કુકરની પહેલી સીટી...! Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુકરની પહેલી સીટી...!

કુકરની પહેલી સીટી...!

દેવલ અને દિશાના લગ્ન આશરે ચારેક વર્ષ પહેલા થયા હતા. બંને ઉંમરમાં સરખા, માત્ર બે-ત્રણ મહિનાનો તફાવત. તેમની ઉંમર ૨૫ વર્ષની હતી ત્યારે તેમના લગ્ન થયેલા. દેવલ અને દિશાના પિતા ખુબ જુના અને ગાઢ મિત્રો હતો.   અને એકબીજાના પરિવારને વર્ષોથી ઓળખતા હતા. અને એક જ શહેરની બાજુ-બાજુની સોસાયટીઓમાં જ રહેતા હતા. એટલે નાનપણથી જ એકબીજાના ઘરે આવ-જા થતી રહેતી.

      દેવલે શહેરની સારી અને પ્રખ્યાત કોલેજમાંથી એમ.બી.એ. ની ડિગ્રી મેળવી. દિશા પણ ગ્રેઝ્યુએટ થયેલી હતી અને ત્યારબાદ દિશા ફેશન ડિઝાઇનીંગનું શિખતી હતી. બંનેની નાનપણથી મૈત્રી જોઇને બંનેના માતા-પિતાએ બંનેના લગ્નનો વિચાર પહેલેથી જ કરી રાખેલો અને તેમાં બંને સહમત પણ હતા. દેવલ એમ.બી.એ. થયા બાદ એક સારી અને મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર જોબ કરવા લાગેલો. દેવલને નોકરી મળ્યાના થાડાક જ સમયમાં પરિવારે બંનેના લગ્ન ખુબ જ ધામધૂમથી કરાવી દીધા. બંને પરિવાર પૈસેટકે સંપન્ન પરિવાર. અને બંને પરિવારમાં એક-એક જ સંતાન. એટલે દિશા અને દેવલના લગ્નમાં પરિવારે કોઇ જ કસર બાકી રાખી ન હતી. લગ્નના તુરંત બાદ બંને એકાદ વખત બહાર ફરવા ગયા હશે. પરંતું એ સિવાય તેમનું જીવન સામાન્ય જ રહેતું. દેવલની ટ્રાન્સફર બીજા શહેરમાં થઇ. એટલે બંનેએ પોતાની ગૃહસ્થિ બીજા શહેરમાં જઇને વસાવી. ત્યાં તેમણે એક ફ્લેટ વેંચાતો લઇ લીધો અને પોતાને ગમે તે રીતે એ ઘરને સજાવ્યું.  દિશાએ ઘરનું કામકાજ સંભાળી લીધુ એટલે તેનું ફેશન ડિઝાઇનીંગ સાઇડમાં જ રહી ગયું. દેવલ તેની નોકરીમાં વ્યસ્ત રહેવા લાગ્યો. આમ, દિશા અને દેવલનું જીવન જાણે રૂટિન જેવું જ બની રહ્યું હતું.

      દિશાને હરવા-ફરવાનો ખુબ જ શોખ હતો. પરંતું દેવલની નોકરીના કારણે કંઇ ખાસ જઇ ન શકાય. અને તેમાં પણ મેનેજરની પોસ્ટ હોઇ, જવાબદારીઓ પણ વધુ આવતી. એટલે દેવલ ઓફિસમાંથી ગમે ત્યારે છુટ્ટી લઇ ફરવા જઇ ન શકતા. આમને આમ બંનેનું લગ્નજીવન નિરસ થવા લાગ્યું આખા દિવસનું રૂટિન.... સવારે ૦૬-૦૦ વાગ્યે ઉઠવાનું, દિશા દેવલનું ટિફીન અને ચા-નાસ્તો બનાવે, દેવલ ઓફિસ જાય અને ત્યાં કામ કરે અને દિશા ઘરનું કામ અને સાંજની રસોઇ બનાવે. રાત્રે ૦૯-૦૦ વાગ્યે દેવલ આવે એટલે બંને સાથે જમવા બેસે અને જમી-ખાઇને રૂમમાં જઇને સુઇ જાય.

      દિશા તેના આ રૂટિનથી કંટાળી ગઇ હતી. અને તે કંટાળો તેના સ્વભાવમાં જણાઇ આવતો હતો. તે દેવલ સાથે કોઇ ખાસ વાત-ચીત ન કરે, નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જાય. કોઇ નવું કામ કે નવી રેસ્ટોરન્ટસ્ માં જમવા જવાનો ઉન્માદ ન રહે. એક રીતે કહીએ તો સાવ નીરસ થઇ ગયેલી. અને દિશાનું આવું વર્તન જોઇને દેવલને ખુબ જ દુઃખ થતું. દેવલ મનમાં ને મનમાં વિચાર્યા કરે કે એવું શું કરવું કે રૂટિન પણ રહે અને દિશાનો મૂડ પણ સારો રહે...! દિશા ખુશ પણ રહે...! દેવલે ત્રણ-ચાર દિવસ વિચાર્યું અને ત્યારબાદ તેને એક સરસ ઉપાય મળ્યો. એ ઉપાયને અનુસરવા માટે દેવલે બધી જ તૈયારીઓ કરી લીધી.

