ઘરેથી કામ અને ઘરનું કામ Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘરેથી કામ અને ઘરનું કામ

ઘરેથી કામ અને ઘરનું કામ

(WORK AT HOME & HOME WORK)

ઘરેથી કામ અને ઘરનું કામ. એક નજરે જોઇએ તો બંને શબ્દો સરખા જ લાગે. પણ જો આ શબ્દોને વિસ્તૃતમાં સમજીને તેનો અર્થ કાઢીએ તો બંને શબ્દો વચ્ચે ઘણો તફાવત જોવા મળે.

ઘરેથી કામ એટલે ઓફિસ અથવા ધંધા-વ્યવસાયનું કામ ઘરે બેસીને કરવું અને ઘરનું કામ એટલે ઘરમાં ઘરના પરિવારનું રોજીંદુ કામ જાતે કરવું અથવા તેમાં સભ્યોને મદદ કરવી. જે લોકો નોકરી, ધંધો અથવા વ્યવસાય કરે છે. અને નોકરી, ધંધો અને વ્યવસાયના કામે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી બહાર જ રહે છે, તેઓને ઘરનાં કામમાં બહુ ખાસ રૂચિ જોવા મળતી નથી.

આપણા સમાજમાં ઘણી સ્ત્રીઓ / મહિલાઓ એવી છે જે નોકરી, ધંધો કે વ્યવસાય કરતી નથી પરંતું ઘરમાં રહી ઘરનું રોજીંદુ કામ કરે છે. ઘરનાં કામને જ મહત્વ આપે છે. અને ઘરનું કામ કરવામાં જ આખો દિવસ પસાર કરે છે. જે ખુબ જ મહત્વનું કામ છે. નોકરી, ધંધો કે વ્યવસાય કરતાં પુરૂષો જ્યારે સાંજે ઘરે પરત આવે ત્યારે તેઓ “ખુબ થાકી ગયા છે, આજે તો ઓફિસમાં બહુ કામ હતું, મગજ અને શરિર બંને થાકી ગયું છે.” એવું ઘરની સ્ત્રી / મહિલા વ્યક્તિ (મા, બહેન, પત્નિ, પુત્રી) ને કહીને પોતાની સેવા કરાવે છે. આપણે બહારથી બીજાના કામ કરીને આવીએ ત્યારે આપણે કરેલા કામને જ મુખ્ય અને મહત્વનું કામ ગણીએ છીએ. પણ આપણે ક્યારેય એવું નથી વિચાર્યુ કે આપણે જેટલો સમય બહાર હોઇએ તેટલો સમય ઘરમાં રહેતી સ્ત્રી / મહિલા કેટકેટલા ઘરના કામો કરે છે. મા-બાપની સેવા કરે, તેમને સમયસર ભોજન આપે, દવા આપે, ઘરમાં કચરા-પોતા કરે-કરાવે, વાસણ ધોવે-ધોવડાવે, કપડા ધોવે, ઘરની બહાર બગીચો હોય તો બગીચામાં પાણી છાંટે, આપણું સમયસર ટિફીન-જમવાનું બનાવી આપે, આપણા કપડાને ઇસ્ત્રી કરી આપે, આપણને ભાવતી વાનગીઓ બનાવી આપે, ઘરમાં રાશન પૂરૂ થઇ ગયું હોય અથવા થવા આવ્યુ હોય તો રાશન લઇ આવે, ઘરમાં બાળકો હોય તો બાળકોનું ધ્યાન રાખે, તેમને ભણાવે, સ્કુલે મુકવા-લેવા જાય, બાળક રમવા ગયું હોય તો તેનું પણ ધ્યાન રાખે, ઘરનું કોઇપણ વ્યક્તિ બિમાર થયું હોય તો તેની સેવાચાકરી કરે. આમ, આવા તો કેટલાય નાના-મોટા કામ આપણા સમય મુજબ આપણને કરી આપે છે. અને આવા બધા દૈનિક કામ પૂરા થાય પછી ઘડીક આરામ કરવા બેસે એટલે પાછા આપણા જેવા બોલે, “ આખો દિવસ બહાર મહેનત-મજૂરી કરીને હું આવું છું તો તું શેની આરામ કરે છે! જા જઇને પાણીનો એક ગ્લાસ ભરી આવ.” હવે એ વિચારીએ કે, આખો દિવસ આપણા ઘરને જે વ્યક્તિ સાચવે છે અને આટલું કામ કરે છે તે બે ઘડી આરામ કરે અને આપણે આવું સંભળાવીએ તો તેમને કેટલું દુઃખ થતું હશે.? છતાં એ દુઃખને ઘોળીને પી જાય અને આપણો પડ્યો બોલ જીલી આપણી સેવા કરે છે.

સ્ત્રી / મહિલા જે નોકરી, ધંધો કે વ્યવસાય ક્ષેત્રમાં જોડાયેલી નથી અને માત્ર પોતાના ઘરે રહી ઘરનું કામ કરે છે. તેવી સ્ત્રી / મહિલાઓને હું દિલથી વંદન કરૂં છું. ઘરકામ કરતી આવી સ્ત્રી / મહિલાઓ પોતાના જ ઘરમાં કેટલું બધુ કામ કરે છે તેની ખબર આપણા જેવા અમુક લોકોને ત્યારે પડી જ્યારે દેશમાં કોરાનાની મહામારી ફેલાઇ અને સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું.

અમુક શહેરોમાં અમુક ઓફિસો દ્વારા તેમના કર્મચારીઓને પોતપોતાના ઘરે રહીને ઓફિસનું કામ કરવાની પરમિશન આપવામાં આવી. જેને ઘરેથી કામ (Work at Home) કહેવાય. અને આ સમય દરમ્યાન થયું એવું કે ઘરેથી ઓફિસનું કામ કરતી વ્યક્તિને ૨૪ કલાક ઘરે રહીને ખબર પડી કે “હું તો ઓફિસમાં ક્યારેક બ્રેક પણ લઉં છું અને દોસ્તો સાથે ટાઇમપાસ કરી માઇન્ડ ફ્રેશ પણ કરી લઉં છું, પણ મારી પત્નિ / મા / બહેન / દિકરી જે ઘરનું જ કામ કરે છે, એ તો સવારના છ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી ઘરના નાના-મોટા કામો કરે રાખે છે. એમને તો ઘડીક આરામ કરવાનો અથવા બે ઘડી ગમ્મત કરવાનો પણ સમય મળતો નથી. અને છતાં હસી-ખુશીથી ઘરના દરેક સભ્યોના કામ સમયસર કરી આપે છે. ઘરના બીજા સભ્યોને પૂરતુ ભોજન આપ્યા પછી પોતે જમે છે. ઘરના વડિલો અને બાળકોને ગરમા-ગરમ રોટી, સબ્જી વિગેરે જમાડે છે. અને પોતે ઠંડી રોટી ખાઇને છેલ્લે જમે છે. અથવા સાથે જમવા બેઠા હોય તો દરેકની થાળીમાં કેટલું ભોજન ક્યારે પીરસવાનું એ બધુ ધ્યાન રાખે છે.” આમ, લોકડાઉન થતાં ઘણાં લોકોને તેમના પરિવારના સભ્યોની કદર થવા લાગી, તેમના કામનું મહત્વ સમજાવવા લાગ્યું. તેમને એ જ્ઞાન થયું કે ઘરની આ સભ્ય જો સમયસર મારા ઘરનાં કાર્યો કરતી ન હો’ત તો હું આજે મારી ઓફિસ, ધંધા અથવા વ્યવસાયમાં આ મુકામ સુધી પહોંચી શક્યો ન હો’ત. આવું જ્ઞાન થયાં પછી ઘણાં પુરૂષો પોતાના ઘરમાં પોતાના સ્ત્રી / મહિલા સભ્યોને ઘરકામમાં મદદરૂપ થવા લાગ્યા છે જે ઘણી સારી બાબત કહેવાય.

પરંતું આપણા સમાજમાં હજુ ઘણી વ્યક્તિઓ એવી છે જે સ્ત્રી સહજને સમજી નથી શકી, તેની લાગણીઓને સમજી નથી શકી. તેમની માટે આ લોકડાઉન એક સારો અવસર છે. ઘરમાં રહો, ઘરેથી ઓફિસનું કામ કરો અને ઘરમાં સભ્યોને ઘરકામમાં મદદ પણ કરો.

ઘરમાં ઘરના સભ્યોને ઘરકામમાં મદદ કરવી એ સુખી લગ્ન જીવનની એક ચાવી છે. વિચારો, સમજો અને અનુસરો. (લેખક - તપન ઓઝા)