂરજ સુનીલની પાછલી સીટ પર જોઈ રહ્યો છે. સુનિલે સાઈડ મિરરમાં જોયું તો સંધ્યા એને પોતાને જોઈ રહી હતી, એને કદાચ બિલકુલ ધ્યાન નહોતું કે, સૂરજ સંધ્યાને જોઈને પાસેથી પસાર થઈ ગયો.

શું કેવો રહેશે કોલેજનો આજના દિવસનો માહોલ?
શું સૂરજને પણ સંધ્યા નજરમાં આવી ગઈ હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