Sandhya - 20 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 20

સંધ્યાના અને સુનીલના લગ્ન લખાઈ ગયા બાદ ઘરની બહાર જવાની વડીલોએ મનાઈ ફરમાવી દીધી હતી. આ તરફ સૂરજને તો કોચિંગ માટે જવું જ પડે આથી રશ્મિકાબેન એની ખુબ ચિંતા કરતા હતા. એનું મન થોડું સંકુચિત ખરું, આથી નેગેટિવ વિચાર એમના મનમાં તરત આવી જતો હતો. સૂરજ બહાર નીકળે તો એને ટોકતા પણ ખરા! સૂરજ એમની વાત અવગણીને પોતાનું કર્મ ખુબ લગનથી કરતો હતો. પંક્તિ પણ એમના વડીલોને માન આપીને બહાર નીકળતી નહોતી. એ ચારેય એમના આ દિવસોને ગણીગણીને વિતાવી રહ્યા હતા. લગ્ન લખાઈ ગયા હતા એટલે રોજ પરિવારના સભ્યો રાત્રે ગીત ગાવા માટે એકઠા થતા હતા. આ સમય દરમિયાન આખો પરિવાર ગીતના કાર્યક્રમ પછી થોડીવાર સાથે બેસીને વાતો કરતા અને જૂની યાદોને તાજી કરતા હતા. બધી જ જૂની વાતોને યાદ કરીને એ બંનેએ ફરી બાળપણમાં ડોકિયું કર્યું હતું. સંધ્યાની ખુબસુરતી ઘરે રહીને વધુ નિખરી હતી, અને એમાં એ ખુબ જ ખુશ હતી આથી સુંદરતામાં જાણે ચારચંદ લાગી ગયા હતા. જે કોઈ જોવે એની નજર એકવખત સંધ્યા પર અટકી જ જાય એટલી સોહામણી લાગતી સંધ્યા એના પંક્તિભાભીના મનમાં ઈર્ષા જન્માવી ચુકી હતી. સંધ્યા જેટલી નિખાલસતા ભાગ્યે આખા કુટુંબમાં હશે તેમ છતાં એના રૂપની ઈર્ષા ઘણાને થઈ આવતી હતી.

લગ્નના હવે બધાજ પ્રસંગોનો સમય આવી ચુક્યો હતો. બધી જ વિધિઓ સમયસર થાય એવી કડક સૂચના પંકજભાઈએ બધાને આપી દીધી હતી. તેઓ સમયના ચુસ્ત હતા. મહેંદીની સાંજે સંધ્યાના હાથમાં સૂરજના નામની મહેંદી રચાઈ ગઈ હતી. સંધ્યાએ પોતાની મહેંદીના ફોટા સૂરજને મોકલાવ્યા હતા. સાત દિવસથી બંન્ને રૂબરૂ મળ્યા નહોતા આથી એકબીજાને જોવા ખુબ આતુર થઈ રહ્યા હતા.

આતરફ પંક્તિએ પણ સુનીલના નામની મહેંદી મુકાવડાવી હતી. પંક્તિ અને સુનીલ પણ મળવા ખુબ જ આતુર હતા. વીડિયોકોલમાં વાત પણ કરતા હતા છતાં રૂબરૂ ન મળ્યાનો અસંતોષ એમને ખુબ થતો હતો.

