સંધ્યા - 31 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 31

સંધ્યાને ઊંઘ તો આવી જ નહોતી આથી ઉભી થઈ અને પોતાના નિત્યક્રમ કરવા લાગી હતી. સંધ્યા બાથરૂમમાં બ્રશ કરી રહી હતી. બ્રશ કરતી વખતે એણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. સિંદૂર અને ચાંદલા વિહોણો ચહેરો જોઈને મનમાં જ આંસુને ગળી ગઈ હતી. પોતાનું અસ્તિત્વ અમુક જ સેકન્ડમાં પૂરું થઈ ગયું હતું. એને સૂરજ જે ઉછળીને પડ્યો એ ક્ષણ યાદ આવી ગઈ હતી. એ બેકાબુ થતા એક ચીસ એનાથી નીકળી ગઈ, સૂરરરજજજજ. આ જોરદાર ચીસ સાથે જ એ ચક્કર ખાય ને પડી ગઈ હતી.

પંક્તિ આજની રાત ત્યાં જ રોકાઈ હતી. એ સંધ્યાની ચીસથી જાગીને અવાજ આવ્યો એ દિશામાં દોડી હતી. સંધ્યાના હાથમાં બ્રશ હતું ને એ જમીનમાં પડેલી બેભાન હતી. પંક્તિએ તરત પાણી છાંટ્યું અને સંધ્યાને બેઠી કરી હતી. આજે પંક્તિએ ખરા દિલથી પોતાની લાગણી સંધ્યા પર વરસાવી હતી. સંધ્યાને સહેજ હાથમાં છોલાયું હતું. બાકી બીજી કોઈ તકલીફ નહોતી. પંક્તિએ સંધ્યાને સહારો આપ્યો અને રૂમ સુધી લઈ ગઈ હતી. બંનેની વચ્ચેના સંવાદમાં અભિમન્યુ હલ્યો હતો. પંક્તિએ એને માથે વહાલથી હાથ ફેરવી ફરી ઉંઘાડ્યો હતો. એક રૂમાલ ભીનો કરી સંધ્યાનું મોઢું લૂછી આપ્યું હતું. સંધ્યાની આંખના આંસુ પંક્તિની આંખમાંથી વહેવા લાગ્યા હતા. સંધ્યા એકદમ ચૂપ થઈ ગઈ હતી. આ બનાવ પછી સંધ્યાએ એક વખત પાણી પીધું હતું એજ, બીજું સંધ્યાએ નહોતું કઈ ખાધું કે નહોતી ચા પીધી. બધાએ અથાગ પ્રયાસ કર્યા હતા પણ એ એકદમ વિચારોમાં જ લિન હતી. હજુ પરિસ્થિતિ જીલવા અસમર્થ હોય પંકજભાઈએ પરાણે ખવડાવાની ના પડી હતી. પંક્તિએ સંધ્યાને બેડ પર સરખી ઊંઘાડી અને હમણાં આવું કહીને એ સંધ્યા માટે ચા બનાવવા ગઈ હતી.

પંક્તિ ફટાફટ ચા બનાવી સંધ્યા પાસે ચાનો કપ લઈને આવી હતી. સંધ્યાએ ચા પીવાની ના પાડી દીધી હતી. પંક્તિએ નક્કી કર્યું કે, મારે સંધ્યાને આ આઘાતમાંથી બહાર લાવવી જ છે. એણે કહ્યું, "એમ સમજી લો સૂરજે જ મને તમને ચા પીવડાવાનું કહ્યું છે, તમે તો પણ ના પાડશો?"

પંક્તિના આ શબ્દો સંધ્યાને સ્પર્શી ગયા હતા. એને પહેલીવાર સૂરજની જે એઠી કડવી ચા પીધી હતી એ વાત યાદ આવી ગઈ! એની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પંક્તિએ એ આંસુ પોતાના હાથથી લૂછ્યાં અને ચા નો કપ સંધ્યા તરફ ધર્યો હતો. ધ્રુજતા હાથે સંધ્યાએ ચાનો કપ હાથમાં લીધો અને આંખ બંધ કરી સૂરજની યાદ સાથે એકી શ્વાસે ચા ને પી લીધી હતી. સૂરજની પ્રેમાળપળને પોતાનામાં ભેળવી હોય એવી તૃપ્તિ એને થઈ હતી. એ પંક્તિને ભેટીને પોતાની પીડા આંખમાંથી સારવા લાગી હતી. આજે પહેલી વખત નણંદભોજાય એકબીજાના આલિંગનમાં હતા. સંધ્યા પોતાની તકલીફમાંથી નીકળવા ભાભીનો સહારો લેતી હતી અને પંક્તિ પોતાના ખરાબ વિચારને દૂર કરીને એક સારું વ્યક્તિત્વ બનવાનો પ્રયાસ કરતી હતી.

સૂરજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું બેસણું એક નજીકના જ રાધેકૃષ્ણના મંદિરમાં જ રાખેલું હતું. સૂરજનો ફોટો એટલો સુંદર હતો કે, એમ જ થાય કે એ આપણી પ્રત્યક્ષ જ છે. બેસણામાં એટલી બંધી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા કે ન પૂછો વાત. સૂરજના બેસણામાં લોકલ ન્યુઝ વાળા પણ આવી પહોંચ્યા હતા. સૂરજ એક સેલિબ્રિટી હોય અનેક ખ્યાતનામ લોકો, ફિલ્મ સ્ટારો અને અનેક રમતવીરો પણ આવ્યા હતા. વિદેશથી થોકડાબંધ ટવીટર પર અનેક રમતવીરોએ શ્રદ્ધાંજલિ આપી હતી. સંધ્યાને અને અભિમન્યુને જોઈને ઘણા લોકોએ સહાનુભૂતિ એમના માટે દર્શાવી હતી. સંધ્યાને હજુ કોણ શું કહે છે કે બોલે છે એ અમુક સમયે ધ્યાનમાં જ નહોતું આવતું. સંધ્યા બાવરી બની ગઈ હતી.

સંધ્યાનું ગ્રુપ આવ્યું હતું. આખું ગ્રુપ એની પાસે જઈને કઈ કહે એટલી હિમ્મત ધરાવતું નહોતું. રાજ બોલ્યો, "આપણે આપણી મિત્રને એના દુઃખમાંથી બહાર લાવવાની છે. કોણ શું કહે એ નહીં પણ આપણો સંબંધ શું છે? બસ એજ યાદ રાખી એને ફરી જીવનમાં આગળ વધવા સાથ આપવાનો છે." રાજની વાતને આખા ગ્રુપે તરત જ સાથ આપવાની હા પાડી હતી. એ લોકો સંધ્યા પાસે ગયા હતા. જલ્પા સંધ્યાનો હાથ પકડીને બોલી, "તું ક્યારેય એકલી નથી. તારી સાથે તારા પ્રેમની નિશાની અભિમન્યુ છે. એના થકી તારે જીવનને જીવવાનું છે અને અભિમન્યુને એક સરસ જીવન આપવાનું પણ છે. અમે બધા જ તારી સાથે છીએ."

સંધ્યાએ મૌન રહીને પોતાના હાથની પકડ ટાઈટ કરી જલ્પાની વાતને સ્વીકારવાની તૈયારી બતાવી હતી. એ બંનેના હાથ પર અનુક્રમે ચેતના, વિપુલા, રાજ અને અનિમેષે પોતાના હાથ મૂકીને સાથની લાગણી વ્યક્ત કરી હતી. લાગણીવશ થઈ સંધ્યા આંખ બંધ કરી રડી પડી હતી. રાજ હવે એને રડતી જોઈ શકતો નહોતો એ બોલ્યો, "તું આમ રડીશ નહીં. તારું દુઃખ જોવાતું નથી. વધુ કઈ શબ્દ પણ તને કહેવાના નથી, બસ એટલું જ કહીશ કે તારામાં જે સૂરજનો અંશ છે એની સંભાળ રાખજે!"

સંધ્યા એકદમ રાજના શબ્દથી સ્તબ્ધ થઈ ગઈ, એને રાજનો એક એક શબ્દ ભીતર સુધી સ્પર્શી ગયો હતો. સંધ્યાએ જાતે જ પોતાના આંસુ લૂછીને રાજની વાતને સહમતી આપી હતી. કહેવાય છે ને કે, દરેક સંબંધ હાર સ્વીકારી લે છે પણ મિત્રતા એ એવો સંબંધ છે જે પોતાના મિત્રને અને મિત્રતા બંનેને છેલ્લા શ્વાસ સુધી હારવા દેતો નથી. બસ, અહીં સંધ્યાના મિત્રોએ પણ જે પ્રયાસ કર્યો એનો થોડો પ્રભાવ સંધ્યા પર પડી જ ગયો હતો. રાજને સંધ્યાએ આંસુ લૂછ્યાં એ જોઈને ખુબ શાંતિ મળી હતી. મનોમન રાજે પ્રભુનો આભાર માન્યો હતો. એક નિખાલસ સંબંધ સંધ્યાને સહાયરૂપ બની રહ્યો હતો.

પંક્તિ અને રાજની બંનેની વાતને ધ્યાનમાં રાખી સંધ્યા ખુદ પોતે આ આકરા પ્રહારને ઝીલવાનો પ્રયાસ કરવા લગી હતી. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા હતા. અભિમન્યુ સાક્ષી સાથે હોવાના લીધે એ પણ સચવાય ગયો હતો. ક્યારેક પપ્પા ક્યારે આવશે? કે પપ્પા કેમ ઘરે રહેતા નથી એવા પ્રશ્ન કરી લેતો હતો. ચંદ્રકાન્તભાઈ અને પંકજભાઈ એને ગોળ ગોળ વાતો કરીને એનું મન બીજી દિશામાં દોરી દેતા હતા. સૂરજના દહાડાની વિધિ પણ પતી ગઈ હતી. ચંદ્રકાન્તભાઈએ આ દિવસે બ્રાહ્મણને સૂરજની બધી જ વસ્તુઓ કે જે એ નિયમિત વાપરતો એની સાથોસાથ બાઈક, રમતના સાધનો પણ દાન તર્પણમાં આપ્યા હતા. કોઈ જ વસ્તુ આપવાની બાકી રાખી નહોતી. બ્રાહ્મણ પણ બધું જોઈને અવાચક થઈ ગયા હતા. એમણે ખરા દિલથી સૂરજની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના પ્રભુના ચરણોમાં કરી હતી. ચંદ્રકાન્તભાઈએ વૃદ્ધાશ્રમમાં અને અનાથાશ્રમમાં પણ ખુબ દાન કર્યું હતું. ગૌશાળામાં એકવર્ષ સુધી ચાલે એટલું દાન કર્યું હતું.

સૂરજનું અસ્થિવિસર્જન કરવા ગંગા નદીએ હરદ્વાર ગયા હતા. અસ્થિવિસર્જન અભિમન્યુના હાથે કરાવ્યું હતું. ગંગા નદીના પવિત્ર પાણીમાં સંધ્યાએ સ્નાન કર્યું હતું. કહેવાય છે કે, પવિત્ર ધામના દર્શન કરો ત્યારે ત્યાં જઈને આપણી કોઈપણ પ્રિય વસ્તુ મૂકી આવવી જોઈએ. સંધ્યાએ ત્યાં પોતાની પ્રિય એવી સાંજ મૂકી દીધી હતી. એજ સંધ્યાટાણું જેને માણવા માટે એ તડપતી રહેતી હતી. બસ એજ સાંજ એ આ પવિત્ર જગ્યાએ હંમેશ માટે અર્પણ કરીને આવી હતી. સાથોસાથ ગંગાના પાણીને હાથમાં લઈને પોતાને પણ વચન આપ્યું કે, મારામાં વસતા સૂરજના અંશને હું સાચવી અને મારી પુરી ફરજ અભિમન્યુ માટેની નિભાવતી રહીશ. એકદમ મક્કમતાથી લીધેલું વચન એણે પોતાના હૃદય પર સ્થાપી દીધું હતું. હરદ્વારની પવિત્રભૂમિ માંથી સંધ્યાએ શક્ય એટલી ઉર્જા પોતાનામાં ભરી લીધી હતી. એ ફરી પોતાના ઘર તરફ આવી રહી હતી ત્યારે એક અલગ જ અહેસાસ અને અભિમન્યુના જીવનને સૂરજના જીવન જેવું ઘડવાના ધ્યેયને સાથે લઈને આવી રહી હતી.

સંધ્યાના જીવનમાં કેવા ઉદ્દભવશે પ્રશ્નો?
સંધ્યા અભિમન્યુના મનમાં પોતાના પિતા માટે ઉઠતા પ્રશ્નોનું કેમ સમાધાન કરશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