      દેવલ બીજે દિવસે સવારે ૦૪-૩૦ વાગ્યે ઉઠ્યો. ઉઠીને સૌ પ્રથમ તો તેણે તેનું રોજનું દૈનિક કામ પૂરૂ કર્યું અને પછી રસોડામાં ગયો. રસોડામાં જઇને કોઇ પણ જાતનો અવાજ ન આવે તે રીતે કંઇક કરતો હતો. લગભગ ત્રીસ મિનિટ સુધી એ રસોડામાં કંઇક કરતો રહ્યો. અને સવારે ૦૫-૫૦ વાગ્યે અચાનક જ રસોડામાંથી કુકરની સીટી વાગી. પહેલી સીટી વાગી એટલે દિશાની ઉંઘ જરાક ઉડી. પરંતું બાજુના ઘરમાંથી અવાજ આવતો હશે તેમ માનીને ઘડિયાળ  તરફ જોઇ અને ફરી સુઇ ગઇ. ત્યાં તો થોડી વારમાં કુકરની બીજી સીટી વાગી....! પછી ત્રીજી....! ચોથી....! આમ, આટલી બધી સીટી પોતાના જ ઘરનાં રસોડામાંથી વાગી રહી છે તેવું લાગ્યું એટલે દિશા આંખો ચોળતી-ચોળતી પથારીમાંથી ઉભી થઇ. રૂમમાં દેવલ ન મળ્યો એટલે એ રસોડા તરફ ગઇ. અને રસોડામાં નજર પડતા જ દિશા ચોંકી ગઇ....!

      રસોડામાં જઇને જુએ છે તો દેવલ કિચન એપ્રન પહેરીને ઉભો છે. તેના એક હાથમાં વેલણ અને બીજા હાથમાં ચિપીયો છે. રસોડાનાં પ્લેટફોર્મ પર એક બાજુ લાકડાની પાટલી પર ભાખરી વણેલી પડી છે, ગેસ પર લોઢી પર એક ભાખરી શેકાઇ રહી છે અને ગેસના બીજા બર્નર પર કુકર મુકેલું છે અને ફરીથી તેમાં સીટી.....! દિશાને રસોડામાં જેતા જ દેવલ દિશાને “ગુડ મોર્નીંગ સ્વીટહાર્ટ” દિશા તો હજુ ઉંઘમાં જ હોય તેમ- “હમમમમ...” દેવલ- સ્વીટહાર્ટ, જા જલદીથી ફ્રેશ થઇ જો, આપણે ગરમા-ગરમ નાસ્તો કરીએ. દિશા- “ હમમમ.... શું....! હા...! પણ....!” દિશાને તો કંઇ સમજાયું જ નહી. છતાં ફ્રેશ થવા જતી રહી. વિસેક મિનીટ પછી બહાર આવી તો જુએ છે કે ડાઇનીંગ ટેબલ પર ગરમા-ગરમ બટાકા-પૌંઆ અને ચા મુકેલી છે અને બાજુમાં દેવલનું ટિફીન પણ તૈયાર છે. દિશા રસોડામાં જઇને જુએ છે તો તેને બપોરે જમવા માટે દાળ, ભાત, શાક, ભાખરી અને સલાડ તૈયાર કરીને રાખેલું છે. દિશા તો આ જોઇને ખુશ થઇ ગઇ અને ખુશીથી આંખોમાંથી આંસુ પણ આવી ગયા. દિશાને તો દેવલની આ આવડતની ખબર જ ન હતી.

      બંનેએ ખુશી ખુશી સાથે નાસ્તો કર્યો અને પછી દેવલ ઓફિસે જવા રવાના થયો. દિશા તો ખુબ જ ખુશ હતી. ખુશામાંને ખુશીમાં તેનો દિવસ ક્યાં પસાર થઇ ગયો તે ખબર જ ન પડી. રાત્રે દેવલ ઓફિસેથી આવ્યો ત્યારે દિશાએ દેવલનું ભાવતું ભોજન બનાવ્યું હતું. જમતા-જમતા દિશા સવારના ભોજનના વખાણ કરતા થાકતી ન હતી. આમ, બંનેનો એ દિવસ કંઇક અલગ જ રહ્યો. ખુબ જ લાંબા સમય બાદ જાણે બંને સાથે ખુશ હતા એવું લાગતું હતું. રાત્રે સુતા પહેલા દેવલે દિશાને કહ્યું- દિશા, મને ખબર છે કે તું રોજીંદા જીવનની રૂટિન લાઇફથી કંટાળી ગઇ છે. એટલે મેં નક્કી કર્યું છે કે રોજ સવારે કુકર હું મુકીશ. હું દાળ-શાક બનાવીશ અને તું રોટલી કે ભાખરી અને સવારનો નાસ્તો બનાવજે. અને દર છ મહિને હું ત્રણ-ચાર દિવસની રજા લઇ લઇશ. એટલે આપણે બંને આપણા શહેર (માતા-પિતાના ઘરે) તેમની સાથે રહેવા જઇ શકીએ. અને વર્ષમાં એકાદ વખત ક્યાંક ફરવા પણ જઇશું. દેવલની વાત સાંભળીને દિશા ખુબ જ ખુશ થઇ ગઇ. અને દેવલને ભેટી પડી.

      અને....!!

બીજા દિવસથી તો જાણે રૂટિન જ  થઇ ગયું. અને આ રૂટિન બંનેએ એકબીજાના પ્રેમથી સેટ કરેલું હતું. દેવલ વહેલો ઉઠે. ફ્રેશ થઇ અને કુકર મુકે....! અને કુકરની પહેલી સીટી વાગે....! એટલે દેવલ દિશાને એનો ભરપુર પ્રેમ આપીને જગાડે...! અને આ રીતે એ બંનેની એક સુંદર સવાર પડે...! પોતપોતાના કામમાં ફરી વ્યસ્ત થઇ જાય...! અને બીજે દિવસે ફરીથી....! કુકરની પહેલી સીટી....!!