પંકજભાઈ થોડા આધુનિક વિચારધારા ધરાવતા હતા. આથી એમણે એક રિસોર્ટમાં જ મંપડમુરત, પીઠી, દાંડીયારાસ, મામેરા, વરમાળા, ગણેશપુજા અને હસ્તમેળાપનુ બધુ જ આયોજન 'આલીશાન" રીસોટૅમાં જ ગોઠવ્યુ હતું. કોઈજ જાતની કસર એમણે પોતાના બાળકોના વિવાહ માટે છોડી નહોતી. દાંડિયારાસ માટે સૂરજ અને પંક્તિના પરિવારના અંગત સદ્દશ્યોને પણ આમંત્રિત કર્યા હતા. બધું જ રિસોર્ટ પર જ હોવાથી એક એક વસ્તુ યાદ કરીને દક્ષાબહેને પણ પેકિંગ કરી લીધું હતું. હવે આજની રાત્રી આ ઘરમાં સંધ્યાની આખરી રાત હતી. આવતીકાલે વહેલી સવારે બધા જ રિસોર્ટમાં જ જતા રહેવાના હતા. સંધ્યાનો ચહેરો આજ થોડો ઉદાસ થઈ ગયો હતો. એને આજ ઊંઘ આવતી નહોતી. એ પોતાના મમ્મી પાસે ગઈ અને એના ખોળામાં માથું રાખીને ઊંઘી ગઈ હતી. પંકજભાઈ સંધ્યાની મનની સ્થિતિને પામી જ ચુક્યા હતા. દક્ષાબહેન તો પોતાનું રડીને મન હળવું કરી ચુક્યા પણ પંકજભાઈ એવું બિલકુલ નહોતા ઇચ્છતા કે સંધ્યા એમનો રડતો ચહેરો જોવે! પંકજભાઈનું મન ખુબ જ દુઃખી થઈ રહ્યું હતું. પોતાની વહાલસોઈ દીકરી હવે હમેશ માટે બીજાના ઘરની વહુ બની જવાની હતી. એક પિતાને દીકરીનું સાસરું સારું હોય એ ખુશી હોય જ પણ દીકરી પોતાની છત્રછાયાથી અળગી કરવી એમ થોડી કોઈ જ પિતા માટે સહેલું હોય? પણ સંસારના નિયમને બધાએ સ્વીકારવા સિવાય ક્યાં છૂટકો છે જ! પંકજભાઈ પોતાની દીકરીની પાસે ગયા. એ એના મમ્મીના ખોળામાં માથું રાખી આંખબંધ કરી આસું સારી રહી હતી. દક્ષાબહેન પણ આજ કઈ કહી શકે એવી હાલતમાં નહોતા. એ ખુદ રડી રહ્યા હતા. પંકજભાઈ મહામહેનતે ફક્ત એટલું જ બોલી શક્યા, "બેટા સંધ્યા!"

પપ્પાના મુખેથી અવાજ સાંભળીને સંધ્યા સીધી ઉભી થઈ અને પપ્પાને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગી હતી. અત્યાર સુધી જે ગળામાં ડૂમો ભરાયો હતો એ પપ્પાના ખંભા પર ઠેલવી રહી હતી. પંકજભાઈ પથ્થર સમાન કલેજું રાખી સંધ્યાના માથા પર હાથ ફેરવી એને સાંત્વના આપી રહ્યા હતા. ક્યારેય રડી ન હોય એટલું એ આજ રડી રહી હતી. એના રુદનના હીબકા સાંભળીને સુનીલ અને પરિવારના અન્ય સદશ્યો પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. સુનીલથી સંધ્યાનું રુદન સહન થઈ રહ્યું નહોતું. આજે એ પણ રડી જ પડ્યો હતો. સંધ્યા સુનીલને ભેટીને ખુબ જ રડી હતી. થોડીવાર પહેલા મજાક મસ્તી કરતો પરિવાર અચાનક ખુબ જ ભાવુક થઈ ગયો હતો. સુનીલે સંધ્યાને નોર્મલ કરવા માટે કહ્યું, "જો સંધ્યા હજુ વિચારી લે! હજી બે દિવસ બાકી છે. તું કહે તો હજુ..." એ આટલું બોલ્યો ત્યાં જ સંધ્યાએ સુનીલના ગાલ પર એક ચીટીયો ભર્યો!

"જો બધા આંસુ ગાયબ થઈ ગયા! હું કહેતો હતો ને મમ્મી કે, સૂરજે આને નાટક શીખડાવ્યુ છે. જો સાચું જ પડ્યું ને!"

"તું જો ને! મારા ગયા બાદ તું ખુબ રોવાનો છે. પેલી પંક્તિભાભી તારી પાસે ખુબ કામ કરાવશે! પછી મને યાદ કરીશ."

"અચ્છા! હું તને યાદ કરીશ એટલે એ કામ તું આવીને કરી જઈશ? ઓકે ચાલ ડન! હું યાદ કરું એટલે તારે આવીને અહીં કામ કરી જવાનું."

સુનીલની વાત સાંભળીને બધા જ હસી પડ્યા હતા. બધાના ચહેરે ફરી હાસ્ય રમવા લાગ્યું હતું. સંધ્યાનું મન પણ હળવું થઈ ગયું હતું. આથી એ હવે પોતાની જગ્યાએ ઊંઘવા માટે ગઈ હતી.

