ડાયરી - સીઝન ૨ - વૃદ્ધ એટલે સમૃદ્ધ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - વૃદ્ધ એટલે સમૃદ્ધ

શીર્ષક : વૃદ્ધ એટલે સમૃદ્ધ
©લેખક : કમલેશ જોષી
એક વાર જિંદગીના ચાર દાયકા વટાવી ચૂકેલા અમારા એક સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે એક વિચિત્ર વાક્ય કહ્યું, “સાલું, અત્યારથી જ બુઢાપાનો ડર બહુ સતાવી રહ્યો છે.” અમે સૌ એની સામે ગંભીરતાથી તાકી રહ્યા. ચાલીસ-પિસ્તાલીસ વર્ષની ઉંમરે હજુ તો લાઇફ અર્ધે પણ માંડ પહોંચી કહેવાય ત્યાં પેલા મિત્રને આવો વિચાર કેમ આવ્યો?
એણે અમને પૂછ્યું, “તમે જ તમારી આસપાસના દસ સિક્સટી અપ વડીલોનો વિચાર કરો. એમના વાણી, વર્તન, વિચારો, લાઇફ સ્ટાઈલ, દૈનિક ટાઈમ ટેબલ જુઓ. તમને નથી લાગતું કે ઈટ ઇસ વેરી ટફ પિરીયડ ઓફ લાઇફ?” અમે સૌ બે ઘડી વિચારમાં પડી ગયા. સિક્સટી અપ વડીલોને અમે યાદ કર્યા. બે'ક વડીલ ભારે જિદ્દીલા બની ગયા હતા, બે-ત્રણ પથારીમાં આખો દિવસ ઉધરસ ખાતા પડ્યા હતા, બે'ક સાવ છોકરમત પર ઉતરી ગયા હતા અને બે'ક જ એવા હતા જે જિંદગીનો આ પિરીયડ પણ મસ્ત રીતે માણી રહ્યા હતા. મિત્રો, તમને શું લાગે છે, આપણે ક્યાં હોઈશું? પહેલા આઠ જેવા કે છેલ્લા બે જેવા? શારીરિક રીતે તો કદાચ તમે એ ઉંમરે હાલતા-ચાલતા, રોટલી શાક બનાવતા, મંદિરે આવતા-જતા હશો પણ આપણી માનસિકતા, માઈન્ડસેટ શું દુરસ્ત, એનર્જેટિક, પાવરફુલ હશે?
“પહેલાના જમાનામાં આયુષ્ય સો વર્ષનું હતું અને એય પાછું શરદઋતુ જેવું લીલુંછમ.” પેલા સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે વાતને આગળ વધારતા કહ્યું, “એ જમાનામાં એજ્યુકેશન, ફેમિલી, સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અને છેલ્લે સોશ્યલ સર્વિસીસમાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષની લાઇફનું ડિવિઝન પ્રોપર હતું. પરંતુ હવે સિક્સટીનો ફિગર ટચ થતાં જ જાણે લાઇફની બેટરી ઝીરો પર આવી જાય છે, ત્યારે આપણે ફેર વિચારણા કરવાની જરૂર હોય એવું નથી લાગતું?” એ અટક્યો.
“એટલે? તું કહેવા શું માંગે છે?” સમજુ મિત્રે એની વાતનું તારણ કાઢતા કહ્યું, “આપણે પચ્ચીસ-પચ્ચીસની બદલે પંદર-પંદર વર્ષમાં લાઇફને ડિવાઈડ કરવી એમ?” સોશ્યલ ઓબ્ઝર્વરની આંખોમાં ચમક આવી.
“યેસ, ધેર યુ આર. જો લાઇફના ચારેય સેમેસ્ટર ભરપૂર માણવા હોય તો પહેલા પંદર વર્ષ બાળપણ-યુવાની-એજ્યુકેશન, સોળથી ત્રીસ વર્ષ ફેમિલી લાઈફ, ત્રીસથી પિસ્તાલીસ ફેમિલીની તમામ રિસ્પોન્સીબીલીટી પૂરી કરી લેવી અને પિસ્તાલીસથી સાંઠ સંન્યાસ-મોક્ષ-મેડીટેશન-ઈશ્વરત્વ.” એ અટક્યો. એ ગંભીર હતો.
“શું ગાંડા જેવી વાત કરે છે?” અમારા ટીખળી મિત્રે બેટ ફેરવ્યું. “હજુ ફોર્ટી પ્લસ જ તને થયા છે ત્યાં તું એઇટી પ્લસ જેવી વાતો કરે છે. ખરેખર તો લાઇફ હવે જ શરુ થાય છે. નોકરી, બાળકો બધું સેટ થઈ ગયું છે. થોડાં-ઘણાં પૈસા પણ હાથમાં છે. દસ પંદર હજાર પર હેડમાં જમ્મુ-કાશ્મીર, કુલુ-મનાલી, ડેલહાઉસી, હરિદ્વાર-ઋષિકેશના પેકેજમાં નીકળી પડવાનો હવે જ તો સાચો સમય આવ્યો છે. ચાલીસથી પચાસના બે-ચાર લાખ રૂપિયા જેટલું ધન જો આવી ટૂરમાં વાપરો તોયે તન-મન વીસ પચ્ચીસ વર્ષના જુવાનીયા જેવું ધસમસતું થઈ જાય અને બુઢાપો ઉભી પૂંછડીએ આઘો ભાગે.” ટીખળીએ બાઉન્ડ્રી ઠેકાડી.

અમને કેટલાક એવા ફોર્ટી-ફિફ્ટી પ્લસ વ્યક્તિઓ પણ યાદ આવ્યા કે જેઓ ગોકુલ, મથુરા, વૃંદાવન, હરિદ્વારની જાત્રાએ જઈ આવ્યા પછી મહિનાઓ સુધી કોન્ફિડેન્સ અને મૌજ-મસ્તી ભરી વાતો અને વિચારોથી ફેમિલીના ઉત્સાહ અને હિંમતમાં વધારો કરતા હતા. એક વડીલ માજી પાંસઠ વર્ષે પહેલી વખત ગોકુલ-મથુરા ગયા અને ત્યાંનો ફૂલડોલનો ઉત્સવ એમણે માણ્યો. એ પછી એમનામાં અનોખો શક્તિ સંચાર થયો અને નેક્સ્ટ ટાઈમ ક્યા-ક્યા સ્થળે જવું છે એનું લાંબુ લચક લીસ્ટ પણ એમણે તૈયાર કરી લીધું. સિક્સટી પ્લસ એક વડીલે હમણાં એમનું અને એમના પૌત્રનું સિક્રેટ શેર કર્યું. દિવાળી આવે એટલે સાત વર્ષનો પૌત્ર દાદુ-દાદુ કરતો દાદાજીને ઘરના છાના ખૂણે લઈ જાય અને એક ચબરખી થમાવતા કહે: દાદુ આ રહ્યું મારું લીસ્ટ, મમ્મીને કહેતા નહિ, આ આપણી વચ્ચેનું સિક્રેટ છે. એ પછી દાદુ અને પૌત્ર ગામની બજારમાં નીકળી પડે. દસેક દુકાન ફરે ત્યારે માંડ લીસ્ટની બધી આઈટમની સામે રાઇટનું ટીક થાય, કુલ બિલ એકસો ત્રીસ કે બસો એંસી રૂપિયા માંડ થાય. પાછા ફરે ત્યારે ફટાકડા અને રમકડાના ખજાનાનો ઢગલો કરતી વખતે બાળકની આંખોમાં જે ઉત્સાહ હોય એ દાદાજીની નસેનસમાં ગ્લુકોઝના બે બાટલા ચઢાવ્યા હોય એટલો બધો શક્તિ સંચાર કરી મૂકે.

મિત્રો, દરેક ઉંમરની પોતાની મજા છે. નવું પકડતાં જઈએ, માણતાં જઈએ એટલે જુનું આપોઆપ છુટતું જાય. જુવાનીમાં આપણે ટુ વ્હીલર પકડ્યું એટલે ત્રણ પૈડાંવાળી સાયકલ છૂટી જ ગઈ ને! નોકરી-ધંધામાં રિસ્પોન્સીબીલીટીનો આનંદ માણતાં થયા એટલે જુવાનીની થોડી બેફિકરાઈ અને થોડું ગાંડપણ છૂટી જ ગયા ને! એમ જ વૃદ્ધાવસ્થાની એવી કેટલીયે મોજ છે, મસ્તી છે જે બાળપણ કે યુવાનીમાં ક્યારેય માણી શકાતી નથી. જુવાનીમાં કદી ન ભાવતી ખીચડી વૃદ્ધાવસ્થામાં કેવી ડિલીશીયસ લાગે છે, જુવાનીમાં ન ગમતા ભજનો વૃદ્ધાવસ્થામાં કેટલા બધા મોટીવેશનલ લાગે છે, જુવાનીમાં ન ગમતા ફેમિલી મેમ્બર્સ માટે વૃદ્ધાવસ્થામાં કેટલી બધી ઝંખનાં જાગે છે એ તો ફિફ્ટી-સિક્સટી પ્લસ થઈએ ત્યારે જ ખબર પડે. જરા પોઝિટીવ નજરે આસપાસ અવલોકન કરશો તો કેટલાય વડીલો માન-સન્માન પૂર્વક એકદમ હસતા-ખીલતા પોતાની વૃદ્ધાવસ્થામાં ભજન, ભૂલકાંઓ, ભગવાન, આશીર્વાદ, આશ્વાસન, આદર, અનુભવ અને આરામની સમૃદ્ધિને એટલી બધી મસ્ત રીતે માણતાં જોવા મળશે કે ભીતરે થોડી ઘણી ઈર્ષાનો ભાવ જાગ્યા વિના નહિ રહે. આવી ઈર્ષા મીઠી કહેવાય હોં. કુદરતે સર્જેલી અવસ્થાઓમાં ખામીઓ શોધવાને બદલે જો ખૂબીઓ શોધવાની ટ્રાય કરીશું તો ઈશ્વરની અસીમ કૃપાનો વરસાદ ચોક્કસ થશે એવું મારું માનવું છે. તમે શું માનો છો?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)