સંધ્યા - 28 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 28

સૂરજને આજે એના સ્ટુડન્ટની ટુર્નામેન્ટ માટે નીકળવાનું હતું. એ અનેક આશાઓ સાથે જઈ રહ્યો હતો. એ કાયમ જતી વખતે મમ્મી અને પપ્પાને પગે લાગતો હતો. એમના આશીર્વાદથી જ એ પોતાનું પ્રયાણ બહારની દુનિયામાં કરતો હતો. સૂરજ પોતાના રૂમમાં સંધ્યા પાસે પહોંચી ગયો હતો. જરૂરી દવા સંધ્યા બેગમાં મૂકી રહી હતી. પાછળથી સૂરજ આવીને સંધ્યાને ભેટી પડ્યો હતો. સંધ્યા પણ સૂરજ તરફ ફરીને એને ભેટી પડી હતી. હંમેશા હસતા ચહેરે સૂરજને જતી વખતે સાથ આપતી હતી, આ વખતે એને પ્રયાસ કરવો પડ્યો, એ ખુશ નહોતી, મન ખુબ એનું વ્યાકુળ હતું. સંધ્યાના ભાવ સૂરજ જાણી જ ગયો હતો. બંને એકબીજાને દુઃખી ચહેરો દેખાડવા ઇચ્છતા નહોતા. સૂરજ અભિમન્યુને જતી વખતે રમાડતા બોલ્યો, "તારા મમ્મીનું ધ્યાન રાખજે, તોફાન ન કરીશ." એને પ્રેમથી ગાલ પર ચુંબન કરતા બોલ્યો હતો.

"હા પપ્પા, તમે જલ્દી આવજો. હું તમારી રાહ જોઇશ." આમ કહીને અભિમન્યુએ પણ સૂરજના ગાલ પર ચુંબન કર્યું હતું. એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાય ગયું હતું. સૂરજને જતા સંધ્યા જોઈ જ રહી હતી. સંધ્યાને થતું હતું કે એ સૂરજને રોકી લે, પણ પછી તરત જ પોતાની લાગણીને અંકુશમાં રાખીને મનમાં જ બોલી, મારો પ્રેમ એની પ્રગતિમાં ક્યારેય બાધકરૂપ ન જ હોવો જોઈએ!

સૂરજે દિલ્હી પહોંચીને તરત સંધ્યાને કોલ કર્યો હતો. પોતે શાંતિથી પહોંચી ગયો છે એ જાણ કરવા જ કોલ કર્યો હતો. એ ક્યારેય કોલ કરી જણાવતો નહતો, આ વખતે એણે કોલ કર્યો એ સંધ્યાને ધ્યાનમાં આવ્યું હતું. બધું કંઈક અલગ જ અણગમો ઉત્પન્ન થાય એમ થઈ રહ્યું હતું. છતાં સંધ્યાએ કોઈ સાથે આ વાત શેર કરી નહોતી. આજે પોતાના ફ્રેંડ્સ ગ્રુપમાં એ વાત કરવા જ જતી હતી પણ અભિમન્યુ ઉઠ્યો એટલે સંધ્યા એમાં વ્યસ્ત થઈ ગઈ હતી.
સંધ્યાનો આજનો દિવસ પસાર થઈ ગયો હતો. રાત્રે ઊંઘતી વખતે અભિમન્યુ પપ્પા ને ખુબ યાદ કરી રહ્યો હતો. એને ખુબ પોતાના પપ્પા યાદ આવી રહ્યા હતા. સંધ્યાએ સૂરજને વીડિયોકોલ કર્યો અને અભિમન્યુ સાથે વાત કરાવી હતી. અભિમન્યુ એના પપ્પાને જોઈને ખુશ થઈ ગયો હતો. એણે થોડીવાર વાત કરી તો રાજી થઈ ગયો પછી શાંતિથી ઊંઘી પણ ગયો હતો. આમ જાણે અભિમન્યુએ નિત્યક્રમ કરી નાખ્યો હતો. એ પપ્પા સાથે વાત કરે પછી જ ઊંઘતો હતો.

સૂરજના સ્ટુડન્ટની ટુર્નામેન્ટ ખુબ સરસ જઈ રહી હતી. ફાઇનલને બે જ દિવસ બાકી હતા. ફાઈનલ પહેલા જ ૪/૫ સ્ટુડન્ટ તો ખુબ નામના મેળવી ચુક્યા હતા. સૂરજને ખુબ હરખ હતો કે, એની ટ્રેનિંગથી આ બાળકો પોતાનું સ્વપ્ન પૂરું કરશે.

સંધ્યાએ આજે સૂરજને જયારે કોલ કર્યો ત્યારે અભિમન્યુ ને ઉંઘાડીને ફરી કોલ કરવાનું કહ્યું હતું. સૂરજને આજ સંધ્યાનો ચહેરો જ નહીં પણ અવાજ ઉદાસ લાગી રહ્યો હતો. એ પણ સંધ્યા સાથે વાત કરવા ઉતાવળો હતો. અભિમન્યુના ઊંઘી ગયા બાદ સંધ્યાએ સૂરજને કોલ કર્યો, રીગ હજુ ગઈ ન ગઈ ત્યાં જ સુરજે કોલ ઉપાડીને કહ્યું, "કેમ છે ડાર્લિંગ? કેમ આટલી ચિંતા કરે છે?"

સંધ્યા કંઈ બોલી જ ન શકી અને રડવા જ લાગી. આવું પહેલીવાર બન્યું હોય, સૂરજ પણ સહેજ દુવિધામાં પડ્યો કે, સંધ્યાને કેમ શાંત કરે!

"તું પ્લીઝ રડ નહીં ને! તું મારી આત્મા સાથે જોડાયેલી છે. મારુ શરીર ભલે ક્યાંય પણ હોય હું સદાય તારી સાથે જ હોઈશ. તારા જમણા હાથને તારા હૃદય પર રાખ અને બે સ્પદંન બચ્ચે જે જગ્યા છે ત્યાં જ મારો જીવ શ્વસે છે. તું એ અહેસાસને અનુભવે છે? બોલ ને સંધ્યા તું અનુભવે છે કે નહીં?"

"હા." સંધ્યા માત્ર એટલું જ બોલી શકી.

"તો ક્યારેય આમ રડીશ નહીં."

"હા, નહીં રડું. હમણાંથી ખબર નહીં કેમ પણ મનમાં બહુ જ બેચેની લાગે છે. તમારા વગર બિલકુલ ગમતું નથી." સંધ્યાએ આજ મનને સૂરજ સમક્ષ ઠાલવી જ દીધું હતું.

"અરે મારી જાન! કાલ તો હું ત્યાં આવવા નીકળી જ જઈશ. પરમદિવસે તારી પાસે જ હોઈશ. તું કોઈ ખોટા વિચારને મનમાં ન રાખ, મોજથી જીવ મારા જીવ."

સંધ્યાએ સુરજ સાથે વાત કરી આથી એ ખુબ હળવી થઈ ગઈ હતી. એના મનમાં સૂરજના શબ્દોએ ખુબ હિંમત ભરી દીધી હતી. સંધ્યાનો અણગમો ને બેચેની દૂર કરવા સૂરજ સફળ થયો હતો. સંધ્યાનું મન શાંત થતા એ સૂરજના આવવાની ખુશીમાં શાંતિથી ઊંઘી ગઈ હતી. સંધ્યા તો ઊંઘી ગઈ પણ આજ સૂરજની ઊંઘ ઉડી ગઈ હતી. ખુબ થાક હતો છતાં નિદ્રારાણી મહેરબાન નહોતા થતા. સંધ્યાના અહેસાસને અને લાગણીને યાદ કરતો એ આખી રાત પડખા જ ફરતો રહ્યો હતો. આખી રાત સહેજ પણ ઊંઘ એને આવી નહોતી. સૂરજ આખી રાત સંધ્યાના જ વિચારોમાં ખોવાયેલ રહ્યો, આ લગ્નબાદ પહેલીવાર સૂરજનું મન પણ આટલું વ્યાકુળ હતું. એ કુદરત શું સંકેત આપી રહી છે એ જાણવા અસમર્થ હતો. પણ એ બધા જ નેગેટિવ વિચારને ખંખેરીને ઉભો થઈ ગયો. મળસકુ એક નવી ચેલેંજ સાથે એની સામે ઉભું હતું. આજ ફાઈનલ મેચમાં એના સ્ટુડન્ટની કસોટી થવાની હતી. સૂરજે ખુબ સરસ ઉત્સાહને વધારે એવી સ્પીચ એના સ્ટુડન્ટોને આપી હતી. ખુબ સરસ જુસ્સા સાથે સૂરજના સ્ટુડન્ટ ફાઇનલને રમ્યા અને જીત્યા પણ ખરા! આખા ગ્રાઉન્ડમાં વિજેતાઓ જીતનું જશ્ન કરી રહ્યા હતા. સૂરજ ખુબ જ ખુશ થઈ ગયો હતો. એનું આ સ્વપ્ન પણ પૂરું થયું હતું. એના ચાર સ્ટુડન્ટને ઇન્ટેરનેશનલ કોમ્પિટિશનમાં સીધી એન્ટ્રી મળી ગઈ હતી. આજ સૂરજનું નામ ફરી ઝળહળી ઉઠ્યું હતું.