બીજા દિવસનો સૂર્યોદય અનેક આશા લઈને આવ્યો હતો. સંધ્યા ઘરેથી રિસોર્ટ જવા નીકળી ત્યારે દક્ષાબહેન સંધ્યાના પગલાં લેવાનું ભૂલ્યા નહોતા. અંગત સંબંધીઓને બાદ કરતા બધા સંબંધીઓ સીધા રિસોર્ટ પર જ આવ્યા હતા. બધાજ રિલેટિવ પંકજભાઈના આયોજનના ખુબ જ વખાણ કરતા હતા. પંકજભાઈ એવું કહેતા હતા કે, બધા જ પ્રસંગનો આનંદ સારી રીતે લઈ શકે એટલે જ રિસોર્ટ નું સ્થળ પસંદ કર્યું છે. આ બે દિવસ બધાએ બસ મજા જ કરવાની છે અને આ ક્ષણોને જીવનભર યાદ કરીયે એવી રીતે માણવાની પણ છે.

સુનીલ ની બધી જ વિધિઓ પતી ત્યારબાદ સંધ્યાની પણ બધી વિધિ આજના દિવસની પૂર્ણ થઈ ગઈ હતી. સુનીલ અને સંધ્યા રાત્રીના રાખેલ દાંડિયારાસની જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આજ દસ દિવસ બાદ એ પોતાના થનાર જીવનસાથીને રૂબરૂ જોવાના હતા.

સંધ્યા દાંડિયારાસ માટે તૈયાર થઈ ચુકી હતી. સંધ્યાનું ગ્રુપ પણ આવી ગયું હતું. સંધ્યા જે ઘડીની આતુરતાથી રાહ જોતી હતી એ ઘડી આવી જ ગઈ હતી. સૂરજ એના પરિવાર અને સ્નેહીજનો સાથે રિસોર્ટમાં પ્રવેશી ચુક્યો હતો. જેમ જેમ એ સંધ્યાથી નજીક આવી રહ્યો હતો તેમ તેમ સંધ્યા સૂરજની પોતાના પર ક્યારે અમીદ્રષ્ટિ પડે એ ક્ષણ માટે ખુબ રોમાંચિત થઈ રહી હતી. સંધ્યાના મતે આજનો બધો જ શણગાર સૂરજની અમીદ્રષ્ટિ વગર અધૂરો જ હતો. સૂરજ હવે સંધ્યાથી અમુક જ અંતરે દૂર હતો. સૂરજની આંખો સંધ્યાને જ શોધી રહી હતી. ત્યાં જ એની નજર અચાનક સંધ્યા હતી ત્યાં જ પડી હતી. બંનેની આંખો આટલા અંતરે પણ એકબીજામાં તલ્લીન થઈ ચુકી હતી. આંખનો પલકારો પણ માર્યા વગર બંન્ને એકબીજાને નજરથી જ પ્રણયનો જામ પીવડાવી રહ્યા હતા. આસપાસનું આખું કલબલાટ કરતુ વાતાવરણ ગૌણ થઈ ગયું હતું. સૂરજે પોતાની નજર હવે સંધ્યાના સંપૂર્ણ દેહપર ફેરવી હતી. ખુબ જ સુંદર ચણિયાચોળી, લાઈટ મેકઅપ, બધાજ આભૂષણ અને વાળની સુંદર હેરસ્ટાઈલ જોઈને સૂરજ ખુબ જ ખુશ થઈ ગયો હતો. ઘડીક એના મનમાં પણ થઈ ગયું કે, મારા ભાગ્યમાં કુદરતે સંધ્યા રૂપી અપ્સરા જ આપી છે. એના રૂપનો જામ પી લીધા બાદ સૂરજે હળવું સ્મિત કર્યું હતું.

સંધ્યા પણ સૂરજને ટ્રેડિશનલ કપડામાં જોઈને એકદમ મોહિત થઈ ગઈ હતી. એ પોતાના ભાગ્યને માટે ખુબ જ ખુશ હતી. સૂરજના હળવા સ્મિતે સંધ્યાની તંદ્રા તોડી હતી.

દાંડિયારાસની રાત્રી કેવી જશે?
સપ્તપદીના વચન લઈને નવા જીવનમાં પ્રવેશતી સંધ્યાને કેવા થશે અહેસાસ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED