વાર્તા : *ઊંચી બિલ્ડીંગ*
એણે ઉંચે જોયું
"તું અહીં રહે છે એમ ને?!"
"ટોપ ફલોર" અક્ષરાએ ભાવિન સામેથી નજર હટાવ્યા વિના કહ્યું.
"હું આજ સુધી માનતો હતો કે આ ઊંચી ઊંચી બિલ્ડીંગમાં રહેતા માણસો ખૂબ સુખી હોય છે કોઇ વાતની કમી નહી,નોકર ચાકર અને એશો આરામની જીંદગી,પણ તને મળ્યા પછી મને ખબર પડી કે બધી ચમકતી વસ્તુઓ સોનું નથી હોતી."
"મને ગુંગળામણ થાય છે આ ઉંચા મકાનમાં જાણે કે મારો શ્વાસ રુંધાતો હોય અહીં મારી મરજીથી હું શ્વાસ પણ નથી લઇ શકતી અહીં આવતા જ એવું લાગે છે કે હું જાણે કે ગુલામ હોવ.મામીના કડવા વચનો હ્દય સોંસરવા ઉતરી મને સતત વિંધતા રહે છે.મારા જન્મ પછી એક જ વર્ષમાં મારા પિતાનું અચાનક આવેલા હાર્ટએટેકથી અવસાન થતાં મારી માં એ મને ઉછેરીને મોટી કરી,ભણાવી મને આ નોકરી મળતા અમને લાગ્યું કે હવે સુખના દિવસો આવશે મેં નક્કી કર્યુ હતું કે હું લગ્ન નહી કરું અને મારી માં ને દિકરો બનીને સાચવીશ પણ આપણા ધાર્યા પ્રમાણે બધું કયાં કદી બને છે કારખાનામાં કામ કરીને મારી માં ટીબીના રોગનો ભોગ બની જે એના માટે જીવલેણ સાબિત થયો મારો પહેલો પગાર આવ્યો ત્યારે મેં એને કહી દીધું કે હવે તારે આ મજૂરીએ જવાની જરૂર નથી પણ કદાચ એના ભાગ્યમાં સુખ નહોતું અને એના મૃત્યુ સાથે મારી કમનસીબીની પણ શરૂઆત થઇ યુવાન દિકરીએ આ જમાનામાં એકલા રહેવું યોગ્ય નથી એમ કહી મામાએ મને એમની સાથે રહેવા બોલાવી લીધી મામીએ વિરોધ તો ન કર્યો પણ એમનો રોષ આજ દિવસ સુધી મારા પર ઠલવાતો રહ્યો.મામાના સુખી સંસારમાં હું કજીયાનુ કારણ બનવા નથી માંગતી એટલે ચૂપચાપ બધું સહન કર્યે જાઉં છું મારી સહનશક્તિ હવે ઘટતી જાય છે એટલે કયારેક મામી સાથે ઉગ્ર બોલાચાલી થઇ જાય છે મામને હજુ સુધી આ વાતની જાણ જ નથી એમને ખબર પડે તો પોતાની વ્હાલસોયી બહેનની એકની એક દિકરી પર કરેલા અત્યાચાર માટે પોતાની પત્નીને કદી માફ ન કરે.માં ને ઘડપણમાં સુખ આપવા માટે મારે લગ્ન નહોતા કરવા પણ હવે જયારે માં નથી રહી તો હું આ નર્ક માંથી છુટવા માંગુ છું મને આ મહેલ કરતાં તારું નાનું ઘર વધુ ગમશે.જયાં પોતાનાઓ પ્રત્યે પ્રેમ છે,લાગણી અને હૂંફ છે એ ઘર છે જયારે આ ઉંચી બિલ્ડીંગમાં તો ચાર દિવાલોનું સુખ સગવડતા વાળું એક મકાન છે."
કહેતા તેની આંખો ભરાઇ આવી.
તેની આંખોમાં આવેલા આંસુને લુછતા ભાવિને કહ્યું,
"બહુ જલ્દી એ સમય આવશે જયારે તું એ ઘરમાં રહેતી હોઇશ મકાનમાં નહી મારા મમ્મી પપ્પા બહુ પ્રેમાળ છે ઇશ્વરે કદાચ એટલે જ એમને દિકરી નહી આપી હોય કારણ કે એની ઇરછા વહુને સ્વરૂપે દિકરી આપવાની હશે!"
આપણે એકસાથે જીવવાનું નક્કી કરી લીધું છે ત્યારે હું તને વચન આપું છું કે હું તને ઉંચી બિલ્ડીંગમાં તો રાખી નહી શકું પણ ઉંચા મનના અને વિશાળ હ્દય ધરાવતા પ્રેમાળ માતાપિતા ચોક્કસ આપી શકું એમ છું.
"મારા માટે એ જ સાચું સુખ છે હું પણ તને વચન આપું છું કે હું એમના વિશાળ હ્દયના એક ખૂણાને આજીવન મારું સ્થાન બનાવી લઇશ."
બીજા દિવસે જ ભાવિન અક્ષરાને એના પરિવારને મળવા લઇ ગયો ત્યારે એના મમ્મી પપ્પા એ એને આશીર્વાદ આપીને કહ્યું કે, "બેટા અક્ષરા, તું જરાય ચિંતા ન કરતી એમને ભાવિને બધી વાત કરી છે તું અમારે મન અમારી દીકરી જ છે.ભાવિન પણ તને ખુબ પ્રેમ કરે છે.અમે તારા મામા પાસે તારો હાથ માંગવા આવીશું અને તને અમારા ઘરની વહુ બનાવીને લઇ આવશું.
આટલું સાંભળતા જ અક્ષરા ભાવિ સાસુના ખોળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડી પડી.મન હળવું થતા એ બોલી,
"આજે મને ફરી માં મળી ગઇ."