Featured Books
શ્રેણી
શેયર કરો

જલધિના પત્રો - 18 - એક શંકાસ્પદ પત્ર - મૃત શિક્ષકને.

ડેમની પાળી પર લટકતો એ દુપટ્ટો અને એના જ આધારે શંકાસ્પદ રીતે પાણીમાં લથડિયા ખાતી, કદાચિત્ તરતી લાશને તરવૈયાઓએ માંડ માંડ પકડી પાડી. ચોમાસાના કારણે ઉપરવાસમાં જોરદાર વરસાદથી ડેમ છલોછલ ભરેલો હતો. પાણીમાં પણ જોરદાર તાણ હતું. ભૂલથીએ કોઈ વસ્તુ પડી જાય તો, પલકવારમાં ગાયબ થઈ જાય એટલે પાણીનો વેગ. તરવૈયાઓએ લગભગ બે કલાકની મથામણ પછી એ નિષ્પ્રાણ દેહને પાણીની બહાર કાંઠાપર મુક્યો.એટલામાં તો જાણે હૈયાફાટ રુદનને ચીસાચીસ થઈ પડી.
એટલામાં કેટલાક પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યો "મેડમ મેરીના કોણ છે?"

"કેમ આવો પ્રશ્ન કર્યો" ટોળામાં રુદન કરતી સ્ત્રીએ પશ્ન કર્યો.

"મારે જાણવું જરૂરી છે.આ કેસ ઉકેલવા માટે.."અધિકારીએ કહ્યું

પેલી સ્ત્રી" અરે, એ તો મારી દીકરીના ફેવરીટ ટીચર હતા. કદાચ મારા કરતાં પણ એના વધારે નિકટના સ્વજન. પણ,એ તો બે વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા છે.એનું અત્યારે શું છે!"

અધિકારીએ કહ્યું "બીજું તો કંઈ નહીં પણ, તમારી મૃતક દીકરીએ એને લખેલો આ પત્ર મને જાળી પર બાંધેલા દુપટ્ટામાંથી મળી આવ્યો છે.એ સ્ત્રીએ પત્ર હાથમાં લીધો અને વાંચવાની શરૂઆત કરી.

આદરણીય મેરીના મેડમ,

જીવનના કોઇપણ સંજોગોમાં તમારી પાસેથી અડીખમ ઊભા રહેતા અને પરિસ્થિતિ સાથે તમારી જેમ સમાયોજિત થતા શીખી છું. એટલે જ કદાચ અત્યાર સુધી મનથી નબળી નથી પડી. તમે હતા તો જાણે મને દોરનાર આંગળીઓ અને મક્કમ પગલાંનો રસ્તો ખૂબ જ સરળ લાગતો હતો. બાળપણથી જ લાડકોડમાં ઉછરેલ હોવા છતાં મર્યાદાના બંધનો અને પરંપરાની બેડીઓએ જાણે મારા સપના માટેની ઉડાનને ક્યારેય આકાશ સુધી ન જ પહોંચવા દીધા. મારા માટે તો એ કહેવત પણ સાચી હતી કે,'ઈશ્વર કરતા ઊંચુ સ્થાન ગુરુનું હોય'. એટલે જ તમારી છત્ર છાયામાં હું નિશ્ચિંત અને હળવી ફૂલ થઈ જીવતી હતી.

જ્યારથી દુનિયામાં તમને એ કેન્સરની જીવલેણ બીમારી લાગુ પડી અને જાણે મારું રોમેરોમ ભીંતરે ખવાતું ગયું. તમે તમે જો તનથી પલ-પલ મરતા રહ્યા અને હું મનથી. જે દિવસથી તમે આ ફાની દુનિયાને છોડી દીધી,જાણે તે દિવસથી મારી જીજીવિષા પણ મરી પરવારી. ઓક્સિજનના આધારે જીવતો આ દેહ હવે સાચે જ વેન્ટિલેટરની અવસ્થામાં જીવતો હોય તેમ લાગ્યા કરતું હતું. તમે હતા તો મને સાચો આધાર હતો. કુટુંબ કરતાંય વધારે પોતીકા સ્વજન હતા તમે. કદાચ પૂર્વ-જન્મનો ઋણાનુબંધ હશે. એટલે લાગણીઓ આટલી નિકટની બંધાણી. તમારા વિના તો નાનામાં નાની મુશ્કેલી પણ પહાડ જેવી લાગતી. છતાં,એ બધું સહન કરી ગઈ. પણ, આજે પ્રશ્ન મારા સ્વાભિમાનનો હતો.

શિક્ષણના ત્રાજવે પરંપરાનું પલ્લુ નમી ગયું, ને આ સમાજે ફરી એક આકાશને આંબતી પંખીણીની પાંખો કાપી નાખી. કંદાચિત્ તમારી સાથે સંવાદ ઝંખતી મને આજ યોગાનુયોગ એ રસ્તો મળી આવ્યો. શ્રાવણ મહિનાના અનરાધાર વરસાદ પછી બધા પાણીના વેગવંતા પ્રવાહને નીરખવા ડેમ જોવા આવેલા. સાથે હું પણ આવેલી, અને એ જ ક્ષણ મને તમારી પાસે પહોંચવાનો રસ્તો લાગ્યો. એટલે આ પત્ર પાણીમાં તરાવી તમારા સુધી મારી લાગણીઓને પહોંચાડવા ઈચ્છતી હતી. પણ, આ.. શું... ! અરે,અરે, કોઈનો જોરદાર ધક્કો અને મારું આ શરીર ઉપરથી નીચે પટકાયું. જાણે કે મોતના મુખમાં હોમાયું. પછી તો જિંદગીને પામવા માટેના અથાગ પ્રયત્નો ને શ્વાસની કટોકટી.હવે તો હું જીવી જઈશ એવી કોઈ આશા ન હતી.એટલે ઈશ્વર પાસે એક જ ઈચ્છા છે કે મને તમારી પાસે મોકલી દે.જેથી તૂટીને વિખરાયેલ ઋણાનુબંધ ફરી સાધી શકાય.તમે મારી રાહ જો જો હું આવું જ છું.તમારી જીવલેણ બીમારી અને મારા જીવલેણ સંજોગો આપણા માટે એટલે જ સર્જાયા હશે.આથી જ હવે કોઈ ગ્લાનિ નથી.આપને મળવા તત્પર એક જીવનો બીજા જીવને શબ્દથી આખરી સલામો.વધુ વાત મળીને કરશું એજ અભિલાષા સહ.

લી.
આપની વ્હાલસોઈ શિષ્યા.

આ પત્ર વાંચતા જ પેલી સ્ત્રી વિચારમાં પડી ગઈ કે જો પત્રમાં મૃત્યુ વિશેના વચનો આલેખ્યા છે તો આ પત્ર બનાવટી છે? કે આ કોઈ હત્યા કે આત્મહત્યા છે ?

શું હોઈ શકે ? વાંચીને આપના વિચાર જરૂરથી જણાવજો..