Sandhya - 19 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 19

સંધ્યાએ સૂરજના હોઠ પરના પ્રથમ સ્પર્શને માણીને એણે સૂરજને પોતાના હાથેથી અળગો કર્યો હતો. સૂરજે સમયને ધ્યાનમાં રાખીને ઊંઘવા માટે સંધ્યાને જવા કહ્યું હતું.

સૂરજ અને સંધ્યા બંન્ને પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા, પરંતુ મન હજુ એકબીજાના સાનિધ્યમાં જ અટકી ગયા હતા. આજની રાત્રી બંનેને સરખી ઊંઘ આવી નહોતી. બીજા દિવસે બપોરે જમીને સંધ્યાને એના ઘરે સૂરજ મૂકી આવ્યો હતો. આ નવ દિવસ બંન્ને સાથે રહ્યા બાદ અલગ થવું બંન્ને માટે ખુબ કઠિન હતું.

ચંદ્રકાન્તભાઈએ સૂરજ અને સંધ્યાની સગાઈનું એક વર્ષ થઈ ગયું હોવાથી હવે લગ્ન માટેનું મુરત કઢાવવા માટેની રજૂઆત કરી હતી. પંકજભાઈએ સંધ્યાને લગ્ન પછી પણ ભણવા માટેની અનુમતિ હોય લગ્નનું મુરત જોવડાવવાની હા પાડી હતી. ચંદ્રકાન્તભાઈએ એક સારા જ્યોતિષનો સંપર્ક કરીને લગ્ન મુરત કઢાવડાવ્યું હતું. આવતા મે મહિના પહેલા કોઈ બીજું યોગ્ય મુરત ન હોય એમને મે મહિનાનું જ મુરત સ્વીકારવું પડ્યું હતું.

પંકજભાઈને દીકરીના લગ્ન એટલા ધામધૂમથી કરવા હતા કે, એ પણ થોડો સમય મળવાથી ખુશ થયા હતા. બીજી ખુશી એમને એ વાતની હતી કે, સંધ્યાની બીજા વર્ષની પરીક્ષા પણ પિયરમાં જ પતી જશે, અને ગ્રજ્યુએશન પૂરું કરવા સંધ્યાને એક જ વર્ષ બાકી રહેશે.

સંધ્યા પોતાની લગ્નની તારીખ નક્કી થઈ જવાથી ખુશ તો ખુબ જ હતી પણ પિયર થી દૂર થવાની તકલીફ એને દુઃખી કરવા લાગી હતી. સંધ્યાના ચહેરા પર છવાયેલ ચિંતાની છાયા દક્ષાબેન જાણી ગયા હતા. એમણે સંધ્યાને પોતાની બાજુમાં બોલાવી અને કહ્યું,
"બેટા! ફક્ત તું જ નહીં આ ધરતી પર આવનાર દરેક સ્ત્રી પોતાના માતાપિતાની પારકી થાપણ જ છે. એક દિવસ તો બધાએ પોતાનું પિયર છોડવું જ પડે છે. તું તો ભાગ્યશાળી છે કે, તને જે જીવનસાથી જોઈતું હતું એ જ તારા જીવનમાં આવ્યું છે. તું મનમાં કોઈ ચિંતાને સ્થાન ન આપ! સમય સાથે તું પણ આપોઆપ ઢળી જ જઈશ. અને તારે તો અહીં જ રહેવાનું છે તો જયારે ઈચ્છે ત્યારે અહીં આવી જ શકે છે ને! અને હજુ લગ્નને ઘણો સમય છે ત્યાં સુધી તું આ સમયને ખુબ જ યાદગાર રીતે વીતાવ. અને હા, તારા ફક્ત લગ્ન થાય છે, નવો સંબંધ જોડાય છે, જુના સંબંધ તૂટતાં નથી એ તું ખાસ યાદ રાખજે. આ આધુનિક યુગ છે. સાસરીના લોકો પણ જુના વિચારો હવે મનમાં લાવતા નથી. તું એમ સમજ કે, હવે આજીવન સૂરજનો પ્રેમાળ સાથ તારી જોડે હશે!"

