સંધ્યા - 27 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંધ્યા - 27

સૂરજની આખી ટીમનું ખુબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વલ્ડ કપની ટ્રોફી સાથે પાડેલ આખી ટીમના ફોટા સોસ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. સૂરજ ના ત્રણ ગોલના લીધે ટીમમાં એનું વિશેષ યોગદાન હતું. સૂરજનું ભારતમાં આવ્યા બાદ ખુબ સરસ રીતે સન્માન સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સૂરજના પર્ફોમન્સના લીધે અનેક સ્પોન્સરો, તેમજ સ્ટેટ તરફથી અને લોકલ પોતાના ગામમાંથી એને અનેક સિલ્ડ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આખી ટીમે ભારત માટેનો રેકોર્ડ નોંધાવ્યો હોવાથી બધાનું નામ દેશભરમાં ચમકી રહ્યું હતું.

સૂરજની સન્માનવિધિ ચાલી રહી હતી અને સંધ્યાને ખુબ જ પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. પંકજભાઈ તાત્કાલિક સંધ્યાને હોસ્પિટલે લઈ ગયા હતા. બાળક અને માતાની પરિસ્થિતિ સારી હતી, પણ સામાન્ય ડિલિવરીથી બાળકનો જન્મ થાય એવી શક્યતા નહોતી. ડોક્ટરે પંકજભાઈને કહ્યું કે, ઓપરેશન કરીને જ બાળકનો જન્મ કરાવવો જરૂરી છે. બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી છે. અને બાળકના ધબકારની ગતિ ધીમી થઈ ગઈ હોવાથી તુરંત ઓપરેશન કરવું જ પડશે, નહીતો બાળકની સાથોસાથ માતાના જીવને પણ જોખમ છે.

પંકજભાઈએ હોસ્પિટલ જતી વખતે ચંદ્રકાન્તભાઈ અને રશ્મિકાબહેનને પણ જાણ કરી હોસ્પિટલ બોલાવી લીધા હતા. તેઓ પણ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. સુનીલે ઓપરેશનની બધી ફોર્માલિટી પુરી કરી અને સહી કરી હતી. સંધ્યાને ઓપરેશન માટે લઈ ગયા હતા. થોડી જ મિનિટોમાં એક નર્સે સમાચાર આપ્યા કે, સંધ્યાએ એક ખુબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. રશ્મિકાબેન ખુબ જ ખુશ થઈ ગયા હતા. હરખમાં એને ધ્યાન નહોતું કે, તેઓ એમ પણ બોલી ગયા કે, "મારી વહુએ આ ઘરનો વારસદાર આપ્યો છે." એમની વાતમાં પુત્ર મોહની ઝલક દેખાઈ રહી હતી. દક્ષાબહેનને ધ્યાનમાં તો આવ્યું પણ અત્યારે એમને ચૂપ રહેવું જ યોગ્ય લાગ્યું હતું. દક્ષાબહેનને એમ થઈ આવ્યું કે, કદાચ દીકરી જન્મી હોત તો શું રશ્મિકાબહેનને દાદી બનવાનો હરખ ન થાત? પણ એમને પોતાના વિચારોને અંકુશમાં લીધા અને પોતે નાની પણ બની ગયા એ ખુશીને માણવામાં ફરી વ્યસ્ત થઈ ગયા.

સંધ્યા હજુ ઘેનમાં જ હતી એને પોતાના પુત્રને સરખો જોયો જ નહોતો. સંધ્યાને જેવી દવાની અસર ઓછી થઈ કે એને પોતાના પુત્રને માંગ્યો, જેવો સંધ્યાએ એના પુત્રને હાથમાં લીધો કે સૂરજ ટ્રોફી, મેડલ, અનેક પ્રાઈઝ લઈને સંધ્યાની સમીપ પહોંચી ગયો હતો. એક જ ક્ષણે માતા અને પિતાએ પોતાના પુત્રને હાથમાં લીધો હતો. એટલી જ વારમાં સંધ્યાનું ગ્રુપ પણ ત્યાં આવી પહોંચ્યું હતું. બધા આ જન્મેલ નાનું બાળક જોઈને તરત બોલ્યા, બાળક ખુબ પ્રસિદ્ધિ અપાવશે. રાજે સૂરજ, સંધ્યા અને બાળકના ફોટા પાડ્યા અને થોડી જ મિનિટોમાં તો એ દેશ વિદેશમાં વાઇરલ થઈ ગયા હતા. સૂરજ હવે સેલિબ્રિટી બની ગયો હતો. સંધ્યા અને સૂરજ બંને પોતાની કસોટીમાં જીતી ગયા હતા. જીવનની આ ક્ષણ બંને માટે જીવનભરની મહત્વની ક્ષણ બની ગઈ હતી.

સંધ્યાના આનંદના દિવસો ખુબ સરસ વીતવા લાગ્યા હતા. સૂરજને તો અનેક જોબ માટે મોડેલિંગ માટે અને એડ્વર્ટાઇઝ માટે અનેક ઓફરો આવવા લાગી હતી. અમુક લોકો તો પોતાની એકેડમી સૂરજને સંભાળવાની ઓફર આપતા હતા. સૂરજે પોતાની જોબ સિવાય ફક્ત મોડેલિંગ અને એડ્વર્ટાઇઝ ની જ ઓફર સ્વીકારી હતી. એકંદરે બધું જ ખુબ સરસ ચાલતું હતું.

સંધ્યાએ એના પુત્રનું નામ અભિમન્યુ રાખ્યું હતું. અભિમન્યુ ખુબ જ પ્રભાવશાળી અને અતિશય હોશિયાર હતો. એક વખત કોઈ પણ બાબત સમજી લે, પછી ફરી એને ક્યારેય કહેવું પડતું નહોતું. સાક્ષી અને અભિમન્યુને ખુબ બનતું હતું. બંને એકબીજા સાથે વધુ ખુશ રહેતા હતા. સંધ્યા તો એમનો સાથ અને નિખાલસ પ્રેમ જોઈ ખુબ ખુશ હતી. પંક્તિને એક દુઃખ હતું કે, પહેલા ખોળે સંધ્યાને કેમ પુત્ર! પંક્તિ ન હોય ત્યાંથી કોઈપણ વાત મનમાં લઈને પોતાના નેગેટિવ વિચારને વેગ આપતી રહેતી હતી.

સંધ્યા અને પંક્તિ બંનેના બાળકો જોતજોતામાં એક વર્ષના થઈ ગયા હતા. બંને બાળકોના જન્મદિવસનું આયોજન સાથે જ રાખ્યું હતું. આ આયોજન એક ખુબ સરસ ફાર્મહાઉસમાં ગોઠવ્યું હતું. સૂરજની જે પ્રમાણેની નામના બની હતી એ પ્રમાણે બધી જ મોટી મોટી હસ્તીઓ પણ આ જન્મદિવસની પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવી હતી. પંક્તિને આ બધી જ નામના સૂરજના લીધે હતી એ વાત ખુબ જ ખુંચતી હતી. એ બોલતી નહીં પણ એના સ્વભાવની છાંટ સંધ્યા અનુભવી લેતી હતી. બધાએ ખુબ સરસ જન્મદિવસની પાર્ટીની મજા માણી હતી.

સાક્ષી અને અભિમન્યું સમય સાથે આગળ ઝડપી મોટા થઈ રહ્યા હતા. એ બંનેને હવે અઢી વર્ષ થઈ ગયા હતા. સાક્ષીની અણસાર જેમ એ મોટી થતી જાય એમ એ વધુ એની ફઈ જેવી જ દેખાઈ રહી હતી. અભિમન્યુ દેખાવે સૂરજ જેવો જ હતો. રશ્મિકાબહેનને અભિમન્યુને જોઈને સૂરજનું બાળપણ યાદ આવી જતું હતું. એ ઘણીવાર બોલતા પણ ખરા કે, બધી વાતે સૂરજ જેવો જ નખરાળો થયો છે.

સંધ્યાના હસતા હસતા એકદમ સરસ દિવસો વીતી રહ્યા હતા. એ ખુબ જ ખુશ હતી. જયારે પણ ટીવીમાં અથવા રોડ પર સૂરજના પોસ્ટર્સ જોતી એ ખુબ જ પોતાના પ્રેમ માટે ગર્વ અનુભવતી હતી. સંધ્યાની આ ખુશી સૂરજ પણ સ્પર્શી શકતો હતો. એ સંધ્યાને કહેતો કે, તું મારે માટે ખુબ ભાગ્યશાળી છે. મારા જીવનમાં તારા આવ્યા બાદ જ હું આટલી અકલ્પનિય નામના મેળવી શક્યો છું. બંનેને પોતના જીવનથી ખુબ સંતોષ અને અપાર પ્રેમ હતો. એક નાનું અને અત્યંત ખુશ પરિવાર એમના જીવનનો ખરો આનંદ ઉઠાવી રહ્યું હતું.

સૂરજના સ્ટુડન્ટોની નેશનલ ટુર્નામેન્ટ આવી રહી હતી. સૂરજ એમની તૈયારીઓમાં ખુબ જ વ્યસ્ત હતો. આ ટૂર્નામેન્ટમાં જે રમતવીરો ખુબ સરસ પર્ફોર્મ કરે એમને સીધી એન્ટ્રી ઇન્ટેરનેશનલમાં મળશે એવી આ ટુર્નામેન્ટની ખાસિયત હતી. આથી સૂરજ ખુબ જ પ્રયાસ કરતો હતો કે, એના સ્ટુડન્ટ મેક્સિમમ સંખ્યામાં ઇન્ટરનેશનલ રમવા જઈ શકે! સૂરજની ખુબ મહેનત અને પૂરું ધ્યાન અત્યારે આ ટુર્નામેન્ટમાં હતું. ફરી એની આંખમાં એક સ્વપ્ન ઝળહરિયું હતું. અને એ સ્વપ્નને પૂરું કરવા ખુબ પ્રયત્નશીલ હતો.

સૂરજની સતત વ્યસ્તતાના લીધે એ પૂરતો સમય પોતાના પરિવારને આપી શકતો નહોતો! એ હંમેશા એ વાતની ફરિયાદ સંધ્યાને કરતો કે, "હું મારા સપનાઓ પુરા કરવામાં તને યોગ્ય સમય આપી શકતો નથી."

"તમારું આખું જીવન મને જ તો તમે આપ્યું છે, આપણે કાયમ સાથે જ તો છીએ!" ખુબ લાગણીસભર જવાબ સંધ્યા આપતી હતી.

સંધ્યાની આમ વાત કરવાની રીત સૂરજને ખુબ રોમાંચિત કરી દેતી. સંધ્યા જયારે પણ આમ વાત કરતી એ સંધ્યાને પોતની બાહોમાં આલિંગનમાં લઈને ખુબ પ્રેમ વરસાવતો હતો. સંધ્યા સૂરજના પ્રેમમાં એટલી ગળાડૂબ હતી કે, દુનિયા સાથે એને હવે કોઈ મતલબ જ નહોતો. બસ, સૂરજ જ એની દુનિયા એના સિવાય હવે એને કાંઈ જ દેખાતું નહીં. હા, એ બધી પોતાની ફરજ બજાવતી હતી અને અભિમન્યુ માટે પણ અપાર લાગણી હતી, પણ સૂરજ વગર એને ક્યાંય ચેન પડતું જ નહોતું.

સૂરજે એના સ્ટુડન્ટની ટુર્નામેન્ટની તારીખ નક્કી થઈ એ જાણ સંધ્યાને કરી ત્યારે આ પહેલી વખત સંધ્યાને ખુબ બેચેની થવા લાગી હતી. એ બોલી જ ઉઠી, "ઓહ! આટલા બધા પંદર દિવસ મારા કેમ જશે? મને તમારા વગર હવે
બિલકુલ ગમતું નથી."

"અરે મારી ડાર્લિંગ! કેમ આમ વાત કરે છે? પંદર જ તો દિવસ છે એ આમ જતા રહેશે!"

"જો તમને યોગ્ય લાગે તો હું ને અભિમન્યુ પણ ત્યાં જોડે આવીએ?"

"તમે આવો તો મને ખુબ ગમે પણ હું એટલો વ્યસ્ત હોઈશ કે તમે બંને કંટાળી જશો. વળી, અભિમન્યુ પણ હજુ ત્રણ વર્ષનો પણ નથી એને સાચવીને તું પણ કંટાળી જઈશ. બીજી વખત જાઉં ત્યારે તને ચોક્કસ લઈ જ જઈશ."

"હા, તમે જેમ કહો તેમ." સરસ હાસ્ય સાથે સંધ્યાએ કહ્યું હતું. સંધ્યાએ હા તો કહી પણ એક ગજબનો અણગમો એને થઈ રહ્યો હતો.

શું સૂરજનું આ ટુર્નામેન્ટમાં એના સ્ટુડન્ટ સારું પર્ફોર્મ કરશે?
કેમ સંધ્યાને અચાનક બેચેની અને અણગમો થયો?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