R.j. શૈલજા - 6 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

R.j. શૈલજા - 6

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૬ : “કપરો પ્રશ્ન”

“કેમ છો મારા અમદાવાદના મિત્રો?

હું છું તમારી રેડિયો જોકી શૈલજા અને આ ઢળતી સાંજે સૌના ફેવરિટ ટોપીક એવા ‘પ્રેમ' ઉપર આજના કન્ટેસ્ટના વિજેતા સાથે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ. તો તમારા રેડિયોનો અવાજ થોડો વધારી દેજો અને દિલથી જોડાઈ જાઓ આજની આ રસપ્રદ ચર્ચામાં.”

ચેહરા પર ખુશીનો મુખવટો પેહરીને શૈલજા બોલી રહી હતી. તેના હાવ ભાવ, તેની વાત કરવાની રીત એટલી હદે શાંત હતી કે ત્યાં ઉભેલા વ્યક્તિઓને અંદાજ પણ ના આવ્યો કે શૈલજા ના મનમાં કેટલું મોટું વાવાઝોડું ચાલી રહ્યું છે.

“તમે મારી વાતોમાંજ ખોવાયેલા રેહશો કે અમારા શ્રોતાઓને તમારું નામ પણ કહેશો?”

શૈલજા ને જોતા જ તેનામાં ખોવાઈ ચૂકેલા સમીરની સામે જોઇને તે બોલી.

“જ.. જ..જી.. મારું નામ સમીર છે અને પ્રોફેશનથી હું એક ચાર્ટડ એકાઉન્ટન્ટ છું.”

થોડું હકલતા ભાનમાં આવતા સમીર બોલ્યો.

“ઓહ ખૂબ અદ્ભુત,

મતલબ વ્યવહારુ હિસાબની સાથે પ્રેમના હિસાબમાં તમારી ફાવટ કેટલી છે સી.એ. સાહેબ?”

હસતા હસતા તીખો સવાલ શૈલજાએ પૂછી લીધો.

“ચોપડાના હિસાબ સરળ છે, પણ પ્રેમનો હિસાબ ઘણો ગૂંચવણભર્યો છે, કેટલાય વર્ષોથી તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું.”

તીખાશ ઓછી કરવા થોડા નરમ અવાજે સમીર એ કહ્યું.

“એનો મતલબ એમ કે તમે પણ કોઈ છોકરીને પ્રેમ કરો છો? સાચું કેહવુ પડશે હોં?”

શૈલજા એ સીધો જ સવાલ કર્યો.

“હા, છે એક છોકરી. છેલ્લા કેટલાય વર્ષોથી તેને હું ઘણા દિલથી ચાહું છું.”

નરમાશ સાથે સમીર એ જવાબ આપ્યો.

“ઓહો.. તો આપણી પાસે આજે પ્રેમમાં ગળાડૂબ આશિક પધાર્યા છે. સી.એ. સાહેબ એ ભાગ્યશાળી છોકરીનું નામ તો તમારે આજે કેહવુ પડે. શું નામ છે એમનું? અમારા શ્રોતાઓને જાણવાની ઘણી ઉત્કંઠા હશે.”

હવે અઘરો પ્રશ્ન શૈલજા એ કર્યો હતો.

“જી.. એટલે.. એમાં.. હજી ઘરેથી નક્કી નથી એટલે એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું.”

ગૂંચવણ ભર્યો જવાબ સમીર એ આપ્યો.

“ખરું છે શ્રોતા મિત્રો. ખાનગીમાં પ્રેમ ના વચનો બધા આપી શકે પણ જાહેર માં દુનિયા વચ્ચે એ પ્રેમ નું નામ લેતા સૌને સંકોચ થઈ જાય છે.”

સમીરે નાખેલા નો બોલની ફ્રી હિટ પર શૈલજા એ સિકસર લગાવતા કહ્યું.

સમીરના ચેહરા પર પસ્તાવાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ ગઈ હતી.

“અરે હું તો જનરલ વાત કહું છું, તમે દિલ પર ના લેતા.”

સમીરની સામે જોઇને શૈલજા હસતા હસતા આટલું કહે છે અને પોતાની વાત ને આગળ વધારતા બોલે છે,

“એક સલાહ આપું છું મારા અનુભવના આધારે,

જેનું નામ તમે દુનિયા સામે લઈ નથી શકતા , ન કરે નારાયણ અને જો એ બિચારી ને આ જીવ માં કોઈ કપરી પરિસ્થિતિ નો સામનો કરવાનો આવે તો એનો હાથ પકડીને ઊભા રહેજો, એને એકલી મૂકીને ભાગી ન જતા.”

હસતા હસતા શૈલજા એ પોતાના હૈયાનો બળાપો કાઢી દીધો.

“ જી.. હમમ.. ના… હું એવું ક્યારેય નહી કરું.”

સમીરના હકલાવાનું વારે વારે ચાલુ જ રહ્યું.

સમીર ને બધું જ સમજાતું હતું કે શૈલજા કેમ તેને આવું કહી રહી હતી. તે પોતાની ભૂલ સ્વીકારવા માટે જ શૈલજા ને મળવા આવેલો.

“હજી પોતાની પ્રેમિકાના વિચારો માં જ છો કે શું?”

વિચારોમાં ગરકાવ થઈ ચૂકેલા સમીરને જોઈને શૈલજા એ કહ્યું.

“જી…. ના. હકીકતમાં મારે તમારા રેડિયો મારફતે મારી પ્રેમિકાને એક મેસેજ પહોંચાડવો છે.

શું હું કહી શકું?”

સમીર એ પેહલી વાર હકલાયા વગર સ્પષટતાપૂર્વક કહ્યું.

“ચોક્કસ થી. આશા રાખીશ કે એ તમારો અવાજ અત્યારે સાંભળતી હોય.”

શૈલજા એ સમીરની તરફ જોઈને કહ્યું.

“હા, એ સાંભળતી જ હશે.”

સમીર એ શૈલજાની તરફ જોઈને કહ્યું.

શૈલજા સમીરને જોઈ રહી અને સમીર એ રેડિયોના માઇક પર બોલવાનું શરુ કર્યું,

“ હું જાણું છું કે મેં આ સંબંધમાં ઘણી બધી ભૂલો કરી છે, જ્યારે તને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે જ હું તારી સાથે ન હતો, એની પાછળ મારી ઘણી મજબૂરી હતી. હા, હું જાણું છું કે મારી મજબૂરીનું નામ આપીને હું બહાના નહીં ધરી શકું. હું મારી ભૂલ કબૂલ કરું છું. ફક્ત એક મોકો હું તારી પાસે માગું છું. હું ફરીથી આ રેડિયો સાંભળી રહેલા દરેક વ્યક્તિની સાક્ષી માં ૨ હાથ જોડીને તારી માફી માંગું છું.”

શૈલજાની આંખોમાં એકીટશે સમીર જોઈ રહ્યો હતો. સમીર ને જે કેહવુ હતું, તે સંદેશો શૈલજા સુધી પોહચી ગયો હતો.

સમીરની આંખો માં તેના શબ્દોમાં શૈલજા ને એક સત્ય દેખાયું, તેનો ગુસ્સો થોડો શાંત થયો હોય તેવું લાગ્યું.

“ઘણા લાગણીશીલ છો તમે. તમારી વાત પર થી એટલું સમજાઈ ગયું કે તમારા પ્રેમિકા તમારા થી નારાજ જણાઈ રહ્યા છે. આશા રાખીશ કે તેમની નારાજગી દૂર થાય. તો આ ચર્ચા ને અહીંયા વિરામ આપતા અને આ શો ને પૂર્ણ કરતા પેહલા તમારી પ્રેમિકાની પસંદગી નું કોઈ ગીત જો તમે એમને ડેડીકેટ કરવા માંગતા હોય તો કહી શકો છો.”

શૈલજા એ પોતાની આંખોમાં આવેલા આંસુઓને સાંભળતા કહ્યું.

“ હા, એનું ફેવરિટ ગીત.

મેરે દિલ મે આજ કયા હે,

તું કહે તો મે બતાદું,

તેરી ઝુલ્ફ ફિર સવારું,

તેરી માંગ ફિર સજાદું..!”

બેકગ્રાઉન્ડ માં રાજેશ ખન્નાની “દાગ” મૂવીનું શૈલજાનું પ્રિય ગીત વાગી રહ્યું હતું.

શૈલજા એ સમીર સાથે ૫ વર્ષ પેહલા જીવેલી જીવનની એ તમામ સારી યાદોમાં ખોવાઈ જાય છે. આંખોમાં આંસુઓને સાચવવા હવે મુશ્કેલ થઈ રહ્યા હોય છે.

તે ડાયરેક્ટરને જઈને કહે છે,

“સર, કેવો રહ્યો શો?”

“શૈલજા એક શબ્દમાં કહું તો, માઈન્ડ બ્લોઇંગ..!

અદ્ભુત અદ્ભુત અદ્ભુત..!”

ડાયરેક્ટરના ચેહરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

“સર, મારે એક જગ્યાએ પોહચવાનું છે, મારે નીકળવું પડશે. આઈ એમ સોરી.”

શૈલજા ડાયરેક્ટરને આટલું કહીને નીકળી જાય છે.

“પણ ડિનર તો લઈને….!”

શૈલજાના કાનમાં ડાયરેક્ટરના આટલા શબ્દો જ સંભળાય છે. તેવો વાક્ય પૂરું કરે એ પેહલા શૈલજા ત્યાંથી નીકળી ચૂકી હોય છે.

તેણે પેહરેલો મુખવટો હવે સંભાળવો તેના માટે મુશ્કેલ બની રહ્યો હોય છે.

તે પોતાના પર્સમાંથી ફોન કાઢે છે અને સ્મિતા જોડે વાત કરે છે,

“સ્મિતા, તું જલ્દી મળવા આવ મને. આજે ૫ વર્ષ પછી સમીર ફરી મને મળ્યો. હું કઈ સમજી વિચારી શકું એવી પરિસ્થિતિમાં નથી. તું જલદી મારા ઘરે આવીજા. હું એકલી રહીશ તો શું નું શુંય કરી નાખીશ.”

રડતા રડતા શૈલજા બોલી.

“મે સાંભળ્યો તારો શો.

તું શાંત થઈ જા.

હું તારા માટે કેબ બુક કરાવી લઉં છું, તું ઘરે આવી જા, હું પણ આવું જ છું.”

સ્મિતા એ શૈલજાને સાંત્વના આપતા કહ્યું.

શૈલજા કેબની રાહ જોઇ રહી હતી અને તેના મનમાં કેટલાય વિચારો ચાલી રહ્યા હતા.

જેટલો બફારો આસપાસના વાતાવરણમાં હતો તેટલો જ શૈલજાના મનની અંદર પણ હતો.

અચાનકથી વરસાદ નું એક જોરદાર ઝાપટું આવે છે. શૈલજાના આંખમાંથી પડતા આંસુઓમાં વરસાદનાં ટીપાં ભળી જાય છે.

સમીર પાછળથી દોડતો આવ્યો,

“શૈલજા મને માફ કરી દે, મને એક મોકો આપ.

મારી વાત ફક્ત એકવાર સાંભળી લે.”

વરસતા વરસાદમાં રોડના કિનારે આજીજી કરતા સમીર બોલ્યો.

“સમીર, તું દૂર રહે મારા થી. તું શું કામ મારા જીવનમાં પાછો આવ્યો છે? મને તારી કોઈ જરૂર નથી. મને પરિસ્થિતિને સંભાળતા આવડી ગયું છે.”

ઊંચા અવાજે શૈલજા બોલી.

સમીર દોડીને શૈલજાની નજીક આવી જાય છે.

શૈલજાના હાથ પકડીને તે પોતાના ઘૂંટણ પર બેસીને આજીજી કરવા લાગ્યો,

“શૈલજા એક વાર મારો પક્ષ સાંભળી લે, પછી તું જે સજા આપે એ મંજૂર છે મને. તું મને માફ નહી પણ કરે ને, તો એ પણ મંજૂર. આજે આટલા વર્ષે ઘણી હિંમત ભેગી કરીને આવ્યો છું.”

શૈલજા સમીરએ પકડેલો પોતાનો હાથ છોડાવવા મથી રહી હતી.

“સમીર રોડ પર તમાશો ના કરીશ, ઉભો થા અને મારો હાથ છોડી દે. મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી.”

આ રકઝક ચાલતી જ હોય છે એટલામાં કાળા રંગની XUV શૈલજાની જોડે આવીને ઊભી રહે છે.

કારની હેડલાઇટનો તીવ્ર પ્રકાશ સમીરના મોઢા પર પડ્યો.

સમીર ઉભો થયો અને કારની તરફ જોઈને ગુસ્સા માં બોલવા લાગ્યો,

“કોણ છે ભાઈ તું? કાર અહીંયા કેમ ઊભી રાખી છે?”

કારની હેડલાઇટ બંધ થાય છે અને એક ૬ ફૂટનો માણસ કારમાંથી બહાર આવે છે.

તે વ્યક્તિને જોતા જ શૈલજા તરત તેની પાસે પોહચી જાય છે.

“આ તેજ ડોડીયા છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે અને મારા ખાસ મિત્ર પણ છે.”

શૈલજા એ તેજનો હાથ પકડી લીધો.

શૈલજાનો એ પેહલો સ્પર્શ તેજ માટે ઘણો ખાસ હતો.

શૈલજા પોતાને મિત્ર કરતા પણ વધુ માનતી હોય તેવો અનુભવ તેજને આજે થયો.

“કઈ તકલીફ થઈ શૈલજા?

આ ભાઈ તને હેરાન તો નથી કરી રહ્યો ને?”

તેજ એ ગુસ્સાથી સમીરની સામે જોઇને કડક અવાજે કહ્યું.

“ના ના તેજ, મારા જૂના મિત્ર છે. આજે ઘણા વર્ષે મળ્યા તો એ થોડા ભાવુક થઈ ગયા. તેવો નીકળે જ છે હવે.”

શૈલજા એ વાતને સંભાળતા આંખોના ઇશારેથી સમીરને જવા માટે કહ્યું.

“હા સર, કોઈ તકલીફ નથી. હું હવે નીકળું જ છું.”

તેજને જોતા જ સમીરના શરીરમાં એક ધ્રુજારી છૂટી ગઈ.

“આવજે શૈલજા,

છેલ્લા ૫ વર્ષથી જે સવાલોના જવાબ તું શોધે છે તે દરેક સવાલ નો જવાબ છે મારી પાસે.

પછી મળીને વાત કરીશું. કઈ પણ જાણવું હોય તો મારો નંબર છે જ તારી પાસે. હું તરત આવી જઈશ.

તારા ફોનની રાહ જોઇશ.”

આટલું કહી સમીર ત્યાંથી નીકળી જાય છે.

શૈલજાના મન માં એક તણખો ઝરે છે,

“શું મારી મમ્મી રાધિકાએ આત્મહત્યા કેમ કરી એ સવાલનો જવાબ સમીર પાસે હશે?”

મનમાંને મનમાં શૈલજા વિચારવા લાગી.

“શૈલજા તું ઠીક છે ને?

આ વ્યક્તિ કોણ હતો? અને કયા સવાલો ની વાત એ તને કહી રહ્યો છે?”

તેજ એ શૈલજાની સામે જોઇને કહ્યું.

“ હા.. હમમ.. ઠીક છું હું.

તું મને ઘર સુધી ડ્રોપ કરી શકે? રસ્તામાં તને બધું જણાવીશ.”

શૈલજા એ તેજની સામે જોઇને કહ્યું.

“તું બેસ કારમાં. હું તને મૂકી જઉં છું ઘરે.”

તેજ એ કારનો દરવાજો ખોલતા કહ્યું.

ક્રમશઃ