"હા, મમ્મી" સંધ્યા આટલું તો માંડ બોલી શકી હતી.

"અરે મમ્મી! તું ખોટી ઈમોશનલ થાય છે. આ સૂરજે સંધ્યાને નાટક કરતા શીખવી દીધું છે." સુનીલ એમની વાત સાંભળીને વાતાવરણને નોર્મલ કરતા બોલ્યો હતો.

"આજ તું માર ખાઈશ.. ઉભો રે!" એમ કહી સંધ્યા સુનીલને મારવા એની પાછળ દોડી હતી.

"સાચું પડ્યું ને મમ્મી? એમ કહી સુનીલ પણ સંધ્યાથી બચવા દોડવા લાગ્યો હતો.

આખું ઘર બંને ભાઇબહેનના મસ્તી તોફાનથી ગુંજવા લાગ્યું હતું.

સુનીલને જોબ પણ સરસ મળી ગઈ હતી આથી પંકજભાઈ એના સગપણ માટે પણ યોગ્ય કન્યાને શોધી રહ્યા હતા. દક્ષાબહેનના ભાભીના પિયરમાં એક યોગ્ય કન્યા સુનીલમાટે યોગ્ય જણતાં, દક્ષાબહેને એ વાતને રજુ કરી હતી. યોગાનુયોગ બધું જ એકબીજાને અનુકૂળ આવતા સુનીલનું એ કન્યા પંક્તિ સાથે સગપણ પણ થઈ ગયું હતું. પંકજભાઈએ સંધ્યા અને સુનીલના બંને ભાઇબહેનના લગ્ન અનુક્રમે સૂરજ અને પંક્તિ સાથે મે મહિનામાં જ જોડે કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પંકજભાઈની રજૂઆત બધાએ માન્ય રાખી હતી. અને બધાએ સહર્ષ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. બધું જ એટલું બધું ઝડપથી થઈ રહ્યું હતું કે, હવે આખો પરિવાર કેમ પ્રસંગને સુખદ રીતે પતાવે એ આયોજનમાં જ ગુંચવાયેલા રહેતા હતા.

સંધ્યા પોતાની ખુશીની સાથોસાથ સ્ટડીને પણ સાચવી લેતી હતી. બહુ જ ઓછા સમયમાં સ્ટડી, પોતાના લગ્નની બધી જ ખરીદી અને ભાભીના છાબની તૈયારીમાં એ સૂરજને યોગ્ય સમય આપી જ દેતી હતી. સૂરજ પણ બધું જ સમજીને હંમેશા સંધ્યાને એની અનુકૂળતામાં સાથ આપતો હતો.

સુનીલ પોતાના જીવનમાં પંક્તિના સાથને પામીને ખુબ જ ખુશ હતો. એ પોતાની ખુશીમાં હવે સંધ્યા સાથેના મજાકના વહેવારને ભૂલવા લાગ્યો હતો, એ સંધ્યાના જ નહીં પણ દક્ષાબેનના ધ્યાનમાં પણ આવી જ ગયું હતું. સુનીલનું પાત્ર હવે સમય સાથે થોડું પીઢ થવા લાગ્યું હતું. એ પોતાના જીવનને જ હવે મહત્વ આપવા લાગ્યો હતો. દક્ષાબહેનને સુનીલના આ બદલાવના લીધે ચિંતા થતી હતી કે, સુનીલ અચાનક બધાથી નોખો થવા લાગ્યો છે તો ભવિષ્યમાં લાગણીનો સેતુ જાળવી રાખશે કે નહીં? પછી પોતે જ જાતે વિચારતા કે, હું પણ કેવા નેગેટિવ વિચાર કરું છું, હું જ મારા દીકરાની પરવરીશ પણ શંકા કરી રહી છું.

