તોફાની, ચંચળ, ચબરાક અને પોતાની માન્યતાઓમાં પાકો એવો બીટ્ટુ નાના છોકરાઓના ટોળકીનો આગેવાન જેવો હતો. બધા બાળસેનાને ભેગી કરી ક્રિકેટ રમતો. જ્યારે કોઈ પણ સિક્સર મારે અને દડો જો રાહુલ સરના પ્રાઇવેટ દવાખાનાના કમ્પાઉન્ડમાં પહોંચે તો તરત બીટ્ટુ અને તેની સેના ફટાફટ દોડતી. બધા કમ્પાઉન્ડ નાં બહાર જ ઉભા રહી જતા પણ બીટ્ટુ વાંકો ચુંકો સંતાતો ભાગતો જઈ દડો લઈ આવતો.
કંપાઉન્ડમાં ડોકટરની મનગમતી નવી કાર પાર્ક રહેતી. ડોક્ટર રાહુલ સરને હંમેશા ચિંતા રહેતી કે બીટ્ટુનો આ દડો કારમાં ક્યાં ગોબો ના પાડી દે અથવા તો કાચના તોડી નાં નાખે. કારણ કે બારીના કાચ તો તેણે 2 વાર તોડ્યા છે. તેને પકડવા માટે અને ધમકાવવા માટે કમ્પાઉન્ડર કેયુર અને બે નર્સોને ખાસ ચેતવી રાખતા. પણ બીટ્ટુ કોઈના હાથમાં આવતો નહીં.
રજાઓમાં ઘણી વાર રોહન એટલે કે રાહુલ સરનો દીકરો પણ ગણીવાર બીટ્ટુ સાથે રમવા માટે દવાખાને આવી જતો. બીટ્ટુને રોહનની હેર સ્ટાઇલ બહુ ગમતી. એકવાર બીટ્ટુને આ હેર સ્ટાઈલ શીખવી હતી, તો રોહને જણાવ્યું કે મારા મમ્મી જ્યારે બ્યુટી પાર્લરમાં જાય છે, ત્યારે મને સાથે લઈ જાય છે. તેમની સાથે સાથે મને ફ્રીમાં આવું હેર ડ્રેસિંગ કરી આપે છે. અને પછી 7000 રૂપિયાનું બિલ આપે. બીટ્ટુ બોલ્યો, આટલું મોંઘુ હેર ડ્રેસિંગ અમને પોસાય નહીં ભાઈ. આપણે તો બંદા અફલાતુન જ છીએ. થોડું દિવેલ નાખીએ કે મારું કામ પૂરું.
ઉનાળાના વેકેશન બાદ ચોમાસાના પ્રથમ પડેલા વરસાદમા બીટ્ટુ મન ભરીને નાહ્યો. જેથી તેને તાવ આવી ગયો. તેના મમ્મી ચંપાબેન પણ તેનાથી બહુ જ ખીજાયેલા રહેતા. તેથી આજે તો લાગ જોઈને તેને ઉપાડીને સવારે વહેલા જ દવાખાનામાં જ મૂકી ગયા. અને કમ્પાઉન્ડર કેયુરને કહેતા ગયા કે ડોક્ટરને કહેજો કે આને દવાની સાથે સાથે ધમાલ મસ્તી ઓછા કરે તેવા ઇન્જેક્શન પણ આપે.
કમ્પાઉન્ડર કેયુરને તો, સામેથી માછલી જાળમાં ફસાઈ ગઈ હોય તેવું લાગ્યું. કપટ ભરેલું કમ્પાઉન્ડર અને નર્સોનું હાસ્ય અને તેમની વાતો બીટ્ટુ મનમાં સમજી ગયો. બાળસેના વગર જ સેનાપતિ આજે દુશ્મનનાં હાથે પકડાયા. બિટ્ટુ થોડો ગભરાયો ખરો પણ મુઠ્ઠી વાળીને તેને મક્કમ કરી લીધું કે, એકલા તો એકલા પણ આ લોકોને હવે અકડમ બકડમ કરીને, પટાવીને ભાગી છૂટવું છે. મનમાં ને મનમાં બોલ્યો," સિંહ એકલો પડ્યો તો શું થયું ? ખડ ખાય એ બીજા...!"
જ્યારે કેયુરે ફટાફટ DWનું ઇન્જેક્શન તૈયાર કર્યું, ત્યારે બીટ્ટુ તેમાંથી છટકવા તરત બોલ્યો કે ઈન્જેકશન તો ડોક્ટર સાહેબના હાથે જ લઈશ, તમારા હાથે નહિ. પણ કેયુર તેની આ વાત ને અવગણીને રોજબરોજનાં બીટ્ટુનાં તોફાન મસ્તી દૂર કરવા, જરા ગભરાવાનું શરૂ કર્યું. અને ઈન્જેકશન ભરતા ભરતા બોલ્યો, તને ખબર છે તારો પેલો તોફાની જીગો, હવે કેમ ક્રિકેટ નથી રમતો ? તેને મેં આવું જ મોટું ઇન્જેક્શન આપ્યું હતું અને હજુ પણ તેને દુઃખે છે, માટે હવે તેણે ક્રિકેટ રમવાનું જ બંધ કરી દીધું. અને હવે તું પણ આ તોફાન બંધ કરી દે.
બીટ્ટુ તેની આંખો બંધ કરી અને બધી જ વિચાર શક્તિ કામે લગાડી, પરસેવો છૂટી ગયો પણ કંઇક સૂઝતા ધીમેથી બોલ્યો. પેલા કાંતિકાકાના કપાળ ઉપર ત્રણ ટાંકાનું નિશાન છે, તે કેમ આવ્યું છે, તે ખબર છે ? કમ્પાઉન્ડર બોલ્યો, ના, તેમનું તો મને કંઈ ધ્યાનમાં નથી. બીટુ બોલ્યો, સારું... તો એમાં એવું હતું ને કે, મેં તાકીને છૂટો ઢેખાળો માર્યો હતો, તેના તે ટાંકા છે. મારું નિશાન એકલવ્ય જેવું, બહુ પાક્કું છે, હો...
હવે કમ્પાઉન્ડર ગભરાયો. હવે શું કરવું ને શું નહિ તેની મુંજવણમાં સપડાયો. અને બોલ્યો, સારું તો તારી ઈચ્છા, હવે સાહેબના હાથનું મોટું ઇન્જેક્શન ખાજે. બીટ્ટુએ મનમાં વિચાર્યું, ભલે અત્યારનું તો જોખમ ગયું. "આગે આગે, ગોરખ જાગે", આગળનો રસ્તો આગળ મળી આવશે.
થોડી જ વારમાં તો ડોક્ટર સાહેબની ગાડી આવી ગઈ. કેયુર જોરથી બોલ્યો, સાહેબ આજે કારને ગમે ત્યાં પાર્ક કરો, ચિંતા ના કરશો. આજે બીટ્ટુભાઈ આપણા દવાખાનામાં મહેમાન થઈને આવ્યો છે. અને આજ પછી મસ્તી નથી કરવાનાં. આ સાંભળી ડોક્ટર પણ ખુશ થઈને મલક્યાં કે "અબ આયા ઊંટ, પહાડ કે નીચે".
ડોક્ટર સાહેબ મનોમન વિચારી લીધું કે આજે આને સારી એવી ટ્રીટમેન્ટ કરવી પડશે કે ફરી ક્યારેય પણ મસ્તી ના કરે. બિટ્ટુ જરા ગભરાયો, પાછો પરસેવો પણ વળી ગયો પણ ફરી ઉપાય શોધવા લાગ્યો કે હવે આ જાળમાંથી પણ કઈ રીતે છટકવું.
દવાખાનામાં પેશન્ટ પણ વધી ગયા હતા. પણ બધાની વચ્ચેથી બીટ્ટુને તેમની કેબિનમાં લઈ ગયા અને બધા પેશન્ટને કહ્યું કે આજે પહેલા આનો ઈલાજ કરીએ પછી તમારો વારો. કમ્પાઉન્ડર અને નર્સોની સાથે સાથે આ પેશન્ટ લોકો પણ ડોક્ટરનું અને બીટ્ટુનું આ કૌતુક કુતુહલતાથી જોતા હતા.
ડોક્ટર બોલ્યા કે બીટ્ટુ, તું તારા મમ્મી પપ્પાનું માન્યો નહીં અને વરસાદમા બહુ જ નહાયો, માટે તું માંદો પડ્યો. માટે તારે આજે ઇન્જેક્શન લેવા પડશે અને તું જે રોજ વિચાર્યા વગરનું ક્રિકેટ રમું છું, તેનાથી પણ તને કંઈક વાગવાનું જ છે, ત્યારે તો તને પ્લાસ્ટર અને ઓપરેશન બધું જ મારે જ કરવાનું આવશે. બોલ હવે ક્રિકેટ રમીશ કે નહીં ? સલાહનાં ઓથા હેઠળ છુપાયેલી ધમકી બીટ્ટુ પામી ગયો. પણ હવે કમ્પાઉન્ડરને આપી તેવી ધમકી સાહેબને તો ધમકી અપાય નહિ. હોદ્દો જોઈને વિવેકપૂર્વક રસ્તા કાઢવામાં ફરી બાળ સૂઝ કામે લગાડી. તેણે આ પકડમાંથી છૂટકવા માટે ફરી મગજના બધા તાર જણજણાવી નાખ્યા. પણ કંઈ ઉપાય સૂઝ્યો નહીં.
માટે હવે મનોમન ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી. પરંતુ મગજ તો ઉપાયો જ શોધતું હતું. અને નજર ચારે બાજુ ફરતી હતી. તે દરમિયાન ડોક્ટર સાહેબ એટલે કે રાહુલસર તેના રૂટિન મુજબ ટેબલ ઉપર સુટકેશ મૂકી. ટેબલના ઉપર મુકેલો ફેમિલી ફોટો સાફ કર્યો, કાળજીથી, પોતાના જ રૂમાલથી. એ ફેમિલીનો ફોટો જોતા જ બીટ્ટુને જબકારો થયો અને મોઢા પર ખુમારી છવાઈ ગઈ. ડોક્ટર સાહેબે પોતાની બધી તૈયારી કરી અને બીટ્ટુ સામે વળ્યા. ત્યાં જ બીટ્ટુ બોલ્યો કે સાહેબ તમારી વાત તો સાચી છે. મારે કંઈક વિચારવું જોઈએ. ડોક્ટર સાહેબ બોલ્યા તો વિચારીશ તો ફરી તને તકલીફ નહીં આવે, પણ આજે તો તને ઇન્જેક્શન લેવા જ પડશે.
ત્યાં તો બીટુ ઊભો થઈને બધા ખીસ્સા તપાસવા લાગ્યો. અને બોલ્યો અરેરે, આજે તો હું વીઝીટીંગ કાર્ડ લાવવાનું જ ભૂલી ગયો. એમાં એવું છે ને, મારા મમ્મીએ બ્યુટી પાર્લર કામ શરૂ કર્યું છે. આંટીને એટલે કે તમારા વાઈફને 50% ડિસ્કાઉન્ટ સાથે હેર ડ્રેસિંગ કરી આપવામાં આવશે સાહેબ....
ડોક્ટર બોલ્યા, શું વાત કરે છે ? દર મહિને તે 7000 ખર્ચો કરીને આવે છે, તમે કેટલામાં કરી આપશો ??? જુઓ સાહેબ, ફર્સ્ટ 10 કસ્ટમરને તો 50% ડિસ્કાઉન્ટ એક વર્ષ સુધી મળશે. આ અમારી સ્કીમ છે. તમે કહેતા હોય તો આંટીનું નામ અત્યારે જ લખી દઉં અને મમ્મીના કસ્ટમર લિસ્ટમાં તે પહેલું નોંધી દઉ. કમ્પાઉન્ડર કેયુરને દાળમાં કંઈક કાળું લાગ્યું અને સાહેબને બે મિનિટ વાતચીત કરવાની પરમિશન માંગી. પણ ડોક્ટરને તો મગજના તાર હલી ગયા હતા. દર મહિને 7000 નો ખર્ચો જે 50% બચી જવાનો છે તેવું જ દેખાયું.
બીટ્ટુ હવે ડોક્ટરની લાલચ અને કમ્પાઉન્ડરની ચાલાકી પારખી ઉતાવળ પકડી અને બોલ્યો, એવું કરો તમે ફટાફટ મને ત્રણ ચાર ગોળીઓ આપી દો, જે કડવી ના હોય. અને હું અત્યારે જ ઘરે ફટાફટ જાઉં અને તમારું નામ નોંધી દઉં, ના ના... તમારું એટલે કે આંટીનું. ડોક્ટર સાહેબ બધું જ ભૂલીને ફટાફટ તેને કડવી ના હોય તેવી ગોળીઓ અને દવાની બોટલ ફ્રીમાં આપી. બહાર ઉભા ઉભા બધા જ તેનું આ કૌતુક જોતા હતા, પણ બધા વિચારમાં પડી ગયા.
બીટ્ટુ તો "ડોન કો પકડના મુશ્કેલી હી નહિ, ના મુમકીન હૈ" ના એટીટ્યુડ સાથે બે બાજુ બેઠેલા વેટિંગ પેશન્ટની હરોળમાંથી અને કમ્પાઉન્ડર તથા નર્સોની સામેથી ધીમા ધીમા ડગલાં ભરતો ભરતો નીકળી ગયો.
એક પણ વાર તેને નજર ઉપર કરી નહીં અને પાછળ પણ જોયું નહીં. ગંભીર ડગલે તે દવાખાનાના કમ્પાઉન્ડના ઝાંપા સુધી પહોંચ્યો અને જાણે ગઢ જીત્યો. ઊંડો શ્વાસ લીધો અને હાશ બોલ્યો. ત્યાં જ દૂરથી બે નર્સોએ કહ્યું અમારું નામ પણ લખી લેજે ને બીટ્ટુ. તો બીટ્ટુ એ કહ્યું ડોક્ટર સાહેબને કહેજો મારા મમ્મી બ્યુટીપાર્લરનું કામ કરતા નથી, સિલાઈનું કામ કરે છે, કંઈ જરૂર પડે તો કહેજો. અને ભાગ્યો
રમરમાટ... ધુળની ડમરી ઊડતી રહી...