Featured Books
શ્રેણી
શેયર કરો

જલધિના પત્રો - 14 - સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્માને પત્ર

શિલ્પાચાર્ય વિશ્વકર્મા જી,

હે ભગવાન નારાયણના અવતાર. આપને સમગ્ર સૃષ્ટિના રચયિતા હોવાનું બહુમાન મળેલું છે. તો તે માટે તેમાં વૃદ્ધિ કરવા તમને યાદ કરી આ નાનકડો પત્ર લખવાની કોશિશ કરી રહી છું. આશા છે કે, મારા આ પ્રયાસથી આપ સંતુષ્ટ થશો. આપના પ્રાગટ્યને તો કોઈ જાણી શક્યું નથી. પણ, તમારા અજોડ અવતારોની કથા સાંભળેલી છે. એટલે, જ્યારે સર્જનહારની વાત આવી ત્યારે આપનું બહુમાન કરવાનું મન થઈ આવ્યું.

એવું કહેવાય છે કે આપ સ્વયં બ્રહ્મા પાસેથી શિક્ષા ધારણ કરેલા છો. દેવોના શિલ્પી અને શિલ્પ શાસ્ત્રના કર્તા મનાવ છો. વળી, દરેક ઉદ્યોગને લગતી કલાના સર્જનહાર હોવાનું બહુમાન પણ આપને જ મળ્યું છે.એવું કહેવાય છે કે આપ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિ, મહેલો કે ભવનના નિર્માણ એવી આઠ પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ છો. એટલા માટે જ કદાચ તમારા સંતાન સમા માનવીને આ કલા વારસામાં મળી હશે.

તો વળી, કેટલાક લોકો દેવતાઓ માટેના સુંદર આભૂષણોના રચયિતા સુનાર પણ તમને જ માને છે. જે પણ માનવ સૌંદર્યને નિખારવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે.માનવીના આવન-જાવનના ઉતમ સાધનો રૂપે અનેક વાહનો આજે મળ્યા છે.જે પણ તમારી જ કૃપા છે.કેમકે, વિવિધ પ્રકારના કલાત્મક વિમાનોના સર્જક હોવાનું માન પણ આપને જ મળેલ છે. જેમાં રાવણનાં પુષ્પક વિમાનથી સહુ કોઈ પરિચિત રહયા છે. એક સાચા શુરવીર તરીકે માનવની રક્ષા કરતા શસ્ત્ર સરંજામની રચના પણ એટલી જ નિરાળી છે.જેમાં અસ્ત્ર-શસ્ત્ર, ચક્ર, ગદા, ત્રિશુલ, બાણ, વજ્ર જેવા હથિયારોના ઘડવૈયા પણ આપ જ છો. તદ્ઊપરાંત દેવોના પુરોહિત હોવાનું માન પણ એક માત્ર તમને મળેલું છે.

સફેદ દાઢી, મસ્તકે મુગટ અને ચાર ભુજાધારી એવા આપ સ્વયં જાણે સર્જનહારનું ઊતમ સર્જન છો. કોઈકના કથનો મુજબ આપ બ્રહ્મના પુત્ર મનાવ છો.ભક્ત પ્રહલાદના જમાઈ અને દેવી વિરોચનના પતિ તરીકે પણ આપની નામના સહેજ પણ અજાણી નથી.

માનવજીવનને પ્રકૃતિ સાથે સાંકળી, પૃથ્વી પર નદી- તળાવ, સરોવર,પર્વત,વૃક્ષો જેવી સૌંદર્ય સૃષ્ટિ રચવાનો શ્રેય પણ આપને જ આભારી છે. આપની રચેલી સૃષ્ટીમાં એવું ઘણું ઘણું છે કે જે ગ્રંથ અને કથાનકમાં અનેકવાર સાંભળવા મળ્યું છે. અને આપની એ રચનાઓને જોઈને ખરેખર આપને નતમસ્તક થવાનું મન થઈ આવ્યું છે. ભગવાન શિવ-શંકરની કૈલાશપુરી,રાવણની સુવર્ણની લંકા, ઈન્દ્રની અમરાવતી અને કુબેરની અલકાવતી, પાંડવોની એ માયાનગરી. તો વળી, કૃષ્ણનું એ કામણગારુ વૃંદાવન. આ બધું આજે પણ લોકમાનસમાંથી જાણે સહેજે વિસરાયું નથી. કદાચ એમાંથી પ્રેરણા લઈને જ આજનો મનુષ્ય બહુમાળી ઇમારતો અને વિશ્વમાં અજાયબી કહી શકાય તેવા અનેક સર્જનો સર્જી શક્યો હશે.

પાણીપર પણ ચાલી શકાય. એવી સમજ પામર મનુષ્યને તો ક્યાંથી હોય! પણ, રામ રાજ્યમાં આપે આપના પુત્રો દ્વારા એ કલા પણ માનવ જગતને ભેટ આપી દીધી. આપના જ અંશ અવતાર મનાતા નલ-નીલ દ્વારા રચિત રામેશ્વરનો સેતુબંધ ભલે રામની સહાયતા માટે રચાયો હોય. પણ, આજના હજારો ફુટ ઉંચાઈના પુલ બાંધવાની કલામાં એની જ પ્રેરણા રહી હશે એવું જરૂરથી કહી શકાય.

આમ, આજે વિશ્વમાં અનેક ઇજનેર કલાના ઉત્તમ નમૂનાઓ વિદ્યમાન છે. જે પણ આપની પ્રેરણાથી જ પ્રેરિત છે. એટલે આપના બહુમાનમા તો જેટલું કહીએ એટલું ઓછું જ પડશે. છતાંયે, આપના ચરણમાં આજે પુષ્પની પાંખડી, કદાચ સાગરને એક બુંદ માં સમાવવાનો આ નાનકડો પ્રયાસ આપને પત્ર લખીને કર્યો છે.મારા આ પત્રનો આશય માત્ર તમારો આભાર વ્યક્ત કરવાનો છે.હું પામર મનુષ્ય એટલું તો કરી જ શકું ને! આશા છે કે, મારા અંતરની લાગણીઓ આપને જરૂરથી પહોંચી હશે.

લી.
આપનો જ એક વારસદાર માનવ.