Love you yaar - 34 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 34

અલ્પાબેન, સુશીલાબેન, ખુશ્બુ, મીત તેમજ સાંવરી કેન્સર હોસ્પિટલમાં દાન આપવા માટે જાય છે.
અલ્પાબેન પોતાના દીકરા મીતના આ નિર્ણય બદલ ગર્વ અનુભવે છે કે મારો દિકરો એક બિઝનેસમેન છે સાથે સાથે તે એક માણસ પહેલાં છે અને ઈશ્વરે તેનામાં માનવતા ઠસોઠસ ભરી છે. અને આમ તે પોતાના મનથી ખૂબ રાહત અનુભવે છે.
હોસ્પિટલમાં દાન આપીને બધાં ત્યાંથી રિટર્ન થવા માટે નીકળે છે અને ધીમે ધીમે ચાલતાં ચાલતાં પોતાની કાર તરફ આગળ વધી રહ્યા છે અને અચાનક મીતના મોબાઈલમાં એક મેસેજ આવે છે…
તેણે ફોન હાથમાં લઈને તે વાંચ્યો અને તે નર્વસ થઈ ગયો…સૂનમૂન થઈ ગયો…
વિચારોમાં ખોવાઈ ગયો…
એવો શું મેસેજ હશે જેણે મીતને આકુળવ્યાકુળ કરી દીધો અને તેના બંને પગ ત્યાં જ સ્થિર થઈ ગયા…
તેની પાછળ પાછળ સાંવરી આવી રહી હતી અને તેમની પાછળ પાછળ અલ્પાબેન, સુશીલાબેન અને ખુશ્બુ ત્રણેય આવી રહ્યા હતા…

"હું ખૂબજ મુશ્કેલીમાં છું મારે તારી હેલ્પની જરૂર છે તું ક્યાં છે ? પ્લીઝ કોલ મી..." -જેની..

આ મેસેજ વાંચીને મીત એકદમથી ટેન્શનમાં આવી ગયો.

જેનીનો મેસેજ અને તે પણ આટલા બધા લાંબા સમય બાદ.. શું કામ તેણે મને મેસેજ કર્યો હશે ?
તેવું શું કામ પડ્યું હશે તેને મારું ?
અને આ મારો નવો સેલફોન નંબર તેની પાસે ક્યાંથી આવ્યો ?
કોની પાસેથી તેણે મારો નંબર લીધો હશે ?
હે ભગવાન હવે શું કરવું કંઈજ સમજમાં નથી આવતું ?
જો હું તેને ફોન ન કરું તો કદાચ તે સામેથી મને ફોન કરશે અને કરું તો...
પણ હું શું કામ તેને ફોન કરું ?
મારે તો એનું કંઈજ કામ નથી પણ તે કોઈ મુશ્કેલીમાં છે તેવું તેણે લખ્યું છે ? શું હોઈ શકે છે ?
સાંવરીને જેની વિશે વાત કરું કે ન કરું ?
ઓહો.‌.. મગજ કામ નથી કરતું..
આ જેનીએ મને શું કામ અત્યારે મેસેજ કર્યો હશે !!
મારે તેને કોઈ હેલ્પ નથી કરવી. જે થશે તે જોયું જશે...
હું તેનો નંબર જ બ્લોક કરી દઉં છું.
પરંતુ હું અહીં આમ આ હોસ્પિટલમાં ડોનેશન કરી રહ્યો છું અને કોઈ મારી હેલ્પ માંગે તો હું ન કરું ?
તે વાત પણ બરાબર નથી. તો શું કરું ?
મીત પોતાના વિચારોમાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે સાંવરી તેનો હાથ પકડીને તેને કંઈક પૂછી રહી હતી પરંતુ તેનું બિલકુલ ધ્યાન જ નહોતું…
અને એકદમ ઉંઘમાંથી જાણે સફાળો જાગીને બેઠો થયો હોય તેમ એકદમથી ચમકીને તે સાંવરીને પૂછવા લાગ્યો કે, " તે મને કંઈ કહ્યું ? "
સાંવરી: હા હું ક્યારની તને કંઈક પૂછી રહી છું પણ તારું તો ધ્યાન જ નથી શું થયું એકદમ કેમ આમ ટેન્શનમાં આવી ગયો ? સમથીંગ રોંગ ? "
મીત પણ હોંશિયાર હતો તેણે વાતને વાળી લેતાં કહ્યું કે, " ના ના કંઈ નહીં એ તો આ બધા કેન્સર પેશન્ટની આવી ખરાબ હાલત જોઈને થોડો ઈમોશનલ થઈ ગયો હતો અને મને મારા એ દિવસો યાદ આવી ગયા જ્યારે હું આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. "
સાંવરી: ભૂલથી પણ એ દિવસો યાદ ન કરીશ મીત. હું એ દિવસોને મારી મેમરીમાંથી હંમેશ માટે ડીલીટ કરી દેવા માંગુ છું અને હવે આપણાં સહિયારા લગ્નજીવનની એક નવી શરૂઆત થઈ રહી છે જેને હું બસ ફક્ત ખુશીઓથી જ છલોછલ ભરી દેવા માંગુ છું. તેમાં દુઃખની એક ક્ષણને પણ અવકાશ ન હોવો જોઇએ.
મીત: સાચી વાત છે તારી સાંવરી હું પણ આપણાં એ ભૂતકાળને એ કપરા સમયને ભૂલી જવા માંગુ છું.
મીત અને સાંવરી બંને પોતાની વાતોમાં મશગૂલ થઈ ગયા હતાં અને એટલામાં અલ્પાબેને બૂમ પાડી કે, " ચાલો બેટા, જલ્દી કરો..”
મીત પોતાની લક્ઝુરીયસ કાર તરફ આગળ વધ્યો અને તેણે કારનો દરવાજો ખોલ્યો..
બધા એક પછી એક કારમાં ગોઠવાઈ ગયા કાર બરાબર સ્પીડમાં ચાલી રહી હતી..
જેટલી સ્પીડમાં કાર ચાલી રહી હતી તેના કરતાં પણ ડબલ સ્પીડમાં મીતના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા..
સાંવરી રસ્તામાં કાર રોકવા માટે તેને કહી રહી હતી કે, " આપણે અહીંયા પટેલનો આઈસ્ક્રીમ ફેમસ છે તો મામીને અને ખુશ્બુને ખવડાવીએ પછી શાંતિથી ઘરે જઈએ પણ મીતનું ધ્યાન નહોતું તે જેનીના વિચારોમાં ખોવાયેલો હતો..
પરંતુ આ વખતે તેને તેની મોમ અલ્પાબેને બચાવી લીધો તેમણે સાંવરીને કહ્યું કે, " ફરીથી બોલ મીતે નથી સાંભળ્યું અને સાંવરીએ તેની તે જ વાત ફરીથી રીપીટ કરી કે, " મીત આપણે અહીંયા પટેલનો આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહેવાનું છે. " મીતે પણ એકદમથી ચમકીને જવાબ આપ્યો કે, " ઓહ બોલતી શું નથી યાર હા હા ચાલો ખાઈને જઈએ "
અને કારમાં બેઠેલા બધા જ હસવા લાગ્યા અને સુશીલાબેન મીતના મામી તો બોલ્યા પણ ખરા કે, " તો ક્યારના શું કરીએ છીએ ? તને કહી તો રહ્યા છીએ અને તું સાંભળતો નથી. "
મીત: અચ્છા એવું છે. સોરી હં.
બધાજ આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા રહ્યા અને વાતો કરી રહ્યા હતા..
પરંતુ મીતના મગજમાંથી આજે 'જેની' ખસતી નહોતી. આઈસ્ક્રીમ ખાઈને બધા પાછા કારમાં પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા અને ઘરે પહોંચી ગયા ઘર આવતાં જ મીતે બધાને ઉતારી દીધાં અને તે સાંવરીને કહેવા લાગ્યો કે, " થોડું કામ છે તો હું ઓફિસે જઈને આવું છું " અને સાંવરી તેને અત્યારે પોતાનાથી જાણે દૂર કરવા નહોતી માંગતી એટલે તેણે તરત જ મીતને ટોક્યો કે, " પણ જે કામ હોય તે ઓફિસેથી માણસને બોલાવીને પતાવી દે ને, તું જાતે શું કામ જાય છે ?”
પરંતુ મીત તો આજે કંઈક જુદા જ વિચારોમાં ખોવાયેલો હતો એટલે હમણાં જ પાછો આવ્યો કહીને તેણે પોતાની કાર ફટાફટ રીવર્સ કરી અને તે નીકળી ગયો સીધો પોતાના જવાના રસ્તા ઉપર રીવરફ્રન્ટ પાસે પહોંચ્યો હતો અને ફરીથી તેનાં મોબાઈલમાં રીપીટ મેસેજ આવ્યો કે, " આઈ નીડ યોર હેલ્પ, પ્લીઝ કોલ મી.." આ વખતે મીતથી રહેવાયું નહીં તેણે તરતજ જેનીને ફોન કર્યો.

સામેથી રડવાનો અવાજ આવ્યો જેની કંઈ બોલે તે પહેલાં ખૂબ રડી રહી હતી... મીત અકળાયેલો તો હતો જ અને જેનીની આ હરકતથી થોડો વધુ અકળાઈ ગયો હતો તેણે જેનીને કહ્યું કે, " પહેલાં તું રડવાનું બંધ કર અને શું થયું તારી સાથે તે મને કહે તો મને કંઈક ખબર પડે.."
જેની: મારો હસબન્ડ.. મારો હસબન્ડ..
મીત: શું કર્યું તારા હસબન્ડે તારી સાથે ?
જેની: મારા હસબન્ડે કંઈ નથી કર્યું મારી સાથે..
મીત: તો પછી શું થયું તે તો કહે ?
જેની: મારા હસબન્ડનું ખૂન થઈ ગયું ?
મીત: અરે બાપ રે એવું કઈ રીતે બન્યું ?
જેની: હું જોબ ઉપરથી ઘરે આવી ત્યારે ઘરમાં તેની લાશ પડેલી હતી.
મીત: ઓહ નો બહુ ખોટું થઈ ગયું. તને કોઈની ઉપર ડાઉટ છે ?
જેની: ના મને તેના કોઈ મિત્રો કે તેની સાથે કામ કરતાં માણસો વિશે કંઈજ જાણ નથી. અને તેણે કદીપણ કોઈની સાથે મારી મુલાકાત જ નથી કરાવી. એ શું કરતો હતો ? ક્યાં જતો હતો ? શું કામ કરતો હતો તેની મને કોઈ જ માહિતી નથી.
મીત: આમાં હું તારી શું મદદ કરી શકું ?
જેની: પોલીસ મારી ઉપર પણ ડાઉટ કરે છે. તારે મને બચાવવાની છે.
મીત: પણ હું તો અત્યારે ઈન્ડિયામાં છું.
જેનીએ મીતની વાત વચ્ચે જ કાપી અને તે બોલી, " હા મને બધીજ ખબર છે કે, તું અત્યારે ઈન્ડિયામાં છે અને તારા જસ્ટ મેરેજ થયા છે પણ યાદ છે તને એકવખત તે મને પ્રોમિસ આપી હતી કે, મારે જીવનમાં કોઈ વાર તારી મદદની જરૂર પડશે તો તું મને મદદ કરશે તો મારે અત્યારે તારી ખૂબ જરૂર છે. પ્લીઝ અહીં આવી જા અને મને હેલ્પ કર.. પ્લીઝ યાર...અને જેની ફરીથી રડવા લાગી...
હવે શું કરવું ? મીત સતત એકની એક વાત વિચારી રહ્યો હતો....
શું કરશે મીત ? ભૂતકાળમાં પોતે આપેલું વચન નિભાવવા માટે જેની પાસે દોડી જશે ? માણસાઈ તો તેનામાં ઠસોઠસ ભરેલી છે તો માણસાઈને નાતે પણ તે કોઈની મદદે દોડી જઇ શકે છે. પરંતુ સાંવરી..સાંવરીનું શું ? અને આ જેની કોણ છે તેની સાથે મીતને શું સંબંધ છે ?

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/12/23

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED