તેજસ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેજસ

તેજસ

- રાકેશ ઠક્કર

કંગના રણોત પોતાની ફિલ્મ તેજસ ની સરખામણી વિકી કૌશલની ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક સાથે કરી રહી છે પણ બંનેની વાર્તા વચ્ચે જમીન- આસમાનનું અંતર છે. કેમકે ઉરી માં જમીન પર લડાઈ હતી અને તેજસમાં આસમાનમાં છે. નિર્દેશક સર્વેશ મેવાડા પાસે એરફોર્સની જોરદાર લડાઈ બતાવવાની તક હતી એનો ઉપયોગ કર્યો નથી. ઉરી ફરી જોઈ શકાય એવી છે જ્યારે તેજસ જોવા માટે ખાસ કોઈ કારણ નથી.

ફિલ્મમાં દેશભક્તિની ભાવનાના દ્રશ્યોનો અભાવ છે. દેશભક્તિની પાંચ-સાત ફિલ્મોનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી હોય એવી લાગે છે. વાર્તા એવી નથી કે પ્રેરણા આપે કે સંવાદ એવા નથી કે જોશ ભરી દે. કોઈ ટ્વિસ્ટ કે ટર્ન્સ આવતા નથી. બસ ડ્રામા ચાલ્યા કરે છે. ફિલ્મમાં તેજસ ગિલના જીવનની અગાઉની વાર્તા એવા સમય પર બતાવી છે કે એની અસર ઊભી થઈ શકતી નથી.

તેજસ ગિલ (કંગના) ભારતીય વાયુસેનાની એક બહાદુર વિમાન પાયલોટ હોય છે. તે કોઈ હુકમની રાહ જોયા વગર પોતાનો જીવ જોખમમાં મૂકીને ઉપરી અધિકારીનો જીવ બચાવે છે. આ કારણે એના પર પગલાં લેવાય એમ હોય છે ત્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ દેશના ખૂફિયા એજન્ટને બંધક બનાવ્યો હોવાના સમાચાર આવે છે. તેના બચાવ અભિયાનમાં તેજસ અને અફીયા (અંશુલ) ને મોકલવામાં આવે છે. ત્યારે ખબર પડે છે કે આતંકવાદી રામમંદિર પર હુમલો કરીને તોફાનો કરાવવા માંગે છે. તેજસ એને નિષ્ફળ બનાવવા જાય છે.

સ્ક્રીપ્ટમાં ઘણી ખામીઓ જોવા મળે છે. તેજસ જ્યારે પ્રશાંતને બચાવવા જાય છે ત્યારે પ્રશાંતનું પાત્ર એવું સ્થાપિત કર્યું નથી કે એ જોવાનો રોમાંચ જાગી શકે. એરક્રાફ્ટ એટલું બધું ટેકનિકલ રીતે બતાવ્યું છે કે આવું હોય શકે એ માની શકાય એમ નથી. તેજસ ગિલ તેજસ વિમાન બાબતે જાણતી એકમાત્ર વ્યક્તિ હોવાની વાત ગળે ઉતરે એવી નથી. તેજસ પાકિસ્તાની એરપોર્ટ પર વિમાનોને છુપાવે છે એ દ્રશ્યો પણ બાલિશ લાગે એવા છે. તેજસના પ્રેમીનો પરિચય ગીતથી થાય છે અને લાંબો ચાલે છે.

નિર્દેશકે સિનેમાની વધારે પડતી સ્વતંત્રતા લઈ લીધી છે. વળી ફિલ્મમાં એક નહીં ત્રણ ક્લાઇમેક્સ છે. એ કારણે તેજસ જે મૂળ બચાવ મિશન પર હોય છે એ પ્રભાવ ઊભો કરી શકતું નથી. બાકી હતું એ નબળું VFX પૂરું કરે છે. પહેલો ભાગ કંટાળાજનક લાગે છે. ઘણા દ્રશ્યોમાં કયું પાત્ર શું કરે છે એ જ સમજાતું નથી. બે દ્રશ્યો વચ્ચે કોઈ જોડાણ લાગતું નથી. પાત્રાલેખન પર કોઈ કામ થયું નથી. મોટી મોટી મુશ્કેલીઓનો ચપટી વગાડતામાં ઉકેલ બતાવ્યો હોવાથી વાસ્તવિક લાગતી નથી. દેશભક્તિની ફિલ્મ હોય અને એકપણ દ્રશ્યમાં દર્શકો તાળી ના પાડે કે એમની આંખ ભીની ના થાય તો સમજવું કે નિર્દેશક જ નહીં કલાકારો નિષ્ફળ રહ્યા છે.

દેશભક્તિની ફિલ્મોમાં સંવાદની ભૂમિકા મહત્વની હોય છે ત્યારે તેજસ નિરાશ કરે છે. એકપણ એવો સંવાદ નથી જે ફિલ્મ પૂરી થયા પછી યાદ રહી શકે. એક દ્રશ્યમાં તેજસ પોતાના સાથી પ્રશાંતને પૂછે છે ત્યારે એ હમ ઉડતે ઉડતે જાયેંગે, દેશ કે કામ આયેંગે કવિતા લખી હોવાનું કહે છે. આથી વધુ સારી કવિતા કોઈ બાળક લખી શકે એમ છે.

કંગનાને અભિનયમાં થોડીઘણી પ્રશંસા મળી છે પણ ફિલ્મને નકારી કાઢવામાં આવી છે. કેમકે એ પણ અભિનયમાં કશું નવું આપી શકી નથી. કોમ્બેટ તાલીમમાં જ એની મહેનત દેખાય છે. કંગના જેવી ફાયરબ્રાંડ અભિનેત્રી પાસેથી આથી વધુ અપેક્ષા હતી. આ અગાઉની ધાકડ માં આથી સારું કામ હતું. તેજસ માં એ અભિનયમાં ઊંચી ઉડાન ભરી શકી નથી. કંગના હવે વાર્તા- વિષય પર ધ્યાન આપ્યા વગર એ મુખ્ય ભૂમિકામાં હોય એ વાતને જ મહત્વ આપતી લાગે છે. કંગનાની કારકિર્દીની આ વધુ એક ખરાબ અને નબળી ફિલ્મ છે.

કંગના માત્ર પોતાની ઈમેજને ધ્યાનમાં રાખીને ફિલ્મ પસંદ કરે છે. જેમાં બધા જ વિષય આવી જાય. તકલીફ એ છે કે અનેક વિષય હોવા છતાં તેજસ માં એને ગંભીરતાથી રજૂ કર્યા નથી. કંગનાને આંચકો આપે એવી વાત એ છે કે આવા જ વિષય પરની જહાનવીની ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ વધુ પ્રશંસા મેળવી ગઈ હતી. કંગના સાથે બીજી હીરોઈન તરીકે અંશુલ ચૌહાણ પ્રભાવિત કરી શકી છે. તેની કોમેડી પણ રાહત આપે છે. કંગના ભલે પોતાને સ્ટાર અભિનેત્રી ગણતી હોય પણ તેજસ ને સમીક્ષકોએ પાંચમાંથી માંડ બે સ્ટાર આપ્યા છે. નિર્દેશકની એ નિષ્ફળતા કહેવાય કે જો ફિલ્મમાં કંગના ના હોત તો એની નોંધ પણ લેવાઈ ના હોત.