Featured Books
શ્રેણી
શેયર કરો

જલધિના પત્રો - 17 - ભારતની પહેલી મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેને પત્ર.

આદરણીય શિક્ષિકા સાવિત્રીબાઈજી,

એક સ્ત્રી જ સ્ત્રીની લાગણીને સમજી શકે અને તેના માટેની સાચી રાહ કંડારી શકે. આ વિધાન જેના માટે ખરા અર્થમાં લાગુ પાડી શકાય એવું ઉદ્દાત વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રી તરીકેનું શ્રેય આપને ફાળે જાય છે. આપ ન માત્ર મહારાષ્ટ્રની શિક્ષણ મેળવતી કન્યાઓ પરંતુ, દેશની દરેક શિક્ષિત નારી માટે ગુરુ સમાન છો. કેમકે એમણે આપના પ્રયાસોના ભાગરૂપે જ શિક્ષણ ગ્રહણ કર્યું છે.

આપની હયાતી ન હોવા છતાં આપના દ્વારા કરાયેલા એ સરાહનીય કાર્ય આજે એક બીજમાંથી વિશાળ વટવૃક્ષ બની લહેરાઇ રહ્યા છે. હું જાણું છું કે એકલા હાથે સમાજને સુધારવાનું બીડું લઈ,સફળતાને પામવી એ કોઈ નાનું કામ નથી. પરંતુ આપના માટે તો તે અશક્ય પણ નથી.

માત્ર નવ વર્ષની વયે આપના લગ્ન કરી દેવામાં આવેલ. જ્યારે એક બાળકને પોતાની જાતની સાચી પૂર્ણ ઓળખ પણ ન હોય તો એ કાચી ઉંમરે વ્યક્તિ અન્યના વિકાસનું કેવી રીતે વિચારી શકે! પણ, આપતો કંઈક અલગ જ માટીના બનેલા હતા.લગ્ન પણ નિભાવ્યું ને ફરજ પણ. ક્યાં સુધી સમાજના એ બંધનથી જકડાઈને રહેત?

જેમ સૂર્યને કદી સંગ્રહી શકાતો નથી, એમ આપને પણ સમાજના કોઈ બંધન બાંધી શક્યા નહીં. પિતાએ બાળપણમાં પુસ્તક છીનવ્યું જાણે તમારું સ્વાભિમાન છીનવ્યું.બસ આ ક્ષણ જ તમારા વ્યકિતત્વને નિખારવા માટેના પડકાર માટે પુરતી હતી.' કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી'.કંઈક આવું જ અડગ વ્યકિતત્વ લઈને આપ જન્મ્યા હતા.તો સમાજમાં પરિવર્તન તો આવવાનું જ હતું.

હું જાણું છું કે આપે સ્વયં પણ શિક્ષણ માટે ઓછો વિરોધ નથી સહ્યો.જે સમાજમાં સ્ત્રીઓને ભણાવવી- ગણાવવી માન્ય ન હતી એ સમાજના લોકોએ તમને પથ્થર અને છાણ-કીચડથી પ્રહાર કર્યા.તેમ છતાં, સમાજ અને કુટુંબીજનોના વિરોધ છતાં આપે 18 જેટલી કન્યાશાળાઓ શરૂ કરી.જે સ્ત્રી જાતિના વિકાસમાટેની હરણફાળ હતી.

મહારાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલ આપે ન માત્ર શિક્ષણક્ષેત્રે પરંતુ, આપના પતિ જ્યોતિબા ફૂલે સાથે મળીને અસ્પૃશ્યતા,સતી પ્રથા,બાળ લગ્ન, વિધવા વિવાહ મનાઈ જેવા દૂષણોને દૂર કરવાના પણ પ્રયાસ કરેલા.સમાજના દલિત કહેવાતા લોકો માટે પણ આપે પ્રગતિના માર્ગ ખોલી આપ્યા. એ પણ એવા સમયે કે જયારે કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ ને ધરની ચાર દિવાલથી બહાર નીકળવાની પણ સ્વતંત્રતા ન હતી.એવામાં આપનું આ પગલું ખરેખર સરાહનીય છે.આપ ન માત્ર એક સુધારક કે શિક્ષિકા પરંતુ,એક મહારાષ્ટ્રીયન આદિ કવિયત્રી તરીકેનું પણ આપ બહુમાન ધરાવો છો.એટલે જ આપ મારા સૌથી વધુ પ્રિય શિક્ષક છો.એટલે જ હું આપની રચનાના હાર્દને કેમ ન પામી શકું.આપે શિક્ષણ પર લખેલી એ મહારાષ્ટ્રીયન કવિતાનો ભાવાર્થ મને આજેય કંઠસ્થ છે.જાણે મારા શ્વાસમાં નિરંતર રટાય છે.


જાવ જઈને વાંચો લખો, બનો આત્મનિર્ભર, બનો મહેનતી
કામ કરો-જ્ઞાન અને ધન એકત્ર કરો.
જ્ઞાન વગર બધુ ખોવાય જાય છે, જ્ઞાન વગર આપણે જાનવર બની જઈએ છીએ.
તેથી, ખાલી ન બેસો, જાવ જઈને અભ્યાસ કરો.
દલિત અને ત્યજી દેવાયેલા લોકોના દુ:ખનો અંત લાવો, તમારી પાસે શીખવાની સુવર્ણ તક છે.

આ શબ્દો વંચાય છે ને જાણે મારા રોમે-રોમમાં એક દૈવીતત્વ..ના ના કદાચ્ , ખરાં અર્થમાં કહુ તો એક નારીતત્વ વ્યાપી જાય છે.મનમાં કંઈપણ કરી છૂટવાની ભાવના થઈ આવે છે.હજી આપના બહુમાનમાં ઘણું લખવાની તમન્ના છે.પણ,આ પત્ર છે તો એની મર્યાદા તો જાળવવી જ રહી એટલે પછી કયારેક મોકો મળ્યે જરૂર લખીશ.આજ માટે તો બસ દેશની એ પ્રથમ નારી શિક્ષિકના ચરણોમાં કોટિ કોટિ વંદન.

લી.
આપના પ્રયાસે શિક્ષિત એક નારી.