સંધ્યાના ગ્રુપમાં એક પછી એક વિપુલાં, જલ્પા અને ચેતનાની સગાઈ પણ થઈ ગઈ હતી. રાજ અને અનિમેષ હજુ પોતાને પગભર નહોતા આથી એ બંને હજુ પોતાનું કેરિયર બનાવવામાં મશગુલ હતા. આખું ગ્રુપ હવે રોજ ભેગું થાય એવું જવલ્લે જ બનતું કારણકે, બધા પોતપોતાના વહેવારીક કામમાં ગુંચવાય ગયા હતા. એક દિવસ સંધ્યા ન હોય તો બીજે દિવસે જલ્પા અથવા ચેતના! એમ કહો ને કે, અચાનક બધા જ મોટા થઈ ગયા હોય એમ ગ્રુપ હવે પોતપોતાના જીવનને સ્થિર થવા થનગનતું હતું.

સંધ્યાના જીવનમાં આ દિવસો દરમિયાન ખુબ બદલાવ આવ્યા હતા, નહોતો બદલ્યો એ હતો ફક્ત સૂરજ સાથેનો પ્રેમ. જેમ દિવસો વીતતા જતા હતા એમ બંનેનો પ્રેમ ગાંઢ થઈ રહ્યો હતો. એકબીજાની ખુશી અને પોતાના લક્ષ્ય તથા પરિવાર પ્રત્યેની ફરજ બધું જ ધ્યાનમાં રાખીને એ પોતાનો આ સુવર્ણસમય વિતાવી રહ્યા હતા. સંધ્યાએ પોતાની લાગણી શાયરીમાં સૂરજને વયક્ત કરતા કહ્યું,

"સ્વપ્ન જે જોયા હતા એ સાચા થઈ રહ્યા છે,
પ્રિયતમ સાથે દિવસો શ્રેઠ થઈ રહ્યા છે,
ભાગ્યવિધાતા જાણે સાથ આપી રહ્યા છે,
દોસ્ત! મારુ આજીવન સ્વર્ગ સમાન કરી રહ્યા છે."

સૂરજ આ સાંભળીને તરત બોલ્યો "જો જે.. બહુ હરખાય ન જા! કહેવાય છે ખુશીઓને મીઠી નજર તરત લાગી જાય છે."

"ના, આવી વાત ન વિચારો!"

"સારું નહીં વિચારું. ચાલ એક સરસ વાત પૂછું તું એ કહે, હનિમૂનમાટે ક્યાં જવું છે. હવે સમય થોડો જ છે તો ટિકિટ બુક કરાવી લઉં!"

"આપને જેમ યોગ્ય લાગે એમ કરો. હું આપની દરેક વાત સાથે સહમત છું."

"સારું. તું તારા સ્ટડીમાં ધ્યાન આપજે આવતા સોમવારથી તારી પરીક્ષા છે. હું તો કાયમ તારા જીવનમાં છું જ, બસ આ સ્ટડીને જલ્દી આપણી વચ્ચેથી પતાવ એટલે તને મારા માટે પૂરતી મોકળાશ મળે!" એકદમ લાગણીસભર સ્વરે સૂરજે કહ્યું હતું.

" હા, હવે થોડો જ સમય છે મારા જાનુ! પછી તમારે માટે જ મારો બધો જ સમય હશે!"

સંધ્યાનો સમય એટલો ઝડપી જતો હતો કે હવે સંધ્યાટાણું એના જીવનમાંથી અચાનક લુપ્ત થઈ ગયું હતું. કુદરતના ખોળામાં જીવન વીતાવનારી સંધ્યાની ક્ષણો બધી જ સૂરજે ચોરી લીધી હતી. સમયનું પૈડું એટલું ઝડપી ચાલી રહ્યું હતું કે, સંધ્યાની પરીક્ષા પણ પુરી થઈ ગઈ અને લગ્નની બધી જ તૈયારી પણ સાથોસાથ પતી ગઈ હતી.

આજે સંધ્યાના અને સુનીલના બંને ભાઇબહેનના લગ્ન લખાયા હતા. હવે એ બંને પોતાના જીવનસાથી જોડે જોડાવા ફક્ત અગિયાર દિવસ ની દૂરી પર હતા.

કેવા હશે બંનેના લગ્નના પ્રસંગો?
કેવા હશે જીવનના પથ પર ચડેલા નવદંપતીઓના અહેસાસ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED