ડાયરી - સીઝન ૨ - ઉંધિયું Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી - સીઝન ૨ - ઉંધિયું

શીર્ષક : ઉંધિયું
©લેખક : કમલેશ જોષી
તમે એ માર્ક કર્યું? આજકાલ દસમાંથી આઠ ગુજરાતી લગ્ન પ્રસંગોના જમણવારમાં બીજું કંઈ હોય કે ન હોય પણ ઉંધિયું તો હોય, હોય અને હોય જ છે. તમે શું માનો છો, કોઈના લગ્નની કંકોત્રી હાથમાં આવે ત્યારે મોટાભાગના લોકો કંકોત્રી ખોલીને કઈ વિગત સૌથી પહેલા વાંચતા હશે? કુળદેવી કોણ છે એ? સાંજી ક્યારે છે એ? હસ્તમેળાપનું ચોઘડિયું કયું છે એ? ના, ભાઈ ના. હસવું આવે, શરમ આવે તો પણ સ્વીકારવું પડે એવું સત્ય એ છે કે મોટાભાગના લોકો સ્વરુચિ ભોજનની તારીખ, વાર, સ્થળ અને સમય વાંચવામાં ઈન્ટરેસ્ટેડ હોય છે, એવું અમારા પેલા ટીખળી મિત્રનું માનવું છે. તમે શું માનો છો?

એમાંય જો પ્રસંગ એકાદ-બે દિવસ પછી જ હોય તો તો કંકોત્રી વાંચનારને જમણવારની થાળી પણ દેખાવા માંડે અને એકાદ મીઠાઈ અને બે-ત્રણ પૂરીની વચ્ચે પીરસાયેલા ઉંધિયાનું પણ સ્પષ્ટ વિઝ્યુલાઈઝેશન એની આંખો સામે થવા લાગે બોલો! બે ક્ષણ તો ઉંધિયામાં વચ્ચોવચ બેઠેલી મસ્ત મજાની ગોળગોળ વડીઓ જોઈ એ કંકોત્રી (અને આ આર્ટીકલ) વાંચનારના મોંમાં પાણી આવી જાય હોં. આજકાલ લગ્ન પ્રસંગ તો જવા દો, ગુજરાતીઓના હોળી, દિવાળી અને મકરસંક્રાંતિ જેવા તહેવારો પણ ઉંધિયા વિના જાણે અધૂરાં હોય એવું થઈ પડ્યું છે. લગ્નપ્રસંગમાં જેમ અંગતોને સહકુટુંબ પધારવાનું આમંત્રણ હોય એમ જ પ્રસંગની થાળીમાં ઉંધિયું એટલે સહકુટુંબ પધારેલા શાકભાજી સમજી લો. બટાકા, રીંગણ, શક્કરીયા, રતાળુ, વાલોર, લીલી તુવેર, કાચા-પાકા કેળા, બે'ક કઠોળ અને મસ્ત મજાની વડી, જયારે મોટા ટોપમાં કે થાળીમાં ભેગા મળી ‘સ્માઈલ પ્લીઝ’ કરી ફોટો પડાવતા હોય ત્યારે એ દૃશ્ય લગભગ દરેક ગુજરાતીની નસેનસમાં અનોખો રક્ત સંચાર અને હૈયામાં ગજબનો હરખ પ્રગટાવતું હોય છે.

“સંયુક્ત ફેમિલીની આ જ તો મજા છે.” એક વડીલે આ વાક્ય કહીને આખી વાતને ફેમિલી, ગ્રુપ, મંડળી, ટોળકી, ટીમ અને દોસ્તારુંની મહેફિલ સાથે જોડી દીધી ત્યારે અમે સૌ મિત્રો વિચારમાં પડી ગયા. એ વડીલે આગળ કહ્યું, “એકલા બટાકાના શાક કે રીંગણના શાકની બિચારાની ઉંધિયા સામે શી વિસાત? ગ્રુપ ઈ ગ્રુપ.” અમને પણ વિચાર આવ્યો. વડીલની વાત તો સાચી હતી.

હમણાં એક મિત્રને ત્યાં ત્રણ-ચાર દિવસ રોકાવા જવાનું થયું. ચૌદ જણાનું સંયુક્ત ફેમિલી. દાદા-દાદી, ત્રણ ભાઈઓ-ત્રણ વહુઓ, દરેકના બબ્બે બાળકો. સરવાળે નિશાળિયા, કોલેજીયન, નોકરીયાત અને નિવૃત્ત લોકોના ઊંધિયા જેવો એ હસતો-ખીલતો અને હળીમળીને રહેતો પરિવાર જોઈ આંખ ઠરી અને નવાઈ પણ લાગી કે હાવ ઈટ ઇઝ પોસીબલ? આજના યુગમાં આવડો મોટો સંયુક્ત પરિવાર એક તાંતણે બંધાઈને કેવી રીતે રહી શકે? ત્રણ જ દિવસમાં એ તાંતણો પણ મળી ગયો જેણે આ પરિવારને સ્નેહ અને હર્ષના બંધને બાંધી રાખ્યો હતો. પહેલી જ રાત્રે લગભગ આઠેક વાગ્યે આખો પરિવાર હોલમાં એકઠો થયો. દાદા દાદી હિંચકે બેઠા, પુત્રો, વહુઓ અને અમે સોફાઓ પર અને જુવાનીયાઓ એક પોર્ટેબલ સ્પીકર અને માઈક સાથે નીચે જાજમ પર. ફિક્સ સમયે સૌએ હાથ જોડી સંસ્કૃતનો એક શ્લોક બોલ્યો. એ પછી કોલેજમાં ભણતી દીકરીએ માઈકમાં એકાદ શાયરી કહી નાનકડું સંબોધન કર્યું અને સોફા પર બેઠેલા કાકા-કાકીને નેક્સ્ટ રજૂઆત માટે આમંત્રણ આપ્યું. કાકીએ સૂરીલા અવાજમાં ‘મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ..’ ગીત, વિથ કારાઓકે મ્યુઝીક, મસ્ત રીતે પેશ કર્યું, જે સૌએ ઝીલાવ્યું અને વધાવ્યું. સંચાલક કોલેજીયન દીકરીએ કાકીની રજૂઆતને વખાણી અને નેક્સ્ટ રજૂઆત માટે સ્કૂલબોયને આમંત્રણ આપ્યું. સ્કૂલ બોય ટેણીયાએ કોલેજીયન મોટીબહેન સાથે મળીને “ઉડ જા કાલે કાવા” ફિલ્મી ગીત વિથ કારાઓકે લલકાર્યું. ફરી તાળીઓનો ગડગડાટ અને સરાહના. એ પછી સંચાલક દીકરીએ મોટા કાકાને આજના મુખ્ય સમાચાર અને જાણવા જેવી વાતો કહેવા આમંત્રિત કર્યા. રાજકારણ, વર્લ્ડકપ, નવી શિક્ષણનીતિ અને શહેરમાં યોજાનારી મેરેથોન દોડ વિષે મોટાકાકાએ બબ્બે લીટીના ટૂંકા પણ માહિતીસભર ન્યુઝ સૌને શૅર કર્યા. સ્કૂલ બોયે અને કોલેજીયન મોટા ભાઈએ એક-એક પ્રશ્ન પણ મોટા કાકાને એ સંદર્ભે પૂછી લીધા. એ પછી કોલેજીયન દીકરીએ ટેબલ પર પડેલા બે-ત્રણ પુસ્તકો ઉથલાવી એક હાથમાં લીધું અને એના બુકમાર્ક રાખેલા પેજને ખોલીને વાંચવાનું શરુ કર્યું. ઓહ, આ તો કોઈ વર્તમાન જાણીતા લેખકની ટચુકડી મોટીવેશનલ વાર્તા હતી. ત્રણ જ મિનિટમાં એ પૂરી થઈ. મનમાં સંતોષ અને સમાધાનના ભાવ સાથે સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો. એ પછી કોલેજીયન દીકરી એ દાદીમાને ‘સમાપન’ માટે આમંત્રિત કર્યા. દાદીમાએ આજની સૌની રજૂઆતોને મસ્ત રીતે બિરદાવી અને બે'ક સજેશન પણ કર્યા. છેલ્લે ફરી પેલો શ્લોક બોલાયો અને મીટિંગ પૂરી થઈ. મસ્ત મજાનું જમી-કારવીને સૌ પોતપોતાના કામે લાગી ગયા. આવું અમે ચારેય દિવસ જોયું. રોજ રોજ વક્તાઓ અને સંચાલકો બદલી જતા હતા. મેં માર્ક કર્યું, વડીલોના ચહેરા પર રમતી પ્રસન્નતા અદ્ભૂત હતી અને ફેમિલી મેમ્બર્સ પણ ફૂલ કોન્ફિડેન્સ સાથે પરસ્પર હળીમળીને મોજ કરતા હતા.

મિત્રો, તમે નાનપણથી શરુ કરીને અત્યાર સુધીમાં અનેક ગ્રુપમાં જોડાયા હશે અને અનેક ગ્રુપ તમે છોડી પણ દીધા હશે. સ્કુલ છૂટે કે બાળપણ છૂટે એટલે શેરી-સોસાયટીના મિત્રો ખોવાઈ જાય અને ઓફિસના મિત્રોનું નવું ગ્રુપ રચાય, શહેર બદલે કે ઓફિસ બદલે એટલે ફરી નવું ગ્રુપ મળે અને જુનું વિખેરાય જાય. ગ્રુપ કે મિત્રો વિનાનો વ્યક્તિ ‘કમનસીબ’ હોય છે એવું અમારા એક વડીલ કહેતા. મિત્રો, પેલા ચાર દિવસના મારા અનુભવ ઉપરથી મને લાગ્યું કે ભારતીય ઋષિઓએ ‘કુટુંબ’ નામના ‘ગ્રુપ’ની રચના કરીને આપણી ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે એ જાણવું હોય તો કોઈ કુટુંબ વિહોણા ‘કમનસીબ’ને જ પૂછવું પડે. આપણે ભલે વ્યક્ત કરીએ કે ન કરીએ પણ જેમ શેરી-સોસાયટી મિત્રોના છૂટી ગયેલા ગ્રુપને સતત મિસ કરતા હોઈએ છીએ એમ જ જુદા રહેવા ગયેલા દીકરો-વહુ કે માતા-પિતા કે સાસુ-વહુ પણ એકબીજાને બેહદ મિસ કરતા હોય છે એવું મારું માનવું છે. તમે શું માનો છો? આજના રવિવારની બપોર કે સાંજ, આપણાથી રિસાઈને કે રાજીખુશીથી જુદા પડી ગયેલા પરિવારજનો, વડીલો, ભાઈઓ-વહુઓ અને ટેણીયા-મેણીયાઓ સાથે ભોજન લઈએ તો કેવું? અને હા, શક્ય હોય તો ભોજનમાં ઉંધિયું ચોક્કસ બનાવજો. કોને ખબર આ 'ઉંધિયું' જ બધું ‘સીધું’ સમજવાની ‘શક્તિ-સમજણ અને ભાવ’ દરેકના હૃદયમાં પ્રગટાવી દે!
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)