ટુર્નામેન્ટ પછી સૂરજનું ઇન્ટરવ્યૂ લેવાયું હતું. સૂરજ ખુબ કોન્ફિડન્ટથી એક પછી એક બધા જ પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. પોતાના અમુક અનુભવ પણ એને શેર કર્યા હતા. સુરજે આજે પોતાની પ્રગતિનો શ્રેય એની પત્ની સંધ્યાને આપ્યો હતો. આખો ઇન્ટરવ્યૂ લાઈવ આવતો હતો. ટીવીમાં આખું ઘર એકસાથે જ આ ઇન્ટરવ્યૂ જોઈને ખુશ થઈ રહ્યું હતું. રશ્મિકાબહેનથી સંધ્યા નું નામ સૂરજે લીધું એ સહન નહોતું થયું. રીતસર આજ એમની ઈર્ષાની આગમાં એ બળી જ ગયા હતા. એમની બળતરા આંખના આંસુ બની સરકી એ સંધ્યાએ જોઈ જ લીધું હતું. સંધ્યાને કઈ જ બોલવું ઠીક ન લાગતા પોતાની નજર ટીવી તરફ એણે ફેરવી લીધી હતી.

પંકજભાઈ પણ એમના ઘરે જમાઈનો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા હતા. ત્યાં પંક્તિને પણ આ વાત ખુંચી કે, ગમે તે વાત હોય સંધ્યાના જ વખાણ થાય!

સૂરજનું ઇન્ટરવ્યુ પૂરું થયું અને એણે તરત જ પોતાની ખુશી સંધ્યા સાથે શેર કરી હતી. બંને વીડિયોકોલમાં એકબીજાને જોઈને ઉત્સાહમાં આવી ગયા હતા. અભિમન્યુ એના પપ્પાને જોઈને એની કાલીઘેલી ભાષામાં ટીવીમાં પપ્પાને જોયા એ કહી રહ્યો હતો. ત્રણેય જન ખુબ જ ખુશ હતા. રશ્મિકાબહેન માટે આ ખુશીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. એમના ચહેરા પરનો દ્રેષભાવ ચંદ્રકાન્તભાઈ જાણી ચુક્યા હતા. તેઓ સંધ્યાની ખુશીમાં ખલેલ ન પહોંચે એટલે ચૂપ રહ્યા હતા પણ એમને રશ્મિકાબેહેનનો આ સ્વભાવ હવે બિલકુલ સહન થતો નહોતો.

સૂરજ એની ટીમને લઈને પરત પોતાને ગામ પહોંચી ગયો હતો. એ ખુબ જ ખુશ હતો. આ તરફ સંધ્યાએ સૂરજને સરપ્રાઈઝ આપવા અને તેની જીતને આવકારવાની ખુશીમાં સુંદર રીતે આખું ઘર સજાવ્યું હતું. અભિમન્યુ હવે બધું સમજતો હતો આથી એ પણ ખુબ જ ખુશ હતો.

કેવી હશે આ આવનાર ક્ષણ સંધ્યા માટે?
કેવા હશે અભિમન્યુના જીવનમાં ફેરફાર?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