સંધ્યા - 32 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 32

સંધ્યાએ પોતાના ઘરમાં એક અડગ મક્કમતા સાથે પ્રવેશ કર્યો હતો કે, પરિસ્થિતિ મારી કોઈ પણ હોય મારો ધ્યેય અભિમન્યુની શ્રેષ્ઠ પરવરીશ જ રહેશે! એ માટે હું કયારેય કોઈ જ સમાધાન નહીં કરું. મન તો એણે મક્કમ કરી જ લીધું હતું પણ ઘરમાં ગુંજતા સૂરજની યાદના પડઘા એને વિચલિત કરી દેતા હતા. ફરીફરીને ભયાનક દ્રશ્ય એની આંખ સામે તાજું થઈને ઉભું રહી જતું હતું, છતાં સંધ્યા કોઈને કોઈ પ્રવૃત્તિમાં પોતાને ગુંચવેલી રાખતી હતી. સંધ્યા દિવસે તો પોતાનો સમય બીજા કામમાં પરોવીને પસાર કરી લતી હતી, પણ રાત એની વીતાવવી ખુબ મુશ્કેલ હતી. આખી રાત પડખા ફર્યા કરતી અને મોબાઈલમાં કેટલા વાગ્યા એ જોયા કરતી હતી. સૂરજની યાદ અને એના પ્રેમને ઝંખતી કરવટ બદલતી રહેતી હતી. આંખને નિદ્રારાણી થોડીવાર પણ મહેરબાન થતા તો સ્વપ્નમાં એજ સૂરજની અંતિમ ક્ષણ આવી જતી હતી. જેવું એ દ્રશ્ય આંખમાં છવાતું કે, એક જ જાટકે એ પથારીમાં બેઠી થઈ જતી હતી. સંધ્યાના હૃદયની ગતિ ખુબ જ તેજ થઈ જતી હતી. એ ખુબ ગભરાઈ જતી હતી. બધાનું જીવન ધીરે ધીરે ગોઠવાતું જતું હતું, પણ સંધ્યા હજુ એજ ક્ષણ સાથે વીંટળાયેલી રહી ગઈ હતી.

સંધ્યાએ હવે અભિમન્યુને સારું જીવન આપવા માટે જોબ કરવી જરૂરી હતી. સૂરજના સાથ વગર સંધ્યાને આ જીવન પહાડ જેવું લાગી રહ્યું હતું. એને ડગલે ને પગલે અનેક મુશ્કેલીઓનો આવી રહી હતી. સૂરજ બધી જ બચત કે કોઈ પોલિસી કે બેન્કની કોઈપણ બાબતની વાત સંધ્યા સાથે કરતો નહોતો, અને સંધ્યાએ પણ ક્યારેય એ જાણવાની જરૂર સમજી નહોતી. આજે સંધ્યાને પોતાની આ ભૂલ ખુબ તકલીફ આપી રહી હતી. વળી, સંધ્યાનું ને સૂરજનું જોઈન્ટ એકાઉન્ટ પણ નહોતું. સંધ્યાને પોતાના લોકરમાંથી કેટલી બેન્કમાં સૂરજના ખાતા છે એ માહિતી તો મળી, પરંતુ સૂરજની હયાતી ન હોય મરણ દાખલો કઢાવ્યા સિવાય એ એક પણ રૂપિયા એમાંથી લઈ શકે એમ નહોતી. સૂરજ પોતાનો પગાર એના મમ્મીને ખપ પૂરતો આપતો હતો બાકીની આવક બેંકમાં મુકતો હતો. આ એક મહિનો તો સંધ્યાનો કોઈ જ અન્ય વિચારો વગર પસાર થઈ ગયો હતો. હવે સંધ્યાને હકીકતની સાથે જીવવાનું હતું. રશ્મિકાબહેન સૂરજનું મૃત્યુનું કારણ સંધ્યાને જ ગણતા હતા, જો સંધ્યાએ વીડિયોકોલ ન કર્યો હોત તો કદાચ આ પરિસ્થિતિ બનત જ નહીં, આવું નેગેટિવ વિચારી એ સંધ્યાથી નારાજ રહેતા હતા. રશ્મિકાબહેનની નારાજગીનું ભંયકર પરિણામ સંધ્યા ભોગવ્યા કરતી હતી. તેઓ બોલે એ તો સંધ્યા સાંભળ્યું ન સાંભળ્યું કરતી પણ ઘર ખર્ચ માટે સરખું ધ્યાન રાખી રૂપિયા પણ સંધ્યાને આપતા નહોતા. જીવન જરૂરિયાત માટે પ્રેમ જ નહીં રૂપિયાની પણ જરૂરિયાત પડે છે એ વાત સંધ્યા ખુબ સારી રીતે સમજી ગઈ હતી. સંધ્યા જોબ કરતી એ પગારની બચતથી હજુ બીજા ત્રણ મહિના નીકળી જશે એવું અનુમાન સંધ્યાએ લગાવીને જ ફરી જોબ કરવા માટે બહાર પગ મુક્યો હતો. એ જ્યા જતી હતી ત્યાં ફરી જોબ મળી ગઈ હતી. પગાર એટલો બધો નહોતો પણ અત્યારે કામ ચલાવ એ સિવાય બીજો કોઈ રસ્તો સંધ્યા પાસે નહોતો.

સંધ્યાએ સૂરજના મરણના દાખલાની કાર્યવાહી હાથ ધરી હતી. કારણકે એ સિવાય બેન્કમાંથી રૂપિયા લેવા મુશ્કેલ હતું. એટીમ કાર્ડ સસરા પાસે હતું, પણ વારંવાર એમની પાસેથી રૂપિયા માટે હાથ લાંબો કરવો સંધ્યાને ગમતો નહોતો. સંધ્યા પોતાના જીવનમાં એટલી સરળતાથી રહી હતી કે, મુશ્કેલી શું એ એને ખબર જ નહોતી. સમાજમાં તો ઠીક પણ પરિવારમાં પણ ક્યારેય કોઈ સાથે કપટ કે દ્વેષભાવ એણે રાખ્યો નહોતો આથી એ લોકોના મન પણ હજુ સમજી શકતી નહોતી. એક કુમળું ફૂલ અચાનક એના ગુલદસ્તામાંથી નોખું થઈ ગયું હોય એવી પરિસ્થિતિ સંધ્યાની થઈ ગઈ હતી.

એક અઠવાડિયા બાદ સૂરજનો મરણનો દાખલો સંધ્યાના હાથમાં આવ્યો હતો. એના હાથમાં એ દાખલો આવતા એકદમ આંસુઓની ધાર સંધ્યાની આંખમાંથી ટપકી પડી હતી. પોતે નોર્મલ જ હતી પણ હૈયાની વેદના આંખથી છલકી રહી હતી. સૂરજને કીધેલા શબ્દો પોતાને યાદ આવી ગયા હતા, "મને બીજું કઈ જ જોતું નથી. તમે છો એ જ મારે માટે ઘણું છે." સંધ્યાને થયું કે, મારા લગ્નજીવનની હજી શરૂઆત જ હતી ને આજે આ સૂરજના મરણ દાખલાની સાથે મારે જીવવાનું છે. પોતાની સાથે કરેલ વચનને યાદ કરી જાતે જ પિતાના આંસુ લૂછીને મરણના દાખલાને લેમિનેશન કરાવવા એ એક શોપમાં ગઈ હતી. આધેડવયનો દુકાનદાર સંધ્યાને જોઈને સમજી જ ગયો કે, એ વિધવા પોતાના પતિના જ દાખલાનું લેમિનેશન કરવા આવી છે. થોડી જ મિનિટોમાં લેમિનેશન કરીને દાખલો સંધ્યાને આપતા એ દુકાનદારે એના હાથનો સ્પર્શ હવસની ભાવના સાથે કર્યો એ સંધ્યા જાણી ચુકી હતી. સંધ્યાને ગુસ્સો તો ખુબ જ આવ્યો પણ આવી પરિસ્થિતિનો વિરોધ કરવા જેટલી હિમ્મત હજુ સંધ્યામાં નહોતી જ! એ ખુબ ગભરાઈ ગઈ હતી. ૧૦૦ રૂપિયાની નોટ ડેસ્ક પર મૂકી એ પાછા રૂપિયા લેવા પણ એક ક્ષણ રોકાઈ નહીં. સંધ્યા સીધી જ ઘરે આવીને સૂરજના ફોટા સામે બેસીને રડવા લાગી હતી. આજે એ સૂરજ વગર પોતાને અધૂરી સમજી રહી હતી, જો સુરજ હોત તો આવું ક્યારેય એને સહન ન જ કરવું પડત...

સંધ્યા હજુ ખુબ જ વ્યાકુળ હતી ત્યાં જ અભિમન્યુ એની પાસે આવ્યો અને બોલ્યો, "મમ્મી! તને પણ પપ્પા ખુબ યાદ આવે છે ને? મને પણ પપ્પા ખુબ યાદ આવે છે. દાદા અને નાનાએ કીધું હતું કે, પપ્પા ભગવાન પાસેથી મારે માટે ગિફ્ટ લેવા ગયા છે. મમ્મી મારે કોઈ ગિફ્ટ નથી જોતી, મને ખાલી પપ્પા જ જોઈએ છે. તું પપ્પાને વીડિયોકોલ કર ને!"

સંધ્યા દીકરાની નિખાલતાથી અતિશય દુઃખી થઈ ગઈ હતી. આજ એણે અભિમન્યુને હકીકતથી વાકેફ કરવાનું એને મન થઈ આવ્યું હતું. સંધ્યા એ કુમળા બાળકને કઈ જ બોલી શકી નહીં. એણે અભિમન્યુને ગળે લગાવી લીધો હતો. અભિમન્યુ મનની વાત જાણે કળી ગયો હોય એમ ફરી બોલી ઉઠ્યો, "મમ્મી તું રડીશ નહીં, પપ્પા ભલે એની મરજી થાય ત્યારે આવે, પણ તું રડે છે તો મારાથી પણ રોવાઈ જાય છે."

સંધ્યા પોતના બાળકને સમજાવવા અસમર્થ હતી. એ ખુબ લાચાર મહેસુસ કરતી હતી. એના રોમ રોમમાં અભિમન્યુના શબ્દો અગન સમાન દાહ આપી રહ્યા હતા. સંધ્યાએ પોતાનું મૌન હવે તોડ્યું એ બોલી, "બેટા! તારા પપ્પા હવે ક્યારેય આપણી પાસે આવશે નહીં. ભગવાનને તારા પપ્પાની ખુબ જરૂર હતી આથી એમણે તારા પપ્પાને ત્યાં રોકી લીધા છે. ત્યાં ફોન વાપરી શકાતો નથી આથી ફોન પણ ક્યારેય કરી શકાશે નહીં. તારા માટે હું અહીં છું ને બેટા.. આપણે કાયમ સાથે રહેશું અને પપ્પા જયારે યાદ આવે ત્યારે કૃષ્ણજીને પ્રણામ કરી લેશું. એમ કરવાથી આપણા સમાચાર તારા પપ્પા પાસે પહોંચી જશે! એને બેટા બહુ જ સારા લોકો હોય એજ કૃષ્ણજી પાસે રહી શકે, આથી ક્યારેય તું પણ ન રડતો અને જો હું રડું તો મને પણ ન રડવા દેતો!"

"હા મમ્મી!" એમ કહી અભિમન્યુએ એની મમ્મીની આંખના આંસુ લૂછી લીધા હતા. સંધ્યાના મનમાંથી એક મોટો ભાર દૂર થયો કે અભિમન્યુ હવે પપ્પા ને લાવવાની જીદ નહીં કરે!

સંધ્યાના જીવનમાં શું આવશે વળાંક?
શું સંધ્યા સિંગલ પેરેન્ટ તરીકે આપી શકશે અભિમન્યુને સરખી પરવરીશ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